Monday, June 16, 2025
More
    હોમપેજદેશવસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, વડોદરામાં નબીરાની હોંશિયારી... બે ઘટના, બે દ્રષ્ટિકોણ અને...

    વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક, વડોદરામાં નબીરાની હોંશિયારી… બે ઘટના, બે દ્રષ્ટિકોણ અને પોલીસ કાર્યવાહીના બે અલગ-અલગ દ્રષ્ટાંત: આગળ જતા ન્યાયના ત્રાજવા પણ જુદા, નેટિઝન્સનો રોષ અહીં સમજો

    વસ્ત્રાલની ઘટનામાં જે રીતે મજબૂતીથી કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, તેવી જ કાર્યવાહી વડોદરા અકસ્માત કેસ અને તેની જેવા અન્ય કેસમાં પણ થવી જોઈતી હતી. તો આવા શ્રીમંત નબીરાઓમાં પણ પુરપાટ ઝડપે કાર દોડાવવાનો ક્રેઝ ઓછો થઈ શક્યો હોત અને એક દાખલો સમાજમાં બેસાડી શકાયો હોત.

    - Advertisement -

    તાજેતરના સમયમાં ગુજરાતમાં (Gujarat) બે મોટી ઘટનાઓ ઘટી, જેણે લગભગ આખા દેશનું ધ્યાન ગુજરાત તરફ દોર્યું. બંને ઘટનાઓ ભયાનક અને કરુણા ઉપજાવનારી હતી. બંનેમાં કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. પરંતુ લોકોને બંને ઘટનાઓમાં કેમ તફાવત દેખાઈ રહી છે? એક ઘટના છે અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાલમાં (Vastral) ખુલ્લેઆમ હાથમાં તલવાર લહેરાવીને રાહદારીઓને પરેશાન કરતા અસામાજિક તત્વોની અને બીજી ઘટના છે વડોદરામાં (Vadodara) પુરપાટ ઝડપે કાર દોડાવીને સાત જેટલા લોકોને કચડનારા અને એક મહિલાનો ઘટનાસ્થળે જ જીવ લેનારા કારચાલક (Car Accident) નબીરા રક્ષિત ચૌરસિયાની. જોકે, આરોપીનું નામ રક્ષિત છે, પણ તેણે કાંડ ભક્ષિત જેવો કર્યો છે.

    એવું નથી કે, ગુજરાતમાં માત્ર આ બે ઘટનાઓ જ બની હતી. આ પહેલાં પણ અનેક વખત આવી ઘટનાઓ બનતી રહી છે અને બધી જ ઘટનાઓમાં કાર્યવાહી થતી રહી છે. સમય સાથે લોકો એ ઘટનાઓને પણ પોતાના મગજમાંથી ભૂંસી નાખે છે. પરંતુ સતત એક જ પેટર્નમાં થતી કાર્યવાહીને લોકો ભૂલી શક્યા કે ભૂંસી શક્યા નથી. આ બંને ઘટનાઓ ગુજરાતની છે અને બંનેમાં પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરી છે. બંને વિશે વિગતે વાત કરીએ.

    અમદાવાદમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને જાહેરમાં મેથીપાક, ઘરો પણ તૂટ્યા…

    તારીખ હતી 13-14 માર્ચ, 2025. અમદાવાદના વસ્ત્રાલમાં રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો આતંક મચાવે છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થઈ જાય છે. અસામાજિક તત્વો જાહેરમાં તલવાર લહેરાવે છે અને રાહદારીઓ પર હુમલા કરે છે. આસપાસથી પસાર થતાં વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં વિડીયોનો પાર્ટ-2 સામે આવે છે. જેમાં પોલીસ આરોપીઓની જાહેરમાં સરભરા કરે છે.

    - Advertisement -

    આગળ જતાં આ વિડીયોના અનેક ભાગ સામે આવતા રહે છે. કોઈ વિડીયોમાં આરોપીઓના ગલી-મહોલ્લામાં જઈને પોલીસે કરેલી સર્વિસ બતાવવામાં આવે છે, તો કોઈ વિડીયોમાં આરોપીઓના પરિવારોનો આક્રંદ. અન્ય એક વિડીયોમાં અસામાજિક તત્વોના ઘરોને પોલીસ પ્રશાસનના રક્ષણમાં તોડવામાં આવી રહ્યા હોવાનું બતાવવામાં આવે છે. ઘણા લોકો હથોડાથી ગલી-મહોલ્લાના કાચા મકાનો ધ્વસ્ત કરી રહ્યા હોવાનું જોવા મળે છે.

    મોટાભાગના અસામાજિક તત્વોને રાત્રે જ પકડી પાડવામાં આવે છે. વધુમાં બીજા દિવસે સવારે પણ ઓપરેશન મોડમાં પોલીસ કાર્યવાહી કરે છે અને કરવી પણ જોઈએ જ. કારણ કે, જાહેરમાં લોકોને હેરાન કરનારાઓ વિરુદ્ધ આખરે સખત બનવું અનિવાર્ય બને છે, જેથી કરીને આવી ઘટનાઓને અટકાવી શકાય. પોલીસ ધરપકડ બાદ ઘરો તોડવા અને જાહેરમાં ટાંગાતોડ સર્વિસના વિડીયો વાયરલ થયા હતા.

    આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા પણ ધડાધડ કાર્યવાહીના આદેશ આપે છે અને 100 કલાકમાં ગુજરાતના તમામ અસામાજિક તત્વોની લિસ્ટ કાઢવાનું કહે છે. પોલીસ પણ વળગી જાય છે અને કાર્યવાહી શરૂ કરી દે છે. આ કેસમાં ઝડપાયેલા 14 આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા જે આજે પૂરા થાય છે. તાજી જાણકારી મુજબ હમણાં જ આ 14માંથી 13 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આવા કેસોમાં પોલીસ દ્વારા ધરપકડ બાદ FIR નોંધવામાં આવે છે અને તપાસ પૂર્ણ થયા પછી કોર્ટમાં રજૂ થાય છે. મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે અને તપાસ પૂરી કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.

    વડોદરા અકસ્માત કેસ, માત્ર આરોપીની ધરપકડ

    હવે વાત કરીએ વડોદરાના અકસ્માત કેસની. તારીખ હતી 13 માર્ચ, 2025ની રાત્રિ. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક અને વડોદરાની આ ઘટના બંને એક જ સમયે બનવા પામી હતી. બંને ઘટના એવી હતી કે, દેશભરનું ધ્યાન ગુજરાત પર પડ્યું. વડોદરાની વાત કરીએ તો કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેકસ નજીક આ ઘટના બની હતી. MS યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયાએ નશાની હાલતમાં પુરપાટ ઝડપે કાર ચલાવીને 7 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં એક મહિલાનું (હેમાલી પટેલ) ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

    આ ઘટના બાદ નબીરો બહાર નીકળ્યો હતો અને જાણે કશું થયું જ ન હોય એમ ‘અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ’ની બૂમો પાડવા લાગ્યો હતો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ તેના પર ખૂબ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ સ્થાનિકોએ નબીરાને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. ત્યારબાદ પોલીસે રક્ષિત અને પ્રિન્સ ચૌહાણનું (રક્ષિતનો મિત્ર, જે કારમાં સાથે હતો) રેપિડ ટેસ્ટ કર્યું હતું , જેમાં બંનેએ ડ્રગ્સ અને દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું. જોકે, મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ હજુ સામે નથી આવ્યો.

    પોલીસનું નિવેદન સામે આવ્યું હતું કે, આરોપીઓ હોળીના દિવસે ‘મોજ માણવા’ ડ્રગ્સ લઈને આવ્યા હતા. હાલ રક્ષિત પોલીસ રિમાન્ડ હેઠળ છે. હાલ કેસની તપાસ ચાલુ છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. સુનાવણીની તારીખનું પણ હજુ સુધી કઈ નક્કી નથી. આરોપી મૂળ વારાણસીનો છે અને વડોદરામાં અભ્યાસ કરે છે. તેના પિતા ‘બિઝનેસમેન’ હોવાનું તેણે જણાવ્યું છે, એટલે દેખીતી રીતે તે શ્રીમંત પરિવારમાંથી આવે છે.

    બંને ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા, પોલીસ કાર્યવાહી પર પણ પ્રશ્નો

    ઉપરોક્ત બંને ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓની વણજાર લાગી ગઈ છે. નેટિઝન્સ પોલીસ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપે છે કે, બંને ઘટનાઓ એક સમયે, એક જ રાજ્યમાં બની અને બંનેની તપાસ પણ ગુજરાત પોલીસની હતી, છતાં રક્ષિત વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી અને અમદાવાદના અસામાજિક તત્વોની જાહેરમાં સરભરાથી લઈને તેમના મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે. નેટિઝન્સમાં રોષ એ વાતનો છે કે, પોલીસે નબીરા વિરુદ્ધ કેમ કડક વલણ નથી અપનાવ્યું. આરોપ એવા પણ લાગી રહ્યા છે કે, નબીરો શ્રીમંત કુટુંબમાંથી આવે છે અને પેલા અસામાજિક તત્વો બધા લગભગ મધ્યમવર્ગના હતા.

    જાહેરમાં ઉત્પાત મચાવતા લોકોની પોલીસ જાહેરમાં જ સરભરા કરે છે અને તે જરૂરી પણ છે. પરંતુ લોકો એ વાત પચાવી નથી શકતા કે, વડોદરાના આવા નબીરાઓ વિરુદ્ધ કેમ પોલીસ આવી કાર્યવાહી નથી કરતી. આ પહેલાં તથ્ય પટેલના કેસમાં પણ આવું જોવા મળ્યું હતું. આરોપી તથ્ય પટેલના પિતાએ તો ઘટના બાદ પણ બેફામ વર્તન કર્યું હોવાના આરોપ જોવા મળ્યા હતા. તે નબીરા વખતે પણ કોઈ ખાસ કાર્યવાહી થઈ નહોતી અને આ વખતે પણ કડક વલણ નહીં અપનાવ્યાંનો નેટિઝન્સનો આરોપ છે.

    કોર્ટના વલણને લઈને પણ નેટિઝન્સમાં ભારે ચર્ચા

    બીજી તરફ નેટિઝન્સમાં કોર્ટના વલણને લઈને પણ ચર્ચા જોવા મળી રહી છે. તથ્યકાંડ અને હવે આ વડોદરાકાંડ જેવા કેસોમાં કોર્ટ નરમ વલણ અપનાવતી હોવાની વાતો લોકોમાં સામાન્યપણે ચર્ચાઈ રહી છે. કારણે એવું આપવામાં આવે છે કે, આવા નબીરાઓ અમીર મા-બાપના સંતાનો હોવાથી પહોંચ લાંબી હોય છે અને બીજી તરફ મધ્યમવર્ગના લોકોની જાહેરમાં સરભરા થાય છે અને તેમના ગેરકાયદે મકાનો પણ તોડી પાડવામાં આવે છે. લોકોની ચર્ચા એ પણ છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશને જામીન પણ મળી ગયા છે અને તેના વેપાર કે બિઝનેસને લઈને પણ ઊંડાણપૂર્વક તપાસ થતી નથી.

    જોકે, 9 લોકોના મોત થયા બાદ તથ્ય પટેલને જેલમાંથી બહાર કાઢી શકાય એમ નથી. હાલ તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે. તેણે અનેક વખત જામીન માટે અરજી કરી હતી, જેમાં નિયમિત જામીન અને વચગાળાના જામીન બંનેનો સમાવેશ થાય છે. પરંતુ, અમદાવાદ સેશન્સ કોર્ટે અને ગુજરાત હાઇકોર્ટે તેની જામીન અરજીઓ વારંવાર ફગાવી દીધી હતી. તાજેતરમાં ડિસેમ્બર, 2024માં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, કેસ પણ હજુ ચાલી રહ્યો છે.

    પુણે પોર્શે અકસ્માત મામલે કોર્ટનું વલણ ચર્ચાસ્પદ

    કોર્ટના વલણની સૌથી વધુ ચર્ચા પુણેના પોર્શે કાર અકસ્માત કેસમાં (pune porsche case) થઈ હતી. 19 મે, 2024ના રોજ એક 17 વર્ષના સગીરે નશાની હાલતમાં પોર્શે કાર ચલાવીને કલ્યાણી નગર વિસ્તારમાં બે IT પ્રોફેશનલ્સ, અનિષ અને અશ્વિનીને કચડી નાખ્યા હતા અને તેમનું મોત થયું હતું. ઘટનાના માત્ર થોડા જ કલાકોમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આરોપીના જામીન મંજૂર કરી દીધા હતા અને સાથે ‘ગંભીર’ શરતો પણ મૂકી હતી.

    તે શરતો હતી – 300 શબ્દોનો નિબંધ લખવો, યરવડા પોલીસ સાથે 15 દિવસ સુધી ટ્રાફિકનું કામ કરવું, નશામુક્તિ માટે સારવાર લેવી અને કાઉન્સેલિંગમાં હાજર રહેવું. દેશભરમાં બોર્ડના આ નિર્ણયથી આક્રોશ ફેલાઈ ગયો હતો અને આક્રોશ એટલો ભયાનક ફેલાયો કે, 22 મે, 2024ના રોજ JJBએ જામીન રદ કરવા પડ્યા અને આરોપીને 5 જૂન સુધી ઑબ્ઝર્વેશન હોમમાં મોકલવો પડ્યો. 25 જૂન, 2024ના રોજ બૉમ્બે હાઇકોર્ટે સગીરને ઓવઝર્વેશન હોમમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેની કસ્ટડી તેની કાકીને સોંપી દીધી હતી.

    વધુમાં પુણે પોલીસે સગીરને પુખ્ત તરીકે ટ્રાયલ કરવાની માંગણી સાથે JJB સમક્ષ અરજી કરી છે. જે હજુ સુધી પેન્ડિંગ છે. સ્વાભાવિક છે કે, આ નબીરો પણ શ્રીમંત પરિવારમાંથી આવતો હતો. આવી ચકચારી ઘટનાના બધા જ નબીરા નશામાં જોવા મળ્યા છે અને શ્રીમંત પરિવારના જોવા મળ્યા છે. તેમની મોંઘીદાટ ગાડીઓ પણ ચર્ચાનું કારણ બની છે. પુણે કેસના આરોપીના પિતા, માતા અને દાદા સામે પુરાવા સાથે છેડછાડ કરવી, ડ્રાઈવર પર કેસ પોતાના માથે લઈ લેવા દબાણ કરવું અને બ્લડ સેમ્પલ બદલી કાઢવા જેવા આરોપો હેઠળ કેસ નોંધાયો છે.

    27 મેના રોજ સસૂન હૉસ્પિટલના ડૉ. અજય તાવરે અને ડૉ. શ્રીહરિ હાલનોરની ધરપકડ કરવામાં આવી, કારણ કે, તેમણે આરોપીના બ્લડ સેમ્પલને બદલી કાઢ્યા હતા, જેથી તેમાં દારૂનો નશો હોવાનું સામે આવી શક્યું નહોતું. હાલ સુધી પેલો આરોપી જામીન પર છે અને કોર્ટ દ્વારા કોઈ સજા આપવામાં આવી નથી. વધુમાં બૉમ્બે હાઇકોર્ટે એવું કહ્યું હતું કે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ, તેને બાળક તરીકે જ ગણવો જોઈએ. નેટિઝન્સે ત્યારે પણ વાંધો ઉઠાવ્યો હતો કે, તે બાળકે બે લોકોની હત્યા કરી છે અને તે પણ IT પ્રોફેશનલ્સની. કોર્ટમાં આરોપીએ સેફ ડ્રાઇવિંગ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે અને નિબંધ પણ રજૂ કર્યો છે.

    નેટિઝન્સના આક્રોશના આ છે કારણ

    ઉપરોક્ત ચર્ચામાં ચર્ચિત અને વિવાદાસ્પદ કેસોની વાત કરવામાં આવી છે. નેટિઝન્સનો આક્રોશ તે જ છે કે, આવા શ્રીમંત માતા-પિતાના નબીરાઓ સામે અસરકારક પગલાં કેમ નથી લેવાતા? કેમ તેમને જાહેરમાં નથી ફટકારાતા?, શા માટે તેમના પૈતૃક સંપત્તિ કે વ્યાપારની તપાસ નથી નથી? કેમ તેમના ઘરો વિશે માહિતી મેળવીને ધ્વસ્ત કરવાની કાર્યવાહી નથી થતી? શા માટે કોર્ટ નિબંધ લખાવીને આવા આરોપીઓને સરળતાથી જામીન આપી દે છે અને પોલીસ પણ નક્કર કાર્યવાહી કરી શકતી નથી? આ બધા જ પ્રશ્નો આજે નેટિઝન્સના આક્રોશનું કારણ બન્યા છે.

    ઘટના વડોદરા કાર અકસ્માતની હોય, અમદાવાદ ઇસ્કોન બ્રિજની હોય કે પુણેના પોર્શે અકસ્માતની હોય. પરંતુ વસ્ત્રાલ જેવી અસરકારક કાર્યવાહીનો અભાવ આજે પણ લોકોમાં ખટકી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની રહ્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ જેવી કડક કાર્યવાહી જ કરવી જોઈએ તેવી માંગણીઓ થઈ રહી છે. વસ્ત્રાલની ઘટનામાં જે રીતે મજબૂતીથી કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, તેવી જ કાર્યવાહી વડોદરા અકસ્માત કેસ અને તેની જેવા અન્ય કેસમાં પણ થવી જોઈતી હતી. તો આવા શ્રીમંત નબીરાઓમાં પણ પુરપાટ ઝડપે કાર દોડાવવાનો ક્રેઝ ઓછો થઈ શક્યો હોત અને એક દાખલો સમાજમાં બેસાડી શકાયો હોત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં