‘આવી કોઈ કોર્ટને ભારતે સ્વીકારી નથી, તેનો આદેશ માનવા પણ અમે બાધ્ય નથી’: કથિત કોર્ટ ઑફ આર્બિટ્રેશનનો સિંધુ જળ સંધિ પરનો નિર્ણય ભારતે ફગાવ્યો

વર્લ્ડ બેન્ક દ્વારા ગેરકાયદેસર રીતે બનાવી કાઢવામાં આવેલી કથિત ‘કોર્ટ ઑફ આર્બિટ્રેશન’નો સિંધુ જળ સંધિ અંગેનો નિર્ણય ભારત સરકારે ફગાવી દીધો છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચાયેલી છે અને ભારત આ નિર્ણયને માનવા બંધાયેલું નથી. આ સાથે જ સરકારે ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથેની 1960ની આ જળ સંધિને સ્થગિત રાખવાના નિર્ણય પર ભારત આજે પણ અડગ છે.

આ તથાકથિત મધ્યસ્થતા અદાલતે ચુકાદો આપ્યો હતો કે ભારત પાસે સિંધુ જળ સંધિ રદ કે સ્થગિત કરવાનું કોઈ વાજબી કારણ નથી. અદાલતે ભારતને જમ્મુ-કાશ્મીરમાં સ્થિત એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના (RHEP) ડેમનું બાંધકામ ચોક્કસ મર્યાદાથી આગળ વધારવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આ પાણીની વહેંચણી માટેનો કરાર હજુ પણ સંપૂર્ણ રીતે અમલમાં છે.

આ આદેશ સામે ભારત સરકારના વિદેશ મંત્રાલયે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે વર્લ્ડ બેંકે સિંધુ જળ સંધિના નિયમોનો ભંગ કરીને આ ‘મધ્યસ્થતા અદાલત’ની રચના કરી છે. ભારતે ક્યારેય આ કોર્ટના અસ્તિત્વને કાયદાકીય રીતે સ્વીકાર્યું નથી અને તેની સુનાવણીમાં ભાગ પણ લીધો નથી. સરકારે કહ્યું કે આ ગેરકાયદેસર અદાલતને ભારતના સાર્વભૌમ નિર્ણયો પર કંઈ પણ કહેવાનો કોઈ અધિકાર નથી.

ભારતનું આ સંધિને સ્થગિત કરવા પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે. ગત વર્ષે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 25થી વધુ હિંદુઓએ જીવ ગુમાવ્યો હતો, જેના જવાબમાં ભારતે પાકિસ્તાન સામે સખત પગલાં લેતા આ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. ભારતનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ‘લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં’ અને જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર રોક નહીં લગાવે ત્યાં સુધી સંધિ સ્થગિત જ રહેશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કિશનગંગા અને રતલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ડિઝાઇનને લઈને મતભેદ છે. ભારતનું માનવું છે કે આ વિવાદ ટેકનિકલ પ્રકૃતિનો છે, તેથી તેનો ઉકેલ સંધિના નિયમ મુજબ ન્યૂટ્રલ એક્સપર્ટ દ્વારા થવો જોઈએ. પાકિસ્તાને આ મામલે સમાંતર રીતે મધ્યસ્થતા અદાલત બનાવીને સંધિની વિવાદ ઉકેલ પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે.