હિંદુ વિદ્યાર્થીની મુસ્લિમ સગીર દ્વારા હત્યા થયાની ઘટના બાદ ચર્ચામાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકારે આધિકારિક રીતે પોતાના હસ્તક લઈ લીધી છે. વહીવટદાર તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવી છે. 22 ડિસમ્બરના રોજ અમદાવાદના DEOએ શાળાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઢોલ વગાડીને ઉજવણી કરી છે અને મીઠાઈઓ વહેંચી છે. વાલીઓએ અધિકારીઓનું સ્વાગત કર્યું છે અને ઑપઇન્ડિયાનો પણ આભાર પ્રગટ કર્યો છે.
ચાર્જ સંભાળ્યા બાદ DEOએ અધિકારીઓની નિમણૂક કરી અને શાળાને સુચારું રીતે ચલાવવા માટેની સૂચનાઓ આપી. DEO રોહિત ચૌધરીએ વાલીઓને જણાવ્યું છે કે સરકાર હવેથી આ શાળાનું સંચાલન કરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા સુરક્ષાના હિતને ધ્યાને લઈને કામ કરશે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે આ શાળામાં હાલ એકપણ નવું એડમિશન નહીં આપવામાં આવે. આ દરમિયાન શાળામાં વાલીઓ અને હિંદુ સમાજના લોકો એકઠા થયા હતા અને ઉજવણી કરીને સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ઑપઇન્ડિયા પણ સ્થળ પર હાજર હતું.
શું કહ્યું વાલીઓ-સ્થાનિકોએ?
ઑપઇન્ડિયા સાથે વાત કરતા એક સ્થાનિક વાલીએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ સરકારનું સમર્થન મળ્યું હતું. DEO સહિતના અધિકારીઓ પણ સહકાર આપી રહ્યા હતા. તેમણે શિક્ષણાધિકારી સાથેની મુલાકાતની વાત વર્ણવતા કહ્યું હતું કે DEOએ આશ્વાસન આપ્યું છે કે એકપણ બાળકનું ભવિષ્ય નહીં બગડે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અન્ય એક સ્થાનિકે પણ ભાજપ સરકાર અને સ્થાનિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જનાક્રોશ સંઘર્ષ સમિતિના વાલીઓએ પણ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
વધુ એક વાલીએ વાત કરતા જણાવ્યું કે સેવન્થ ડે સ્કૂલમાં જે થયું હતું તે ખૂબ ગંભીર હતું અને સરકારે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને શાળાઓને ચેતવણી આપી છે કે અન્ય શાળાઓ પણ જો આવી ગંભીર ઘટનાઓમાં ભાગીદાર નીકળશે તો સરકાર આવી જ કાર્યવાહી કરશે. સિંધી સમાજના એક આગેવાને પણ આ નિર્ણયને હિંદુ સમાજની જીત ગણાવી હતી.
અન્ય એક સ્થાનિકે કહ્યું કે હિંદુ વિદ્યાર્થીની ઘાતકી હત્યાના આખા દેશમાં પડઘા પડ્યા હતા, ત્યારબાદ સમગ્ર હિંદુ સમાજ દ્વારા થયેલાં આંદોલનના પડઘા પણ આખા દેશમાં પડ્યા હતા. આ બધી બાબતોને લઈને સંઘર્ષ વધતાં સરકારે પણ મજબૂત કાર્યવાહી કરવાની શરૂ કરી હતી અને તપાસ કમિટી બેસાડીને શાળાની તપાસ કરી હતી. ત્યારબાદ ગેરરીતિ અને અણઘડ વહીવટ સામે આવતા સરકારે સમગ્ર શાળાનો વહીવટ પોતાના હાથમાં લઈને ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે. તેમણે એવું પણ કહ્યું કે આ શાળામાં માત્ર સિંધી સમાજના નહીં, પણ હિંદુ સમાજના દીકરાની હત્યા થઈ હતી અને તેથી સમગ્ર હિંદુ સમાજે સાથે રહીને લડત આપી હતી.
વાલીઓ અને દર્શકોએ માન્યો ઑપઇન્ડિયાનો આભાર
વધુમાં વાલી મંડળના સભ્યોએ ઑપઇન્ડિયાનો વિશેષ આભાર પણ પ્રગટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હત્યાની ઘટના બન્યા બાદથી શાળા સરકાર હસ્તક થવા સુધી ઑપઇન્ડિયાએ ખૂબ ઉમદા કામ કર્યું છે અને વિશેષ કવરેજ આપ્યું છે.
એક દર્શકે જણાવ્યું કે તેઓને ઑપઇન્ડિયા દ્વારા જ આ કેસની પળેપળની અપડેટ મળી હતી. અન્ય એક વાલીએ કહ્યું કે ઑપઇન્ડિયા સાચી માહિતી સમાજ અને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યું છે અને તે માટે તેનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે.


