Wednesday, February 5, 2025
More
    હોમપેજરાજકારણમતદાન સમયે નવાં-નવાં તૂત ચલાવતા રહ્યા AAP નેતાઓ, ફેક્ટચેક કરતી રહી દિલ્હી...

    મતદાન સમયે નવાં-નવાં તૂત ચલાવતા રહ્યા AAP નેતાઓ, ફેક્ટચેક કરતી રહી દિલ્હી પોલીસ: આ રહ્યા 7 કિસ્સાઓ

    દિલ્હી પોલીસે તમામ AAP નેતાઓના જુઠ્ઠા દાવાઓને પકડી પાડીને ફેક્ટચેક કર્યું છે અને તે પણ જાહેરમાં. એટલે આ વખતની ચૂંટણીમાં દિલ્હી પોલીસના કામમાં ઘણો વધારો પણ નોંધાયો છે.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) માટેનું મતદાન (voting) બુધવારે (5 ફેબ્રુઆરી) સાંજે પૂર્ણ થયું છે. જોકે, મતદાન માત્ર દિલ્હીમાં ચાલી રહ્યું હતું, પરંતુ તેના પડઘા આખા દેશમાં પડી રહ્યા હતા. દિલ્હી પોલીસ (Delhi Police) અને ચૂંટણી પંચે ઘણી સારી વ્યવસ્થા કરી હતી. આમ જોવા જઈએ તો દિલ્હી વિધાનસભાનું મતદાન નિર્વિઘ્ને પૂર્ણ થયું, પરંતુ તેમ છતાં દિલ્હી પોલીસની જવાબદારીમાં આ વખતે ઘણો વધારો પણ જોવા મળ્યો છે. દિલ્હી પોલીસે પોતાના નિયત કામોની સાથે અન્ય પણ ઘણા કામો કરવા પડ્યાં છે.

    દિલ્હી પોલીસના કામમાં ભારણ એટલા માટે આવ્યું, કારણ કે, દિલ્હી પોલીસે સુરક્ષા, વ્યવસ્થા અને નિરીક્ષણની સાથે-સાથે AAP નેતાઓના જુઠ્ઠાણાં પર પણ નજર રાખવી પડી હતી. હા.. દિલ્હી પોલીસે તમામ AAP નેતાઓના જુઠ્ઠા દાવાઓને પકડી પાડીને ફેક્ટચેક કર્યું છે અને તે પણ જાહેરમાં. એટલે આ વખતની ચૂંટણીમાં દિલ્હી પોલીસના કામમાં ઘણો વધારો પણ નોંધાયો છે. આ લેખમાં આપણે દિલ્હી પોલીસના તે ફેક્ટચેક વિશે વાત કરીશું કે, જેમાં તેણે દિવસ દરમિયાન AAP નેતાઓના જુઠ્ઠાણાંને પકડી પાડ્યાં છે.

    AAP નેતાઓ ફેલાવતા રહ્યા જુઠ્ઠાણું અને દિલ્હી પોલીસ કરતી રહી ફેક્ટચેક

    દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું અને સાંજે પૂર્ણ પણ થયું છે. જોકે, ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી જ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો. મોડી રાતથી જ મુખ્યમંત્રી આતિશી પોતે સોશિયલ મીડિયા પર રાડારાડ કરવા લાગ્યાં હતાં. આ સાથે જ દિલ્હી પોલીસ પણ મોડી રાતથી જ કામમાં જોતરાઈ ગઈ હતી. પરંતુ આપણે અહીં માત્ર મતદાનના દિવસ દરમિયાન AAP નેતાઓએ ફેલાવેલા જુઠ્ઠાણાં વિશે વાત કરવાના છીએ.

    - Advertisement -

    જુઠ્ઠાણું નંબર- 1

    જુઠ્ઠાણું નંબર- 1 ફેલાવવાનો શ્રેય આમ આદમી પાર્ટીના જેલવાસ ભોગવી આવેલા નેતા સંજય સિંઘને જાય છે. સંજય સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, દિલ્હી પોલીસે વાલ્મીકિ સમાજના હરીશ નામના નેતાની ધરપકડ કરી છે અને સાઉથ એવન્યુ પોલીસ સ્ટેશનમાં તેમને લઈ જવામાં આવ્યા છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, જાણીજોઈને આખી દિલ્હીમાંથી વાલ્મીકિ સમાજના લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં અમિત શાહને મેન્શન કરીને પૂછવામાં આવ્યું છે કે, વાલ્મીકિ સમાજ સાથે તેમની શું દુશ્મની છે.

    ખેર, અમિત શાહે તો કોઈ જવાબ ન આપ્યો પણ નવી દિલ્હીના DCPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જવાબ આપતા કહ્યું કે, “હરીશ નામના વ્યક્તિને ‘મફત’ વસ્તુઓ વહેંચવા બદલ અને મતદાતાઓને સાઉથ એવન્યુ મતદાન કેન્દ્ર સુધી લઈ જવાની ફરિયાદ બદલ માત્ર ડિટેઇન કરવામાં આવ્યા છે. વધુમાં પૂછપરછ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    જુઠ્ઠાણું નંબર- 2

    જુઠ્ઠાણું નંબર-2 ફેલાવવાનો શ્રેય પણ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘને જાય છે. આ વખતે તેમણે એક વિડીયો પોસ્ટ કર્યો અને એવો દાવો કર્યો કે, “તુગલક લેન બુથ પર ભાજપની ગુંડાગર્દી.. અમારા કાર્યકર્તાઓને ટેબલ પર બેસવા નથી દેતા.”

    આ જુઠ્ઠાણાંનો જવાબ પણ નવી દિલ્હીના DCPએ જ આપ્યો છે. તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે, “ECIની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા ટેબલ પર વધારાનું એક ટેબલ અને ‘પાર્ટી સિમ્બોલ’ હતું. તેથી વધારાનું ટેબલ અને પાર્ટી સિમ્બોલને દૂર કરવામાં આવ્યા છે.”

    જુઠ્ઠાણું નંબર- 3

    જુઠ્ઠાણું નંબર- 3 માટેનો શ્રેય પણ AAPના સંજય સિંઘને જાય છે. તેમણે પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, “અમારા એક કાર્યકર્તા ઉદયને કોઈપણ કારણ વગર જ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં બંધ કરીને રાખવામાં આવ્યા છે. હું પોલીસ સ્ટેશનમાં હાજર છું.”

    આનો જવાબ પણ નવી દિલ્હીના DCPએ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, “તેની અટકાયત કરવામાં આવી છે. કારણ કે, તે તેના સાથીઓ સાથે મળીને લોકોને ‘ખાસ રાજકીય પક્ષના ટેબલ’ પર આવવા માટે દબાણ કરી રહ્યો હતો.”

    જુઠ્ઠાણું નંબર- 4

    આ માટેનો શ્રેય પણ સંજય સિંઘને જ જાય છે. તેમણે ANI સાથે વાત કરતા એવો દાવો કર્યો કે, “અમારી નવી દિલ્હીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરવાના પ્રયાસો થયા. કાલાકાજીમાં ગુંડાગર્દી ચાલી રહી છે. રાજીન્દર નગરમાં પૈસા અને સાડીઓ વહેચવામાં આવી રહી છે. શું ચૂંટણી પંચને આ બધુ નજરે નથી પડતું? તેઓ (ભાજપ) હારી રહ્યા છે, તેથી હતાશામાં આવું કરી રહ્યા છે. અમે 60થી વધુ બેઠકો જીતી રહ્યા છીએ.”

    આનો જવાબ આપતા નવી દિલ્હીના DCPએ કહ્યું છે કે, “આરોપોની સંવેદનશીલતાને જોતાં આ ઘટના અંગે તપાસ કરવામાં આવી અને ઉપલબ્ધ સીસીટીવી વિડીયો અને સોશિયલ મીડિયા વિડીયો દ્વારા પથ્થરમારાનો આરોપ પ્રમાણિત નથી થઈ શક્યો.” અહીં સુધી તો બરાબર પણ પછીથી DCPએ એવું કહ્યું કે, “AAP કાર્યાલય તરફથી વાહન નિરીક્ષણ અને વિડીયો ફૂટેજ માટેની વિનંતી નકારી કાઢવામાં આવી હતી.”

    જુઠ્ઠાણું નંબર- 5

    આ માટેનો શ્રેય AAPને જાય છે. કારણ કે, AAPના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પર વિડીયો પોસ્ટ કરીને એવો દાવો કરવામાં આવ્યો કે, “જંગપુરામાં મતદાતાઓને ખુલ્લેઆમ બિલ્ડિંગમાં લઈ જઈને પૈસા વહેંચી રહી છે બીજેપી. જંગપુરા વિધાનસભામાં ભાજપના બુથની નજીકની બિલ્ડિંગમાં મતદાતાઓને પૈસા વહેચવામાં આવી રહ્યા છે. આ બધું દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચના નિરીક્ષણમાં કરવામાં આવી રહ્યું છે.” વધુમાં ચૂંટણી પંચને મેન્શન કરીને સલાહ અપાઈ કે, થોડી પણ પ્રામાણિકતા વધી હોય તો ‘સંવિધાનના હત્યારાઓ’ વિરુદ્ધ કાર્યવાહી કરો.

    AAPના આ જુઠ્ઠાણાંનો જવાબ સાઉથ-ઈસ્ટ દિલ્હીના DCPએ આપ્યો છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, “સરાય કાલે ખાંમાં મતદાતા પર લાંચ લેવાના આરોપોની તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી. પોલીસ, Exe. મેજિસ્ટ્રેટ/FSTએ ગહન ચકાસણીની ખાતરી કરી છે. આ દાવાઓને સમર્થન આપવા માટેના કોઈ પુરાવા મળ્યા નથી. શાંતિ અને વ્યવસ્થા માટે પોલીસની પ્રભાવી ઉપસ્થિતિ કાયમ છે.”

    જુઠ્ઠાણું નંબર- 6

    આ વખતે જુઠ્ઠાણું ફેલાવનાર એક AAP સમર્થક હેન્ડલ છે. તે હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો અને સાથે લખવામાં આવ્યું હતું કે, “ઠોકો સાલો કો…આ દિલ્હીના ભાજપ ધારાસભ્યની ભાષા છે. એક મહિલાને ભાજપ કાર્યકર્તા કહી રહ્યો છે કે, તમને ખબર નથી કે, આ 15 વર્ષથી ધારાસભ્ય છે. તરત ફોન બંધ કરો.”

    આ પોસ્ટનો જવાબ શાહદરા DCPએ આપ્યો હતો. તેમણે લખ્યું કે, “શાહદરા પાસે એક ઘટના બની છે. જ્યાં ભાજપ ઉમેદવાર ઓમપ્રકાશ શર્માના સમર્થકો અને AAP સમર્થકો વચ્ચે વિવાદ ઊભો થયો છે. સ્થાનિક તપાસ અનુસાર, વિવાદ શરૂ ત્યારે થયો જ્યારે, કેટલાક મતદાતાઓ ભાજપ સમર્થકો તરફ જઈ રહ્યા હતા અને તે સમયે જ AAP કાર્યકર્તાઓએ તેમને પોતાના મેજ પર બોલાવી લીધા હતા. આ કારણે વિવાદ ઊભો થયો. હમણાં સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નથી મળી. વધુ તપાસ ચાલી રહી છે.”

    જુઠ્ઠાણું નંબર- 7

    આ જુઠ્ઠાણાંનો શ્રેય હવે ફરી AAPના સંજય સિંઘને જાય છે. તેમણે એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “ભાઈઓ ગાંધી નગરમાં શરૂ થઈ ગયો ખેલ. ‘વોટ નાખ્યા વિના વોટ પડી ગયો’. ભાજપના ગુંડાઓએ આંગળી પર શાહી લગાવી દીધી. શું ચૂંટણી પંચને આ બધુ નથી દેખાઈ રહ્યું?”

    ચૂંટણી પંચનું તો ખબર નહીં, પણ શાહદરા પોલીસને આ જરૂર દેખાઈ ગયું. તેથી જ DCP શાહદરાએ પોસ્ટ કરીને લખ્યું કે, “ગાંધી નગરમાં એક મતદાતાની આંગળી પર શાહી લગાવવાના સંબંધે એક PCR કોલ પ્રાપ્ત થયો હતો. પૂછપરછ બાદ જાણવા મળ્યું છે કે, જે વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે, તેની આંગળી પર શાહી લાગી છે. તે ફિરોઝ ખાનનો પુત્ર સલીમ છે અને તે પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે. તે એક કુખ્યાત ગુનેગાર છે અને તેના વિરુદ્ધ 15 ગુનાહિત કેસ નોંધાયેલા છે.”

    વધુમાં પોલીસે કહ્યું કે, “તે નશાની હાલતમાં મળી આવ્યો છે. તે સિવાય તેની આંગળી પર શાહી પણ મળી આવી નથી. તેણે ખુલાસો કર્યો છે કે, તે ચૂંટણી સમયે મીડિયામાં આવવા માટે ઉપજાવી કાઢેલી વાતો જણાવી રહ્યો હતો. RO અને FSTને સૂચિત કરવામાં આવ્યા છે. વધુ પૂછપરછ ચાલી રહી છે.”

    નોંધનીય છે કે, દિલ્હીમાં માત્ર એક દિવસમાં જ AAP નેતાઓએ સાત વખત ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાતેય આરોપો તદ્દન પાયાવિહોણા અને લોકોને ગુમરાહ કરનારા હતા. જોકે, આ મતદાન વખતે દિલ્હી પોલીસે તમામ ભ્રામક પોસ્ટને રિપોસ્ટ કરીને લોકોને ગુમરાહ થતા બચાવવાના પ્રયાસો કર્યા છે. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે, આ સિવાય પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક વખત આવી રીતે જુઠ્ઠાણું ફેલાવતા જોવા મળ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં