Sunday, May 5, 2024
More
    હોમપેજમંતવ્યસ્મૃતિ ઈરાની v/s રાહુલ ગાંધી: કઈ રીતે કોંગ્રેસે એક મહિલાનું મનોબળ તોડવા...

    સ્મૃતિ ઈરાની v/s રાહુલ ગાંધી: કઈ રીતે કોંગ્રેસે એક મહિલાનું મનોબળ તોડવા માટે તેમની પુત્રીને નિશાન બનાવી?

    સ્મૃતિ ઈરાનીએ જયારે વર્ષ 2014માં રાહુલ ગાંધી સામે તેમના જ ગઢમાં પડકાર ફેંક્યો ત્યારથી તેઓ અપમાનનો સામનો કરતાં આવ્યાં છે. તેમની ઉપર વિપક્ષ દ્વારા સતત સ્ત્રીવિરોધી અને સેક્સિસ્ટ હુમલાઓ થતા રહ્યા છે. 

    - Advertisement -

    એક મહિલાને ચૂપ કરી દેવા માટેનો સૌથી સરળ રસ્તો કયો છે? તે પણ એવી મહિલાને જેણે રાજકીય રીતે શક્તિશાળી ગણાતા લોકો સામે લડીને તેમને પોતાના જ ગઢમાં હરાવી દીધા હોય. મહિલાને હરાવવા માટેનો સરળ રસ્તો એ છે કે તેના પરિવારને ટાર્ગેટ કરવામાં આવે, ખાસ કરીને તેની પુત્રીના ચારિત્ર્યનું હનન કરવામાં આવે અને તેના ‘સંસ્કાર’ અને ‘ઉછેર’ પર પ્રશ્નો ઉભા કરવામાં આવે. જયારે વર્ષ 2014માં રાહુલ ગાંધી સામે તેમના જ ગઢમાં પડકાર ફેંક્યો ત્યારથી સ્મૃતિ ઈરાની અપમાનનો સામનો કરતાં આવ્યાં છે. તેમની ઉપર વિપક્ષ દ્વારા સતત સ્ત્રીવિરોધી અને સેક્સિસ્ટ હુમલાઓ થતા રહ્યા છે. 

    વર્ષ 2015માં કોંગ્રેસ નેતા અને આસામના પૂર્વ મંત્રી નિલમણી ડેકાએ એકે જાહેર સભામાં કહ્યું હતું કે, ઘણા લોકો સ્મૃતિ ઈરાનીને નરેન્દ્ર મોદીની બીજી પત્ની તરીકે જુએ છે. 2019માં કોંગ્રેસ નેતાઓએ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ સાથે સ્મૃતિની એક તસ્વીર જારી કરીને તેમણે ‘રેપ ગુરુ’ને નમન કરતાં હોવાનો ખોટો દાવો કર્યો હતો. ઈન્દ્રાણી મિશ્રાએ દાવો કરીને કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીએ રેપના આરોપી સ્વામી ચિન્મયાનંદનું અભિવાદન કર્યું હતું. પરંતુ તે તસ્વીરમાં વરિષ્ઠ સાંસદ હુકુમદેવ નારાયણ યાદવ હતા.

    અન્ય એક કોંગ્રેસ નેતા શશાંક ભાર્ગવે 2020માં એક રેલી દરમિયાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “ઇંધણની કિંમતમાં ઘટાડો થવો જોઈએ. ભૂતકાળમાં સ્મૃતિ ઈરાની હાથમાં ઘણી બંગડીઓ પહેરતાં હતાં. તેઓ વડાપ્રધાનનાં નજીકનાં છે અને તેમને બંગડીઓ આપી શકે છે. હું તેમને વિનંતી કરીશ કે તેઓ વડાપ્રધાનને તેમની કેટલીક બંગડીઓ કે અન્ય પણ તેઓ જે ઈચ્છે તે ભેટમાં આપે અને તેમને ઇંધણની વધતી કિંમતો પરત લેવા માટે કહે.” 

    - Advertisement -

    હવે જ્યારે લોકસભા ચૂંટણી માટે 2 વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતાઓએ પણ તેમની તપસ્યામાં વધારો કરવાનું અને સ્ત્રીવિરોધી હુમલાઓમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. સ્મૃતિ ઈરાની પર અનેક હુમલાઓ કર્યા છતાં પણ તેઓ તેમને હરાવી ન શક્યા એટલે હવે તેમણે એક મહિલાની નબળાઈ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આ નબળાઈ છે તેમના સંતાનો. 

    ‘એક મહિલાને તેનું સ્થાન બતાવી દેવાનો’ આ સૌથી સરળ રસ્તો છે. કારણ કે એક મહિલા કઈ રીતે તેમના પ્રિય રાજકુમારને હરાવી શકે? રાજ્યસભાની બેઠક માટે સાઈડલાઈન કરી દેવાયેલા પવન ખેડાએ તેમની વફાદારી સાબિત કરવા માટે વધુ એક પ્રયત્ન કરી જોયો છે. તેમણે ઝોઈશ પર આરોપ લગાવતાં કહ્યું કે, શું સ્મૃતિની પુત્રી ગોવામાં ‘ગેરકાયદે બાર’ ચલાવે છે એ સંસ્કાર છે? 

    વિવાદ શું છે તે જાણીએ તે પહેલાં કેટલાંક તથ્યો પર સીધી વાત કરવી જરૂરી છે. 

    વર્ષ 2019માં ઝોઈશ ઈરાનીએ ગોવામાં સિલી સોલ્સ રેસ્ટોરન્ટ એન્ડ બારમાં ઇન્ટર્નશિપ કરી હતી. એક ઇન્ટર્ન બારનો માલિક કહેવાતો નથી. જેવી રીતે પવન ખેડા ગમે તેટલી ‘તપસ્યા’ કરે છતાં પણ ક્યારેય કોંગ્રેસના અધ્યક્ષ બની શકે તેમ નથી. વધુમાં, બારનું લાયસન્સ રેસ્ટોરન્ટના માલિક એન્થોની દ’ગામાના નામ પર હતું. 2021માં તેમના નિધન બાદ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તેમના કાયદાકીય વારસદાર, તેમના પુત્રે લાયસન્સ રિન્યૂ કરવા માટે અરજી કરી હતી. તેમજ તેણે માલિકી હકો ટ્રાન્સફર કરવા માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો. જે મામલે ગોવા એક્સાઇઝ કમિશનરે તેને શૉ કૉઝ નોટીસ પાઠવી છે. 

    કોંગ્રેસે ઈરાની પરિવાર પર હુમલો કરવા માટે જે RTI નો આધાર લીધો છે, તેમાં સ્મૃતિ ઈરાની કે તેમની પુત્રી ઝોઈશ ઈરાનીનું નામ ક્યાંય લખવામાં આવ્યું નથી. જેથી ઝોઈશનું નામ આ વિવાદમાં માત્ર એટલા માટે સંડોવવામાં આવ્યું કારણ કે ભૂતકાળમાં તેણે એક સ્થળે ઇન્ટર્નશિપ કરી હતી અને હવે ત્રણ વર્ષ પછી તેમાં કાયદાકીય અનિયમિતતા સર્જાઈ છે. 16 વર્ષની ઝોઈશની તસ્વીરો પણ સોશિયલ મડિયા પર વાયરલ થવા માંડી હતી. તે અત્યારે ભલે 18 વર્ષની હોય, પરંતુ ત્યારે તે એક સગીર હતી. 

    હવે, અહીંથી વધુ ગંભીર આક્ષેપો શરૂ થાય છે. સ્મૃતિ ઈરાનીના ‘સંસ્કાર’ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા અને તેમની પુત્રી પર ‘ગેરકાયદે બાર’ ચલાવવાના આરોપ લગાવવામાં આવ્યા. અહીં સ્પષ્ટ રીતે ઉદ્દેશ્ય એક ‘ગેરકાયદે બાર ચલાવવા’ બદલ એક યુવતીનું અપમાન કરવાનો હતો. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ પણ કામ જ્યાં સુધી ગેરકાયદે ન હોય ત્યાં સુધી તે સન્માન અને ગરિમાને પાત્ર છે. માત્ર એક મહિલા (જરૂરી નથી કે ઝોઈશ જ) બારમાં કામ કરતી હોય કે કરી ચૂકી હોય, તો તે તેના ચારિત્ર્યનું પ્રમાણપત્ર બની જતું નથી. 

    અહીં ‘BAR’ મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે. આ જ કોંગ્રેસ કાર્યકર કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન સંકટ વખતે તેના કથિત કામ માટે માનવતાના મસીહા તરીકે સન્માનિત કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અહીં તે એક 18 વર્ષની યુવતી પર તેના ચારિત્ર્યને લઈને હુમલો કરતો જોવા મળે છે. માત્ર માતાએ રાહુલ ગાંધીને લોકતાંત્રિક ચૂંટણીમાં હરાવ્યા તે બદલ પુત્રી ઝોઈશે કેટલું સહન કરવું પડતું હશે તેની કલ્પના કરવી કઠિન નથી. 

    કોંગ્રેસ કાર્યકરો પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે એક મહિલાનું ચારિત્ર્ય હનન કરવાથી ઉપર હવે એક 18 વર્ષીય પુત્રીના ચારિત્ર્ય પર હુમલો કરવા સુધી પહોંચી ગયા છે. તે પણ એવા સમયે જ્યારે પાર્ટીનું નેતૃત્વ એક મહિલા કરી રહી છે. એ જ પાર્ટી જેણે ભારતને પહેલા વડાપ્રધાન આપ્યા હતા. આ પાર્ટી હવે 18 વર્ષીય તરૂણી માટે ‘બાર’ જોક્સ કરવા સુધીના સ્તર પર ઉતરી આવી છે. 

    કહેવાય છે કે રાજકારણ ગંદુ ક્ષેત્ર છે અને તે પુરુષોની દુનિયા છે. સ્વાભાવિક રીતે, એક મહિલા માટે પોતાને માટે જગ્યા બનાવવી અને ખાસ કરીને ચોથી પેઢીના રાજકારણી જેના દાદા, દાદી અને વડાપ્રધાન રહી ચૂક્યા હોય અને જે બાળપણથી એ જ માનસિકતા સાથે મોટો થયો હોય કે ભારતના વડાપ્રધાનના પદ માટે તે ઉત્તરાધિકારી છે, તેવા નેતાને હરાવવો કઠિન છે. 

    2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારનનો ગઢ રહેલી અમેઠી બેઠક પરથી 2 ટર્મના ધારાસભ્ય રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી તો જીતી ગયા પરંતુ સ્મૃતિએ પણ સામે લડત આપી હતી. રાહુલ ગાંધીને 46.71 ટકા વોટશેર સાથે 4,08,651 મતો મળ્યા હતા, જ્યારે સ્મૃતિ ઈરાનીને 3,00,748 મતો (34.38 ટકા વોટશેર) મળ્યા હતા. તેની આગલી ચૂંટણીમાં 2009માં રાહુલ ગાંધીને 71.78 ટકા વોટશેર સાથે 4,64,195 મતો મળ્યા હતા. જેથી, સ્મૃતિ ભલે હારી ગયાં, પરંતુ તેમણે ગાંધી પરિવારના યુવરાજને જોરદાર લડત આપી હતી. 

    તે પછીનાં પાંચ વર્ષ સુધી સ્મૃતિ ઈરાનીએ ખૂબ મહેનત કરી અને જ્યારે ફરી ચૂંટણી થઇ ત્યારે સ્મૃતિ ઈરાનીને 49.71 ટકા વોટશેર સાથે 4,68,514 મતો મળ્યા. જ્યારે રાહુલને 4,13,394 મતો (43.84 ટકા વોટશેર) મળ્યા હતા. અંદરથી રાહુલ ગાંધી પણ અમેઠીમાં હાર જોઈ ચૂક્યા હતા, એટલે જ તેમણે કેરળના વાયનાડની ‘સુરક્ષિત બેઠક’ પર પણ ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધી બે બેઠકો પરથી લડ્યા અને પોતાના પરિવારના ગઢ સમાન બેઠક સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. એ જ સ્મૃતિ ઈરાની જેમની તેમની બહેન સહિતના પાર્ટીના નેતાઓએ એક સમયે મજાક ઉડાવી હતી. 

    પરંતુ હવે જ્યારે તેઓ સ્મૃતિ ઉપર હુમલા કરીને તેમનું મનોબળ તોડી શકે તેમ નથી ત્યારે તેમણે એક સ્તર નીચે જવાનું પસંદ કર્યું છે. તેમણે તેમની 18 વર્ષીય પુત્રી વિરુદ્ધ સ્ત્રીવિરોધી, અપમાનજનક ટિપ્પણીઓ અને ‘બાર જોક્સ’ વગેરેને હથિયાર બનાવ્યાં છે. તેઓ સ્મૃતિનું મનોબળ તોડી નાંખવા માંગે છે અને જેથી એક મહિલાની નબળાઈ સમાન તેના સંતાન પર હુમલો કર્યો છે. પરંતુ સ્મૃતિ પણ હાર માની જાય તેવાં નથી. તેમણે પણ આ લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે અને લીગલ નોટીસ વગેરેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

    ગત વર્ષોમાં સ્મૃતિ ઈરાનીએ જે ધૈર્ય અને સમર્પણ દાખવ્યાં છે, તેને જોતા આશા છે કે આ જ ગુણો તેમના સંતાનોમાં પણ વિકસિત થાય અને તેઓ પણ મોટાં થઈને તેમની માતા જેવાં જ બહાદૂર અને મજબૂત બનશે. અને જ્યાં સુધી વાત સ્મૃતિ ઈરાનીની છે, આશા છે કે તેઓ 2024 માં અમેઠીથી જ નહીં પરંતુ વાયનાડથી પણ લડે અને જંગી બહુમતીથી બંને બેઠકો પર વિજય મેળવે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં