મણિપુરમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થનારી વસ્તીગણતરી 2027ની હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયા કેન્દ્ર સરકારે સ્થગિત કરી દીધી છે. 31 ઑગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ અજય કુમાર ભલ્લા, મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંઘ અને ગૃહ સચિવ ગોવિંદ મોહનની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય પાછળ નાગરિકતા, ગેરકાયદે ઘૂસણખોરી, વિસ્થાપન અને ભવિષ્યના વિધાનસભા સીમાંકન એટલે કે ડીલિમિટેશન જેવા મહત્વના મુદ્દા જોડાયેલા છે.
હાલ મણિપુરમાં મૈતેઈ અને નાગા સંગઠનોની મુખ્ય માંગ છે કે વસ્તીગણતરી પહેલાં નેશનલ રજીસ્ટર ઑફ સિટીઝન એટલે કે NRC અપડેટ કરવામાં આવે. આ માંગને લઈને રાજ્યમાં વિરોધ પ્રદર્શનો અને સરકારી કામગીરીના બહિષ્કાર બાદ આ ગણતરી સ્થગિત કરવામાં આવી છે. જોકે કુકી સમુદાય આ માંગનો વિરોધ કરે છે.
વસ્તીગણતરી પહેલાં NRCની માંગ કેમ?
આ જોતાં એવો પ્રશ્ન થાય કે આખરે વસ્તીગણતરી પહેલાં NRC કરવાની માંગ શા માટે કરવામાં આવી રહી છે. આ સમજવા માટે પ્રથમ વસ્તીગણતરી અને NRC વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
વસ્તીગણતરીનો મૂળ હેતુ દેશમાં રહેતા લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ, ઘરો, પરિવાર અને રોજગાર સંબંધિત આંકડા એકત્ર કરવાનો છે, જ્યારે NRCનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોની સત્તાવાર નોંધ તૈયાર કરવાનો છે.
મૈતેઈ અને નાગા સંગઠનોની દલીલ છે કે વસ્તીગણતરી પહેલાં રાજ્યમાં કયા લોકો ભારતીય નાગરિક છે અને કોણ ગેરકાયદે ઘૂસણખોર છે તે સ્પષ્ટ થવું જોઈએ. સેન્સસમાં નાગરિકતા નક્કી કરવામાં આવતી નથી, પરંતુ NRC અગાઉ થાય તો જ વસ્તીગણતરીના આંકડા અને ડેમોગ્રાફિક ચિત્ર વધુ વિશ્વસનીય બની શકે.

મણિપુરમાં નવી નથી NRCની માંગ
નોંધનીય છે કે સામાન્ય રીતે એવું લાગે છે કે વસ્તીગણતરીની શરૂઆત થયા બાદ મણિપુરમાં NRCની માંગ થઈ રહી છે. જોકે આ માંગ વર્ષોથી થઈ રહી હતી પણ 2023ના હિંસક સંઘર્ષ પછી તીવ્ર બની છે, જોકે વાસ્તવમાં આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
જૂન 2022માં કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઈન્ટેગ્રિટી અને યુનાઈટેડ નાગા કાઉન્સિલ જેવાં સંગઠનોએ NRC અને સ્ટેટ પોપ્યુલેશન કમિશનની માંગ સાથે આવેદન આપ્યું હતું. ત્યારબાદ 5 ઑગસ્ટ 2022ના રોજ મણિપુર વિધાનસભાએ NRC અને વસ્તી આયોગની રચના અંગે ઠરાવ પસાર કર્યો હતો, જેને 1 માર્ચ 2024ના રોજ ફરીથી સમર્થન આપ્યું હતું.
કેટલાક સંગઠનો 1951ને આધાર વર્ષ બનાવી NRCની કરી રહ્યા છે માંગ
મૈતેઈ અને નાગા સમુદાયના કેટલાક સંગઠનો 1951ને NRCનું આધાર વર્ષ બનાવીને નાગરિકતાની પ્રક્રિયા હાથ ધરવાની મુખ્ય માંગ કરી રહ્યાં છે. સરળ ભાષામાં કહીએ તો તેઓ ઈચ્છે છે કે 1951ના સત્તાવાર દસ્તાવેજો અને ત્યારબાદના પુરાવાઓના આધારે લોકોની નાગરિકતા ચકાસવામાં આવે.
આ માંગ પાછળનો હેતુ 1951 પછીના દાયકાઓમાં થયેલી ડેમોગ્રાફી ચેન્જની સરખામણી કરીને બહારથી આવેલ ગેરકાયદે ઘૂસણખોરોને ઓળખવાનો છે. મણિપુરમાં ડેમોગ્રાફીનો વિવાદ મુખ્યત્વે તેના ભૌગોલિક અને સામાજિક વિતરણ સાથે જોડાયેલો છે. આ વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિના કારણે જમીનનો અધિકાર, રાજકીય પ્રતિનિધિત્વ અને વહીવટી સત્તા જેવા મુદ્દાઓ અત્યંત સંવેદનશીલ બની જાય છે. આ બાબત સમજવા માટે મૈતેઈ, કુકી અને નાગા સમુદાયો અંગે જાણવું આવશ્યક છે.
કોણ છે મૈતેઈ, કુકી અને નાગા સમુદાય
મૈતેઈ અને નાગા મણિપુરના મુખ્ય સમુદાયો છે, જ્યારે કુકીઓ પછીથી મ્યાનમાર-ચીનમાંથી મણિપુરમાં ઘૂસી ગયા હતા. કુકીઓ મુખ્યત્વે ખ્રિસ્તી પંથ પાળે છે અને અનેક ગેરકાયદે કામોને લઈને વારંવાર મૂળ મૈતેઈ સમુદાય સાથે ઘર્ષણ પણ કરે છે. વધુમાં આ લોકોના કારણે જ મૂળ મૈતેઈ સમુદાયની ઘણી જમીનો પર ડેમોગ્રાફી ચેન્જ થઈ છે અને કુકીઓએ ગેરકાયદેસર કબજો પણ કરી લીધો છે. મૈતેઈ રાજ્યની સૌથી મોટી વસ્તી ધરાવતો સમુદાય છે, જે મુખ્યત્વે ઈમ્ફાલ ખીણ વિસ્તારમાં વસે છે. કુકી-ઝો સમુદાય મુખ્યત્વે પહાડી વિસ્તારોમાં રહે છે અને તેમનાં સાંસ્કૃતિક-વંશીય જોડાણ ભારત-મ્યાનમાર સરહદ પારના ચીન સમુદાય સાથે રહેલા છે. નાગા સમુદાય પણ મણિપુરનો મહત્વનો સમુદાય છે, જેનું ઉત્તર અને અન્ય પહાડી વિસ્તારોમાં પ્રભુત્વ છે.
આ ત્રણેય જૂથોના ઐતિહાસિક, જમીન સંબંધિત અને રાજકીય અધિકારો અલગ હોવાથી ડેમોગ્રાફિક આંકડા રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2023માં 3 મેથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભારે સંઘર્ષ શરૂ થયો હતો. આ હિંસાના લીધે મોટી સંખ્યામાં મૈતેઈ લોકો પોતાના મૂળ વતન અને ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે.
આ સ્થિતિમાં સેન્સસ હાથ ધરવા સામે પ્રશ્ન ઊભો થયો છે કે મૂળ સ્થાને ન રહેતા વિસ્થાપિતોની ગણતરી કઈ રીતે થશે. મૈતેઈ સંગઠનોની માંગણી છે કે વિસ્થાપિતો પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પરત ન ફરે ત્યાં સુધી સેન્સસ સ્થગિત રાખવું જોઈએ, નહીંતર જે લોકો હાલમાં જ્યાં વસેલા છે એ જ તેમના કાયમી ઘર તરીકે નોંધાઈ જશે અને ડેમોગ્રાફીક ચિત્ર પણ બદલાઈ જશે.
ઘૂસણખોરીનો પ્રશ્ન વિકટ
નોંધનીય છે કે મણિપુરની ઘણી ખરી સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી હોવાથી ત્યાંથી થતી કુકીઓની ઘૂસણખોરીનો મુદ્દો અત્યંત મહત્વનો છે. 2021માં મ્યાનમારમાં લશ્કરી તખ્તાપલટ પછી ચિન રાજ્યમાંથી હજારો કુકીઓ સરહદ પાર કરીને મણિપુરમાં ઘૂસી ગયા હતા. મૈતેઈ સંગઠનોનો આરોપ છે કે આ ઘૂસણખોરીના કારણે રાજ્યની ડેમોગ્રાફી બદલાઈ રહી છે.
આ ઉપરાંત મૈતેઈ અને નાગા સંગઠનોને સેન્સસથી રાજકીય પ્રતિનિધિત્વ અને ડીલિમિટેશન બદલાઈ જવાનો ડર છે. મણિપુર વિધાનસભાની કુલ 60 બેઠકોમાંથી 40 ખીણ વિસ્તારમાં અને 20 પહાડી વિસ્તારમાં છે. જો નવી વસ્તીગણતરીમાં પહાડી વિસ્તારોની વસ્તી વધારે દર્શાવાય તો ભવિષ્યના સીમાંકનમાં ખીણ વિસ્તારની બેઠકો ઘટી જવાની આશંકા મૈતેઈ જૂથોને છે. બીજી તરફ નાગા સંગઠનોની ફરિયાદ છે કે તેમની વસ્તીના પ્રમાણમાં પહાડી વિસ્તારોને અત્યાર સુધી યોગ્ય રાજકીય હિસ્સો મળ્યો નથી.
મણિપુર માટે ડીલિમિટેશન જરૂરી
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ઘણા સમયથી ડીલિમિટેશનની તૈયારીઓ કરી રહી છે. મણિપુરમાં પણ ડીલિમિટેશન જરૂરી છે કારણ કે તેનું વર્તમાન રાજકીય માળખું 1971ની વસ્તીના જૂના આંકડા પર આધારિત છે. 2001ની સેન્સસ પછી દેશના અન્ય રાજ્યોમાં સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, પરંતુ મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં સુરક્ષા તથા વસ્તીના આંકડાઓની વિસંગતતાઓના કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.
તેથી હવે નવી સેન્સસ અને ત્યારબાદ થનાર ડીલિમિટેશન રાજ્યની રાજકીય સત્તાનું સંતુલન બદલી શકે છે તેવી ગંભીર આશંકા વિવિધ સમુદાયોમાં છે. આ સિવાય વિરોધ કરી રહેલાં સંગઠનોની માંગણી એક ક્રમબદ્ધ કડી પર આધારિત છે: પહેલાં NRC, પછી સેન્સસ અને અંતે ડીલિમિટેશન.
તેમનો તર્ક છે કે પ્રથમ તબક્કે NRCથી કાયદેસરના નાગરિકોની ઓળખ સ્પષ્ટ થાય, ત્યારબાદ વસ્તીગણતરીથી રાજ્યની વાસ્તવિક વસ્તીનો આંકડો મળે અને અંતે તેના આધારે મતવિસ્તારોનું યોગ્ય સીમાંકન થઈ શકે. બીજી તરફ કુકી-ઝો સંગઠનોનું કહેવું છે કે સેન્સસ પહેલાં NRC હાથ ધરવું અયોગ્ય છે, તેથી સૌથી પહેલાં નિષ્પક્ષ સેન્સસ દ્વારા વિશ્વસનીય આંકડા એકત્ર કરવા જોઈએ.
કુકી-ઝો કાઉન્સિલનું માનવું છે કે ભારત અને મ્યાનમાર સરહદની બંને બાજુ કુકી-ઝો સમુદાયો ઐતિહાસિક રીતે વસતા હોવાથી 1951ના જૂના દસ્તાવેજોને આધાર બનાવવાથી પેઢીઓથી રહેતા કુકી-ઝો નાગરિકો માટે પણ પોતાની નાગરિકતા સાબિત કરવી મુશ્કેલ બની શકે તેવી તેમને આશંકા છે.
આસામ NRCનો અનુભવ અને મણિપુરમાં કાનૂની સ્થિતિ
આ દાવો તેઓ આસામમાં થયેલ NCRનાં પરિણામોના આધારે કરી રહ્યા છે. 2019માં આસામના NCRનો અંતિમ ડ્રાફ્ટ જાહેર થયો જેમાં આશરે 19.06 લાખ લોકો બહાર રહી ગયા હતા. કાનૂની પડકારો અને વિવાદોને કારણે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાએ તેને હજુ સુધી અંતિમ માન્યતા આપી નથી. આ કારણે મણિપુરમાં કુકી સંગઠનો NRCનો વિરોધ કરી રહ્યા છે. જોકે, કાયદાકીય રીતે સિટિઝનશિપ એક્ટ 1955ની કલમ 14A હેઠળ કેન્દ્ર સરકાર ઈચ્છે તો સમગ્ર દેશની રાહ જોયા વગર માત્ર મણિપુર માટે અલગથી NRC પ્રક્રિયા શરૂ કરી શકે છે.
મણિપુરમાં સેન્સસ 2027ની હાઉસ-લિસ્ટિંગ પ્રક્રિયા 1થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન થવાની હતી. પરંતુ વધતા આંદોલન અને કાયદો-વ્યવસ્થાની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રાખી છે. જોકે વસ્તીગણતરી સ્થગિત કરવાનો આ પહેલો નિણર્ય નથી. આ અગાઉ પણ 1981માં આસામ આંદોલન વખતે અને 1991માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ તથા કાશ્મીરી પંડિતોના પલાયનને કારણે વસ્તીગણતરી અટકી હતી.
આ ઉપરાંત 2021ની રાષ્ટ્રીય વસ્તીગણતરી પણ કોવિડ-19 મહામારીના કારણે મોકૂફ રખાઈ હતી. જોકે, મણિપુરનો કિસ્સો અલગ છે કારણ કે અહીં નાગરિકતા અને ડેમોગ્રાફિક ફેરફારોની માંગને કારણે ગણતરી અટકાવવી પડી છે.
હવે પછીનો રસ્તો કેન્દ્ર સરકારના નિર્ણય પર આધારિત છે. જો સરકાર NRCની પ્રક્રિયા સ્વીકારે છે તો તેના આધાર વર્ષ, માન્ય દસ્તાવેજો અને વાંધા-અરજીઓની ચકાસણીમાં લાંબો સમય લાગી શકે છે. બીજી તરફ જો NRC વિના સેન્સસ ફરી શરૂ કરવી હોય તો પણ વિસ્થાપિત નાગરિકોની વતન વાપસી અને મૈતેઈ-નાગા-કુકી સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસ ઊભો કરવો અનિવાર્ય બનશે.
સરળ શબ્દોમાં કહીએ તો આ વિવાદ ત્રણ મુખ્ય સવાલો પર ટકેલો છે. મણિપુરના સાચા નાગરિકો કોણ છે, તેમની વાસ્તવિક વસ્તી કેટલી છે અને તેના આધારે ભવિષ્યમાં રાજકીય બેઠકોનું ડીલિમિટેશન કેવી રીતે થશે? મૈતેઈ અને નાગા સંગઠનો ‘પહેલાં NRC, પછી સેન્સસ અને અંતે ડીલિમિટેશન’ ઈચ્છે છે, જ્યારે કુકી જૂથો સેન્સસ પહેલાં NRCને અયોગ્ય માને છે. કેન્દ્ર સરકારે હાલ ગણતરી સ્થગિત રાખી છે જોકે ભવિષ્યમાં શું થાય તે જોવું રહ્યું.


