અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે સત્તામાં બેઠા બાદ વૈશ્વિક રાજકારણનાં ઘણાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. પહેલી ટર્મ કરતાં આ વખતે તેઓ વધુ ‘સિરિયસ’ હોય એવું સ્પષ્ટ કામો પરથી લાગી રહ્યું છે. આવતાંવેંત ટ્રમ્પે એક પછી એક આદેશો છોડવાના શરૂ કરી દીધા હતા અને તેમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને પરત મોકલવાના આદેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકન સરકાર ગેરકાયદેસર રીતે રહેતા અન્ય દેશોના નાગરિકોને શોધી-શોધીને ચિહ્નિત કરી રહી છે અને એક પછી એક ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
બુધવારે (5 ફેબ્રુઆરી) ભારતમાં પણ અમૃતસરમાં એક ફ્લાઇટ લેન્ડ થઈ. જેમાં કુલ 104 વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે. જેમાંથી 33 ગુજરાતીઓ પણ છે. બાકીના પંજાબ, હરિયાણા, UP, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી છે. પંજાબ-હરિયાણાના વધારે છે.
જોકે, આ કાર્યવાહી માત્ર ભારતના નાગરિકો વિરુદ્ધ કરવામાં આવી નથી. સત્તામાં આવ્યા બાદથી જ ટ્રમ્પે ગેરકાયદેસર ઘૂસણખોરી પર લગામ લગાવતાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આવું કરશે તેવું તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સતત કહેતા રહ્યા હતા. ટ્રમ્પ ઘણી વખત ઘૂસણખોરોને ‘એલિયન’ અને ‘ક્રિમિનલ’ ગણાવતા રહ્યા છે.
ટ્રમ્પ આ કાર્યવાહીને લઈને એટલા ગંભીર છે કે ઘૂસણખોરોને ચિન્હિત કર્યા બાદ અપીલ માટેનો સમય આપવાના મૂડમાં પણ નથી. સીધા વિમાનમાં બેસાડીને પરત મોકલી દેવામાં આવે છે. તેઓ કહે છે, “હું નથી ઈચ્છતો કે તેઓ આગલાં 20 વર્ષ સુધી કેમ્પમાં પડ્યા રહે. મારે તેમને બહાર કાઢવા છે અને જ્યાંથી આવ્યા હતા એ દેશમાં પરત મોકલવા છે.” રિપબ્લિકન સાંસદો સાથેની એક બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “ઇતિહાસમાં પહેલી વખત આપણે ગેરકાયદેસર એલિયનોને ચિન્હિત કરીને સૈન્ય વિમાનોમાં બેસાડીને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પરત મોકલી રહ્યા છીએ.”
સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં મોટાં-મોટાં વિમાનોમાં ગેરકાયદેસર રહેતા અન્ય દેશોના નાગરિકોને બેસાડીને પરત મોકલવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. અમુક એવી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં અમુકને હથકડી પહેરાવવામાં આવી હોવાનું અને પગ પણ બાંધવામાં આવ્યા હોવાનું દેખાય છે.
પહેલી વખત ડિપોર્ટેશન માટે US વાપરી રહ્યું છે તોતિંગ હવાઈ જહાજ
એવું નથી કે ટ્રમ્પ આવ્યા પહેલાં અમેરિકાથી આવા ગેરકાયદેસર રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવતા ન હતા, એ દરેક દેશ વધતા-ઓછા પ્રમાણમાં કરતો રહે છે, પણ ટ્રમ્પે આને એક અભિયાન બનાવીને કામ ઉપાડ્યું છે. બીજું, પહેલી વખત અમેરિકા ડિપોર્ટેશન માટે મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યું છે, જેનો ખર્ચ સામાન્ય કમર્શિયલ ફ્લાઇટ્સ કરતાં અનેકગણો વધારે આવે છે. પરંતુ આ અમેરિકન સરકાર આ મુદ્દાને લઈને કેટલી ગંભીર છે તે દુનિયાને દર્શાવવા માટેનો એક સંકેત છે. ભારતમાં પણ ગેરકાયદેસર નાગરિકોને પરત મૂકવા માટે અમેરિકન વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન આવ્યું હતું. આ તોતિંગ હવાઈ જહાજની એક ટ્રીપનો ખર્ચ લાખોમાં આવે છે.
C-17 ગ્લોબમાસ્ટરનો એક કલાકનો ખર્ચ 28 હજાર ડોલર (24 લાખ રૂપિયા) આવે છે. મીડિયા અહેવાલોનું માનીએ તો આ મિલિટરી એરક્રાફ્ટ વાપરવાના કારણે એક વ્યક્તિ પાછળ USને લગભગ ચાર હજાર ડોલરનો (ભારતીય ચલણ પ્રમાણે સાડા ત્રણ લાખ) ખર્ચ થાય છે. ઘણા રૂટ્સ માટે તો બિઝનેસ ક્લાસની ટિકિટ પણ આના કરતાં સસ્તી થાય. તેમ છતાં ટ્રમ્પ સરકાર છેક ભારત સુધી પણ આવી ફ્લાઈટો દોડાવી રહી છે. તેનું કારણ ઉપર કહ્યું એમ, દુનિયાને એ બતાવવા માટેનું છે કે ટ્રમ્પ સરકાર આ બાબતે ગંભીર છે.
હવે એ જાણીએ કે આ ભારતીયો કઈ રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા.
આપણે ત્યાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં અમેરિકા કે વિદેશ જવાનો ક્રેઝ ઘણો છે એ વાત હવે છાની નથી. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો કોઈને કોઈ હેતુ માટે વિદેશ જાય છે. સ્થાયી થવા માટે જનારાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. ઘણા કાયદાકીય પ્રક્રિયા (વિઝા મેળવીને) હેઠળ જાય છે, પણ જેમને વિઝા ન મળે કે કાયદાકીય પ્રક્રિયામાં અટવાઈ જાય તો અભરખા પૂરા કરવા માટે ડંકી રૂટ કામ આવે છે.
2023માં શાહરૂખ ખાનની આ જ નામની એક ફિલ્મ આવી હતી, જે આ જ વિષય પર આધારિત છે. ડંકી એક પંજાબી શબ્દ છે. જેનો અર્થ થાય, એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત થવું. ડંકી ટ્રાવેલ્સ એટલે અમેરિકા, યુકે, યુરોપ વગેરે દેશોમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો મારગ.
US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના એક ડેટા અનુસાર, ઑક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીમાં 42000 ભારતીયોએ દક્ષિણ સરહદેથી ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશ મેળવ્યો હતો. નવેમ્બર 2022થી લગભગ 97000 ભારતીયોએ ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને અમેરિકન એજન્સીઓ દ્વારા પકડાઈ ગયા હતા. અવારનવાર આવા પકડાયા હોવાના સમાચારો પણ સામે આવતા રહે છે.
હવે આ ડંકી રૂટ સાંભળવામાં કે વાંચવામાં સરળ લાગે પણ વાસ્તવમાં અત્યંત કઠિન અને જીવન-મરણનો પ્રશ્ન થઈ પડે એવો ધંધો છે, છતાં આપણે ત્યાંથી હજારો લોકો આ રસ્તે ચાલી પડે છે. કારણ કે તેમણે કોઈ પણ રીતે અમેરિકા (કે અન્ય દેશો) પહોંચવું છે. અનેક દેશોની સરહદો પર કરવી, જંગલોમાંથી પસાર થવું, ક્રિમિનલ ગેંગનો સામનો કરવો, પોલીસથી બચવું, એજન્ટો સાથે માથાકૂટો કરવી અને આ માટે લાખો ખર્ચવા- આ બધું જ ડંકી રૂટનો ભાગ છે.
પહેલો તબક્કો
ડંકી રૂટ થકી ઘૂસણખોરી કરવા માંગતા લોકો સૌથી પહેલાં એજન્ટ પકડે છે. ભારતના એજન્ટો હવે આ કારોબારમાં એટલા ખૂંપી ગયા છે કે તેમના સંપર્કો દુનિયાભરના હ્યુમન ટ્રાફિકરો સાથે થઈ ગયા છે. તેમને પૈસા આપો તો તેઓ એક વખત મંગળ પર તમને મોકલવા માટે પણ ટ્રાય કરી જુએ. આ એજન્ટો જ સમગ્ર રૂટની ગોઠવણી કરી આપે છે.
ડંકી રૂટનો જાણીતો પહેલો તબક્કો એ છે કે સૌથી પહેલાં ભારતથી લેટિન અમેરિકાના દેશો જેવા કે, ઇક્વાડોર, ગુયાના, બ્રાઝિલ, વેનેઝુએલા કે બોલિવિયામાંથી એકમાં પહોંચવામાં આવે. કારણ એ છે કે આ દેશોમાં પહોંચવું ભારતીયો માટે સરળ છે. અમુક દેશો એવા છે જ્યાં ભારતીયો માટે ‘વિઝા ઓન અરાઇવલ’ની સુવિધા છે. જ્યાં પહેલેથી વિઝા મેળવવાની વ્યવસ્થા છે ત્યાં પણ ભારતીયોને સરળતાથી વિઝા મળી જાય છે. બીજું આ દેશોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા એજન્ટો સક્રિય હોય છે અને તેમની પણ દુનિયાભરમાં લિંક્સ હોય છે.
જોકે આ પણ દેખાય એટલું સરળ હોતું નથી અને લેટિન અમેરિકા પહોંચવામાં જ મહિનાઓ લાગી શકે. ઘણીવખત એજન્ટો મહિનાઓ સુધી રાહ જોવડાવે છે. તેના માટે પૈસા લાગે એ અલગ. અમુક વળી બીજો રૂટ પણ સૂચવે છે, પણ એ થોડો વધુ જોખમી છે.
આ બીજા રૂટમાં સીધા દુબઈથી મેક્સિકો લઈ જવામાં આવે છે. પણ મેક્સિકોમાં સીધું લેન્ડ થવું એ જોખમી કામ છે, કારણ કે ત્યાં એજન્સીઓ સતત વૉચ રાખીને બેઠી હોય છે અને પ્રબળ શક્યતાઓ છે કે ઊતરતાંની સાથે જ તમને જેલભેગા કરી દેવામાં આવે. એટલે લેટિન અમેરિકાનો રૂટ જ સૌથી પ્રચલિત છે. લેટિન અમેરિકાથી કોલમ્બિયા મોકલવામાં આવે છે. અહીંથી શરૂ થાય છે ‘મેન વર્સીસ વાઇલ્ડ.’
ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે, ક્રિમિનલ ગેંગ-જંગલી જાનવરો, બધાનો સામનો કરવો પડે
US જનારાઓ કોલંબિયાથી પનામામાં પ્રવેશ મેળવે છે. પણ આ હાઈ-વે નથી કે સરળતાથી હાલતાં-ચાલતાં પ્રવેશ મેળવી લેવાય. બંને દેશો વચ્ચે ગાઢ જંગલ આવે છે, એ પાર કરવું પડે છે. હવે આ જંગલ પર કરતી વખતે સૌથી મોટી સમસ્યા ચોખ્ખા પાણીની છે. અગાઉથી વ્યવસ્થા ન કરી હોય તો જંગલમાં ભોજન તો દૂર પણ પાણીનાં પણ ફાંફાં પડી શકે. જંગલી જાનવરોનો ભય તો ડગલે ને પગલે રહેવાનો જ. જો જાનવરો ન હોય તો ક્રિમિનલ ગેંગ મળી જાય એની પણ શક્યતાઓ રહે. ઘણાને ચોરી અને રેપ સુધીના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ જંગલમાં ન કોઈ પોલીસ સ્ટેશન હોય કે ન કોર્ટ, એટલે જે ગુનાઓ થાય એ તમે ક્યાંય રિપોર્ટ પણ કરી શકો નહીં. છતાં નસીબ સારું હોય અને બધું સમુસૂતરું પાર પડ્યું તો આઠથી દસ દિવસ આ જંગલ પાર કરતાં લાગે છે. ન પડ્યું તો? તો કશું નહીં. કોઈ મૃત્યુ પામે તો તેનો મૃતદેહ ઘરે લાવવાનું પણ શક્ય નથી.
આ રૂટ પર ગ્વાટેમાલા એક અગત્યનું કેન્દ્ર છે. જે અહીં સુધી જીવતો પહોંચ્યો તેને નવા ટ્રાફિકરોને સોંપી દેવામાં આવે છે, જે મેક્સિકો સુધી લઈ જાય છે. પણ અહીંથી શરૂ થાય છે સરકારી એજન્સીઓ સાથેની પકડાપકડી. કારણ કે આ લોકોએ સતત તેમનાથી બચીને રહેવું પડે છે.
હવે આ જંગલનો રસ્તો પસંદ ન કરવો હોય તેમના માટે એક બીજો રૂટ પણ છે. જે સેન એન્ડ્રેસથી શરૂ થાય છે અને ફિશિંગ બોટ્સ દ્વારા લઈ જવામાં આવે છે. અહીંથી નિકારાગુઆ (મધ્ય અમેરિકાનો દેશ) લઈ જવામાં આવે છે. ત્યાંથી ફિશરમેન્સ કે લઈ જવાય અને ત્યાંથી અન્ય બોટમાં મેક્સિકો તરફ લઈ જવામાં આવે છે.
મેક્સિકો અને અમેરિકાની 3,140 કિલોમીટરની સરહદ પર ફેન્સિંગ કરવામાં આવ્યું છે, જેને આ ઘૂસણખોરી કરનારાઓ કૂદી જાય છે. ઘણા એક નદી મારફતે પણ સરહદ પાર કરે છે. સરહદ પાર કરતી વખતે તો અમેરિકન એજન્સીઓ કશું કરતી નથી, પણ પછીથી પકડીને મૂકી દે છે. ત્યારબાદ તેમણે કેમ્પમાં રહેવું પડે. યુએસ જવાનું સપનું રોળાય જાય.
હમણાં એક અન્ય રૂટ પણ એજન્ટોએ શોધી કાઢ્યો છે. જેમાં માઇગ્રન્ટ પહેલાં યુરોપ જાય છે અને ત્યાંથી સીધા મેક્સિકો પહોંચે છે. તેનો ઘણોખરો આધાર એજન્ટના સંપર્કો પર હોય છે. આ સરળ રસ્તો છે, પણ જે દિવસે અમેરિકન એજન્સીઓના રડાર પર આવી ગયો, ત્યારથી તે બંધ થઈ જશે.
લાખોનો ખર્ચ, જીવન-મરણનો પ્રશ્ન, છતાં ક્રેઝ યથાવત
આ સમગ્ર ટ્રીપ પાછળ 15થી 40 લાખ જેટલો ખર્ચ થાય છે અને અમુક કિસ્સાઓમાં આ ખર્ચ ₹70 લાખ સુધી પણ પહોંચે છે. પણ જો એજન્ટો પૈસા આપવામાં નિષ્ફળ ગયા તો જે જનાર હોય તેના જીવ પર જોખમ આવી જાય છે. મેક્સિકોના ટ્રાફિકરો તેમને મારી નાખવામાં બિલકુલ સંકોચ કરતા નથી. ટૂંકમાં કહીએ તો આ રૂટ અત્યંત કપરો અને જોખમી છે, છતાં દર વર્ષે હજારો ભારતીયો તેનો ઉપયોગ કરીને US અને અન્ય દેશોમાં જાય છે અને તેમાં ગુજરાતીઓનો હિસ્સો પણ ઘણોખરો છે.