11 મે, 2026ના દિવસે દિલ્હીમાં અને બાદમાં મુંદ્રા પોર્ટ પરથી પહેલી વખત ‘જેહાદી ડ્રગ’ ઝડપાયું હતું. આ કાર્યવાહી માત્ર એક ડ્રગ્સ રિકવરી ઑપરેશન પૂરતી સીમિત નહોતી. તે દિવસે ભારતીય સુરક્ષા એજન્સીઓએ પહેલીવાર એવા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો જેનું નામ વર્ષોથી મધ્ય-પૂર્વના ઇસ્લામી આતંકવાદ, સીરિયાના ગૃહયુદ્ધ અને ISISની ક્રૂર હિંસક મશીનરી સાથે જોડાતું રહ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયેલા ગુપ્ત ‘ઑપરેશન રેજપિલ’ હેઠળ દિલ્હીથી લઈને મુંદ્રા પોર્ટ સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં આશરે ₹182 કરોડનું ‘કેપ્ટાગોન’ (Captagon) નામનું સિન્થેટિક ડ્રગ ઝડપાયું, જેને વૈશ્વિક સ્તરે ‘જેહાદી ડ્રગ’ તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં પ્રથમ વખત ₹182 કરોડનું ‘કેપ્ટાગોન’ નામનું સિન્થેટિક ડ્રગ ઝડપાયું ત્યારથી આ ‘જેહાદી ડ્રગ’ની ચર્ચા પણ ખૂબ વધી ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયેલા ‘ઑપરેશન રેજપિલ’માં ઝડપાયેલું આ ડ્રગ સામાન્ય નશીલા પદાર્થો જેવું નથી. આ એ જ કુખ્યાત પદાર્થ છે જેને વર્ષો સુધી મધ્ય-પૂર્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ઇસ્લામી આતંકવાદી સંગઠનો સાથે જોડવામાં આવતો રહ્યો છે. ISIS જેવાં આતંકી સંગઠનોના આતંકવાદીઓથી લઈને સીરિયાના ગૃહયુદ્ધમાં લડતાં જેહાદી જૂથો સુધી, કેપ્ટાગોનને માત્ર નશા તરીકે નહીં પરંતુ યુદ્ધનાં હથિયાર તરીકે વાપરવામાં આવતું હતું. આ ડ્રગનો ઉપયોગ એવા આતંકીઓને તૈયાર કરવા માટે થતો હતો જેમના મગજમાંથી ડર, દયા અને થાક જેવી માનવીય લાગણીઓ ગાયબ થઈ જાય અને તેઓ વધુ નિર્દયતાથી હત્યાઓ, હુમલાઓ અને આત્મઘાતી મિશન પાર પાડી શકે.
ભારતમાં થયેલી તાજેતરની કાર્યવાહીએ માત્ર ડ્રગ સ્મગલિંગના એક નેટવર્કનો પર્દાફાશ નથી કર્યો પરંતુ દુનિયાભરમાં વર્ષોથી ચાલતા એક ભયાનક ‘નાર્કો-ટેરર’ મોડેલ તરફ પણ ધ્યાન દોર્યું છે. આ મોડેલમાં ડ્રગ્સનો ઉપયોગ માત્ર નશા વેચવા માટે થતો નથી પરંતુ આતંકવાદને ફંડિંગ આપવા, હથિયારો ખરીદવા, ભરતી વધારવા અને આખા યુદ્ધને ચલાવવા માટે કરવામાં આવે છે. સીરિયા, લેબેનોન અને પશ્ચિમ એશિયાના કેટલાક વિસ્તારોમાં કેપ્ટાગોન હવે એટલી મોટી ગેરકાયદેસર અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે કે અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તેને ‘ટેરર-ફાઇનાન્સિંગ ઇન્ડસ્ટ્રી’ તરીકે વર્ણવે છે.
શું છે કેપ્ટાગોન અને તેનું મૂળ શું છે?
કેપ્ટાગોનનું મૂળ નામ ‘ફેનેટીલાઈન’ (Fenethylline) છે. 1960ના દાયકામાં પશ્ચિમી દેશોમાં આ દવા ADHD, ડિપ્રેશન અને નાર્કોલેપ્સી જેવી કેટલીક તબીબી પરિસ્થિતિઓની સારવાર માટે બનાવવામાં આવી હતી. શરૂઆતમાં તેને એક મેડિકલ સ્ટિમ્યુલન્ટ તરીકે બજારમાં ઉતારવામાં આવી હતી, પરંતુ થોડા જ સમયમાં તેની ગંભીર આડઅસરો સામે આવવા લાગી. આ દવાથી અત્યંત વ્યસન થતું હતું, હૃદય અને મગજ પર ગંભીર અસર પડતી હતી અને લાંબાગાળે માનસિક અસંતુલન પણ સર્જાતું હતું. પરિણામે 1980ના દાયકામાં વિશ્વના મોટાભાગના દેશોએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો.
જોકે દવા પર પ્રતિબંધ લાગ્યા પછી પણ તેનું ગેરકાયદેસર ઉત્પાદન બંધ થયું નહીં. સમય જતાં મૂળ ફેનેટીલાઈનની જગ્યાએ નકલી કેપ્ટાગોન ગોળીઓ બનવા લાગી, જેમાં એમ્ફેટામાઈન, મેથએમ્ફેટામાઈન, કેફીન અને અન્ય સાઇકોએક્ટિવ કેમિકલ્સ ભેળવવામાં આવવા લાગ્યાં. ગેરકાયદેસર લેબોરેટરીઓમાં તૈયાર થતી આ ગોળીઓ સસ્તી અને વ્યસનકારક હતી. મધ્ય-પૂર્વના યુદ્ધગ્રસ્ત પ્રદેશોમાં તે ઝડપથી ફેલાઈ ગઈ અને થોડાં જ વર્ષોમાં આ ડ્રગ આતંકવાદી સંગઠનો માટે એક નવાં હથિયાર તરીકે ઉભરી આવ્યું.
‘જેહાદી ડ્રગ’ નામ કેવી રીતે પડ્યું?
કેપ્ટાગોનને ‘જેહાદી ડ્રગ’ તરીકે ઓળખાવાનું મુખ્ય કારણ સીરિયાનું ગૃહયુદ્ધ અને ISISનો ઉદય હતો. જ્યારે ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) પોતાના કબ્જાનો વિસ્તાર કરી રહ્યું હતું, ત્યારે અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ, સુરક્ષા એજન્સીઓ અને તપાસોમાં સામે આવ્યું કે ISISના આતંકીઓ મોટાપાયે કેપ્ટાગોનનો ઉપયોગ કરતા હતા. યુદ્ધ પહેલાં આતંકીઓને આ ગોળીઓ આપવામાં આવતી હતી, જેથી તેઓ સતત કલાકો સુધી લડી શકે, ઊંઘ વગર રહી શકે અને તેમના મગજમાં રહેલો સ્વાભાવિક ભય દબાઈ જાય.
આ ડ્રગના પ્રભાવ હેઠળ રહેલો વ્યક્તિ ખૂબ આક્રમક બની જાય છે. શરીરમાં અસાધારણ ઉર્જાનો અનુભવ થાય છે, ભૂખ અને થાકનો અહેસાસ લગભગ ખતમ થઈ જાય છે અને સૌથી ભયાનક બાબત એ છે કે વ્યક્તિનું માનસિક નિયંત્રણ ધીમે-ધીમે હિંસાત્મક દિશામાં જવા લાગે છે. અનેક રિપોર્ટ્સમાં એવો પણ દાવો થયો હતો કે ISIS આતંકીઓ આત્મઘાતી હુમલાઓ પહેલાં કેપ્ટાગોન લેતા હતા જેથી મૃત્યુનો ડર દૂર થઈ જાય અને તેઓ વધુ નિર્દયતાથી હુમલો કરી શકે.
સીરિયાના યુદ્ધ દરમિયાન દુનિયાએ જે ભયાનક વિડીયો જોયા હતા, જેમાં ISIS આતંકીઓ જાહેરમાં ગોળીબાર, ‘સર તન સે જુદા’ અને સામૂહિક હત્યાઓ કરતા જોવા મળતા હતા, ત્યારબાદ કેપ્ટાગોન વિશે વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ હતી. પશ્ચિમી મીડિયા અને સુરક્ષા વિશ્લેષકોએ તેને ‘ડ્રગ-ફ્યુઅલ્ડ ટેરર’ તરીકે વર્ણવવાનું શરૂ કર્યું. યુદ્ધના અનેક ક્ષેત્રોમાંથી મળેલી માહિતી દર્શાવે છે કે આ ડ્રગનો ઉપયોગ જેહાદી નેટવર્ક્સમાં સામાન્ય બાબત બની ગયો હતો. તેથી આ ડ્રગને પણ ‘જેહાદી ડ્રગ’ તરીકેની ઓળખ મળી ગઈ હતી.
યુદ્ધના મેદાનમાં આતંકીઓ તેનો ઉપયોગ કેવી રીતે કરતા હતા?
કેપ્ટાગોનનો ઉપયોગ માત્ર ‘નશો’ કરવા માટે થતો નહોતો. તે આતંકવાદી સંગઠનો માટે યુદ્ધમાં વ્યૂહાત્મક ઉપયોગ માટેનું સાધન બની ગયું હતું. આતંકીઓ લાંબા સમય સુધી સતત કોમ્બેટ ઑપરેશન ચલાવી શકે તે માટે તેનો ઉપયોગ થતો હતો. રાત્રિના હુમલા, સતત ગોળીબાર, રણપ્રદેશમાં લાંબી મુસાફરી અને ઓછા ખોરાકમાં જીવતા રહેવા જેવી પરિસ્થિતિઓમાં આ ડ્રગ તેમને કૃત્રિમ રીતે સક્રિય રાખતું હતું.
ઘણા પૂર્વ આતંકીઓએ અને રિપોર્ટ્સમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ISISના કેટલાક આતંકીઓ નવા ભરતી થયેલા યુવાનોને કટ્ટર ઇસ્લામી બ્રેઇનવૉશ સાથે કેપ્ટાગોન પણ આપતા હતા. એક તરફ મજહબી કટ્ટરપંથી વિચારધારા દ્વારા મગજ તૈયાર કરવામાં આવતું અને બીજી તરફ આ ડ્રગ દ્વારા શારીરિક અને માનસિક નિયંત્રણ વધારવામાં આવતું. પરિણામે આતંકીઓમાં અતિશય આક્રમકતા અને નિર્દયતા જોવા મળતી હતી.
આ ડ્રગનો એક મહત્વનો ઉપયોગ ડર અને ભયની લાગણીઓને દબાવી દેવા માટે થતો હતો. સામાન્ય માણસ માટે યુદ્ધમાં પ્રવેશવું અથવા આત્મઘાતી હુમલો કરવો અત્યંત મુશ્કેલ બાબત છે, પરંતુ કેપ્ટાગોનના પ્રભાવ હેઠળ વ્યક્તિમાં જોખમ પ્રત્યેની સંવેદના ઘટી જાય છે. અનેક નિષ્ણાતો માને છે કે આ કારણસર જ આતંકવાદી સંગઠનોમાં તેનું ચલણ વધ્યું હતું.
સીરિયા કેવી રીતે બન્યું દુનિયાનું કેપ્ટાગોન હબ?
સમય જતાં કેપ્ટાગોન માત્ર આતંકીઓનો નશો ના રહીને સીરિયાની ગેરકાયદેસર અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ બની ગયો. વર્ષો સુધી ચાલેલા ગૃહયુદ્ધ બાદ સીરિયાની સત્તાવાર અર્થવ્યવસ્થા તૂટી પડી હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, યુદ્ધ અને રાજકીય અસ્થિરતાએ દેશને ગંભીર આર્થિક સંકટમાં ધકેલી દીધો. આવી સ્થિતિમાં ગેરકાયદેસર કેપ્ટાગોનનો ઉદ્યોગ ઝડપથી વધ્યો.
પશ્ચિમી દેશો અને અનેક આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો હતો કે સીરિયામાં કાર્યરત શક્તિશાળી નેટવર્ક્સ, મિલિશિયા જૂથો અને હિઝબુલ્લાહ સાથે જોડાયેલા તત્વો કેપ્ટાગોનનાં ઉત્પાદન અને સ્મગલિંગમાં સામેલ હતા. ગેરકાયદેસર લેબોરેટરીઓમાં કરોડો ગોળીઓ બનાવવામાં આવતી અને પછી તે જૉર્ડન, લેબેનોન, તૂર્કી અને સમુદ્રી માર્ગો દ્વારા ખાડી દેશોમાં પહોંચાડવામાં આવતી હતી.
અમુક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણોમાં તો કેપ્ટાગોનને ‘સીરિયાની કમાણીનું સૌથી મોટું સાધન’ પણ ગણવામાં આવ્યું હતું, કારણ કે યુદ્ધગ્રસ્ત અર્થતંત્રમાં તે સૌથી મોટો આવક સ્ત્રોત બની ગયો હતો. અહેવાલો અનુસાર અબજો ડૉલરના આ ગેરકાયદેસર વેપારમાંથી મળતી રકમનો ઉપયોગ હથિયારો ખરીદવા, મિલિશિયા નેટવર્ક ચલાવવા અને રાજકીય-સૈન્ય ગઠબંધનો મજબૂત કરવા માટે થતો હતો.
સાઉદી અરેબિયા અને ખાડી દેશો કેમ બન્યા સૌથી મોટું બજાર?
આ ડ્રગનો સૌથી મોટો ગ્રાહક વર્ગ મધ્ય-પૂર્વના અખાતી દેશોમાં ઉભો થયો. ખાસ કરીને સાઉદી અરેબિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ ડ્રગનું વ્યસન ગંભીર સામાજિક સમસ્યા બની ગયું છે. ત્યાંની એન્ટી-નાર્કોટિક એજન્સીઓએ કરોડો ગોળીઓના કન્સાઇનમેન્ટ્સ પકડી પાડ્યા હતા. ક્યારેક ફળોમાં, ક્યારેક મશીનરીમાં અને ક્યારેક ખાદ્ય સામગ્રીમાં છુપાવીને આ ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે.
કેપ્ટાગોનને ‘ગરીબોનું કોકેઈન’ પણ કહેવામાં આવે છે, કારણ કે તે અન્ય મોંઘા ડ્રગ્સની સરખામણીએ સસ્તું છે. યુવાનોમાં પાર્ટી ડ્રગ તરીકે તેની માંગ વધી અને આ જ માંગ આતંકવાદી-સ્મગલિંગ નેટવર્ક્સ માટે સૌથી મોટો નફાકારક ધંધો બની ગઈ.
‘નાર્કો-ટેરરિઝમ’ એટલે શું?
કેપ્ટાગોનનો આખો ઇતિહાસ સમજવા માટે ‘નાર્કો-ટેરરિઝમ’નો અર્થ સમજવો જરૂરી છે. જ્યારે આતંકવાદી સંગઠનો પોતાના નેટવર્કને ચલાવવા માટે ડ્રગ્સના ઉત્પાદન, હેરાફેરી અને વેચાણમાંથી મળતા પૈસાનો ઉપયોગ કરે ત્યારે તેને નાર્કો-ટેરરિઝમ કહેવાય છે. દુનિયાના અલગ-અલગ ભાગોમાં આ મોડેલ વર્ષોથી ચાલે છે. લેટિન અમેરિકામાં કોકેઈન કાર્ટેલ્સ અને ગેરિલા જૂથો વચ્ચે જે સંબંધો જોવા મળ્યા હતા, તે જ પ્રકારનું મોડેલ હવે મધ્ય-પૂર્વમાં કેપ્ટાગોન દ્વારા ઉભું થયું.
ડ્રગ્સમાંથી આવતી રકમ આતંકવાદ માટે સૌથી સરળ ફંડિંગ સોર્સ માનવામાં આવે છે, કારણ કે તેમાં બ્લેક મની, હવાલા નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ ચેઇન સરળતાથી કામ કરે છે. એકવાર ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ સફળતાપૂર્વક બજારમાં પહોંચી જાય પછી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ફંડ ઊભું થાય છે, જેનો ઉપયોગ ભરતી, તાલીમ, હથિયારો અને ઇસ્લામી પ્રચાર માટે થઈ શકે છે.
ભારતમાં કેપ્ટાગોન પહેલીવાર ઝડપાયું એ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી. ભારતને છેલ્લાં કેટલાંક વર્ષોથી વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ રૂટ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિશાળ દરિયાકાંઠો, ઝડપથી વધતો કાર્ગો વેપાર અને આંતરરાષ્ટ્રીય કન્ટેનર મૂવમેન્ટને કારણે ડ્રગ કાર્ટેલ્સ ભારતનો ઉપયોગ ‘ટ્રાન્ઝિટ પોઇન્ટ’ (વચલા માર્ગ) તરીકે કરવા માગે છે.
જોકે ભારત સરકાર હાલમાં બંદરોની સુરક્ષા મજબૂત કરવા, CISF જવાનોની તહેનાતી વધારવા અને કાર્ગો સ્ક્રીનિંગ સિસ્ટમ્સને આધુનિક બનાવવા પર ભાર મૂકી રહી છે. પરંતુ કેપ્ટાગોન કેસે સ્પષ્ટ કરી દીધું છે કે ઇસ્લામી આતંકવાદ હવે માત્ર AK-47, બૉમ્બ અને આત્મઘાતી હુમલાઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો. હવે ડ્રગ્સ, હવાલા નેટવર્ક, સમુદ્રી સ્મગલિંગ અને બ્લેક મની પણ જેહાદી ઇકોસિસ્ટમનાં મહત્વનાં હથિયારો બની ચૂક્યાં છે. ભારત માટે સૌથી મોટો પડકાર હવે માત્ર સરહદોની સુરક્ષા નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો-ટેરર નેટવર્ક્સને સમયસર ઓળખીને તેમને દેશની અંદર મૂળિયાં જમાવતાં અટકાવવાનો છે.


