Saturday, April 12, 2025
More
    હોમપેજદેશ‘રાજ્યપાલ બિલ મોકલે તો ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો રહેશે’: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ...

    ‘રાજ્યપાલ બિલ મોકલે તો ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો રહેશે’: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે પણ નક્કી કરી સમયમર્યાદા, કહ્યું– વિલંબ થાય તો રાજ્ય સરકાર કોર્ટ જઈ શકે

    તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે અમુક બિલને મંજૂરી આપવામાં થયેલા વિલંબ મામલેના કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે રાષ્ટ્રપતિ માટે– જેઓ હેડ ઑફ ધ સ્ટેટ કહેવાય છે– સમયમર્યાદા નક્કી કરી હતી.

    - Advertisement -

    સંસદે બનાવેલા, રાષ્ટ્રપતિની મંજૂરી મળેલા અને લાગુ થઈ ગયેલા કાયદાઓના પુનઃમૂલ્યાંકન અને સમીક્ષા બાદ હવે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ માટે સલાહસૂચન કરવાં માંડ્યાં છે. તાજેતરના એક કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું કે કોઈ રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને બિલ મોકલવામાં આવે તો ત્રણ મહિનાના સમયગાળાની અંદર તેમણે નિર્ણય લઈ લેવાનો રહેશે. 

    તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે અમુક બિલને મંજૂરી આપવામાં થયેલા વિલંબ મામલેના કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે રાષ્ટ્રપતિ માટે– જેઓ હેડ ઑફ ધ સ્ટેટ કહેવાય છે– સમયમર્યાદા નક્કી કરી હતી. આ કેસનો ચુકાદો 8 એપ્રિલના રોજ આવ્યો હતો. લિખિત ચુકાદો 11 એપ્રિલની સાંજે વેબસાઈટ પર સાર્વજનિક કરવામાં આવ્યો. 

    કેસની વાત કરવામાં આવે તો બન્યું હતું એવું કે તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલાં અમુક બિલ નિયમો અનુસાર રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ રાજ્યપાલે મંજૂરી આપી ન હતી અને અમુક બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રાખ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બંધારણના નિયમો અનુસાર કોઈ વિધાનસભાએ પસાર કરેલું બિલ રાજ્યપાલ રાષ્ટ્રપતિને પણ મોકલી શકે છે. 

    - Advertisement -

    આ મામલે ઑક્ટોબર 2023માં તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી અને એક રિટ અરજી દાખલ કરીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. બીજી તરફ નવેમ્બરમાં રાજ્યપાલે તમામ 10 બિલ પરત મોકલી આપ્યાં. ત્યારબાદ નવેમ્બર 2023માં જ વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું અને તમામ બિલને ફરીથી પસાર કરી દેવામાં આવ્યાં અને એ જ દિવસે ફરી રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યાં. પરંતુ પછી પણ રાજ્યપાલની મંજૂરી ન મળી. જેથી મામલો કોર્ટમાં ગયો. 

    કોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપીને બિલ રિઝર્વ કરવાના રાજ્યપાલના નિર્ણયને વખોડી કાઢ્યો હતો અને કહ્યું કે જો ફરીથી મોકલવામાં આવે તો નિશ્ચિત સમયમર્યાદાની અંદર બિલને મંજૂરી આપવા માટે રાજ્યપાલ બંધાયેલા છે. હવે ચુકાદો સાર્વજનિક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમાં તો રાષ્ટ્રપતિ માટે પણ અમુક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 

    શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

    સુપ્રીમ કોર્ટ બેન્ચે ઠેરવ્યું છે કે કોઈ રાજ્યપાલ દ્વારા બિલ મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ પણ સંપૂર્ણ વિટો વાપરી શકે નહીં અને ત્રણ મહિનાના સમયગાળામાં તેની ઉપર નિર્ણય લઈ લેવાનો રહેશે. એટલું જ નહીં જો વિલંબ થાય તો તેનાં કારણો પણ જણાવવાનાં રહેશે અને તેમ છતાં જો કોઈ નિર્ણય ન લેવાય તો રાજ્ય સરકારો કોર્ટના દરવાજા ખખડાવી શકશે. 

    કોર્ટ પોતાના ચુકાદામાં કહે છે, “અમે, તેથી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિશાનિર્દેશોમાં જે ટાઇમલાઇન જણાવવામાં આવી છે, તેનો અમલને યોગ્ય માનતાં ઠેરવીએ છે કે રાષ્ટ્રપતિને જો કોઈ રાજ્યપાલ દ્વારા બિલ મોકલવામાં આવે તો તે મળ્યાના ત્રણ મહિનાની અંદર તેમણે નિર્ણય લઈ લેવાનો રહેશે. જો આ સમયમાં કોઈ કારણોસર વિલંબ થાય તો યોગ્ય કારણ જે-તે રાજ્ય સરકારને જણાવવાનું રહેશે. ઉપરાંત વિચારણા દરમિયાન જો કોઈ બાબતે પ્રશ્ન સર્જાય તો રાજ્ય સરકારોએ પૂરતો સહયોગ આપીને તેનું સમાધાન કરી આપવાનું રહેશે.”

    ‘રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ પાસે પણ સંપૂર્ણ વિટોનો અધિકાર નથી’

    રાષ્ટ્રપતિ પાસે પણ સંપૂર્ણ વિટો નથી તેવું કહીને કોર્ટે ચુકાદામાં કહ્યું કે, “અમે અગાઉના ફકરાઓમાં સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ બિલ પર રાજ્યપાલને ‘સંપૂર્ણ વિટો’નો અધિકાર નથી અને આ જ ધોરણ આર્ટિકલ 201 હેઠળ રાષ્ટ્રપતિ માટે પણ કેમ લાગુ કરવામાં ન આવે તેનાં કોઈ કારણો જણાતાં નથી. આ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ પણ અપવાદ નથી.” 

    સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ જો કોઈ નિર્ણય ન કરે તો રાજ્ય સરકારને કોર્ટમાં જવાની પણ સત્તા આપી દીધી છે. કોર્ટ કહે છે કે, “રાષ્ટ્રપતિ જો આર્ટિકલ 201 હેઠળ તેમને મોકલવામાં આવેલાં બિલ પર નિર્ણય કરવામાં અસમર્થતા દર્શાવે અને જો ફકરા 391માં જણાવ્યા મુજબની સમયમર્યાદા (ત્રણ મહિનાની) પૂર્ણ થઈ જાય તો રાજ્ય સરકાર કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.“

    ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો કોઈ બિલ બંધારણીય યોગ્યતાના આધાર પર રિઝર્વ રાખવામાં આવે તો રાષ્ટ્રપતિએ આર્ટિકલ 143 હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ લેવી જોઈએ, કારણ કે એક્ઝિક્યુટિવ કે લેજિસ્લેટિવ બાબતોની બંધારણીયતા અને વૈધતા નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું છે. 

    સુપ્રીમ કોર્ટના આવા ચુકાદા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કારણ કે સંભવતઃ પ્રથમ વખત દેશની કોર્ટે રાષ્ટ્રપતિએ શું કરવું જોઈએ અને શું નહીં તેની સલાહ આપી છે, જ્યારે રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ સત્તા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં