Wednesday, June 18, 2025
More

    વડોદરામાં મોડી રાત્રે નશાની હાલતમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, એક મહિલાનું મોત: આરોપી MS યુનિ.માં લૉનો વિદ્યાર્થી, ધરપકડ

    વડોદરામાં મોડી રાત્રે એક યુવકે નશાની હાલતમાં કાર હંકારીને અનેક વાહનોને અડફેટે લઈ લીધાં હતાં. પૂરઝડપે આવતી કારે એક પછી એક વાહનોને અડફેટે લેતાં ચાલકોને ગંભીર ઈજા થઈ છે, જેમાં એક મહિલાનું મૃત્યુ પણ નીપજ્યું છે. પોલીસે ચાલક રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી છે, જે મૂળ વારાણસીનો રહેવાસી છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરે છે. 

    ઘટના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે બની. જેના CCTV ફૂટેજ અને ઘટના બાદ સ્થાનિકોએ ઉતારેલા વિડીયો પણ સામે આવ્યા છે. ફૂટેજમાં કાર પૂરઝડપે આવતી જોવા મળે છે, જે એક પછી એક વાહનોને અડફેટે લેતી જાય છે અને થંભી જાય છે. કારનું બોનેટ સંપૂર્ણ રીતે તૂટી ગયેલું દેખાય છે. 

    એક વિડીયોમાં અકસ્માત સર્જ્યા બાદ કારમાં બે યુવકો માથાકૂટ કરતા જોવા મળે છે. વાસ્તવમાં કારચાલક સાથે એક બીજો યુવક પણ બેઠો હતો. પરંતુ તે તરત કારમાંથી ઉતરી જાય છે અને સ્થાનિકોને કહેતો સંભળાય છે કે આમાં તેનો કોઈ વાંક નથી અને ચલાવનાર યુવકે અકસ્માત સર્જ્યો છે. ત્યારબાદ ચાલક રક્ષિત બહાર આવે છે અને મોટે-મોટેથી ‘અનધર રાઉન્ડ…અનધર રાઉન્ડ’ની બૂમો પાડવા માંડે છે. સાથે તે એક નિકિતા નામની યુવતીનું પણ નામ લેતો જોવા મળે છે. 

    વિડીયો પરથી લાગે છે કે અકસ્માત વખતે રક્ષિત નશાની હાલતમાં હતો. તે રસ્તા પર ફરીને મોટેમોટેથી બૂમો પાડી રહ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેને પકડી લીધો, જેમની સાથે પણ તેણે માથાકૂટ કરી હતી. પરંતુ પછીથી લોકોએ તેને સારો એવો મેથીપાક પણ ચખાડ્યો. 

    રક્ષિતે સાતથી આઠ લોકોની અડફેટે લીધા હતા, જેમાંથી એક મહિલાનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું. બાકીના ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

    ઘટના બાદ રાત્રે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બીજી તરફ કારેલીબાગ પોલીસે આરોપી યુવકની ધરપકડ પણ કરી લીધી. તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલી રહી છે. સાથે બાજુમાં બેઠેલા યુવકને હાલ પોલીસ શોધી રહી છે.