કેન્દ્ર સરકારે બુધવારે (24 ડિસેમ્બર) એક આદેશ બહાર પાડીને જણાવ્યું છે કે દિલ્હીથી લઈને ગુજરાત સુધી અરવલ્લી ગિરિમાળાના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યા છે અને અરવલ્લીમાં નવી કોઈ પણ માઇનિંગ લીઝને મંજૂરી આપવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સરકારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે આ નિયંત્રણો સંપૂર્ણ અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં લાગુ રહેશે અને તેનો આદેશ ગિરિમાળાની અખંડિતતા જાળવી રાખવાનો છે. સાથે જણાવવામાં આવ્યું કે નિર્દેશો ગુજરાતથી NCR સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાને સુરક્ષિત રાખવા અને ત્યાં કોઈ પણ અનિયંત્રિત ખનનની ગતિવિધિઓ ન થાય તે માટે આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનને (ICFRE) અરવલ્લીમાં વધારાના વિસ્તારો અને ઝોનની ઓળખ કરવા માટે કહ્યું છે, જ્યાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. કેન્દ્ર સરકારે જ્યાં પહેલેથી ખનન પર રોક લગાવી છે તેનાથી અલગ આ વિસ્તારોની ઓળખ થશે. જ્યાં પ્રતિબંધ લાગુ છે એ યથાવત જ રહેશે.
સરકારે ICFREને એક વિસ્તૃત અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત સસ્ટેનેબલ માઇનિંગ માટેનો મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે પણ નિર્દેશો આપ્યા છે, જેને તૈયાર થઈ ગયા બાદ પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવશે અને સૂચનો પણ મંગાવવામાં આવશે.
આ સિવાય રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં હાલ ખનન કાર્ય ચાલી રહ્યું છે ત્યાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ વિસ્તારોમાં પર્યાવરણની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. હાલ જે ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ વધુ નિયંત્રણો સાથે પર્યાવરણનું ધ્યાન રાખીને સસ્ટેનેબલ માઇનિંગ પ્રેક્ટિસને વળગી રહીને હાથ ધરવામાં આવે.
સરકાર સત્તાવાર અખબારી યાદીમાં જણાવે છે કે, અરવલ્લીની ઈકોસિસ્ટમ, રણીકરણ અટકાવવામાં તેમજ જૈવવિવિધતાથી માંડીને રિચાર્જિંગ એકવીફર અને પર્યાવરણની રક્ષામાં તેની ભૂમિકા વિશે પૂરેપૂરી વાકેફ છે અને તેની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
શું સરકાર ‘ઝૂકી’ ગઈ કે માત્ર કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું, જે વિરોધ શરૂ થવા પહેલાં અપાય ચૂક્યા હતા
આ આદેશ બાદ માહોલ એવો બનાવાય રહ્યો છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કેમ્પેઇનના કારણે કે કથિત રીતે ચારેકોર થઈ રહેલી ટીકાઓના કારણે સરકારે ‘ઝુકવું’ પડ્યું છે. જોકે હકીકત એ છે કે આ બધી જ વાતો સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવવામાં આવી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે જે સમિતિ બનાવી હતી, જેમાં સરકારનું મંત્રાલય અને સંસ્થાઓ પણ હતાં, એ સમિતિએ પણ ભલામણોમાં આ તમામ બાબતો જણાવી હતી.
સરકાર માત્ર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સસ્ટેનેબલ માઇનિંગનો પ્લાન અને ખનનના કારણે પર્યાવરણ પર થતી અસરો મામલે નક્કર પગલાં ન લેવામાં આવે ત્યાં સુધી અરવલ્લી વિસ્તારમાં કોઈ નવી માઈનિંગ લીઝને પરવાનગી આપવામાં ન આવે અને જ્યાં પરવાનગી સાથે ખનન ચાલે છે ત્યાં પર્યાવરણની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં હાલ ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યાં તે ચાલુ રાખી શકશે, પરંતુ તેના માટે અમુક નિયંત્રણો પાળવાં પડશે, જે સમિતિએ તેના રિપોર્ટમાં રજૂ કર્યાં છે. અહીં પણ કોર્ટ સમિતિ પર આધારિત રહી છે અને ચુકાદામાં પણ તેનો ઉલ્લેખ છે.
કેન્દ્ર સરકારે હવે આ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં રાજ્ય સરકારોને સૂચના આપી છે. એટલે પહેલાં કોઈ જુદી વાત કહેવામાં આવી હોય અને હમણાં કશુંક બીજું કહેવામાં આવ્યું હોય એમ નથી. સરકાર અને કોર્ટનું સ્ટેન્ડ પહેલેથી એક જ રહ્યું છે, ભ્રમણા ફેલાવવામાં એ તત્ત્વોનો હાથ વધુ હતો જેઓ કોર્ટના ચુકાદા અને અન્ય સંદર્ભો જાણ્યા-મૂક્યા વગર કૂદી પડ્યા હતા.


