હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અંત તરફ જતું હોય એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. કારણ એ છે કે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને આતંકી સંગઠન હમાસે સ્વીકાર્યો છે, પણ અમુક અંશે. એટલે કે ટ્રમ્પના ‘પીસ પ્લાન’ પર આતંકી સંગઠને આંશિક સહમતી આપી છે. તેણે કહ્યું છે સંગઠન ઇઝરાયેલના તમામ કેદીઓને મુક્ત કરવા માટે તૈયાર છે. આ સાથે તેણે પ્રસ્તાવની અન્ય શરતો પર વાતચીત કરવાની માંગણી પણ કરી છે. જોકે, હમાસમાં આતંરિક કલહ હોવાનું હવે કોઈથી છુપાયેલું નથી અને આ ઘટનામાં પણ એવું જ થઈ રહ્યું છે.
મૂળ વાત એમ છે કે હમાસે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવના ‘કેટલાક ભાગો’ પર સહમતી વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર આજે વિશ્વભરની નજર છે. કારણ કે હમાસનો નિર્ણય જ ગાઝાનું ભવિષ્ય નક્કી કરશે, તેનો નિર્ણય જ આખા પશ્ચિમ એશિયાની ભૂ-રાજનીતિ પર અસર કરશે. જોકે, આંશિક સહમતી પણ ઘણા અંશે કારગર નીવડી છે. ટ્રમ્પે ઇઝરાયેલને હુમલો ન કરવાની સલાહ પણ આપી છે. છતાં હમણાં સુધીના ઘટનાક્રમ પર એક નજર મારી લઈએ અને તે પણ જાણીએ કે હવે આગળ શું થવા જઈ રહ્યું છે.
ટ્રમ્પના પ્લાનની મુખ્ય વાતો
સૌથી પહેલાં વાત કરીએ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવની. આ પ્રસ્તાવમાં 20 શરતો અથવા તો મુદ્દાઓ છે, જેના પર હમાસની સહમતી બને તો જ સંપૂર્ણપણે યુદ્ધવિરામની જાહેરાત થઈ શકે. ઇઝરાયેલ તો પહેલાં જ આ પ્લાનને સ્વીકૃતિ આપી ચૂક્યું છે. ટ્રમ્પના પ્રસ્તાવમાં કેટલી શરતો છે અને તેમાં શું કહેવાયું છે, તેના પર અગાઉ એક લેખ પ્રકાશિત થઈ ચૂક્યો છે. (અહીં ક્લિક કરીને તે વાંચી શકાશે.) અહીં આપણે મુખ્ય 5 મુદ્દાઓ કે શરતો વિશે જાણી લઈએ.
1- તાત્કાલિક સંઘર્ષવિરામ
2- તમામ ઇઝરાયેલી બંધકોની મુક્તિ
3- ગાઝાનું નિઃશસ્ત્રીકરણ (હમાસે હથિયારો ફેંકવા)
4- નવી શાસન પ્રક્રિયા (હમાસનું રાજકીય વર્ચસ્વ ખતમ)
5- ગાઝાના પુનઃનિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહાયતા તંત્રની સ્થાપના.
યોજના અનુસાર, ગાઝાને ‘ન્યૂ ગાઝા’ તરીકે વિકસાવવામાં આવશે, જેનું સંચાલન એક ‘બોર્ડ ઑફ પીસ’ કરશે અને તેના અધ્યક્ષ ડોનાલ્ડ જે. ટ્રમ્પ હશે. તેમાં આરબ દેશો, ઈજિપ્ત, કતર અને અમેરિકાના પ્રતિનિધિઓ પણ સામેલ હશે. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવમાં આ રીતની શરતો સામેલ કરવામાં આવી છે.
હમાસની પ્રતિક્રિયા
હવે વાત હમાસ પર આવીને ઊભી રહે છે. કારણ આગળ કહ્યું તે જ કે હમાસનો નિર્ણય જ ગાઝાનું ભવિષ્ય નક્કી કરશે. હમાસે શુક્રવારે (3 ઑક્ટોબર) એક નિવેદનમાં કહ્યું છે કે તે યોજનાના એ ભાગોનો સ્વીકાર કરે છે જે સંઘર્ષવિરામ, કેદીઓની મુક્તિ અને અને માનવીય સહાયતા સુનિશ્ચિત કરે છે. તેણે એવું પણ કહ્યું છે કે તે ‘રાજકીય પ્રક્રિયામાં સામેલ થવા અને આંતરરાષ્ટ્રીય વાટાઘાટો’ માટે તૈયાર છે, પરંતુ તેણે એ સ્પષ્ટ નથી કર્યું કે તે પોતાના સૈન્ય ઢાંચાનો ભંગ કરશે કે નહીં.
રોયટર્સ અનુસાર, હમાસે ટ્રમ્પના પ્રસ્તાવના ‘કેટલાક પાસાં’ પર વધુ ચર્ચા કરવાની જરૂર ગણાવી છે. ખાસ કરીને ગાઝા પ્રશાસન અને સુરક્ષા સંબંધિત શરતો પર. જોકે, તેના પર ફરી ચર્ચા થશે કે કેમ એ તો ટ્રમ્પ જાણે.
તાત્કાલિક અસરો
હમાસની આંશિક સહમતીની જાહેરાત બાદ ટ્રમ્પે ઇઝરાયેલને હંગામી ધોરણે હુમલા રોકવાનું કહ્યું છે, જેથી બંધકોની સુરક્ષિત મુક્તિ શક્ય બને. અહેવાલો અનુસાર, ઇઝરાયેલે આ માટે શરતી સંમતિ દર્શાવી છે. એટલે કે, જ્યાં સુધી હમાસ બંધકોની મુક્તિની પ્રક્રિયા તબક્કાવાર શરૂ કરે, ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી રોકવામાં આવશે. (જોકે, ઇઝરાયેલે ફરી હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.) જો આ યુદ્ધવિરામ થોડા દિવસો સુધી સફળ રહે તો તેને કાયમી યુદ્ધવિરામમાં ફેરવી શકાય તેમ છે.
કતર અને ઈજિપ્ત આ સમગ્ર મેટરમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે અને આખી પ્રક્રિયા પર નજર રાખી રહ્યાં છે, જ્યારે અમેરિકા આ ઘટનાને ‘ફાઇનલ સ્ટેજ ડીલ’ તરીકે રજૂ કરી રહ્યું છે.
આગળના પડકારો
આંશિક સહમતી તો બની ગઈ, પણ તેનાથી હવે યુદ્ધવિરામ લાગુ થઈ જશે? ના. કારણ કે જ્યાં સુધી હમાસ હથિયારો મૂકવા પર રાજી નહીં થાય, ત્યાં સુધી શાંતિ સ્થાપિત થઈ શકે તેમ નથી. તે સિવાય પણ ઘણા પડકારો હજુ માથું કાઢીને ઊભા છે એ અલગ. સૌથી મોટો પડકાર ગાઝાના ભાવિ શાસનને લઈને છે.
ટ્રમ્પની યોજના મુજબ, ગાઝાનું સંચાલન હવે હમાસ જેવા આતંકી જૂથો નહીં, પરંતુ એક ‘અરાજકીય ટેક્નોક્રેટિક કમિટી’ કરશે. આ શરત હમાસ માટે આકરી છે, કારણ કે તેનો અર્થ એ થશે કે હમાસ તેની રાજકીય શક્તિ ગુમાવશે, જોકે ઇઝરાયેલે સરાજાહેર તેની રાજકીય અને આંતરિક શક્તિઓનું ચીરહરણ તો કરી જ લીધું છે. પણ વધ્યું-ઘટ્યું વર્ચસ્વ પણ આ યોજનાથી સમાપ્ત થઈ જશે.
બીજો પડકાર હથિયારોનું નિશસ્ત્રીકરણ છે. હમાસે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે તે તેના રોકેટ નેટવર્ક અને સૈન્ય માળખાને ક્યારે અને કેવી રીતે નષ્ટ કરશે. ઇઝરાયેલ માટે આ શરત અનિવાર્ય છે અને તેના વિના શાંતિ પ્રક્રિયા આગળ નહીં વધે એ પણ નક્કી છે.
ત્રીજો પડકાર વિશ્વસનીય દેખરેખ વ્યવસ્થા છે. સંયુક્ત રાષ્ટ્ર કે અમેરિકા દ્વારા સૂચવાયેલ દેખરેખ તંત્રને સ્વીકારવું હમાસ માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે તેનાથી તેની આંતરિક પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય નિયંત્રણ હેઠળ આવશે અને ‘ઇસ્લામી કાયદા’ દ્વારા શાસન કરવાનું અને ‘ઇસ્લામી જેહાદ’ ફેલાવવાનું તેનું સપનું ધૂળની ડમરી સાથે હવામાં ઊડી જશે.
ભવિષ્યની સંભાવનાઓ
જ્યાં સુધી હમાસ કોઈ ચોક્કસ પગલાં નહીં લે અથવા તો સંપૂર્ણ સહમતી નહીં દર્શાવે, ત્યાં સુધી તમામ દાવા અને વાતો માત્ર ‘જો’ અને ‘તો’ શબ્દો વચ્ચે સંકેલાઈ જશે. સંભાવનાઓમાં પણ એવું જ છે. જો હમાસ પ્રસ્તાવ સ્વીકારશે તો ગાઝાનો વિકાસ થશે અને નહીં સ્વીકારે તો ગાઝાની જેમ હમાસનો પણ વિનાશ થશે. (જોકે, એક તથ્ય એ પણ છે કે હવે વિનાશ થવામાં બાકી શું રહ્યું!) જો વાટાઘાટો સફળ થાય તો આવનારા મહિનાઓમાં ત્રણ શક્યતાઓ ઊભી થઈ શકે.
1- ગાઝામાં એક હંગામી શાસન કમિટીની રચના થશે, જેમાં પેલેસ્ટિયન કે ગાઝાના કેટલાક ટેકનિકલ પ્રતિનિધિઓ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો સમાવેશ થશે. 2- લાંબા ગાળાનો યુદ્ધવિરામ લાગુ થશે અને મર્યાદિત સરહદ નિયંત્રણ ઇઝરાયેલ સાથે સંયુક્ત રીતે સંચાલિત થશે અને 3- ગાઝાના પુનઃનિર્માણ માટે આરબ દેશો અને યુરોપિયન યુનિયન પાસેથી આર્થિક સહાય એકત્ર કરવામાં આવશે.
જો આ યોજના લાગુ થાય તો તેની અસર સિરીયા, લેબનોન અને યમન જેવા વિસ્તારો પર પણ પડશે. ઈરાન આ સમજૂતીથી ભડકી શકે છે, કારણ કે તેનાથી તેના સહયોગી ઇસ્લામી કટ્ટરપંથી જૂથોની ભૂમિકા મર્યાદિત થશે. બીજી તરફ અમેરિકા માટે આ એક કૂટનીતિક સફળતા હશે, જે ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય છબીને સુધારશે. આરબ લીગ, ઈજિપ્ત અને કતર પણ આ સમજૂતીને મધ્યપૂર્વની સ્થિરતા તરફનું સકારાત્મક પગલું ગણે છે.
પરંતુ જો વાટાઘાટો નિષ્ફળ જાય તો સંઘર્ષ ફરી ભડકી શકે છે. ઇઝરાયેલના આંતરિક રાજકારણમાં કેટલાક જૂથો ટ્રમ્પના પ્રસ્તાવની ટીકા કરી ચૂક્યા છે, જ્યારે હમાસના અમુક ઇસ્લામી આતંકી જૂથો પણ હથિયાર છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં યુદ્ધવિરામ ફક્ત અસ્થાયી રહેશે અને ઇઝરાયેલ ‘પોતાનું કામ’ નિષ્ઠાપૂર્વક કરતું રહેશે.
ટૂંકમાં હમાસ દ્વારા ટ્રમ્પના પ્રસ્તાવને આંશિક રીતે સ્વીકારવો એ શાંતિની દિશામાં મોટું પગલું છે, પરંતુ આ તો માત્ર શરૂઆત છે. ખરી કસોટી ત્યારે થશે જ્યારે ગાઝાનું વહીવટી નિયંત્રણ અને હથિયાર નીતિ અંગે નક્કર નિર્ણયો લેવાશે. આવનારા થોડા અઠવાડિયા નક્કી કરશે કે આ પહેલ ગાઝાના પુનઃનિર્માણ અને લાંબા ગાળાની સ્થિરતા તરફ આગળ વધશે કે પછી ઇઝરાયેલ ‘ઑપરેશન સમતલ’ દ્વારા હમાસને સંપૂર્ણપણે ભૂંસી નાંખશે.


