Saturday, March 22, 2025
More

    અમદાવાદના વસ્ત્રાલમાં ટપોરીઓએ મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનોમાં કરી તોડફોડ, રાહદારીઓને માર્યા, તલવારો લહેરાવી: વિડીયો વાયરલ થયા બાદ પોલીસ મારતી-મારતી લઈ ગઈ

    સોશિયલ મીડિયા પર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવી રહ્યા છે. આ ટોળાએ એક કારને ઉભી રાખીને તેમાંથી નીકળેલા વ્યક્તિ પર પણ હુમલો કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

    આ ઘટના વસ્ત્રાલમાં આવેલ શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, વસ્ત્રાલ-ગોમતીપુર વિસ્તારમાં બે અલગ-અલગ ગેંગ સક્રિય છે. જેમાંથી એક ગેંગનો લીડર ત્યાં આવવાનો હતો, જોકે એ ત્યાં ન આવતા આ ટોળાએ રાહદારીઓને નિશાનો બનાવવાનું શરૂ કર્યું હતું.

    કહેવાઈ રહ્યું છે કે ટોળામાં સામેલ લોકો દારૂ પીધેલા હતા અને આવતા જતા રાહદારીઓ પર લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી રહ્યા હતા. આ ઘટનાના સામે આવેલ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે, આ લોકો વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી રહ્યા છે.

    નોંધનીય છે કે આ ઘટનાનો વિડીયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જેને લઈને અમદાવાદ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહીનો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ સિંઘમ અંદાજમાં આરોપીઓને ફટકારતી લઈ જઈ રહી છે.

    જે રીતે આ અસામાજિક તત્વોએ લોકોને હેરાન-પરેશાન કર્યા તથા ઉત્પાત મચાવ્યો તે જોઈને પોલીસ પણ તેમને મેથીપાક ચખાડતાં ચખાડતાં પોલીસ સ્ટેશન સુધી લઈ ગઈ હતી. જેથી ફરીથી કોઈ આવા કૃત્ય કરતા પહેલાં વિચાર કરે. અહેવાલ મુજબ પોલીસે વિડીયોના આધારે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.