
બોલીવુડ એક્ટર સલમાન ખાન અને ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ના મેકર્સ વચ્ચે કાનૂની વિવાદ શરૂ થયો છે. 1998ના બ્લેકબક (કાળિયાર) શિકાર કેસથી પ્રેરિત હોવાનું મનાતી આ ફિલ્મ સામે સલમાન ખાનની કાનૂની ટીમે વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અક્ષય પાંડેને એક લીગલ નોટિસ મોકલી છે. સલમાન ખાનની ટીમે આ ફિલ્મનું નિર્માણ અને પ્રમોશન તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરી છે.
સલમાન ખાનના વકીલોની દલીલ છે કે આ કાળિયાર શિકારનો કેસ હાલમાં રાજસ્થાન હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આવા સમયે આ કેસ પર ફિલ્મ બનાવવી એ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી સમાન છે અને તેનાથી અભિનેતાના ‘ફેર ટ્રાયલ’ના (નિષ્પક્ષ અદાલતી કાર્યવાહી) મૂળભૂત અધિકાર પર અસર પડી શકે છે. આ ઉપરાંત નોટિસમાં આ ફિલ્મને માનહાનિ કરનારી ગણાવીને એવો આક્ષેપ કરાયો છે કે મેકર્સ સલમાન ખાનની લોકપ્રિયતાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સલમાન ખાને આ પ્રોજેક્ટ માટે પોતાના નામ કે વ્યક્તિત્વનો ઉપયોગ કરવાની કોઈ મંજૂરી આપી નથી.
આ લીગલ નોટિસમાં ફિલ્મના મેકર્સ સમક્ષ મુખ્ય બે માંગણીઓ મૂકવામાં આવી છે. પ્રથમ તો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ પ્રોડક્શન અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ તરત જ બંધ કરવામાં આવે. બીજી માંગણી એ છે કે મેકર્સ સલમાન ખાનની બિનશરતી લેખિત માફી માંગે. જો નોટિસ મળ્યાના 24 કલાકમાં આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સલમાન ખાન મેકર્સ સામે સિવિલ અને ક્રિમિનલ કાર્યવાહી કરશે.
પ્રોડ્યુસરની પ્રતિક્રિયા
બીજી તરફ ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાની આ નોટિસ સામે બિલકુલ ઝૂકવાના મૂડમાં નથી. તેમણે ફેસબુક પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ નોટિસનો હેતુ માત્ર લોકોને ડરાવવાનો અને ગ્લેમરના જોરે દબાવવાનો છે, પરંતુ તેઓ આવી ધમકીઓથી ડરવાના નથી. તેમણે ‘ઇન્ડિયા ટુડે’ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે આ સલમાન ખાનની બાયોપિક નથી. આ ફિલ્મ સંપૂર્ણપણે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી પર આધારિત છે અને તેમાં વન્યજીવોના રક્ષણ માટે બિશ્નોઈ સમુદાયે કરેલા સંઘર્ષની વાર્તા વણી લેવામાં આવી છે.
પ્રોડ્યુસર અમિત જાનીએ વધુમાં જણાવ્યું કે સલમાન ખાનની ટીમે મોકલેલી આ નોટિસ ખૂબ જ ઉતાવળિયું પગલું છે. ફિલ્મના મેકર્સે અત્યાર સુધી માત્ર એક ફર્સ્ટ-લુક પોસ્ટર જ રિલીઝ કર્યું છે, જેમાં કોઈ કલાકારની વિગતો જાહેર કરાઈ નથી. જોકે અહેવાલો મુજબ આ પોસ્ટરમાં દેખાતો વ્યક્તિ સલમાન ખાન જેવો લાગે છે અને તેણે સલમાન જેવું જ ફિરોઝા બ્રેસલેટ પહેરેલું છે.
બીજી તરફ અમિત જાનીએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ ફિલ્મમાં સલમાન ખાનને નેગેટિવ લાઈટમાં નથી બતાવી રહ્યા કે ન તો ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને ગ્લોરીફાય કરી રહ્યા છે. જો કોર્ટ તરફથી સમન્સ આવશે તો તેઓ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરશે અને અદાલતમાં પોતાનો પક્ષ રાખશે.
નોંધનીય છે કે આ હાઈ-પ્રોફાઈલ વિવાદ 1998ના એ કિસ્સા સાથે જોડાયેલો છે જ્યારે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર બે કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો. 20 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ બાદ વર્ષ 2018માં ટ્રાયલ કોર્ટે સલમાન ખાનને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.
હાલમાં સલમાન ખાન જામીન પર બહાર છે અને આ આખો મામલો 2022થી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યાં તમામ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. વિવાદો વચ્ચે ઘેરાયેલી આ ફિલ્મ ‘કાલા હિરણ’નું નિર્દેશન ભરત એસ. શ્રીનાતે કર્યું છે અને તેનું ટીઝર 20 જૂનના રોજ રિલીઝ થવાનું છે.

