હોમપેજદેશNCBના ‘ઑપરેશન રેજપિલ’માં પ્રથમ વખત ઝડપાયું ₹182 કરોડનું ‘કેપ્ટાગોન’: શું છે આ...

NCBના ‘ઑપરેશન રેજપિલ’માં પ્રથમ વખત ઝડપાયું ₹182 કરોડનું ‘કેપ્ટાગોન’: શું છે આ ‘જેહાદી ડ્રગ’ અને ઇસ્લામી આતંકીઓ સાથે તેનો શું છે સંબંધ- સમજો

આ પ્રતિબંધિત દવાને વૈશ્વિક સ્તરે 'જેહાદી ડ્રગ' અથવા 'પૂઅર મેન્સ કોકેઈન' તરીકેનું કુખ્યાત નામ સિરીયાના ગૃહયુદ્ધ દરમિયાન મળ્યું. ISIS અને અન્ય કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી સંગઠનો પોતાના આતંકીઓને યુદ્ધના મેદાનમાં ઉતારતા પહેલાં આ ડ્રગ આપતા હતા.

- Advertisement -

ભારત સરકારની માદક પદાર્થો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને એક મોટી સફળતા મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB)એક ગુપ્ત અને આંતરરાષ્ટ્રીય સ્તરના ‘ઑપરેશન રેજપિલ’ અંતર્ગત દેશમાં પ્રથમ વખત ‘કેપ્ટાગોન’ નામના જોખમી સિન્થેટિક ડ્રગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેને ‘જેહાદી ડ્રગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સફળ ઑપરેશન દ્વારા ભારતીય એજન્સીઓએ માત્ર સરહદોની અંદર જ નહીં, પરંતુ વૈશ્વિક સ્મગલિંગ સિન્ડિકેટના મનસૂબાઓ પર પણ પાણી ફેરવી દીધું છે અને કરોડોનું  ‘જેહાદી ડ્રગ’ જપ્ત કર્યું છે.

આ સમગ્ર સફળ ઑપરેશન દરમિયાન એજન્સી દ્વારા આશરે 227.7 કિલોગ્રામ જેટલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ અને પાવડરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે ₹182 કરોડ જેટલી થાય છે, જે ખાડી દેશો અને મધ્ય-પૂર્વના બજારોમાં મોકલવા માટે તૈયાર કરાયો હતો.

ઑપરેશન ‘રેજપિલ’ની શરૂઆત

આ ઑપરેશનની શરૂઆત એક વિદેશી ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે થઈ હતી. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા ભારતનો ઉપયોગ પશ્ચિમ એશિયાના દેશોમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે માત્ર એક ‘ટ્રાન્ઝિટ રૂટ’ (વાયા ભારત) તરીકે કરવામાં આવી રહ્યો હતો.

- Advertisement -

મળેલી સચોટ માહિતીના આધારે NCBની ટીમે 11 મે, 2026ના રોજ નવી દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાં આવેલા એક સામાન્ય રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઑપરેશન દરમિયાન એજન્સીને ત્યાંથી 31.5 કિલોગ્રામ કેપ્ટાગોનની ગોળીઓ મળી આવી હતી, જે સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય કનેક્શન તરફ પ્રથમ મોટો ઈશારો હતો.

આ ઑપરેશનમાં સૌથી ચોંકાવનારી બાબત ડ્રગ્સ છુપાવવા માટે અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડી હતી. કસ્ટમ અને એરપોર્ટ સિક્યોરિટીની નજરમાંથી બચવા માટે આ પ્રતિબંધિત ગોળીઓને એક મોટા ‘કર્મશિયલ ચપાતી કટિંગ મશીન’ના (રોટલી કાપવાના મશીન) આંતરિક ભાગોમાં ખૂબ જ ચાલાકીપૂર્વક પેક કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે આ આખું મશીન એર કાર્ગો દ્વારા સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં મોકલવાનું આયોજન હતું.

આ ઘરમાંથી એક સિરીયન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા સિરીયન નાગરિકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે 15 નવેમ્બર, 2024ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. તેના વિઝાની અવધિ 12 જાન્યુઆરી, 2025ના રોજ સમાપ્ત થઈ ગઈ હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રોકાયો હતો અને ઓળખ છુપાવવા માટે નેબ સરાઈમાં ભાડે મકાન રાખીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.

દિલ્હીમાં ઝડપાયેલા કન્સાઇનમેન્ટ અને આરોપીની આકરી પૂછપરછના આધારે આ ઑપરેશનનો બીજો અને સૌથી મોટો તબક્કો ગુજરાતમાં શરૂ થયો. 14 મે, 2026ના રોજ NCBની ટીમોએ મુંદ્રા પોર્ટ પર આવેલા કન્ટેનર ફેસિલિટેશન સ્ટેશનમાં (CFS) દરોડા પાડ્યા હતા. ત્યાં સિરીયાથી આયાત કરાયેલા એક શંકાસ્પદ કન્ટેનરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાર દસ્તાવેજો અનુસાર ‘ઘેટાંનું ઊન’ (Sheep Wool) હોવાનું જાહેર કરાયું હતું.

મુંદ્રા પોર્ટ પર કન્ટેનર ખોલીને જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ઊનની વિશાળ બોરીઓની વચ્ચે છુપાવેલી 3 બેગ મળી આવી હતી. આ બેગમાં 196.2 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેપ્ટાગોન પાવડર ભરેલો હતો. આ પાવડરનો ઉપયોગ ભારતમાં જ ગોળીઓ બનાવવા અથવા તેને અન્ય કોઈ માધ્યમથી ફરીથી ખાડી દેશો તરફ રી-રૂટ કરવા માટે થવાનો હતો.

એજન્સીના જણાવ્યા અનુસાર મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલો આ વિશાળ જથ્થો પણ ખાડી વિસ્તારના દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને તેના પડોશી મધ્ય-પૂર્વીય દેશોમાં મોકલવા માટે ટ્રાન્સશિપમેન્ટ થવાનો હતો. આ દેશોમાં હાલના સમયમાં કેપ્ટાગોનનો ઉપયોગ કાયદો-વ્યવસ્થા અને જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

આ ઐતિહાસિક સફળતા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે NCBના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે મોદી સરકાર ‘નશામુક્ત ભારત’ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે અને આ ઑપરેશન અંતર્ગત ભારતમાં પહેલીવાર ₹182 કરોડનું ‘જેહાદી ડ્રગ’ પકડાયું છે.

ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા ઉમેર્યું કે, “હું ફરીથી દોહરાવું છું કે ભારતની ધરતીનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને દેશમાં પ્રવેશતા અથવા અહીંથી બહાર જતા ડ્રગ્સના એક-એક ગ્રામ પર અમે સખત કાર્યવાહી કરીશું.” તેમણે આ ઑપરેશનને ડ્રગ્સ વિરુદ્ધ સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે.

હાલમાં NCB આ સિરીયન નાગરિકના બેકગ્રાઉન્ડની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે. આટલા મોટા જથ્થાની આયાત અને લોજિસ્ટિક્સ પાછળ કયા સ્ત્રોતમાંથી ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું, કયા સ્થાનિક ઓપરેટરોએ તેને ભારતમાં મદદ કરી અને નાણાંની હેરફેર માટે કયા હવાલા નેટવર્કનો ઉપયોગ થયો તેની તપાસ ચાલી રહી છે. સિરીયામાં સક્રિય આતંકવાદી સંગઠનો સાથે આ આરોપી સીધો જોડાયેલો છે કે કેમ તે દિશામાં પણ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે.

શું છે આ ‘જેહાદી ડ્રગ’ કેપ્ટાગોન (Captagon)?

કેપ્ટાગોન એ મૂળભૂત રીતે ‘ફેનેટીલાઈન’નું (Fenetylline) બ્રાન્ડ નામ છે, જે એક કૃત્રિમ ઉત્તેજક (Synthetic Stimulant) પદાર્થ છે. તેની શોધ 1960ના દાયકામાં એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD), ડિપ્રેશન (નિરશા) અને નાર્કોલેપ્સી (અતિશય ઊંઘ આવવાની બીમારી) જેવી તબીબી પરિસ્થિતિઓની સારવાર માટે કરવામાં આવી હતી.

જોકે આ દવાના કારણે થતા ગંભીર એડિક્શન (વ્યસન) અને દુરુપયોગની આડઅસરોને જોતાં 1980ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના (UN) સાયકોટ્રોપિક પદાર્થોના કન્વેન્શન હેઠળ તેને શેડ્યૂલ-IIની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તે NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.

‘જેહાદી ડ્રગ’ નામ કેમ પડ્યું?

આ પ્રતિબંધિત દવાને વૈશ્વિક સ્તરે ‘જેહાદી ડ્રગ’ અથવા ‘પૂઅર મેન્સ કોકેઈન’ તરીકેનું કુખ્યાત નામ સિરીયાના ગૃહયુદ્ધ દરમિયાન મળ્યું. ISIS અને અન્ય કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદી સંગઠનો પોતાના આતંકીઓને યુદ્ધના મેદાનમાં ઉતારતા પહેલાં આ ડ્રગ આપતા હતા. આ ડ્રગના સેવનથી સૈનિકો કે આતંકીઓમાં અતિશય શારીરિક ઉર્જા આવી જાય છે, ભૂખ અને થાક ગાયબ થઈ જાય છે અને સૌથી ખતરનાક બાબત એ છે કે વ્યક્તિના મગજમાંથી ડર, દર્દ કે દયાની લાગણી બિલકુલ નષ્ટ થઈ જાય છે, જેથી તેઓ વધુ ક્રૂરતાપૂર્વક હિંસા આચરી શકે છે.

આધુનિક સમયમાં ગેરકાયદેસર લેબોરેટરીઓમાં બનતી કેપ્ટાગોનની ગોળીઓમાં અસલી ‘ફેનેટીલાઈન’ ફોર્મ્યુલા હોતી નથી. હાલ બજારમાં મળતી ગોળીઓમાં એમ્ફેટામાઈન, કેફીન અને અન્ય અત્યંત ઘાતક સાયકોએક્ટિવ પદાર્થો ભેળવવામાં આવે છે. તેને પશ્ચિમ એશિયામાં ‘ગરીબોનું કોકેઈન’ (Poor man’s cocaine) પણ કહેવામાં આવે છે કારણ કે તે સસ્તું અને અત્યંત વ્યસનકારક હોય છે.

વર્તમાન સમયમાં મિડલ-ઈસ્ટના દેશો, ખાસ કરીને સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશોમાં આ ડ્રગનું ચલણ યુવાધનમાં ખૂબ વધી ગયું છે. સિરીયા અને લેબેનોન જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં આવેલી ગેરકાયદેસર લેબોરેટરીઓમાં આ ડ્રગનું મોટાપાયે આધુનિક કેમિકલ્સ સાથે ઉત્પાદન થાય છે. આ ડ્રગના ગેરકાયદેસર વ્યાપારમાંથી મળતો નફો સીધો આતંકવાદી સંગઠનોના ફંડિંગમાં અને શસ્ત્રો ખરીદવામાં વપરાય છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વની આંતરિક સુરક્ષા માટે મોટો ચિંતાનો વિષય છે.

બંદરોની સુરક્ષા મજબૂત કરવા કેન્દ્ર સરકારનાં પગલાં

તાજેતરના સમયમાં માત્ર કેપ્ટાગોન જ નહીં, પરંતુ મુંબઈ પોર્ટ પરથી પણ ઇક્વાડોરથી આવેલા એક કન્ટેનરમાંથી 3 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે વર્ષ 2020થી 2024 વચ્ચે ભારતના દરિયાઈ બંદરો પર કરાયેલી 19 મોટી કાર્યવાહીઓમાં કુલ ₹11,311 કરોડની કિંમતના માદક પદાર્થો ઝડપાયા છે. જે સૂચવે છે કે આંતરરાષ્ટ્રીય કાર્ગો અને કન્ટેનર વ્યાપારના રૂટ્સનો ડ્રગ માફિયાઓ દ્વારા સખત દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં આશરે 200 જેટલા નાના-મોટા બંદરો છે, જેમાંથી હાલ 65 બંદરો પર કાર્ગો કામગીરી સક્રિય છે. બંદરો પરથી થતી આ નશાની હેરાફેરીને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હવે દેશમાં એરપોર્ટ સુરક્ષાની જેમ જ ‘બ્યુરો ઑફ પોર્ટ સિક્યોરિટી’ (BoPS) નામની નવી સેન્ટ્રલ એજન્સીની સ્થાપના કરી રહી છે. આ યોજના હેઠળ દેશના 13 બંદરોની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) કરી રહ્યું છે અને આગળ 67થી વધુ સંવેદનશીલ બંદરોની સુરક્ષા પણ CISFને સોંપવામાં આવશે. આ નવી સંસ્થા અદ્યતન એક્સ-રે સ્કેનર્સ અને કડક સ્ક્રીનિંગ મિકેનિઝમ દ્વારા કન્ટેનર સ્મગલિંગ પર કાયમી બ્રેક લગાવશે.

ઑપરેશન રેજપિલ અને તાજેતરમાં તૂર્કીથી મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા સલીમ ડોલાનું કરાયેલું પ્રત્યાર્પણ દર્શાવે છે કે ભારત સરકાર નશાના કારોબારીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવા સક્ષમ બની છે. જોકે, આ લડાઈ માત્ર એજન્સીઓ પૂરતી સીમિત નથી, તેમાં સામાન્ય નાગરિકોની જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે. દેશના કોઈપણ ખૂણે થતી આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી નાગરિકો NCBની સત્તાવાર ‘માનસ’ (MANAS) હેલ્પલાઇન નંબર 1933 પર આપીને એક સજાગ નાગરિક તરીકેની ભૂમિકા ભજવી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં