Friday, October 4, 2024
More
    હોમપેજદેશપુણે અકસ્માત કેસમાં હવે 2 ડૉક્ટરોની ધરપકડ, આલ્કોહોલ ટેસ્ટ પહેલાં સગીર આરોપીના...

    પુણે અકસ્માત કેસમાં હવે 2 ડૉક્ટરોની ધરપકડ, આલ્કોહોલ ટેસ્ટ પહેલાં સગીર આરોપીના બ્લડ સેમ્પલ સાથે છેડછાડનો આરોપ

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીના પરિજનોએ ડૉક્ટરોને પૈસાની લાલચ આપી હતી. ડૉ. શ્રીહરિ હરલોલ દ્વારા આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં આલ્કોહોલ હોઈ શકે છે તે જાણ્યા પછી, તેને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પુણે પોર્શે કાર અકસ્માત કેસમાં હવે અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પુણે પોલીસે આ મામલે વધુ એક કાર્યવાહી કરી છે. સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને ડૉક્ટરો પર સગીર આરોપીના બ્લડ સેમ્પલમાં છેડછાડ કરવાનો આરોપ છે. પૂછપરછ બાદ આ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ વિશેની જાણકારી પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે આપી છે.

    પોલીસ કમિશનર અનુસાર, 19 મેના રોજ સગીર આરોપીએ નશાની હાલતમાં બાઇક સાથે ટક્કર મારી દીધી હતી. જેના કારણે બાઇક પર સવાર બે લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ આરોપીને મેડિકલ તપાસ માટે પુણેની સસૂન સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરો તરફથી મળેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં દારૂની પુષ્ટિ થઈ નહોતી. પરંતુ અન્ય સ્થળે બીજો રિપોર્ટ કરવામાં આવતા તેમાં દારૂની પુષ્ટિ થઈ હતી. તેથી પહેલાં રિપોર્ટ પર શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ તે બંને રિપોર્ટને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં પહેલો રિપોર્ટ કોઈ અન્ય વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું.

    ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીના પરિજનોએ ડૉક્ટરોને પૈસાની લાલચ આપી હતી. ડૉ. અજય તાવરે સસૂન હૉસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના વડા છે અને ડૉ. શ્રીહરિ હરલોલ ઈમરજન્સી વિભાગના મુખ્ય તબીબી અધિકારી છે. શ્રીહરિ હરલોલ દ્વારા આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ તેમાં આલ્કોહોલ હોઈ શકે છે તે જાણ્યા પછી તેને બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આટલું જ નહીં આરોપ છે કે રજા પર ગયેલા ડૉ. અજય તાવરેએ પણ ખાસ કરીને આ ગુનો છુપાવવા આ ઘટનામાં દરમિયાનગીરી કરી હતી. આ પછી, બીજા દર્દીના બ્લડ સેમ્પલને પોલીસ તપાસ માટે આપી દેવામાં આવ્યા હતા અને સગીર આરોપીના સેમ્પલને કચરાપેટીમાં નાખી દેવામાં આવ્યા હતા. પોલીસે બંને ડૉક્ટરોની ધરપકડ કરી મોબાઈલ ફોન જપ્ત કરી લીધા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે અકસ્માતના દિવસે ડૉક્ટર અજય તાવરે અને આરોપીના પિતા વિશાલ અગ્રવાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.

    નોંધનીય છે કે, અકસ્માતની ઘટના ગત 19 મેના રોજ બની હતી. એક પોર્શે કારે પુણેના રસ્તા પર રાત્રે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મોટરસાયકલ પર સવાર યુવક-યુવતીનાં મોત નીપજ્યાં હતાં. પછીથી સામે આવ્યું કે, કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને તે નશામાં પણ હતો. પછીથી જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતાં ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવાની અને નિબંધ લખવાની શરતે તેને જામીન આપી દેવામાં આવ્યા હતા, પરંતુ દેશભરમાં ભારે ટીકા થયા બાદ પોલીસે ફરી અરજી દાખલ કરી હતી અને તેના કારણે આરોપીના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા. હાલ તેના પિતા અને દાદા જેલમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં