અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી ત્યાંની સરકારે મોટાપાયે ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી આવેલા બીજા દેશોના નાગરિકોને તગેડી મૂકવાનું અભિયાન ઉપાડ્યું અને તેના ભાગરૂપે ભારતના પણ અમુક સો નાગરિકોને પરત મોકલવામાં આવ્યા એ ઘટના પછી નવરાધૂપ વિપક્ષોને નવો મુદ્દો મળી ગયો છે. તેઓ ઇચ્છે છે કે આ નિર્ણય બદલ મોદી ટ્રમ્પ અને તેમની સરકાર સામે તલવાર તાણીને ઊભા રહી જાય અને ડિપ્લોમેટિક વૉર શરૂ કરી દે. મોદીનામાં આ બધા ગાંડાઓ કરતાં એક હજાર ગણી અક્કલ વધારે છે, એટલે તેની આપણને લેશમાત્ર ચિંતા નથી. પણ ડિપોર્ટેશન મુદ્દે વિપક્ષો દ્વારા આ જે ખોટો માહોલ સર્જવામાં આવી રહ્યો છે, તેનો તોડ કાઢવો જરૂરી છે.
આ લોકોની મૂળ સમસ્યા એ છે કે અમેરિકાએ આ ભારતીયોને હાથમાં હાથકડી પહેરાવીને અને પગમાં સાંકળ પહેરાવીને મોકલ્યા છે, જે અમાનવીય વ્યવહાર કહેવાય. ઈન્ટરનેટ પર અમુક ફોટા ફરી રહ્યા છે, પણ એ ભારતીય નાગરિકોના નથી એવું PIB ચોખવટ પાડીને કહી ચૂક્યું છે. છતાં માની લઈએ કે ભારતીયો સાથે પણ આવો જ વ્યવહાર કર્યો હશે. પણ પ્રશ્ન એ છે કે કોઈ દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા લોકો સાથે જે-તે દેશ કેવો વ્યવહાર કરે?
અમેરિકાના કાયદા પ્રમાણે આ લોકો ત્યાંના ગુનેગાર હતા. વિઝા કે માન્ય કાગળિયાં વગર યુએસની સરહદે જઈ ચડ્યા હતા અને દેશમાં ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. કાયદા પ્રમાણે આ ગુનો કહેવાય અને ગુનો આચરનારને ગુનેગાર. એ પછી કોઈ પણ દેશનો હોય. તેને હાથકડી પહેરાવવાનો ત્યાં નિયમ છે તો એ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી. તમે અવળાં કામો કરો અને પછી કહો કે મારી સાથે આવો વ્યવહાર કેમ કરવામાં આવ્યો? એ બધું ભારતમાં ચાલે, બહાર કોઈ ન સાંભળે.
બીજું. આનાથી એક હજાર ગણી યાતનાઓ આ બધાએ ડંકી રૂટ મારફતે અમેરિકામાં ઘૂસતી વખતે વેઠી હશે. ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવું એ જીવના જોખમે કરવાનો ધંધો છે. પહેલાં લેટિન અમેરિકાના દેશોમાં જવું પડે. ત્યાં ગાઢ જંગલો અને ક્રિમિનલ ગેંગનો સામનો કરીને દિવસો સુધી ભટકતાં-ભટકતાં મેક્સિકો પહોંચાય અને ત્યાંથી સરહદ કૂદીને અમેરિકામાં. આ બધામાં જીવતા રહ્યા તો નસીબ, કશુંક આમતેમ થયું તો મૃતદેહ પણ ઘરે ન લાવી શકાય. બીજું, આ કામ ખર્ચાળ પણ ઘણું છે. તમારા 15થી 40 લાખ અને અમુક કિસ્સાઓમાં 70 લાખ સુધી પણ ખર્ચાઈ શકે. અમુક તો કરોડો ખર્ચીને પણ ગયા હતા. એક વાત એ પણ છે કે કરોડ રૂપિયા જેટલી રકમ હાથમાં હોય જ તો માણસ ભારતમાં રહીને પણ નાનો-મોટો ધંધો કરી શકે.
આ કિસ્સામાં ભારત માત્ર એક જ કામ કરી શકે કે જેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા પકડાયા હતા અને જેને અમેરિકા પરત મોકલે એને બીજી માથાકૂટ વગર સ્વીકારી લે. સરકાર કદાચ એટલું કરે કે તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરે અને સંભવતઃ તેવું થશે પણ નહીં. પણ તેમને હારતોરા ન કરવાના હોય કે કોઈ પ્રકારની મદદ ન કરવાની હોય. તેઓ દેશ માટે મેડલ જીતવા કે ઓલમ્પિકમાં ભાગ લેવા ન હતા ગયા. કમાવા માટે લાખો ખર્ચીને ગયા હતા. પકડાઈ ગયા અને પરત મોકલી દેવામાં આવ્યા તેમાં જે નુકસાન થયું તેની ભરપાઈ સરકારે મારા અને તમારા પૈસાથી ન કરવાની હોય.
વાસ્તવમાં તો ટ્રમ્પનો આ નિર્ણય સમયની માંગ છે. ગેરકાયદેસર ઘૂસણખોરી એક મોટી સમસ્યા છે અને એ યુએસ માટે જ નહીં પણ ભારત માટે પણ એટલો જ ગંભીર વિષય છે. છાશવારે આપણે ત્યાં ગુનાઓના સમાચાર આવતા રહે છે, જેમાં ગેરકાયદેસર ઘૂસણખોરો જ સંડોવાયેલા હોય છે. કામ અને કમાવાની લ્હાયમાં સરહદ પાર કરીને આવતા રહે અને પછી ગરીબીમાં ધકેલાય એટલે માણસ ગુના તરફ જ વળે. તાજો કિસ્સો સૈફ અલી ખાન કેસનો છે, જેમાં પણ આરોપી એક બાંગ્લાદેશી ઘૂસણખોર જ હોવાનું કહેવાય છે.
ભારતમાં રોહિંગ્યા ઘૂસણખોરોનો મુદ્દો સતત ચર્ચામાં રહે છે અને પાર્ટીઓ રાજકારણ પણ બહુ કરે છે. બીજા દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસી આવેલાઓ કેવી-કેવી સમસ્યાઓ સર્જે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કાલે ઉઠીને જો સરકાર આ લોકોને બહાર કાઢવા માટે મોટાપાયે કાર્યવાહી આદરે તો આ જ વિપક્ષો ફરી સંસદ ભવન બહાર પ્લેકાર્ડ લઈને ઊભા ન રહી જાય એની શું ખાતરી? આ તો તેમની વૉટબેન્ક છે.
બીજી એક વાત એ પણ ધ્યાને લેવા જેવી છે કે આ કાર્યવાહી પહેલી વખત થઈ નથી. અમેરિકા (કે ભારત સહિતના બીજા દેશો પણ) અવારનવાર ગેરકાયદેસર ઘૂસેલા બીજા દેશોના નાગરિકોને ડિપોર્ટ કરતું રહે છે. કોંગ્રેસ સરકારમાં પણ અમેરિકાએ ભારતીયોને ડિપોર્ટ કર્યા જ હતા. ઘણી વખત તો કાયદેસર રીતે ઘૂસેલાઓ પણ જો ગુનાખોરીમાં પકડાયા હોય તો વિમાનમાં બેસાડીને તગેડી મૂકવામાં આવે છે. આ વખતે ફેર ખાલી એટલો છે કે ટ્રમ્પે આ ઑપરેશન માટે વાયુસેનાનાં તોતિંગ C-17 ગ્લોબમાસ્ટર વિમાનો કામે લગાડ્યાં છે.
આ વિમાનો પાછળ કમર્શિયલ ફ્લાઈટ્સ કરતાં ખર્ચો પાંચથી છ ગણો વધારે આવે છે, પણ એ દુનિયાને એ દેખાડવા માટેનો સંકેત છે કે તેઓ આ મુદ્દા પર કેટલા ગંભીર છે. ટ્રમ્પ તેમની જગ્યાએ સાચા જ છે. અમેરિકા પણ સાચું જ છે. ભારત પણ તેની જગ્યાએ યોગ્ય જ એપ્રોચ અપનાવી રહ્યું છે. તો ખોટું કોણ છે? વિપક્ષો અને સોશિયલ મીડિયા પર ધમાલ કરતા તેમના સૈનિકો.