Thursday, April 2, 2026
More
    હોમપેજદેશઅરવલ્લીની ગિરિમાળાઓનો મુદ્દો શું છે અને જે સુપ્રીમ કોર્ટનો આદેશ ચર્ચામાં છે...

    અરવલ્લીની ગિરિમાળાઓનો મુદ્દો શું છે અને જે સુપ્રીમ કોર્ટનો આદેશ ચર્ચામાં છે તેમાં શું કહેવાયું છે– સમજો

    અહીં નોંધવાનું એ રહ્યું કે 100 મીટરવાળી વાત હમણાંની નથી, 2010થી FSI કહેતું આવ્યું છે. તેના કરતાં હાલનાં નવાં માપદંડો વધુ યોગ્ય છે.

    - Advertisement -

    સૌથી જૂની ગિરિમાળાઓ પૈકીની એક અરવલ્લીની ગિરિમાળાઓ અચાનક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે. અનેક પોસ્ટ થઈ રહી છે, ‘ઇન્ફ્લુએન્સરો’ વિડીયો બનાવી રહ્યા છે, ગુજરાતમાં અમુક ટ્યુયુબ પર દુકાન ખોલી બેઠેલા સ્વઘોષિત પત્રકારો પણ જ્ઞાન વહેંચવા તલપાપડ થઈ રહ્યા છે, ‘સેવ અરાવલી’નાં હૅશટેગ સાથે સોશિયલ મીડિયા ઉભરાય રહ્યું છે. માહોલ એવો બનાવાયો છે કે અરવલ્લીની ગિરિમાળાઓ નષ્ટ કરવા માટે રાતોરાત કોન્ટ્રાક્ટ અપાઇ ગયા હોય અને અચાનક સુપ્રીમ કોર્ટે આદેશ આપવાના કારણે બધું બદલાઈ જવાનું હોય.

    ક્યાંથી શરૂ થયો મુદ્દો?

    સૌથી પહેલાં આ મુદ્દો ક્યાંથી શરૂ થયો એ સમજીએ. ગત 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે એક આદેશમાં અરવલ્લીની ગિરિમાળાઓ વિશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ જે વ્યાખ્યા અને માપદંડ આપ્યાં હતાં, એ સ્વીકારી લીધાં.

    આ માપદંડોમાં કહેવામાં આવ્યું છે કે જે પર્વતો 100 મીટરથી વધુ ઊંચાઈના હોય એ અને પર્વતોનો સમૂહ એકબીજાથી ઓછામાં ઓછા પાંચસો મીટર અંતરે હોય તેનો અરવલ્લી ગિરિમાળોમાં સમાવેશ કરવામાં આવશે. આદેશનું અર્થઘટન કરવામાં આવ્યું કે તે સિવાયના જે પર્વતો અને વિસ્તાર છે ત્યાંથી ખનન પરનાં નિયંત્રણો હટાવી લેવામાં આવશે અને તેની ઉપર જોખમ સર્જાશે. પણ નોંધવા જેવું એ છે કે આ જ ચુકાદામાં કોર્ટે જ્યાં સુધી નિષ્ણાતો રિપોર્ટ સુપરત ન કરે ત્યાં સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના અરવલ્લીની ગિરિમાળાના કોઈ પણ વિસ્તારમાં માઇનિંગની નવી લીઝને મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ અને હવે માહોલ એવો છે જાણે સમગ્ર અરવલ્લી જોખમ હેઠળ હોય અને ટૂંક સમયમાં નેસ્તાનાબૂદ થવાની કગાર પર હોય. અનેક સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે, દરેક પાંચમો જણ એક્સપર્ટ બની રહ્યો છે, પોતપોતાનાં મંતવ્યો આપી રહ્યો છે. આવી ચર્ચાઓમાં ઘણી વખત તથ્યો પણ આમતેમ થઈ જતાં હોય છે.

    આમાં તથ્યો શું છે એ જોઈએ.

    થોડી પૂર્વભૂમિકા બાંધીએ. આ ગિરિમાળાઓ ભારતની સૌથી જૂની ગિરિમાળા કહેવાય છે. લાખો વર્ષ જૂની. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી આ પર્વતમાળાઓ રાજસ્થાનના રણને હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધતું અટકાવવા માટે એક ઇકોલોજીકલ બેરિયરનું કામ કરે છે. ઉપરાંત હવામાન, જૈવવિવિધતા અને ગ્રાઉન્ડ વૉટર રિચાર્જિંગ જેવી બાબતોની દૃષ્ટિએ જોઈએ તોપણ ગિરિમાળાઓ અત્યંત અગત્યની છે. આ જ ગિરિમાળાઓ ચંબલ, સાબરમતી જેવી મોટી નદીઓનું ઉદ્ગમસ્થાન પણ છે.

    આ ક્ષેત્રમાં સેન્ડસ્ટોન, લાઈમસ્ટોન, માર્બલ, ગ્રેફાઇટ તેમજ ઝીંક, કોપર, ગોલ્ડ, ટંગ્સ્ટન વગેરે જેવાં ખનિજો ભરપૂર પ્રમાણમાં છે. આમ તો અહીં વધતા-ઓછા પ્રમાણમાં માઇનિંગ થતું રહ્યું છે, પણ છેલ્લા ચાર દાયકામાં પથ્થર અને રેતી માટે મોટા પ્રમાણમાં ખનન થયું. તેના કારણે સ્વાભાવિક વાયુ પ્રદૂષણમાં પણ વધારો થાય, ગ્રાઉન્ડવૉટર રિચાર્જ પર પણ અસર પડે.

    1990થી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં ખનન પર રોક લગાવવા માટે નિયંત્રણો લગાવ્યાં છે અને માત્ર અમુક મંજૂરીપ્રાપ્ત પ્રોજેક્ટને જ તેની પરવાનગી આપવામાં આવે છે, પણ છતાં નિયમોનું ઉલ્લંઘન પણ જોવા મળતું રહ્યું છે. આ બધું જોઈને વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ, ગુરુગ્રામ અને મેવાત એમ હરિયાણાના ત્રણ જિલ્લાઓમાં ખનન પર સદંતર રોક લગાવી દીધી હતી. મામલો વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો છે.

    માર્ચ 2024માં સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીને એક વિસ્તૃત અભ્યાસ કરીને ભલામણો રજૂ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ CECએ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે તમામ ચાર રાજ્યોમાં ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળાઓનું સંપૂર્ણ સાયન્ટિફિક મેપિંગ કરવું આવશ્યક છે, ઉપરાંત ત્યાં થતી ખનન પ્રવૃત્તિઓની પર્યાવરણ પર શું અસર પડે છે તેનું એક મેક્રો-લેવલ એસેસમેન્ટ પણ અનિવાર્ય છે.

    આ સિવાય સંરક્ષિત ક્ષેત્રો, વોટર બોડી, ટાઈગર કોરિડોર વગેરે જેવાં ‘ઇકોલૉજિકલી સેન્સેટિવ’ કહેવાય એવા વિસ્તારોમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે અને તેમાં નેશનલ કેપિટલ રિજન (NCR) પણ આવરી લેવામાં આવે એવું પણ આ સમિતિએ જ કોર્ટને ભલામણમાં જણાવ્યું છે. સાથે એ પણ ભલામણ કરવામાં આવી કે સંપૂર્ણ મેપિંગ ન થાય અને ખનનની પર્યાવરણીય અસરોનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ નવી માઈનિંગ લીઝને પરવાનગી આપવામાં ન આવે કે જૂની રિન્યુ પણ ન થાય.

    નવેમ્બર 2025ના આદેશમાં કોર્ટે આ બધી ભલામણો જ સ્વીકારી છે. 100 મીટરવાળી વાત આ મેપિંગ સંદર્ભે જ આવે છે. તેનું કારણ પણ સુપ્રીમ કોર્ટે આપ્યું છે.

    નવી વ્યાખ્યાની જરૂર કેમ પડી?

    કોર્ટે જોયું કે જુદાં-જુદાં રાજ્યો અરવલ્લીની ઓળખ માટે જુદા-જુદા ક્રાઈટેરિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. ‘અરવલ્લીની ગિરિમાળાઓ’ કોને કહેવાય અને કયા વિસ્તારોનો તેમાં સમાવેશ કરવામાં આવે તેના માટે જુદી-જુદી વ્યાખ્યાઓ હતી. જેમકે વર્ષ 2010માં ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે જે પર્વતો 3 ડિગ્રી કરતાં મોટા ઢાળ ધરાવતા હોય, 100 મીટર ફૂટહિલ બફર ધરાવતા હોય કે પાંચસો મીટરથી વધુ ઇન્ટર હિલ ડિસ્ટન્સ ધરાવતા હોય અને આ તમામ વ્યાખ્યાઓમાં બંધબેસતા હોય તેવા વિસ્તારો જેને આવરી લેતા હોય તે વિસ્તાર અરવલ્લીની ગિરિમાળાઓમાં ગણાશે.

    એટલે અહીં નોંધવાનું એ રહ્યું કે 100 મીટરવાળી વાત હમણાંની નથી, 2010થી FSI કહેતું આવ્યું છે. તેના કરતાં હાલનાં નવાં માપદંડો વધુ યોગ્ય છે, એની ચર્ચા આગળ.

    જુદાં-જુદાં રાજ્યો વચ્ચે વ્યાખ્યાઓની આ વિસંગતતા દૂર કરવા માટે પર્યાવરણ મંત્રાલય, FSI, જીઓલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા, રાજ્યોના વન વિભાગો અને સુપ્રીમ કોર્ટની કમિટી મળીને એક સંયુક્ત સમિતિ રચવામાં આવી. આ સમિતિને કામ સોંપવામાં આવ્યું કે અરવલ્લીની એક વૈજ્ઞાનિક આધાર પર રાષ્ટ્રવ્યાપી વ્યાખ્યા તૈયાર કરવામાં આવે, જે તમામ રાજ્યોમાં લાગુ પાડી શકાય. ઑક્ટોબર 2025માં આ સમિતિએ ભલામણો રજૂ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી.

    100 મીટરવાળો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ઉપસ્થિત થયો હતો અને એમિકસ ક્યુરીએ વાંધો ઉઠાવ્યો હતો કે આ વ્યાખ્યા હેઠળ 100 મીટરથી નીચેના તમામ પર્વતો પર માઇનિંગ માટેની પરવાનગી મળી જશે, પણ ત્યારે પણ એડિશનલ સોલિસિટર જનરલે સ્પષ્ટતા કરી હતી કે FSIએ અગાઉ જે ઢાળ અને ફૂટહિલ બફરની વ્યાખ્યા આપી હતી તેના હેઠળ અરવલ્લીનો મોટો વિસ્તાર બાકાત રહી જતો હતો. હમણાં જે વ્યાખ્યા તૈયાર કરવામાં આવી છે તે ઘણીખરી ‘ઇન્ક્લુઝિવ’ છે. એટલે 100 મીટરનો વિષય આજથી નહીં, 2010થી ચર્ચામાં છે.

    એવું પણ નથી કે અરવલ્લીમાં માઇનિંગ રોકવા માટે કશું થઈ નથી રહ્યું. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે સમગ્ર અરવલ્લી વિસ્તારને આવરી લેતો સસ્ટેનેબલ માઇનિંગનો વિસ્તૃત મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે. જેમાં એ સ્પષ્ટ જણાવવામાં આવે કે આ-આ વિસ્તારોમાં માઈનિંગ થઈ શકશે નહીં. જ્યાં સીમિત માત્રામાં માઇનિંગને પરવાનગી આપવાની હોય એ પણ સ્પષ્ટ કરવામાં આવે, જ્યાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવનાર હોય એ પણ. સાથેસાથે સેન્સેટિવ હેબિટેટ, વાઇલ્ડ લાઇફ કોરિડોર, વગેરે ક્ષેત્રોનું પણ ખાસ ધ્યાન રાખવવામાં આવે, જ્યાં માઇનિંગ થઈ શકશે નહીં.

    કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

    બીજી તરફ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 100 મીટરની જે વાત છે એ જમીનથી 100 મીટર એ રીતે ન ગણી શકાય, પણ એમાં જમીન નીચે પર્વતનો જે ભાગ હોય એ પણ ગણાય છે. એટલે એ વ્યાખ્યા હેઠળ જોઈએ તો મોટાભાગનો વિસ્તાર આવરી લેવાય છે અને માઈનિંગ માટે બહુ ઓછો વિસ્તાર બચે છે.

    ભૂપેન્દ્ર યાદવે રવિવારે (21 ડિસેમ્બર) બંગાળમાં એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધતાં જણાવ્યું કે અરવલ્લીના કુલ 1.44 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાંથી માત્ર 0.19 ટકા હિસ્સામાં જ ખનનની પરવાનગી મળી શકે એમ છે, બાકીનો વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત છે.

    લગભગ ચાર મિનિટના વિડીયોમાં કેન્દ્રીય મંત્રીએ ઉપર જે ચર્ચા કરી એ જ બાબત સમજાવી છે. અહીંથી જોઈ શકાશે.

    અરવલ્લીની ચર્ચા કરીએ એનો વાંધો નથી, પણ આ તથ્યો જાણી લઈએ એ જરૂરી છે. એ પણ અહીં જાણવું રહ્યું કે મોદી સરકારે ગત 5 જૂનના રોજ ‘અરાવલી ગ્રીન વૉલ પ્રોજેક્ટ’ લૉન્ચ કર્યો છે અને આ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લીના સંરક્ષણનું, વિસ્તારનું કામ પૂરેપૂરી ઝડપથી થઈ રહ્યું છે. વડા પ્રધાન મોદીએ સ્વયં આ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો, જેમાં દિલ્હીથી ગુજરાત સુધીની 700 કિમી રેન્જ આવરી લેવાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં