Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆંતરિક વિખવાદ ખાળી શકશે કોંગ્રેસ? હાલોલમાં ઉમેદવાર બદલવા પડ્યા, બાયડમાં ટિકિટ કપાતાં...

    આંતરિક વિખવાદ ખાળી શકશે કોંગ્રેસ? હાલોલમાં ઉમેદવાર બદલવા પડ્યા, બાયડમાં ટિકિટ કપાતાં પૂર્વ ધારાસભ્યે કહ્યું- પાર્ટીએ ગોટાળા કરનારને ટિકિટ આપી

    128-હાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પહેલાં રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. પરંતુ હવે તેમના સ્થાને અનિશ બારિયાને ટિકિટ આપવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે નામ તો જાહેર કરી દીધાં છે, પરંતુ હજુ પણ અમુક બેઠકો પર પાર્ટી કોકડું ઉકેલવામાં સફળ થઇ રહી નથી. ક્યાંક ઉમેદવારો બદલવા પડી રહ્યા છે તો ક્યાંક આંતરિક વિખવાદ અને નેતાઓની નારાજગી દૂર થઇ રહ્યાં નથી. હાલોલ વિધાનસભા બેઠક પર પાર્ટીએ છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા છે. બીજી તરફ, બાયડ બેઠક પરના કોંગ્રેસ MLA જશુભાઈ પટેલે કહ્યું કે, પાર્ટીએ ગોટાળા કરનારા અને ચોકઠાં ગોઠવનારને ટિકિટ આપી છે. 

    128-હાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પહેલાં રાજેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. પરંતુ હવે તેમના સ્થાને અનિશ બારિયાને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ અધિકારીક નિવેદન જારી કરીને આ બાબતની જાણકારી આપી હતી. કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ જાહેર કરવામાં આવેલ યાદીમાં હાલોલ પરથી રાજેન્દ્ર પટેલનું નામ લખવામાં આવ્યું હતું, પરંતુ હવે મેન્ડેટ બદલવામાં આવ્યું છે. આંતરિક વિખવાદ અને નારાજગીને ખાળવા પાર્ટીએ આમ કર્યું હોવાનું અનુમાન છે. 

    બીજી તરફ, બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. મહેન્દ્રસિંહ તાજેતરમાં જ ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. અહીં કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલની ટિકિટ કપાતાં તેઓ નારાજ હોવાનું પણ બહાર આવ્યું હતું. 

    - Advertisement -

    જશુભાઈ પટેલે નારાજગીને લઈને કહ્યું હતું કે, ટિકિટ ન મળતાં કોઈ મનદુઃખ નથી. લોકસેવા એ મારો સિદ્ધાંત છે. પાર્ટીએ મને ઓળખ્યો નહીં હોય અથવા મારી કોઈ ભૂલ હશે. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટીએ ગોટાળા કરનારા અથવા ચોકઠાં ગોઠવનારાઓ અને વેપાર કરનારાઓને ટિકિટ આપી છે. પરંતુ લોકસેવા એ જ મારી રણનીતિ રહેશે. તેમણે ‘કોંગ્રેસમાં રહેવું કે ન રહેવું એ આગળ જઈને જોઈશું’ તેમ કહીને પાર્ટી છોડવાના પણ સંકેતો આપી દીધા હતા. 

    આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. ત્રણ બેઠકોને લઈને બંને પાર્ટીઓ વચ્ચે સમજૂતી થઇ છે. જેમાંથી એક બેઠક નરોડા પણ છે. પરંતુ અહીં એનસીપીએ જેમને ટિકિટ આપી હતી એ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે તેમ જાણવા મળી રહ્યું છે. 

    કોંગ્રેસ પાર્ટી આ વખતે પહેલેથી જ ચિત્રમાં ઓછી દેખાય રહી છે. પછીથી ચૂંટણી જાહેર થયા બાદ પાર્ટીએ પ્રચાર તો શરૂ કર્યો પરંતુ આંતરિક વિખવાદને ખાળવામાં ધારેલી સફળતા મળી રહી નથી તેમ લાગી રહ્યું છે. એક તરફ ચૂંટણી જાહેર થઇ રહી હતી તો બીજી તરફ એક જ અઠવાડિયામાં પાર્ટીના ત્રણ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા હતા. આ સંજોગોમાં આ બેઠકો પર પણ પાર્ટીને મુશ્કેલી પડી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં