હોમપેજગુજરાતપાકિસ્તાની ઘૂસણખોરી અને તસ્કરી માટે કુખ્યાત કચ્છના હરામી નાળાને કેવી રીતે સુરક્ષિત...

પાકિસ્તાની ઘૂસણખોરી અને તસ્કરી માટે કુખ્યાત કચ્છના હરામી નાળાને કેવી રીતે સુરક્ષિત કરી રહી છે મોદી સરકાર, જાણો તેનું વ્યૂહાત્મક મહત્વ

હરામી નાળા જેવા વિસ્તારમાં રસ્તા અને સર્વેલન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે સુરક્ષાદળોને ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પ્રદાન કરે છે. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર સુધી પહોંચવું પણ મુશ્કેલ માનવામાં આવતું હતું, જ્યારે હવે ટેક્નોલોજી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેખરેખ અને પ્રતિસાદ બંનેમાં સુધારો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતના કચ્છ જિલ્લાની મુલાકાત લઈને ભારત-પાકિસ્તાન સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે સરહદી વિસ્તારોમાં તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) અધિકારીઓ સાથે બેઠક કરી, જવાનો સાથે સંવાદ સાધ્યો અને કચ્છના અત્યંત સંવેદનશીલ ગણાતા હરામી નાળા વિસ્તારની પણ મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે પરંપરાગત બોર્ડર સિક્યોરિટીના અભિગમને બદલીને ‘ટેરિટોરિયલ સિક્યોરિટી’ના નવા કન્સેપ્ટની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ અને ‘સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ’ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગૃહમંત્રીની આ મુલાકાત બાદ એકવાર ફરી હરામી નાળા ચર્ચામાં આવ્યું છે. દેશના મોટાભાગના લોકો માટે આ નામ કદાચ અજાણ્યું હોય, પરંતુ ભારતની સરહદી સુરક્ષાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કચ્છના રણ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો આ વિસ્તાર વર્ષોથી સુરક્ષા એજન્સીઓ માટે પડકાર અને ચિંતાનો વિષય રહ્યો છે. ઘૂસણખોરી, સ્મગલિંગ, પાકિસ્તાની બોટોની અવરજવર, વિવાદિત જળસીમાઓ અને જટિલ ભૂગોળને કારણે હરામી નાળાનું નામ વારંવાર ચર્ચામાં આવતું રહ્યું છે. પ્રશ્ન એ છે કે આખરે હરામી નાળા શું છે અને ભારતની સુરક્ષા માટે તેનું મહત્ત્વ શું છે?

હરામી નાળા શું છે અને તેનું નામ આવું કેમ પડ્યું?

હરામી નાળા કચ્છના પશ્ચિમ ભાગમાં, ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલો એક કુદરતી જળમાર્ગ છે. તે સર ક્રિક તરીકે ઓળખાતા વિશાળ ક્રિક સિસ્ટમનો એક ભાગ છે. સામાન્ય નદી કે નાળાની જેમ તેને સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આ વિસ્તાર વિશાળ કાદવપ્રદેશો, જ્વારભાટાથી સતત બદલાતી જળચેનલો, ખારી જમીન અને અનેક નાના-મોટા જળમાર્ગોથી ભરેલો છે. ભરતી અને ઓટના કારણે અહીંનું ભૂગોળ સતત બદલાતું રહે છે, જેના કારણે ક્યારે ક્યાં પાણી હશે અને ક્યાં કાદવ હશે તે નક્કી કરવું પણ મુશ્કેલ બની જાય છે.

- Advertisement -

હરામી નાળા નામ સાંભળતાં જ ઘણા લોકોને આશ્ચર્ય થાય છે. સામાન્ય બોલચાલમાં ‘હરામી’ શબ્દ અપશબ્દ તરીકે વપરાતો હોવા છતાં કચ્છના આ સરહદી વિસ્તાર સાથે તે દાયકાઓથી જોડાયેલો છે. ઑગસ્ટ 2023માં હરામી નાળાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેના નામ પાછળનું કારણ સમજાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ વિસ્તારનું નામ તેની ‘છેતરામણી પ્રકૃતિ’ (deceptive nature) અને ભૂતકાળમાં ઘૂસણખોરો તથા તસ્કરો દ્વારા તેના ઉપયોગને કારણે પડ્યું હોવાનું માનવામાં આવે છે. 

ભરતી-ઓટ સાથે સતત બદલાતા જળમાર્ગો, વિશાળ કાદવપ્રદેશ અને જટિલ ભૂગોળને કારણે હરામી નાળા વર્ષોથી સુરક્ષાદળો માટે પડકારરૂપ રહ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરો, તસ્કરો અને શંકાસ્પદ બોટો માટે પણ આ વિસ્તાર અનુકૂળ માનવામાં આવતો રહ્યો હતો, જેના કારણે સ્થાનિક સ્તરે આ જળમાર્ગ ‘હરામી નાળા’ તરીકે ઓળખાવા લાગ્યો હોવાનું કહેવાય છે.

સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો ‘હરામી નાળા’ કચ્છમાં ભારત-પાકિસ્તાનને વિભાજિત કરતો સમુદ્રનો એક ભાગ છે, જે 22 કિલોમીટર લાંબો છે. રાજસ્થાનના બાડમેરનો થોડો વિસ્તાર પણ તેને સ્પર્શે છે. તેને ‘નાલા’ એટલા માટે કહે છે કે, એ સમુદ્રનો કાદવવાળો ભાગ છે અને ત્યાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે.

પાકિસ્તાનને આ રસ્તેથી ઘૂસણખોરી કરવી સરળ પડી રહી હતી. આંતકીઓથી લઈને પાકિસ્તાની જાસૂસ પણ સમયે-સમયે આ રસ્તા દ્વારા ઘૂસણખોરી કરતા રહ્યા છે. તેના કારણે આ ભાગને ‘હરામી નાળા’ કહેવામાં આવે છે. તસ્કરો માટે પણ ભારતમાં પ્રવેશ કરવાનો આ રસ્તો સરળ થઈ ગયો હતો. પાકિસ્તાની માછીમારો પણ અવારનવાર અહીથી પકડાતા રહે છે. ઘણીવાર અહીંથી લાવારિસ બોટ પણ મળી આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ વિસ્તારમાંથી આવા સમાચારો મળતા જ રહ્યા છે.

સર ક્રિક વિવાદ અને હરામી નાળાનું મહત્વ

હરામી નાળાની ચર્ચા સર ક્રિકનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી છે. સર ક્રિક અરબી સમુદ્ર સાથે જોડાયેલો એક લાંબો જ્વારીય ક્રિક વિસ્તાર છે, જે ભારતના ગુજરાત અને પાકિસ્તાનના સિંધ પ્રાંત વચ્ચે આવેલો છે. દાયકાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વિસ્તારની જળસીમાઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો સરહદ નિર્ધારણ અંગે અલગ-અલગ વ્યાખ્યાઓ રજૂ કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે વધુ સંવેદનશીલ બની ગયો છે.

સમસ્યા માત્ર વિવાદિત જળસીમાની નથી. સર ક્રિક અને તેની સાથે જોડાયેલા અનેક ક્રિક અને જળમાર્ગો એવા છે જ્યાં પરંપરાગત સરહદી વાડ કે ચોકી સ્થાપિત કરવી શક્ય નથી. પાણી, કાદવ અને જ્વારભાટાના કારણે અહીં સતત પેટ્રોલિંગ કરવું પણ મુશ્કેલ બને છે. આ જ કારણ છે કે હરામી નાળા વિસ્તાર વર્ષોથી સુરક્ષા એજન્સીઓ માટે વિશેષ પડકારરૂપ રહ્યો છે.

ઘૂસણખોરી, સ્મગલિંગ અને 26/11 બાદ ખેંચાયું ધ્યાન

હરામી નાળાનું નામ સૌથી વધુ ઘૂસણખોરી અને સ્મગલિંગના મુદ્દાઓ સાથે જોડાયેલું રહ્યું છે. વર્ષોથી પાકિસ્તાની માછીમારો, શંકાસ્પદ બોટો અને વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ વિસ્તાર સાથે સંકળાયેલી રહી છે. વિશાળ કાદવપ્રદેશ અને અનેક જળમાર્ગોના કારણે અહીં દરેક હલચલ પર સતત નજર રાખવી સરળ નથી. આ જ કારણ છે કે BSF, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારને અત્યંત સંવેદનશીલ માને છે.

વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલાઓ બાદ હરામી નાળા અને સર ક્રિક વિસ્તાર વધુ ચર્ચામાં આવ્યા હતા. વિવિધ સુરક્ષા વિશ્લેષણો અને મીડિયા અહેવાલોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હુમલાખોરોએ પાકિસ્તાની બોટમાંથી ભારતીય ટ્રોલર કુબેરએમએસ સ્થાનાંતરણ માટે આ વિસ્તાર સાથે જોડાયેલા દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હોય શકે. ભલે આ મુદ્દે વિવિધ વર્ણનો ઉપલબ્ધ હોય, પરંતુ એક બાબત નિર્વિવાદ છે કે 26/11 બાદ સમગ્ર ક્રિક વિસ્તાર પર સુરક્ષા એજન્સીઓનું ધ્યાન નોંધપાત્ર રીતે વધ્યું હતું.

હરામી નાળાનો બીજો એક મહત્વનું પાસું તેની આર્થિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે. આ વિસ્તાર ઝીંગા સહિતની કિંમતી દરિયાઈ સંપત્તિ માટે જાણીતો છે. પરિણામે ભારતીય અને પાકિસ્તાની માછીમારો વચ્ચે વર્ષોથી અહીં અવરજવર થતી રહી છે. ઘણી વખત માછીમારો અજાણતાં સરહદ પાર કરી જતા હોવાના બનાવો પણ સામે આવતા રહ્યા છે, જેના કારણે સુરક્ષા અને માનવીય બંને પ્રકારના પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં શું બદલાયું?

હરામી નાળાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે અનેક પગલાં લીધાં છે. ઑગસ્ટ 2023માં કચ્છની મુલાકાત દરમિયાન અમિત શાહે કોટેશ્વર ખાતે BSF માટે મહત્વપૂર્ણ Mooring Place પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોટાં જહાજો અને ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ્સ માટે સમારકામ તથા જાળવણીની સુવિધા ઉપલબ્ધ બનશે, જેના કારણે વિસ્તારમાં BSFની કામગીરી વધુ અસરકારક બની શકશે.

આ ઉપરાંત ઑગસ્ટ 2023માં અમિત શાહે હરામી નાળા વિસ્તારમાં ચિડિયામોડ-બિયારબેટ લિંક રોડ અને ઓબ્ઝર્વેશન ટાવરનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 28.2 કિલોમીટર લાંબા આ માર્ગના નિર્માણથી સરહદી વિસ્તારોમાં BSFની અવરજવર અને લોજિસ્ટિક સપોર્ટ વધુ સરળ બન્યો છે. સાથે જ અત્યાધુનિક કેમેરાઓથી સજ્જ ઓબ્ઝર્વેશન ટાવરે હરામી નાળા જેવા સંવેદનશીલ વિસ્તારમાં સતત દેખરેખની ક્ષમતા વધુ મજબૂત બનાવી છે. 

હરામી નાળા જેવા વિસ્તારમાં રસ્તા અને સર્વેલન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે તે સુરક્ષાદળોને ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પ્રદાન કરે છે. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર સુધી પહોંચવું પણ મુશ્કેલ માનવામાં આવતું હતું, જ્યારે હવે ટેક્નોલોજી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેખરેખ અને પ્રતિસાદ બંનેમાં સુધારો જોવા મળી રહ્યો છે.

તાજેતરની મુલાકાત દરમિયાન અમિત શાહે ‘ટેરિટોરિયલ સિક્યોરિટી’ના નવા અભિગમની પણ જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર સરહદોની સુરક્ષા હવે માત્ર BSFની જવાબદારી નહીં રહે, પરંતુ સ્થાનિક નાગરિકો, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ભાગીદારી દ્વારા એક ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ તૈયાર કરવામાં આવશે. સાથે જ ‘સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત ડ્રોન, રડાર, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને અન્ય આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સરહદોને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કચ્છના કાદવપ્રદેશથી દેશની સુરક્ષા સુધી

ભારતની સરહદો વિશે ચર્ચા થાય ત્યારે મોટાભાગે લોકોના મનમાં કાશ્મીરની નિયંત્રણ રેખા અથવા ચીન સાથેની હિમાલયી સરહદનું ચિત્ર ઊભું થાય છે. પરંતુ દેશની સુરક્ષાનો એક મહત્ત્વનો મોરચો કચ્છમાં પણ આવેલો છે. હરામી નાળા તેનો જીવંત દાખલો છે. કાદવ, જ્વારભાટા, વિવાદિત જળસીમાઓ અને જટિલ ભૂગોળ ધરાવતો આ વિસ્તાર વર્ષોથી સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ રહ્યો છે.

કદાચ એ જ કારણ છે કે જ્યારે સરહદ સુરક્ષા, ઘૂસણખોરી રોકવા અને આધુનિક ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાઓની વાત આવે છે ત્યારે દેશના ગૃહમંત્રી ખુદ હરામી નાળા સુધી પહોંચે છે. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તાર મુખ્યત્વે તસ્કરી અને ઘૂસણખોરીના કારણે ચર્ચામાં આવતો હતો. આજે કેન્દ્રની મોદી સરકાર તેને આધુનિક બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સર્વેલન્સ અને નવી સુરક્ષા વ્યૂહરચનાના માધ્યમથી વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કચ્છના અંતરિયાળ ખૂણે આવેલો આ વિસ્તાર ભલે સામાન્ય નાગરિકોની નજરથી દૂર હોય, પરંતુ ભારતની સરહદી સુરક્ષાની કવાયતમાં તેનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં