વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે 12 માર્ચના રોજ નશામાં ચકચૂર એક નબીરાએ 8 લોકો પર કાર ચડાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. અકસ્માત બાદ આરોપીએ ભારે હોબાળો પણ કર્યો હતો. આરોપીની ઓળખ રક્ષિત ચૌરસિયા તરીકે થઈ છે અને પોલીસે તેની અને તેના સાથી પ્રાંશુની પણ ધરપકડ કરી છે.
આરોપી રક્ષિતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા કહ્યું હતું કે, “અમે નિઝામપુર જઈ રહ્યા હતા. પાસે અમે મારા મિત્રના ઘરે હોલિકા દહનની ઉજવણી માટે મળ્યા હતા. ત્યાંથી મારો મિત્ર મને રૂમ પર મૂકવા આવી રહ્યો હતો. આ સમયે કાર થોડી સ્પીડમાં હતી. મને ઓટોમેટિક કાર ચલાવતા આવડતી નથી અને આ કાર ઓટોમેટિક હતી. કાર સ્પોર્ટ મોડ પર હતી.”
તેણે વધુમાં કહ્યું કે, અચાનક અકસ્માત થયો અને એરબેગ ખૂલી જવાથી તેને કઈ દેખાયું નહીં. વધુમાં તેણે ભૂલ સ્વીકારતા કહ્યું કે, “મારી ભૂલ હતી હું સ્વીકારું છું. જેના અકસ્માત થયા તે પરિવારોને મળવા માંગુ છું અને માફી માંગવા માંગુ છું. મેં કરેલો ગુનો માફી લાયક પણ નથી.” વધુમાં તેણે એવું કહ્યું હતું કે, તેણે ભાંગ પીધી હતી.
જોકે, અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, રેપિડ ટેસ્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી રક્ષિત અને તેના મિત્રોએ ડ્રગ્સ લીધું હતું. ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યું હતું તેની પોલીસ તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે. વડોદરા પોલીસે કહ્યું છે કે, અકસ્માત પહેલાં હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધું હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે.