રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ (President Draupadi Murmu) સુપ્રીમ કોર્ટને (Supreme Court) પૂછ્યું છે કે શું તેઓ ખરેખર રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે બિલ પર નિર્ણય કરવા માટે સમયમર્યાદા લાદી શકે કે કેમ. બંધારણના અનુચ્છેદ 143ની સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ 14 મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માગ્યો છે. મામલો ગત એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા પર આધારિત છે, જેમાં સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે રાજ્ય સરકારોએ મોકલેલાં બિલ પર નિર્ણય કરવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી.
બંધારણનો આર્ટિકલ 143 રાષ્ટ્રપતિને કોઈ પણ કાયદાકીય મુદ્દે સુપ્રીમ કોર્ટનો મત મેળવવાની સત્તા આપે છે. તેનો જ ઉપયોગ કરીને હવે રાષ્ટ્રપતિએ કુલ 14 મુદ્દામાં સુપ્રીમ કોર્ટનો મત માગ્યો છે. હવે કોર્ટે પાંચ જજોની એક બંધારણીય બેન્ચ બનાવીને તેનો જવાબ મોકલવો પડશે.
શું હતો કેસ?
કેસ અને ચુકાદાની વાત કરવામાં આવે તો કોર્ટે એપ્રિલ 2025માં તમિલનાડુ સરકાર વર્સિસ ગવર્નરના કેસમાં ચુકાદો આપતી વખતે ઠેરવ્યું હતું કે જો કોઈ રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલું બિલ રાજ્યપાલને મોકલવામાં આવે અને તેઓ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલે તો રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાના સમયગાળાની અંદર તેની ઉપર નિર્ણય લઈ લેવાનો રહેશે. જો વિલંબ થાય તો કારણ જણાવવાનું રહેશે અને વધુ વિલંબના કિસ્સામાં રાજ્ય સરકાર કોર્ટ પણ જઈ શકશે.
બન્યું હતું એવું કે તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલાં અમુક બિલ નિયમો અનુસાર રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ રાજ્યપાલે મંજૂરી આપી ન હતી અને અમુક બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રાખ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બંધારણના નિયમો અનુસાર કોઈ વિધાનસભાએ પસાર કરેલું બિલ રાજ્યપાલ રાષ્ટ્રપતિને પણ મોકલી શકે છે.
આ મામલે ઑક્ટોબર 2023માં તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી અને એક રિટ અરજી દાખલ કરીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. બીજી તરફ નવેમ્બરમાં રાજ્યપાલે તમામ 10 બિલ પરત મોકલી આપ્યાં. ત્યારબાદ નવેમ્બર 2023માં જ વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું અને તમામ બિલને ફરીથી પસાર કરી દેવામાં આવ્યાં અને એ જ દિવસે ફરી રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યાં. પરંતુ પછી પણ રાજ્યપાલની મંજૂરી ન મળી. જેથી મામલો કોર્ટમાં ગયો.
કોર્ટે એપ્રિલ 2025માં એક ચુકાદો આપીને બિલ રિઝર્વ કરવાના રાજ્યપાલના નિર્ણયને વખોડી કાઢ્યો હતો અને કહ્યું કે જો ફરીથી મોકલવામાં આવે તો નિશ્ચિત સમયમર્યાદાની અંદર બિલને મંજૂરી આપવા માટે રાજ્યપાલ બંધાયેલા છે. ચુકાદો સાર્વજનિક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમાં તો રાષ્ટ્રપતિ માટે પણ અમુક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિએ શું પ્રશ્નો કર્યા?
આ મામલે હવે રાષ્ટ્રપતિએ કોર્ટને પૂછ્યું છે કે ખરેખર તેમની પાસે આવા બધા આદેશો આપવાની સત્તા છે કે કેમ, કારણ કે બંધારણમાં આવી કોઈ સમયમર્યાદાની જોગવાઈ આપવામાં આવી નથી.
- બંધારણના આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ મોકલવામાં આવે ત્યારે તેમની પાસે બંધારણીય વિકલ્પો કયા ઉપલબ્ધ રહે છે?
- શું આર્ટિકલ 200 અંતર્ગત રાજ્યપાલ બિલ પર નિર્ણય લેતી વખતે મંત્રીપરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા બાધ્ય છે?
- શું બંધારણના આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બિલ પર લેવામાં આવેલા વિવેકાધીન નિર્ણય ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવે છે?
- આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલે લીધેલા નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરતી વખતે બંધારણનો આર્ટિકલ 361 આડે આવે છે?
- જ્યારે બંધારણમાં આર્ટિકલ 200 હેઠળ શક્તિઓના પ્રયોગની કોઈ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી નથી, તો શું કોર્ટ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરી શકે?
- બંધારણના આર્ટિકલ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા વિવેકપૂર્ણ નિર્ણય ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવે છે?
- બંધારણમાં જ્યારે આર્ટિકલ 201 હેઠળ ઉપયોગ કરવામાં આવતી શક્તિઓની કોઈ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં નથી આવી તો પછી કોર્ટ તે નક્કી કરી શકે?
- બંધારણીય વ્યવસ્થાના સંદર્ભમાં જ્યારે રાજ્યપાલ કોઈ બિલને રાષ્ટ્રપતિની વિચારણા હેઠળ સુરક્ષિત રાખે તો શું રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના આર્ટિકલ 143 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી મત મેળવવો આવશ્યક છે?
- શું બંધારણના આર્ટિકલ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો એ અવસ્થામાં ન્યાયિક સમીક્ષા હેઠળ આવી શકે, જ્યારે તે કાયદા સ્વરૂપે લાગુ થયા ન હોય? શું કોર્ટ બિલ લાગુ ન થયું હોય તે પહેલાં તેની સામગ્રીની ન્યાયિક સમીક્ષા કરી શકે?
- શું ભારતના બંધારણના આર્ટિકલ 142 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા બંધારણીય નિર્ણયો કે આદેશોને કોઈ પણ પ્રકારે પ્રસ્થાપિત કરી શકાય?
- શું રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા, બંધારણના આર્ટિકલ 200 અંતર્ગત રાજ્યપાલની સ્વીકૃતિ વગર અમલમાં મૂકેલા ગણી શકાય?
- ભારતના બંધારણના આર્ટિકલ 145(3) વ્યાખ્યાની દૃષ્ટિથી શું એ અનિવાર્ય નથી કે સુપ્રીમ કોર્ટની કોઈ પણ બેન્ચ એવા વિષય પર નિર્ણય કરતી હોય જેમાં બંધારણની વ્યાખ્યા સંબંધિત અગત્યના પ્રશ્નો સંકળાયેલા હોય તો ઓછામાં ઓછા પાંચ જજની બેન્ચ સમક્ષ કેસ મોકલવામાં આવે?
- શું બંધારણનો આર્ટિકલ 142 માત્ર પ્રક્રિયા સંબંધિત મામલા સુધી સીમિત છે, કે પછી તેના હેઠળ સુપ્રીમ કોર્ટ એવા આદેશ પણ આપી શકે છે જે વર્તમાન કાયદા કે બંધારણના નિયમોની વિરુદ્ધ હોય?
- શું બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા માટેનો એકમાત્ર માર્ગ સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 131 હેઠળ કેસ દાખલ કરવો જ છે કે અન્ય કોઈ માર્ગ પણ છે?