પુરીના શ્રીક્ષેત્રમાં સૂર્યોદય થવાનો હોય એ પહેલાં જ શહેર જાગી ઊઠે છે. બડદાંડ પર શ્રદ્ધાળુઓનાં પગલાં સંભળાવા લાગે છે, દુકાનોમાં મહાપ્રસાદની સુગંધ પ્રસરી જાય છે અને દૂરથી શ્રીમંદિરના શિખર પર ફરકતી ધ્વજ પતાકા સમુદ્રના પવન સાથે રમતી દેખાય છે. હજારો લોકોની નજર મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ પર હોય છે. દરેકને ઉતાવળ હોય છે એક ઝલક મેળવવાની. પરંતુ આ ઉતાવળમાં એક વાત લગભગ સૌના ધ્યાન બહાર રહી જાય છે. આ ભવ્ય ધામની રક્ષા કોણ કરે છે? ભગવાનના આ નિવાસસ્થાનનો પ્રહરી કોણ છે?
આ પ્રશ્નનો જવાબ તમને કોઈ શિલાલેખ પર નહીં મળે, ન તો મંદિરના ભવ્ય દ્વાર પર લખેલો જોવા મળશે. તેનો જવાબ શ્રીક્ષેત્રની સદીઓ જૂની પરંપરાઓ, લોકવિશ્વાસો અને મંદિરની જીવંત સંસ્કૃતિમાં સંતાયેલો છે. અહીં એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથના ધામની રક્ષા પોતે મહાવીર હનુમાન કરે છે. માત્ર એક મંદિરના રૂપમાં નહીં, પરંતુ સમગ્ર શ્રીક્ષેત્રના ક્ષેત્રપાલ તરીકે. પુરીમાં હનુમાનજી એક જગ્યાએ નહીં, અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે. ક્યાંક તેઓ સમુદ્રને રોકી રહ્યા છે, ક્યાંક તેની ગર્જનાને થંભાવી રહ્યા છે તો ક્યાંક ચારેય દિશાઓમાં અદૃશ્ય ચોકી કરી રહ્યા છે. આ માન્યતાઓને માત્ર દંતકથા કહીને અવગણી શકાય નહીં, કારણ કે સદીઓથી શ્રીમંદિરની પરંપરાઓમાં તેમનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિમાં ‘ક્ષેત્રપાલ’નો વિચાર નવો નથી. દરેક પવિત્ર તીર્થનું એક રક્ષક દેવતા સાથે જોડાણ જોવા મળે છે. પરંતુ પુરીમાં આ જવાબદારી મહાવીર હનુમાનને મળવી માત્ર સંયોગ નથી. તેના પાછળ ભક્તિ, સમર્પણ અને કર્તવ્યની એવી કથા છુપાયેલી છે, જે જગન્નાથ પરંપરાને સમજ્યા વિના સમજવી મુશ્કેલ છે.
જ્યારે સમુદ્રે જગન્નાથ ધામને પડકાર્યું અને મહાવીરને મળી ચોકી
શ્રીમંદિરથી થોડા અંતરે ચક્રતીર્થ તરફ જતો માર્ગ એક એવા મંદિરે પહોંચાડે છે જ્યાં પ્રવેશતાં જ ભક્ત થોડી ક્ષણ માટે અટકી જાય છે. સામે મહાવીર હનુમાનની પ્રતિમા છે, પરંતુ સામાન્ય પ્રતિમા જેવી નથી. અહીં હનુમાનજી સાંકળોથી બંધાયેલા દેખાય છે. જેમણે લંકાના બંધનો તોડી નાખ્યા, જેમના એક પ્રહારથી અસુરો ધ્રુજી ઊઠતા હતા, એવા મહાબલીને સાંકળોમાં કોણ બાંધી શકે?
આ પ્રશ્નનો જવાબ મંદિર પરંપરામાં મળે છે.
જ્યારે ભગવાને પોતાના સૌથી વિશ્વાસુ સેવકને ‘બંધન’માં બાંધ્યા
મંદિર પરંપરા અનુસાર એક સમય એવો હતો, જ્યારે આજે શાંત દેખાતો બંગાળનો ઉપસાગર વારંવાર શ્રીક્ષેત્ર માટે ચિંતાનું કારણ બનતો હતો. પુરીનું શહેર તો સમુદ્રના કિનારે હતું જ, પરંતુ ભક્તોની માન્યતા એવી છે કે દરિયાની ઉગ્ર લહેરો ક્યારેક એટલી વિકરાળ બની જતી કે જાણે ભગવાન જગન્નાથના ધામ સુધી પહોંચી જવા આતુર હોય. શ્રીક્ષેત્રને સુરક્ષિત રાખવાની જવાબદારી ત્યારે ભગવાન જગન્નાથે પોતાના સૌથી વિશ્વાસુ સેવક હનુમાનને સોંપી. આ કોઈ યુદ્ધ નહોતું, કોઈ રાક્ષસ સાથેનો સંઘર્ષ પણ નહોતો. આ તો વિશ્વાસની ચોકી હતી. મહાવીર દિવસ-રાત દરિયાકિનારે સતર્ક રહેતા અને સમુદ્રને પોતાની મર્યાદા ઓળંગવા દેતા નહોતા.
પરંતુ એક દિવસ એવી ઘટના બની, જે આજે પણ પુરીની લોકપરંપરામાં એટલી જ શ્રદ્ધાથી સંભળાય છે.
કહેવામાં આવે છે કે હનુમાનજીને શ્રીરામના (ભગવાન જગન્નાથ) દર્શનની તીવ્ર ઇચ્છા જાગી. સેવા અને ભક્તિ તેમના જીવનના બે અભિન્ન આધાર હતા. એક તરફ ભગવાન જગન્નાથનો આદેશ અને બીજી તરફ પોતાના આરાધ્ય શ્રીરામનું સ્મરણ. અંતે તેઓ થોડા સમય માટે પોતાની ચોકી છોડીને નીકળી પડ્યા. બસ, આટલી જ ક્ષણની રાહ સમુદ્ર જોઈ રહ્યો હતો. મહાવીરની ગેરહાજરીનો લાભ લઈને મોજાં ફરી ઉછળ્યાં અને શ્રીક્ષેત્ર તરફ ધસી આવવા લાગ્યાં.
ભગવાન જગન્નાથે જ્યારે આ જોયું ત્યારે તેમણે હનુમાનજીને પાછા બોલાવ્યા. પરંતુ આ વખતે માત્ર ચોકી સોંપી દેવી પૂરતી નહોતી. મંદિર પરંપરા કહે છે કે ભગવાને પ્રેમપૂર્વક હનુમાનજીને બેડી અર્થાત્ સાંકળ પહેરાવી દીધી, જેથી તેઓ ફરી ક્યારેય પોતાની ચોકી છોડીને ક્યાંય ન જાય. ત્યારથી આ સ્વરૂપ ‘બેડી હનુમાન’ તરીકે ઓળખાયું. અહીંની સાંકળોને દંડ તરીકે નહીં, પરંતુ ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ વિશ્વાસના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ કારણસર આજે પણ હજારો શ્રદ્ધાળુઓ જગન્નાથજીના દર્શન પહેલાં બેડી હનુમાનના દર્શન કરવાને શુભ માને છે.
જો આ કથાને માત્ર શબ્દશઃ વાંચવામાં આવે તો તે એક લોકકથા લાગે, પરંતુ ભારતીય પરંપરાઓનો સ્વભાવ હંમેશાં પ્રતીકોમાં વાત કરવાનો રહ્યો છે. અહીં હનુમાનજીને કોઈએ પરાજિત નથી કર્યા. તેમને કોઈએ બળજબરીથી બાંધ્યા પણ નથી. અહીં એક એવો સેવક છે, જે પોતાના સ્વામીના એક આદેશ માટે આખી જિંદગી એક જ સ્થાને ઊભા રહેવા તૈયાર થઈ જાય છે. આ સાંકળો લોખંડની નથી, સમર્પણની છે. આ બંધન શરીરનું નથી, સેવાનું છે.
રામાયણમાં પણ હનુમાનજીની સૌથી મોટી ઓળખ તેમના અપરિમિત બળથી પણ પહેલાં તેમની નિઃસ્વાર્થ સેવા છે. તેઓ ક્યારેય પોતાના પરાક્રમનું ગૌરવ ગાતા નથી. અશોકવાટિકા સળગાવી હોય કે સંજીવની માટે પર્વત ઊંચક્યો હોય, દરેક પ્રસંગમાં તેઓ પોતાની શક્તિનો શ્રેય શ્રીરામને જ આપે છે. શ્રીક્ષેત્રની આ પરંપરા જાણે એ જ ભાવને આગળ વધારે છે. અહીં પણ હનુમાનજી કોઈ યોદ્ધા તરીકે નહીં, પરંતુ સેવક તરીકે ઊભા છે. એવા સેવક તરીકે, જેના માટે પોતાના આરાધ્યનો આદેશ જ જીવનનો સૌથી મોટો ધર્મ છે.
કદાચ આ જ કારણ છે કે બેડી હનુમાનના મંદિરમાં પહોંચતા ભક્તોના મનમાં ડર નહીં, પરંતુ એક અનોખી શાંતિ ઉતરે છે. અહીં કોઈ વિજયગાથા નથી, કોઈ યુદ્ધનું ગૌરવ નથી. અહીં તો માત્ર એક નિઃશબ્દ સંદેશ છે- જેના હૃદયમાં સેવા છે, તેને કોઈ બંધન બાંધી શકતું નથી અને જે ભગવાનના પ્રેમથી બંધાય છે, તે આખા વિશ્વ માટે રક્ષક બની જાય છે.
પરંતુ શ્રીક્ષેત્રમાં હનુમાનજીની ફરજ માત્ર સમુદ્રને રોકવાની જ નહોતી. મંદિર પરંપરા કહે છે કે એક વખત ભગવાનના ધામ માટે સમુદ્રની લહેરો નહીં, પરંતુ તેનો અવાજ પણ સમસ્યા બન્યો અને ત્યારે મહાવીરે પોતાનું એક એવું સ્વરૂપ ધારણ કર્યું, જે આજે પણ શ્રીમંદિરની દક્ષિણ દિશામાં ભક્તોને મૌનનો અર્થ સમજાવે છે.
સમુદ્રનો અવાજ પણ જ્યાં અટકી જાય છે: કાનપાતા હનુમાનની અનોખી પરંપરા
બેડી હનુમાનના દર્શન કર્યા પછી જો કોઈ શ્રીમંદિરની આસપાસની પરંપરાઓને જાણવાનો પ્રયત્ન કરે તો તેને જલદી સમજાઈ જાય છે કે પુરીમાં હનુમાનજીની ફરજ માત્ર દરિયાની લહેરો સુધી સીમિત નથી. અહીં તેમની એક એવી પ્રતિમા પણ છે, જે પ્રથમ નજરે જ ઉત્સુકતા જગાવે છે. પ્રતિમાને જોતા લાગે છે કે મહાવીર પોતાના કાન પર હાથ રાખીને કંઈક સાંભળી રહ્યા છે. આ સ્વરૂપને ‘કાનપાતા હનુમાન’ તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્વરૂપ સાથે જોડાયેલી પરંપરા પણ એટલી જ રસપ્રદ છે. મંદિરની લોકમાન્યતા અનુસાર એક સમય એવો આવ્યો જ્યારે સમુદ્રનો અવાજ એટલો પ્રચંડ બન્યો કે શ્રીમંદિરમાં થતી નિત્યસેવા, મંત્રોચ્ચાર અને આરતીના પવિત્ર સ્વરમાં વિક્ષેપ પડવા લાગ્યો. ભગવાન જગન્નાથે ફરી પોતાના પરમ સેવકને જ યાદ કર્યા. આ વખતે તેમને સમુદ્રને રોકવાનો નહીં, પરંતુ તેના કોલાહલને મંદિર સુધી પહોંચતો અટકાવવાનો આદેશ મળ્યો.
ત્યારે મહાવીર દક્ષિણ દિશામાં બિરાજમાન થયા. પોતાના કાન પર હાથ ધરીને જાણે તેઓ સમુદ્રનો આખો ઘોંઘાટ પોતાના સુધી જ રોકી લે છે અને શ્રીમંદિરની અંદર માત્ર શંખનાદ, ઘંટારવ અને વૈદિક મંત્રો જ ગુંજતા રહે છે. આ ઘટના શ્રીક્ષેત્રની જીવંત મંદિર પરંપરા અને લોકવિશ્વાસનો ભાગ છે. કદાચ એટલા માટે જ સદીઓ વીતી ગઈ હોવા છતાં કાનપાતા હનુમાનની આ કથા આજે પણ એટલી જ શ્રદ્ધાથી કહેવાય છે અને રસપ્રદ વાત એ છે કે આજે પણ જગન્નાથજીના શ્રીમંદિરમાં તમે પગ મૂકો એટલે સમુદ્રનો ધ્વનિ સંભળાતો બંધ થઈ જાય છે!
જો આ કથાને માત્ર એક ચમત્કાર તરીકે જોવામાં આવે તો તેનો મૂળ ભાવ ખોવાઈ જાય. વાસ્તવમાં તે એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે. ભગવાન સુધી પહોંચવા માટે બહારનો નહીં, અંદરનો ઘોંઘાટ શાંત કરવો પડે. સમુદ્રનો અવાજ તો માત્ર એક પ્રતીક છે. મનમાં ઊઠતા વિચારો, અહંકાર, ચિંતા અને અશાંતિ પણ એટલો જ મોટો અવાજ કરે છે. કાનપાતા હનુમાન જાણે ભક્તને કહે છે કે પ્રભુના દ્વાર સુધી પહોંચતા પહેલાં મનનો કોલાહલ પાછળ મૂકી આવો.
શ્રીક્ષેત્રના ચારેય દિશામાં મહાવીરની અદૃશ્ય ચોકી
પુરીને માત્ર એક મંદિર તરીકે જોવામાં આવે તો હનુમાનજીના આ વિવિધ સ્વરૂપોનો અર્થ સમજવો મુશ્કેલ બની જાય. પરંતુ શ્રીક્ષેત્રને એક જીવંત દેવનગરી તરીકે જોવામાં આવે તો ચિત્ર બદલાઈ જાય છે. અહીં જગન્નાથ માત્ર ગર્ભગૃહમાં બિરાજતા દેવ નથી, આખું શહેર જ તેમની લીલાભૂમિ માનવામાં આવે છે અને આવી દેવનગરીને સુરક્ષિત રાખવા માટે એક અદૃશ્ય રક્ષણચક્ર કાર્યરત છે.
ઓડિશાની મંદિર પરંપરામાં બેડી હનુમાન અને કાનપાતા હનુમાન સિવાય સિદ્ધ મહાવીર, વીર મહાવીર, ફતેહ મહાવીર જેવા અનેક સ્વરૂપોનો ઉલ્લેખ મળે છે. દરેકનું પોતાનું સ્થાન અને પોતાની પરંપરા છે. કોઈને દિશાના રક્ષક તરીકે જોવામાં આવે છે તો કોઈને વિઘ્નો દૂર કરનાર તરીકે. આ બધાં સ્વરૂપો મળીને એક જ ભાવ વ્યક્ત કરે છે કે શ્રીક્ષેત્રમાં ભગવાન એકલા નથી, તેમના ધામની રક્ષા માટે તેમના સૌથી વિશ્વાસુ સેવક સદા જાગતા રહે છે.
ભારતીય મંદિર પરંપરામાં આ વિચાર બહુ પ્રાચીન છે. કાશીમાં કાલભૈરવને ક્ષેત્રપાલ માનવામાં આવે છે, અનેક શક્તિપીઠોમાં ભૈરવ રક્ષક છે તો અનેક વૈષ્ણવ તીર્થોમાં નરસિંહ અથવા હનુમાનને રક્ષણની જવાબદારી સોંપાયેલી જોવા મળે છે. પુરીએ પણ પોતાના ક્ષેત્રપાલ તરીકે મહાવીરને સ્વીકાર્યા. આ પરંપરા દર્શાવે છે કે ધર્મમાં માત્ર આરાધના જ નહીં, પરંતુ તેની રક્ષા પણ એટલી જ મહત્વની માનવામાં આવી છે.
રામના સેવકથી જગન્નાથના પ્રહરી સુધી
અહીં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. હનુમાનજી તો સમગ્ર ભારત રામભક્ત તરીકે જાણીતા છે. તો પછી કૃષ્ણસ્વરૂપ ભગવાન જગન્નાથના ધામમાં તેમને આટલું વિશેષ સ્થાન કેમ મળ્યું? તેનો જવાબ વૈષ્ણવ દર્શનની મૂળ ભાવનામાં રહેલો છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ બે અલગ દેવ નથી, પરંતુ એક જ પરમાત્માના જુદા-જુદા અવતાર છે. હનુમાનજીની ભક્તિ પણ કોઈ એક નામ કે એક યુગ સાથે બંધાયેલી નથી. તેમની સૌથી મોટી ઓળખ છે પરમાત્મા પ્રત્યેની અખંડ સેવા.
રામાયણમાં તેઓ શ્રીરામ માટે જીવ્યા. શ્રીક્ષેત્રની પરંપરા કહે છે કે કલિયુગમાં એ જ સેવા ભગવાન જગન્નાથ માટે અવિરત ચાલુ છે. અવતાર બદલાય છે, લીલા બદલાય છે, પરંતુ સેવકનો ધર્મ બદલાતો નથી. કદાચ એટલા માટે જ પુરીમાં હનુમાનજીને માત્ર સંકટમોચન તરીકે નહીં, પરંતુ શ્રીક્ષેત્રના જાગતા પ્રહરી તરીકે પણ પૂજવામાં આવે છે.
માત્ર એક માન્યતા નહીં, સેવાનું જીવંત પ્રતીક
દર વર્ષે રથયાત્રાના દિવસે કરોડો આંખો ત્રણ ભવ્ય રથો પર ટકેલી હોય છે. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા પોતાના ભક્તો વચ્ચે આવે છે. ભક્તો માટે એ આનંદનો મહાપર્વ હોય છે. પરંતુ આ ઉત્સવની પાછળ એક એવી પરંપરા પણ સદીઓથી શ્વાસ લઈ રહી છે, જે બહુ ઓછા લોકો જાણે છે. એ પરંપરા કહે છે કે ભગવાનના ધામની રક્ષા માટે આજે પણ મહાવીર પોતાની અદૃશ્ય ચોકી પર અડગ ઊભા છે.
કદાચ એટલા માટે જ પુરીમાં હનુમાનજીને જોતી વખતે કોઈ ભક્ત માત્ર એક દેવતાના દર્શન કરતો નથી. તે સેવાના એવા આદર્શને પ્રણામ કરે છે, જેણે પોતાની શક્તિનો ઉપયોગ ક્યારેય પોતાના ગૌરવ માટે કર્યો નહીં. જેણે પોતાના પરાક્રમને પણ પ્રભુની આજ્ઞા આગળ નમાવી દીધો. જેણે સાંકળોમાં બંધાઈને પણ સ્વતંત્રતાનો અર્થ સમજાવ્યો અને સમુદ્રનો અવાજ રોકીને પણ ભક્તના મનમાં ભક્તિનો સ્વર જાગ્રત રાખ્યો.
એટલે જ શ્રીક્ષેત્રની ગલીઓમાં ફરતા વૃદ્ધ પંડા હોય કે સ્થાનિક ભક્ત, જ્યારે તેઓ મહાવીરને ‘જગન્નાથ ધામના રક્ષક’ કહે છે ત્યારે તે માત્ર એક ધાર્મિક માન્યતા વ્યક્ત કરતા નથી. તેઓ સદીઓથી ચાલતી આવી રહેલી એવી પરંપરાનો ઉલ્લેખ કરતા હોય છે, જેમાં ભગવાનના સૌથી શક્તિશાળી ભક્તને સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી- ભગવાનના પોતાના ધામની રક્ષા કરવાની. અને કદાચ એ જ કારણ છે કે પુરીમાં જગન્નાથના દર્શન જેટલા જ મહાવીરના દર્શન પણ અનેક ભક્તો માટે આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ બની ગયા છે.


