Thursday, April 17, 2025
More

    અમદાવાદમાં જાહેર માર્ગ પર આતંક મચાવનારાઓનાં ઘરનું ડિમોલિશન શરૂ, પોલીસે તેમની જ શેરીમાં લઈ જઈને ફટકાર્યા

    તાજેતરમાં અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અમુક ગુંડાતત્વો જાહેર માર્ગ ઉપર હાથમાં તલવારો લહેરાવતા, લાઠી-દંડા લઈને વાહનોમાં તોડફોડ કરતા અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને મારતા જોવા મળ્યા. આ આરોપીઓ વિરુદ્ધ હવે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. 

    અમદાવાદ પોલીસે વિડીયો વાયરલ થયા બાદ આ કેસમાં એક સગીર સહિત 14 ઇસમોની ધરપકડ કરી લીધી હતી. બીજા દિવસે તેમને સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પછીથી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 7 આરોપીઓએ પોતાનાં મકાન ગેરકાયદેસર ઊભાં કરી દીધાં છે. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી. 

    શનિવારે (15 માર્ચ) પોલીસ કમિશનરની હાજરીમાં પોલીસ અને પ્રશાસનની ટીમો પહોંચી હતી અને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે આરોપીઓના પરિજનોએ હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.

    બીજી તરફ, પોલીસે આ ગુંડાઓની તેમની શેરીમાં લઈ જઈને જ સરભરા કરી અને સ્થાનિકો અને પરિવારની હાજરીમાં જ મારતા-મારતા ઘર સુધી લઈ જવામાં આવ્યા. જેના વિડીયો પણ ફરતા થયા છે.

    ઘટનાની વધુ વિગતો એવી છે કે મામલો મૂળ ગેંગવૉરનો છે. બે ગેંગ વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થતાં બંને વસ્ત્રાલમાં મળવાના હતા. પણ બંનેને એકબીજાના માણસો ન મળતાં જાહેર માર્ગ પરથી પસાર થતા લોકો અને વાહનો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે પોલીસે તેમને રાત્રે જ પકડી લીધા હતા અને મારતા-મારતા લઈ જવામાં આવ્યા હતા.