Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશ‘રાજ્યપાલ-રાષ્ટ્રપતિ માટે કોર્ટ સમયમર્યાદા નક્કી ન કરી શકે’: પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર સુપ્રીમનો...

    ‘રાજ્યપાલ-રાષ્ટ્રપતિ માટે કોર્ટ સમયમર્યાદા નક્કી ન કરી શકે’: પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર સુપ્રીમનો ચુકાદો– શું હતો મામલો, રાષ્ટ્રપતિના 14 પ્રશ્નોના કોર્ટે શું જવાબ આપ્યા– વાંચો

    સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણના આર્ટિકલ 200 કે 201 હેઠળ બિલને મંજૂરી આપવાની રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની સત્તા પર કોર્ટ કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે નહીં.

    - Advertisement -

    વિધાનસભા કે સંસદે મોકલેલાં બિલ પર નિર્ણય લેવા માટે અનુક્રમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તામાં ન્યાયિક હસ્તક્ષેપ મામલે સર્જાયેલા વિવાદ પર રાષ્ટ્રપતિએ મોકલેલા પ્રેસિડેન્શિયલ રેફરન્સ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે (20 નવેમ્બર) ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બિલ પર નિર્ણય લેવા માટે કોર્ટ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે નહીં અને આ પ્રકારનો હસ્તક્ષેપ કરવો આખરે ‘સેપરેશન ઑફ પાવર’ના સિદ્ધાંતથી વિપરીત કહેવાશે.

    રાષ્ટ્રપતિએ મોકલેલા તમામ પ્રશ્નોના જવાબ સુપ્રીમ કોર્ટે આપ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ 14 મુદ્દામાં આર્ટિકલ 143 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. ત્યારબાદ આ મામલે પાંચ જજોની બેન્ચે સુનાવણી હાથ ધરીને દસ દિવસની મેરેથોન હિયરિંગ બાદ 11 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. 20 નવેમ્બરના રોજ ચુકાદો સંભળાવવામાં આવ્યો.

    સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બંધારણના આર્ટિકલ 200 કે 201 હેઠળ બિલને મંજૂરી આપવાની રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની સત્તા પર કોર્ટ કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે નહીં. જોકે કોર્ટે કહ્યું કે જો કોર્ટને લાગે કે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ પર નિર્ણય લેવામાં વધુ પડતો વિલંબ થઈ રહ્યો છે તો કોર્ટ ન્યાયિક સમીક્ષાની મર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરીને અમુક સમયમાં રાજ્યપાલને નિર્ણય લેવા માટે નિર્દેશ આપી શકે છે, પણ તેમાં પણ બિલનાં મેરિટ પર કોઈ અવલોકનો કરી શકે નહીં.

    - Advertisement -

    આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોર્ટ કોઈ બિલને પાસ થયેલું માનવા માટે ઘોષિત કરી શકે નહીં, કારણ કે તે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે અને સેપરેશન ઑફ પાવરના સિદ્ધાંતથી પણ વિપરીત છે. કોઈ પણ બિલને પાસ થયેલું માની લેવામાં આવે એ એક રીતે રાજ્યપાલની સત્તા પર તરાપ મારી કહેવાય અને કોર્ટ તેમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં તેમ કોર્ટે સ્વીકાર્યું હતું.

    ક્યાંથી ઉદભવ્યો વિષય?

    આ સમગ્ર વિષય તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલના એક કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉદ્ભવ્યો હતો, જેમાં કોર્ટે રાજ્યપાલને બિલ પર નિર્ણય કરવા માટે સમયમર્યાદા સોંપી હતી. ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે કોઈ રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને બિલ મોકલવામાં આવે તો ત્રણ મહિનાના સમયગાળાની અંદર તેમણે નિર્ણય લઈ લેવાનો રહેશે. એટલું જ નહીં જો વિલંબ થાય તો તેનાં કારણો પણ જણાવવાનાં રહેશે અને તેમ છતાં જો કોઈ નિર્ણય ન લેવાય તો રાજ્ય સરકારો કોર્ટના દરવાજા ખખડાવી શકશે. 

    વિષય ત્યાંથી ઉભો થયો હતો કે તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલાં અમુક બિલ નિયમો અનુસાર રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ રાજ્યપાલે મંજૂરી આપી ન હતી અને અમુક બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રાખ્યાં હતાં. બંધારણના નિયમો મુજબ કોઈ વિધાનસભાએ પસાર કરેલું બિલ રાજ્યપાલ રાષ્ટ્રપતિને પણ મોકલી શકે છે.

    ઑક્ટોબર 2023માં તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને એક રિટ અરજી દાખલ કરીને હસ્તક્ષેપની માગ કરી હતી. ત્યારબાદ નવેમ્બરમાં રાજ્યપાલે તમામ 10 બિલ પરત મોકલી આપ્યાં હતાં. પછીથી નવેમ્બર 2023માં જ તમિલનાડુ વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું અને તમામ બિલ ફરીથી પસાર કરવામાં આવ્યાં અને એ જ દિવસે ફરી રાજ્યપાલને મોકલવામાં આવ્યાં, પરંતુ રાજ્યપાલની મંજૂરી ત્યારબાદ પણ ન મળતાં મામલો કોર્ટમાં ગયો હતો.

    એપ્રિલ 2025માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને રાજ્યપાલના નિર્ણયને વખોડતાં કહ્યું હતું કે બિલ ફરી મોકલવામાં આવે તો બંધારણના નિયમો આ અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં મંજૂરી આપવા માટે રાજ્યપાલ બંધાયેલા છે. પછીથી ચુકાદો સાર્વજનિક થયો ત્યારે જાણવા મળ્યું કે તેમાં રાષ્ટ્રપતિ માટે પણ સમયમર્યાદા સેટ કરવામાં આવી હતી.

    હેડ ઑફ ધ સ્ટેટ માટે સર્વોચ્ચ અદાલત કઈ રીતે સમયમર્યાદા નક્કી કરી શકે તે પ્રશ્ને ચર્ચાઓ અને વિવાદો શરૂ થતાં મે 2025માં રાષ્ટ્રપતિએ બંધારણના આર્ટિકલ 143નો (જે રાષ્ટ્રપતિને કોઈ પણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મત મેળવવાની સત્તા આપે છે) ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રેસિડેન્શિયલ રેફરન્સ મોકલીને 14 મુદ્દાઓમાં જવાબ માગ્યા હતા. આ તમામના હવે કોર્ટે જવાબ આપ્યા છે.

    રાષ્ટ્રપતિએ મોકલેલા તમામ પ્રશ્નો અને તેની ઉપર સુપ્રીમ કોર્ટના જવાબ જોઈએ.

    1. બંધારણના આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ મોકલવામાં આવે ત્યારે તેમની પાસે બંધારણીય વિકલ્પો કયા ઉપલબ્ધ રહે છે

    સુપ્રીમ કોર્ટનો જવાબ: બિલ આવ્યા બાદ રાજ્યપાલ તેને મંજૂરી આપી શકે, મંજૂરી અટકાવી શકે અથવા રાષ્ટ્રપતિની વિચારણા માટે રિઝર્વ રાખી શકે. પરંતુ મંજૂરી અટકાવવામાં આવી હોય તો આર્ટિકલ 200ના પ્રથમ ખંડની જોગવાઈ અનુસાર બિલ પરત વિધાનસભાને મોકલવું પડે. ગૃહને પરત મોકલ્યા વગર બિલ રાખી મૂકવા માટે રાજ્યપાલને પરવાનગી આપી શકાય નહીં કારણ કે તેનાથી ફેડરલિઝમના સિદ્ધાંતને અસર પડશે.

    2. શું આર્ટિકલ 200 અંતર્ગત રાજ્યપાલ બિલ પર નિર્ણય લેતી વખતે મંત્રીપરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહ માનવા બાધ્ય છે

    જવાબ: સામાન્ય રીતે રાજ્યપાલ મંત્રીપરિષદની સલાહ પર કામ કરે છે, પરંતુ આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે. આર્ટિકલ 200માં પણ ‘ઇન હિઝ ઓપિનિયન’ શબ્દો નિર્દેશિત છે. એટલે રાજ્યપાલ બિલ મોકલવું કે રાષ્ટ્રપતિની વિચારણા માટે રાખવું એ પોતાની વિવેકબુદ્ધિના આધારે નક્કી કરે છે.

    3. શું બંધારણના આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બિલ પર લેવામાં આવેલા વિવેકાધીન નિર્ણય ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવે છે?

    જવાબ: આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલે લીધેલા નિર્ણય પર, તેમની કામગીરી પર કોર્ટ કોઈ ન્યાયિક સમીક્ષા કરી શકે નહીં. ઉપરાંત કોર્ટ મેરિટ-રિવ્યૂમાં પણ જઈ શકે નહીં, એટલે રાજ્યપાલનો નિર્ણય સાચો છે કે ખોટો એ પણ કહી ન શકે.

    જોકે અમુક સંજોગોમાં જેમકે, બિલ પર કોઈ નિર્ણય ન લેવાય, વધુ પડતો વિલંબ થાય, જેનું કોઈ સ્પષ્ટ કારણ પણ ન હોય તો કોર્ટ સીમિત સત્તાનો ઉપયોગ કરીને નિયત સમયમર્યાદામાં આર્ટિકલ 200 હેઠળ નિર્ણય લેવા માટે રાજ્યપાલ માટે આદેશ બહાર પાડી શકે છે, પણ ત્યારે પણ કોર્ટ બિલનાં મેરિટ પર જઈ શકે નહીં, એટલે બિલમાં શું છે અને શું નહીં તેની સાથે કોર્ટને આ તબક્કે કોઈ નિસ્બત હોય શકે નહીં.

    4. આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલે લીધેલા નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરતી વખતે બંધારણનો આર્ટિકલ 361 આડે આવે છે

    (જવાબ જોઈએ તે પહેલાં– આર્ટિકલ 361 રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયો કે કામગીરી પર કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપે છે. એટલે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિએ લીધેલા નિર્ણય પર કોઈ કાનૂની કાર્યવાહી ન થઈ શકે. વ્યક્તિગત ક્ષમતામાં થયેલા કોઈ કૃત્યનો મામલો હોય તો બે મહિના પહેલાં લેખિત જાણ કરીને કાર્યવાહી કરી શકાય.)

    સુપ્રીમ કોર્ટનો જવાબ: આર્ટિકલ 361 હેઠળ ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પરંતુ તેનાથી રાજ્યપાલ કોઈ નિર્ણય ન લે કે લાંબા સમય સુધી આર્ટિકલ 200 હેઠળ પગલાં ન લે તો કોર્ટ માટે સમીક્ષા કરવા પર સંપૂર્ણ રોક લાગી જતી નથી. રાજ્યપાલને ‘પર્સનલ ઇમ્યુનિટી’ પ્રાપ્ત છે, પણ ગવર્નરના પદ પર ન્યાયાલયનો સીમિત અધિકાર ક્ષેત્ર લાગુ પડે છે.

    5. જ્યારે બંધારણમાં આર્ટિકલ 200 હેઠળ શક્તિઓના પ્રયોગની કોઈ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી નથી, તો શું કોર્ટ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરી શકે

    6. બંધારણના આર્ટિકલ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા વિવેકપૂર્ણ નિર્ણય ન્યાયિક સમીક્ષા અંતર્ગત આવે છે

    7. બંધારણમાં જ્યારે આર્ટિકલ 201 હેઠળ ઉપયોગ કરવામાં આવતી શક્તિઓની કોઈ સમયમર્યાદા કે પ્રક્રિયા નિર્ધારિત કરવામાં નથી આવી તો પછી કોર્ટ તે નક્કી કરી શકે

    ઉપરના ત્રણેય પ્રશ્નોના જવાબ સાથે આપવામાં આવ્યા છે.

    જવાબ: સમયમર્યાદા નક્કી કરવી એ બિલકુલ બંધારણની જોગવાઈઓથી વિપરીત છે. ઉપરાંત ‘ડીમ્ડ એસેન્ટ’ (રાજ્યપાલની મંજૂરી વગર જ કોર્ટ બિલને પાસ થયેલું માની લે એ) બંધારણની મૂળ ભાવનાની સદંતર વિપરીત છે અને સેપરેશન ઑફ પાવરની પણ વિરુદ્ધ છે. ‘ડીમ્ડ એસેન્ટ’નો અર્થ રાજ્યપાલની સત્તાઓને હાથમાં લેવા જેવો થાય, જે કોર્ટ ન કરી શકે.

    બંધારણમાં જ જ્યારે કોઈ સમયમર્યાદા આપવામાં આવી ન હોય તો કોર્ટ માટે ન્યાયિક રીતે બંધારણના આર્ટિકલ 200 હેઠળ કોઈ ટાઇમલિમિટ સેટ કરવી એ યોગ્ય નથી. આ જ બાબતો આર્ટિકલ 201 માટે પણ લાગુ પડે છે અને રાષ્ટ્રપતિ માટે પણ આવી કોઈ સમયમર્યાદા નક્કી ન થઈ શકે.

    8. બંધારણીય વ્યવસ્થાના સંદર્ભમાં જ્યારે રાજ્યપાલ કોઈ બિલને રાષ્ટ્રપતિની વિચારણા હેઠળ સુરક્ષિત રાખે તો શું રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના આર્ટિકલ 143 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી મત મેળવવો આવશ્યક છે?

    જવાબ: રાજ્યપાલ બિલ વિચારણા માટે મોકલે ત્યારે દરેક કિસ્સામાં કોર્ટની સલાહ લેવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા નથી. આ બાબત સંપૂર્ણપણે રાષ્ટ્રપતિ પર આધારિત છે. જો તેમને કોઈ બાબતે સ્પષ્ટતાની જરૂર હોય કે કાયદાકીય સલાહની જરૂર હોય તો તેઓ કોર્ટને મોકલી શકે છે.

    9. શું બંધારણના આર્ટિકલ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો એ અવસ્થામાં ન્યાયિક સમીક્ષા હેઠળ આવી શકે, જ્યારે તે હજુ કાયદા સ્વરૂપે લાગુ થયા ન હોય? શું કોર્ટ બિલ લાગુ ન થયું હોય તે પહેલાં તેની સામગ્રીની ન્યાયિક સમીક્ષા કરી શકે?

    જવાબ: ના. બંધારણના આર્ટિકલ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ લીધેલા નિર્ણયો પર કોર્ટ સમીક્ષા ત્યાં સુધી ન કરી શકે, જ્યાં સુધી એ બિલ કાયદો ન બની જાય. એક વખત બિલ કાયદો બને પછી જ તેને કોર્ટમાં પડકારી શકાય. ત્યાં સુધી કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની સત્તામાં હસ્તક્ષેપ કરી શકે નહીં.

    10. શું ભારતના બંધારણના આર્ટિકલ 142 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા બંધારણીય નિર્ણયો કે આદેશોને કોઈ પણ પ્રકારે પ્રસ્થાપિત કરી શકાય

    જવાબ: ના. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય શક્તિઓના ઉપયોગ કે આદેશોને કોર્ટ કોઈ પણ રીતે પ્રસ્થાપિત (સબસ્ટિટ્યુટ) કરી શકે નહીં. અમે (સુપ્રીમ કોર્ટે) પહેલાં જ સ્પષ્ટ કર્યું છે કે આર્ટિકલ 142 કે બંધારણનો કોઈ પણ નિયમ ‘ડીમ્ડ એસેન્ટ’ના કન્સેપ્ટને પરવાનગી આપતો નથી.

    11. શું રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા, બંધારણના આર્ટિકલ 200 અંતર્ગત રાજ્યપાલની સ્વીકૃતિ વગર અમલમાં મૂકેલા ગણી શકાય

    જવાબ: રાજ્ય વિધાનમંડળે પસાર કરેલા કાયદાને ત્યાં સુધી અમલમાં આવેલો ન ગણી શકાય જ્યાં સુધી રાજ્યપાલ આર્ટિકલ 200 હેઠળ તેને મંજૂરી ન આપે. આર્ટિકલ 200 હેઠળ રાજ્યપાલની શક્તિઓ અન્ય કોઈ પણ બંધારણીય ઓથોરિટી પોતાના હાથમાં લઈ શકે નહીં. (એટલે કોર્ટ પણ આવી ગઈ એમાં.)

    12. ભારતના બંધારણના આર્ટિકલ 145(3) વ્યાખ્યાની દૃષ્ટિથી શું એ અનિવાર્ય નથી કે સુપ્રીમ કોર્ટની કોઈ પણ બેન્ચ એવા વિષય પર નિર્ણય કરતી હોય જેમાં બંધારણની વ્યાખ્યા સંબંધિત અગત્યના પ્રશ્નો સંકળાયેલા હોય તો ઓછામાં ઓછા પાંચ જજની બેન્ચ સમક્ષ કેસ મોકલવામાં આવે

    આનો જવાબ આપવામાં આવ્યો નથી. કારણ આપવામાં આવ્યું કે આ રેફરન્સનો જે મૂળ વિષય છે કે ભાવ છે તેની સાથે પ્રશ્ન સુસંગત નથી.

    13. શું બંધારણનો આર્ટિકલ 142 માત્ર પ્રક્રિયા સંબંધિત મામલા સુધી સીમિત છે, કે પછી તેના હેઠળ સુપ્રીમ કોર્ટ એવા આદેશ પણ આપી શકે છે જે વર્તમાન કાયદા કે બંધારણના નિયમોની વિરુદ્ધ હોય?

    પ્રશ્ન (10)ના જવાબમાં આનો જવાબ આવી ગયો.

    14. શું બંધારણ અનુસાર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા માટેનો એકમાત્ર માર્ગ સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 131 હેઠળ કેસ દાખલ કરવો જ છે કે અન્ય કોઈ માર્ગ પણ છે?

    ‘અસંગત’ ગણાવીને આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી.

    વિહંગાવલોકન કરીએ તો આ ચુકાદો કેન્દ્રના પક્ષમાં આવ્યો છે તેમ કહી શકાય. સુપ્રીમ કોર્ટે અગાઉના એપ્રિલના ચુકાદામાં નિશ્ચિત શક્તિઓની બહાર જઈને સમયમર્યાદા નક્કી કરી દીધી હતી અને તમિલનાડુ વિધાનસભાએ પસાર કરેલા કાયદા રાજ્યપાલની મંજૂરી વગર જ અમલમાં મૂકાશે તેમ ઘોષિત કરી દીધું હતું. પરંતુ હવે પ્રેસિડેન્શિયલ રેફરન્સમાં કોર્ટે સ્પષ્ટ કરવું પડ્યું કે ન્યાયતંત્ર અમુક બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે તેમ નથી કે બિલને પાસ થયેલાં માનીને અમલમાં મૂકવાનું પણ ઘોષિત કરી શકે નહીં કારણ કે એ કામ કોર્ટનું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં