હોમપેજગુજરાતચૈતર વસાવાએ યુવકને જાહેરમાં માર્યો લાફો, બચાવમાં લાગી ગઈ યુટ્યુબ જમાત: કઈ...

ચૈતર વસાવાએ યુવકને જાહેરમાં માર્યો લાફો, બચાવમાં લાગી ગઈ યુટ્યુબ જમાત: કઈ રીતે AAP ધારાસભ્યની ગુંડાગિરી અવગણીને તેમના પક્ષમાં નરેટિવ સેટ કરવાના થઈ રહ્યા છે પ્રયાસ

ચૈતર વસાવાએ ધારાસભ્ય થઈને એક સામાન્ય માણસને લાફો મારી દીધો હોવા છતાં સમગ્ર પ્રકરણ આ યુટ્યુબ ચેનલો એ રીતે રજૂ કરી રહી છે જાણે ચૈતરે ન્યાય માટેની લડતમાં કોઈ મોટું પરાક્રમ કર્યું હોય.

- Advertisement -

ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂકેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હમણાં એક નવો કાંડ કર્યો છે. ઝઘડિયા GIDCની એક કંપનીમાં સીનસપાટા કરવા માટે પહોંચેલા AAP નેતાએ એક યુવકને સરાજાહેર લાફો મારી દીધો. સામે યુવકે પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ યુવક એક પીડિત પરિવારનો સભ્ય હતો, જેને હવે ચૈતરે પોલીસનો માણસ ગણાવી દીધો છે!

ઘટના એવી છે કે ઝઘડિયા GIDCની એક કંપનીમાં ચાર દિવસ પહેલાં આગ લાગતાં અમુક કર્મચારીઓ દાઝી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમાંથી એક કર્મચારીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું. કંપનીએ આ મૃતકના પરિજનોને વળતર અને અન્ય વાતચીત માટે કંપનીએ બોલાવ્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ત્યાં પહોંચી ગયા અને પોલીસકર્મીઓ અને હાજર કંપનીના સુરક્ષાકર્મીઓ સાથે આદત અનુસાર જ તોછડાઈભર્યું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. જે મૃતકનો પરિવાર ત્યાં હાજર હતો તેમણે પણ ચૈતરના આ વર્તનનો વિરોધ કર્યો અને તેઓ માત્ર હોબાળો મચાવવા આવ્યા છે તેમ કહીને તેમને પરત ફરવા માટે કહી દીધું.

- Advertisement -

દરમ્યાન મૃતકના પરિજનો પૈકીના એક યુવક અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને ધારાસભ્યએ ઉશ્કેરાઈ જઈને યુવકને લાફો મારી દીધો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ.

એક ધારાસભ્ય કક્ષાનો માણસ એક સામાન્ય વ્યક્તિને આમ જાહેરમાં લાફો કઈ રીતે મારી શકે એ પ્રશ્ન હવે ચર્ચાઈ રહ્યો છે અને ચૈતરની આ ગુંડાગિરી પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. બીજી તરફ આવા દરેક કિસ્સામાં આમ આદમી પાર્ટીના નેતાએ બહુ ક્રાંતિકારી કામ કર્યું હોય તેવું ચિત્ર ઊભું કરવાના પ્રયાસો કરતી યુટ્યુબ ચેનલો ફરી એક વખત ચૈતર વસાવાના બચાવમાં કૂદી પડી છે.

આ ચેનલોમાંથી અમુકની મોડસ ઓપરેન્ડી એ છે કે જો કોઈ ભાજપનો નેતા કોઈ વાંકમાં આવે તો તરત સામે કેમેરા મૂકીને, હાથમાં બોલપેન અને ચોપડી લઈને ઉપદેશો આપવા માટે અને લોકશાહીના હનનની વાતો કરવા બેસી જાય છે. પરંતુ જો કોઈ આમ આદમી પાર્ટીનો નેતા ફૉલ્ટમાં આવે તો તરત તેને કૉલ કરીને તેનો પક્ષ રજૂ કરવા માટે. પ્લેટફોર્મ પૂરું પાડી દેવામાં આવે છે.

આ કિસ્સામાં પણ એમ જ થઈ રહ્યું છે.

ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા માટે અગાઉ પણ વિવાદમાં સપડાઈ ચૂકેલી યુટ્યુબ ચેનલ જમાવટે એક વિડીયો અપલોડ કર્યો છે, જેનું ટાઇટલ છે– ‘ચૈતર વસાવાની પોલીસ અને મૃતકના પરિવાર સાથે કેમ બબાલ થઈ?’

વિડીયોમાં જમાવટનાં એક પત્રકારે ચૈતર વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં ચૈતર વસાવા પોતાનો પક્ષ મૂકતાં જાતજાતની વાતો કરે છે અને પોલીસનો પણ વાંક કાઢે છે. જે યુવક સાથે મારામારી કરી તેને પણ પોલીસે જ તૈયાર કર્યો હોવાનું જણાવી દે છે.

અહીં ‘જમાવટ’ની પત્રકાર ચૈતર વસાવાએ લાફો માર્યો હતો તેની ઉપર તો કોઈ પ્રશ્ન કરતી નથી અને ઉપરથી એવું કહી દે છે કે મૃતકના પરિજનો સાથે ખરાબ વર્તન થયું છે અને મૃતકના ભાઈને પોલીસે લાફો મારી દીધો છે! જેના જવાબમાં ચૈતર કહે છે કે એ પોલીસનો માણસ છે અને મૃતકનો ભાઈ નથી.

ટૂંકમાં આખો વિડીયો જોતાં લાગી શકે કે ચૈતર વસાવા ન્યાયની માંગણી સાથે ત્યાં ગયા હતા અને પોલીસે અગાઉથી કાવતરું રચીને તેમને ફસાવી દીધા. વાતચીતમાં ક્યાંય ચૈતર વસાવાએ જે ગેરવર્તન કર્યું તેની ચર્ચા નથી અને ઉપરથી જમાવટની પત્રકાર એવું કહી દે છે કે પોલીસે મૃતકના ભાઈને માર્યો હતો!

આ નરેટિવ એક જ ચેનલ ગોઠવી રહી નથી.

વાસ્તવમાં દર વખતે આ ચેનલો જેવું કરે છે એવું જ આ વખતે પણ થયું. ચૈતર વસાવા આ રીતે પોતાના અમુક માણસો એકઠા કરીને છાશવારે પોલીસ અને અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરતા રહે છે અને આ ચેનલો કાયમ તેમને ક્રાંતિકારી સાબિત કરવા મથતી રહે છે. આ વખતે પણ ચૈતર વસાવા કંપનીમાં ન્યાયની માંગણી સાથે ગયા હતા તેવા વિડીયો શરૂઆતમાં ફેરવવામાં આવ્યા. ચૈતર વસાવાએ ‘હજારો માણસો સાથે હલ્લાબોલ’ કર્યો હોવાનું ચલાવવામાં આવ્યું. પરંતુ પછીથી લાફાવાળો વિડીયો સામે આવી ગયો એટલે પાસાં અવળાં પડ્યાં. જેથી હવે તેનો બચાવ કરવાનો શરૂ કરી દેવાયો છે.

ચૈતર વસાવાએ ધારાસભ્ય થઈને એક સામાન્ય માણસને લાફો મારી દીધો હોવા છતાં સમગ્ર પ્રકરણ આ યુટ્યુબ ચેનલો એ રીતે રજૂ કરી રહી છે જાણે ચૈતરે ન્યાય માટેની લડતમાં કોઈ મોટું પરાક્રમ કર્યું હોય. એવા જ પ્રકારનાં ટાઇટલ સાથે વિડીયો ચલાવવામાં આવી રહ્યા છે. પણ કોઈ ચેનલ ચૈતરને એ પ્રશ્ન કરી રહી નથી કે આખરે તેમણે એક જનપ્રતિનિધિ થઈને આ ગુંડાગિરી કરવાની જરૂર શું પડી.

એટલું જ નહીં ‘ચૈતર વસાવાને ગુસ્સો કેમ આવ્યો’ તેમ કહીને ગમે તેમ કરીને તેમના કૃત્યને જસ્ટિફાય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આમાં પ્રશાંત દયાળની નવજીવન ન્યૂઝ પણ પાછળ નથી. નવજીવને પણ શરૂઆતમાં ચૈતર વસાવા ‘કામદારોના ન્યાય’ માટે લડતા હોવાની સ્ટોરી ચલાવી. ત્યારબાદ લાફાવાળી ઘટના બની એટલે ચૈતર વસાવાનો પક્ષ રજૂ કરતા વિડીયો ચલાવવાના શરૂ કરી દેવામાં આવ્યા. પરંતુ એ પ્રશ્ન ન કરવામાં આવ્યો કે સામાન્ય માણસને એક ધારાસભ્યએ લાફો મારી દીધો હતો એનું શું?

સુજ્ઞ વાચકો જાણે છે કે આ જ ઘટના જો કોઈ ભાજપ ધારાસભ્ય સાથે બની હોત તો આ યુટ્યુબ ચેનલોનું વલણ શું હોત? તો કોઈ પણ એ નેતા પાસે ગયું ન હોત, ન તેમને ફોન કરવામાં આવ્યો હોત કે ન તેમની બાઈટના વિડીયો ચલાવવામાં આવ્યા હોત. ઉપરથી જનપ્રતિનિધિઓએ કેવી રીતે વર્તવું જોઈએ તેનું જ્ઞાન પણ અપાયું હોત. પરંતુ અહીં આમ આદમી પાર્ટીના એ નેતા છે, જેમના સમાચારોથી જ આ યુટ્યુબ ચેનલો ઉભરાતી રહે છે. એટલે રિપોર્ટિંગ સદંતર બદલાઈ ગયું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં