શ્રાવણ આવે એટલે ભારતના મંદિરોમાં ઘંટારવ સંભળાવા લાગે છે. શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો લાગે છે, ‘ૐ નમઃ શિવાય’નો નાદ ગુંજે છે અને દેશના અલગ-અલગ ખૂણામાં બેઠેલાં બાર પવિત્ર નામો એકસાથે સ્મરણમાં આવે છે. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર.
આપણે આ બાર નામોને ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ બાર નામો બોલતાં પહેલાં એક શબ્દ એવો છે, જેની અંદર આખી વાત છુપાયેલી છે. તે છે ‘જ્યોતિર્લિંગ’.
જ્યોતિર્લિંગ એટલે શું? શું તે માત્ર શિવલિંગનું કોઈ વિશેષ સ્વરૂપ છે? શું આ બાર સ્થળો એવાં છે જ્યાં ભગવાન શિવ અગ્નિના સ્તંભરૂપે પ્રગટ થયા હતા? કે પછી ‘જ્યોતિર્લિંગ’ શબ્દની પાછળ શિવને સમજવાની એવી કોઈ પ્રાચીન દૃષ્ટિ છે, જે મંદિર, મૂર્તિ અને કથા, આ બધાથી પણ આગળ જાય છે?
આ પ્રશ્નનો જવાબ બાર મંદિરોની યાત્રાથી નહીં, બે શબ્દોની યાત્રાથી મળે છે.
‘જ્યોતિ’ અને ‘લિંગ’. આ બે શબ્દોને તેમના મૂળ અર્થ સુધી લઈ જઈએ તો અચાનક સમજાય છે કે જ્યોતિર્લિંગ માત્ર કોઈ પવિત્ર સ્થળનું નામ નથી. તે એક વિચાર છે. એક એવું ચિહ્ન છે, જેના માધ્યમથી ભારતીય પરંપરાએ જે અનંત છે, નિરાકાર છે અને માનવીની આંખોથી સંપૂર્ણપણે પકડાઈ શકતું નથી, તેને સમજવાનો પ્રયાસ કર્યો છે.
જ્યોતિ એટલે માત્ર પ્રકાશ નહીં
‘જ્યોતિ’ શબ્દ સાંભળતાં આપણા મનમાં સૌથી પહેલાં પ્રકાશ આવે છે. દીવો, સૂર્ય, અગ્નિ, વીજળી, જે અંધકારને દૂર કરે તે જ્યોતિ. પરંતુ ભારતીય અધ્યાત્મમાં પ્રકાશનો અર્થ માત્ર આંખે દેખાતો પ્રકાશ નથી. પ્રકાશ એટલે જે પ્રગટ કરે છે, જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે, જે છુપાયેલાને દૃશ્ય બનાવે છે અને જેનાથી આપણને કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે.
આ વિચાર વેદાંત સુધી પહોંચતાં વધુ ઊંડો બને છે. બૃહદારણ્યક ઉપનિષદનો પ્રખ્યાત મંત્ર કહે છે- ‘તમસો મા જ્યોતિર્ગમય’, એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ.
અહીં પ્રકાશનો અર્થ સૂર્યપ્રકાશ નથી. અહીં માણસ અંધકારમાંથી જ્ઞાન તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ અને અજ્ઞાનમાંથી સત્ય તરફ જવાની પ્રાર્થના કરે છે. ઉપનિષદ પોતે જ ‘તમસ’ અને ‘જ્યોતિ’ને આ રીતે આધ્યાત્મિક યાત્રાના બે છેડા બનાવે છે.
કઠોપનિષદ તો પ્રકાશની આ કલ્પનાને હજુ એક પગલું આગળ લઈ જાય છે. ત્યાં કહેવામાં આવે છે કે ‘ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્રતારકં… તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ।’ જ્યાં પરમ તત્વ છે ત્યાં સૂર્ય, ચંદ્ર, તારાઓ કે અગ્નિ તેને પ્રકાશિત કરતા નથી, તેના પ્રકાશથી જ બધું પ્રકાશિત થાય છે. એટલે અહીં વાત એવા પ્રકાશની છે જે પોતે કોઈ બીજા પ્રકાશથી પ્રકાશિત થતો નથી. જે બીજા બધાને પ્રકાશિત કરે છે.
આ એક જ વિચાર ‘જ્યોતિર્લિંગ’ને સમજવા માટે આખી દિશા બદલી નાખે છે. કારણ કે જો જ્યોતિનો અર્થ માત્ર અગ્નિની જ્વાળા ન હોય, પરંતુ જે બધાને પ્રકાશિત કરે તે પરમ પ્રકાશ હોય તો ‘જ્યોતિર્લિંગ’નો અર્થ પણ કોઈ ભૌતિક પ્રકાશના સ્તંભ સુધી સીમિત રહી શકતો નથી.
‘લિંગ’ એટલે માત્ર આકાર નહીં
હવે બીજો શબ્દ ‘લિંગ’. આ શબ્દ વિશે આધુનિક મનમાં સૌથી પહેલાં શિવલિંગનું દૃશ્ય ઊભું થાય છે. પરંતુ સંસ્કૃતમાં ‘લિંગ’નો મૂળ અર્થ ઘણો વિશાળ છે. લિંગ એટલે ચિહ્ન, નિશાની, લક્ષણ, પ્રતીક, ઓળખ કરાવતું તત્વ. સંસ્કૃતના પ્રાચીન કોશોમાં ‘લિંગ’ માટે માર્ક, સાઇન, ટોકન, એમ્બ્લમ, કેરેક્ટરિસ્ટિક અને પ્રૂફ જેવા અર્થો મળે છે. તર્કશાસ્ત્રમાં પણ લિંગ એ એવું ચિહ્ન છે જેના આધારે કોઈ અદૃશ્ય વસ્તુનું અનુમાન થાય, જેમ ધુમાડો અગ્નિનું લિંગ છે.
આ વાતને સરળ રીતે સમજીએ તો લિંગ પોતે અંતિમ વસ્તુ નથી. તે કોઈ બીજી, વધુ ઊંડી વસ્તુ તરફ સંકેત કરે છે. ધુમાડો દેખાય છે, પરંતુ તે આપણને અગ્નિ તરફ લઈ જાય છે. પગલાં દેખાય છે, પરંતુ તે કોઈ વ્યક્તિના હોવાનો સંકેત આપે છે. તેવી જ રીતે ‘લિંગ’ એ અદૃશ્યને ઓળખાવતું દૃશ્ય ચિહ્ન છે.
અહીંથી શિવલિંગને જોવાની દૃષ્ટિ બદલાય છે. શિવલિંગ માત્ર શિવના કોઈ માનવાકાર શરીરનું પ્રતિનિધિત્વ કરતું સ્વરૂપ નથી. તે એવા તત્વનું ચિહ્ન છે જેને સંપૂર્ણ રીતે આકારમાં બાંધી શકાય નહીં. શિવને અનંત માનવામાં આવે છે, નિરાકાર માનવામાં આવે છે તો નિરાકારનું ચિહ્ન કેવું હશે? એ જ પ્રશ્નનો જવાબ ‘લિંગ’ આપે છે. આકારમાં રહેલું એવું ચિહ્ન, જે આપણું ધ્યાન આકારની બહાર રહેલા તત્વ તરફ લઈ જાય.
અને હવે બંને શબ્દો એકબીજા સામે મૂકો. જ્યોતિ અને લિંગ.
જ્યોતિર્લિંગ એટલે શું?
જ્યોતિ, જે પ્રકાશિત કરે છે. લિંગ, જે કોઈ અદૃશ્ય તત્વને ઓળખાવે છે. એટલે જ્યોતિર્લિંગ એટલે અનંત, પ્રકાશરૂપ શિવત્વને ઓળખાવતું ચિહ્ન. આ અર્થમાં જ્યોતિર્લિંગને માત્ર ‘પ્રકાશનું શિવલિંગ’ કહી દેવું પણ અધૂરું છે. અહીં જ્યોતિ એ અનંત પરમ પ્રકાશ છે અને લિંગ એ તે અનંતને ઓળખાવતું ચિહ્ન છે. જે આંખે સંપૂર્ણ દેખાતું નથી, જેને મન સંપૂર્ણ પકડી શકતું નથી, જેને શબ્દો આખું કહી શકતા નથી, તેને એક ચિહ્નમાં અનુભવવાનો આ ભારતીય પ્રયાસ છે.
કદાચ આ જ કારણ છે કે શિવને સમજવા માટે પુરાણોમાં ‘અનંત જ્યોતિ’ની કથા રચાય છે. જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ પણ અંત શોધી શક્યા નહીં. શૈવ પુરાણપરંપરામાં એક અદભૂત કથા આવે છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ એ અંગે વિવાદ થાય છે ત્યારે તેમની વચ્ચે એક અપરિમિત જ્યોતિસ્તંભ પ્રગટ થાય છે. તેનો ન ઉપરનો છેડો દેખાય છે, ન નીચેનો. એક તેની ટોચ શોધવા જાય છે અને બીજા તેનો મૂળ શોધવા જાય છે. પરંતુ બંનેને આ જ્યોતિનો અંત મળતો નથી.

આ કથાને માત્ર ચમત્કાર તરીકે વાંચીએ તો તે એક પૌરાણિક ઘટના બનીને રહી જાય છે. પરંતુ ‘જ્યોતિ’ અને ‘લિંગ’નો અર્થ સમજ્યા પછી આ કથા એકદમ બીજી રીતે ખુલે છે. અનંતનું માપ કોણ લઈ શકે? જેનો આદિ નથી તેનો આરંભ ક્યાં શોધશો? જેનો અંત નથી તેનો છેડો ક્યાંથી મળશે? અહીં જ્યોતિ અગ્નિનો થાંભલો નથી. તે અનંતનું દૃશ્ય સ્વરૂપ છે અને એ અનંત જ્યોતિનું લિંગ એટલે જ્યોતિર્લિંગ.
આ કથાની પાછળ રહેલો વિચાર શ્વેતાશ્વતર ઉપનિષદમાં આવેલા રુદ્રના સ્વરૂપ સાથે પણ ઊંડો સંવાદ કરે છે. ઉપનિષદ કહે છે કે ‘એકોહિ રુદ્રો ન દ્વિતીયાય તસ્થુઃ’. એટલે કે એક જ રુદ્ર છે, બીજો કોઈ નથી. આગળ એ જ રુદ્રને સમસ્ત લોકનો અધિપતિ અને સૃષ્ટિના અંતે સમગ્ર ભુવનને પોતાની અંદર સમેટી લેતા તત્વ તરીકે વર્ણવવામાં આવે છે.
અહીંથી શિવનું સ્વરૂપ માત્ર એક દેવતાના માનવાકાર સુધી અટકતું નથી. રુદ્ર એક એવા એકમાત્ર તત્વ તરીકે સામે આવે છે જે સૃષ્ટિમાં વ્યાપ્ત છે, સૃષ્ટિને સંભાળે છે અને અંતે સૃષ્ટિને પોતાની અંદર સમેટી લે છે. આ અનાદિ અને અનંત તત્વને જ્યોતિના સ્વરૂપમાં સમજાવવું અને પછી એ જ્યોતિને એક ચિહ્ન-લિંગ દ્વારા અનુભવી શકાય તેવી બનાવવી, ભારતીય અધ્યાત્મની આ અદભૂત કલ્પનાશક્તિ છે.
શિવ ક્યાંથી શરૂ થાય છે?
અહીં એક વધુ વાત સમજવી જરૂરી છે. માનવ મનને દરેક વસ્તુની શરૂઆત અને અંત જોઈએ છે. જન્મ ક્યાંથી થયો? શરૂઆત ક્યારે થઈ? અંત ક્યારે આવશે? કોઈ વસ્તુનું મૂળ ક્યાં છે? તેનો છેલ્લો છેડો ક્યાં છે? આખું બ્રહ્માંડ પણ આપણે સમયની રેખા પર સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ શિવત્વને ભારતીય પરંપરા આ રેખાથી બહાર મૂકે છે.
શિવનો આરંભ નથી અને અંત નથી. તેથી શિવને માત્ર ‘સર્જનહાર’ તરીકે સમજવાથી વાત પૂરી થતી નથી. સર્જન પહેલાં શું હતું, સર્જન દરમિયાન શું છે અને સંહાર પછી શું રહે છે, આ ત્રણેયની પાછળ જે તત્વ અવિચળ રહે છે, એ શિવ છે.
શ્વેતાશ્વતર ઉપનિષદમાં રુદ્રને સૃષ્ટિના ઉદ્ભવ અને અંત બંને સાથે જોડવામાં આવે છે. તે સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને અંતકાળે સમગ્ર ભુવનને પોતાની અંદર સમેટી લે છે. એટલે અહીં શિવ માત્ર શરૂઆતના ભગવાન નથી અને માત્ર અંતનો સંહારક પણ નથી. તે આખા ચક્રને ધારણ કરતું તત્વ છે.
આથી જ શિવલિંગની સામે ઊભા રહીએ ત્યારે આપણું ધ્યાન માત્ર પથ્થરના આકાર પર અટકવાનું નથી. તે આકાર આપણને આકારાતીત તરફ લઈ જવાનો છે. જેનું કોઈ પહેલું બિંદુ નથી, કોઈ છેલ્લું બિંદુ નથી, એ અનંતને એક ચિહ્નમાં અનુભવવાનો છે અને અહીંથી ‘દ્વાદશ’નો રહસ્યમય અર્થ સામે આવે છે.
12 કેમ?
જો જ્યોતિર્લિંગ માત્ર એક પવિત્ર શિવસ્થાન હોત તો એક, બે, પાંચ, દસ કે કોઈપણ સંખ્યા હોય શકત. પરંતુ સનાતન પરંપરાએ તેને ‘દ્વાદશ’ (12) રૂપે યાદ રાખ્યું છે. આ સંખ્યા ભારતીય ચિંતનમાં સામાન્ય નથી. 12 મહિના મળીને એક વર્ષનું પૂર્ણ ચક્ર બનાવે છે. રાશિચક્રમાં 12 વિભાગો છે. દિવસ-રાતની ગણનામાં 12-12ના બે ભાગ છે. એકથી શરૂ થયેલું ચક્ર 12 સુધી પહોંચે છે અને પછી ફરી એકથી શરૂ થાય છે.
અહીં 12 અંતિમ સંખ્યા નથી. 12 પૂર્ણતાનું બિંદુ છે. ચક્ર 12 પર પૂર્ણ થાય છે, પરંતુ ત્યાં અટકી જતું નથી. અંત ફરી શરૂઆતમાં ફેરવાઈ જાય છે. આ જ તો કાળનું સ્વરૂપ છે. સવાર પછી દિવસ, દિવસ પછી રાત, રાત પછી ફરી સવાર. એક ઋતુ પછી બીજી ઋતુ, એક વર્ષ પછી બીજું વર્ષ. 12 મહિના પૂરા થયા એટલે સમય પૂરો થતો નથી. તે ફરી પ્રથમ મહિનામાં પ્રવેશ કરે છે. રાશિચક્ર 12 રાશિઓમાંથી પસાર થાય છે અને ફરી પ્રથમ રાશિ તરફ વળે છે. ચક્ર પૂર્ણ થાય છે, પરંતુ ગતિ ચાલુ રહે છે.
ભારતીય દૃષ્ટિમાં 12 માત્ર ગણતરીનો આંકડો નથી. તે પૂર્ણ થતા ચક્રનું પ્રતીક છે અને શિવત્વ તો પોતે જ આ ચક્રની બહારનું અને ચક્રને ધારણ કરતું તત્વ છે.
ચક્ર ફરે છે, શિવ સ્થિર છે
કલ્પના કરો કે સમયનું ચક્ર સતત ફરી રહ્યું છે. ઋતુઓ બદલાઈ રહી છે, વર્ષો પસાર થઈ રહ્યાં છે, જન્મ અને મૃત્યુનો ક્રમ ચાલી રહ્યો છે, સૃષ્ટિ સર્જાઈ રહી છે અને ફરી સંકોચાઈ રહી છે. બધું ગતિમાન છે. પરંતુ આ આખી ગતિને જો કોઈ એક સ્થિર કેન્દ્ર ધારણ કરતું હોય તો? એ કેન્દ્ર શિવ છે.
ચક્રની પરિધિ ગતિશીલ છે, કેન્દ્ર અચળ છે. પરિધિ પર શરૂઆત અને અંત દેખાય છે, કેન્દ્રમાં શરૂઆત અને અંતનો પ્રશ્ન જ રહેતો નથી. આથી શિવને અનાદિ અને અનંત કહેવામાં આવે છે.
દ્વાદશ જ્યોતિર્લિંગમાં ‘દ્વાદશ’ પૂર્ણ ચક્રનું અને ‘જ્યોતિર્લિંગ’ અનંત શિવત્વનું પ્રતીક છે. 12 પર ચક્ર પૂર્ણ થાય છે, પરંતુ શિવ ત્યાં જ રહે છે, ફરી નવા આરંભના રૂપમાં. આ વિચાર જ જ્યોતિર્લિંગની સંકલ્પનાને સામાન્ય મંદિર-પરંપરાથી ઊંચે લઈ જાય છે.
બાર સ્થાનો, એક જ જ્યોતિ
દ્વાદશ જ્યોતિર્લિંગોની પરંપરા શિવપુરાણમાં સ્પષ્ટ રીતે મળે છે. શિવપુરાણમાં દ્વાદશ જ્યોતિર્લિંગાવતારનું વર્ણન છે અને એક સ્થળે જ્યોતિર્લિંગોની આ અવલી ‘દ્વાદશપ્રમિતા’, બારની સંખ્યાથી નિર્ધારિત કહેવામાં આવી છે.
અર્થાત્ 12 જ્યોતિર્લિંગોની પરંપરા કોઈ આધુનિક રીતે બનાવેલી યાત્રાસૂચિ નથી. શૈવ પુરાણ પરંપરાએ આ બાર સ્થાનોને એક વિશિષ્ટ જ્યોતિર્લિંગ પરંપરા તરીકે સ્થાપિત કર્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં પણ આ બાર નામો સંક્ષિપ્ત રીતે એક પછી એક આવે છે. સૌરાષ્ટ્રથી શ્રીશૈલ, ઉજ્જૈનથી ઓંકાર, કાશીથી ત્ર્યંબક અને હિમાલયના કેદાર સુધી.
પરંતુ આ બાર સ્થાનોને એકબીજાથી સંપૂર્ણપણે અલગ બાર દેવસ્વરૂપો તરીકે જોવું પણ આ પરંપરાની અંદરની એકતાને નાનું કરી દે છે.
બાર છે, પરંતુ જ્યોતિ એક છે. સ્થાનો અલગ છે, કથાઓ અલગ છે, નદીઓ અલગ છે, પર્વતો અલગ છે, પ્રદેશો અલગ છે, ઉપાસનાની રીતોમાં પણ સ્થાનિક રંગ છે, પરંતુ જે તત્વનું સ્મરણ થાય છે તે એક જ છે. આ જ તો ‘જ્યોતિર્લિંગ’ શબ્દની સુંદરતા છે.
જ્યોતિનો પ્રકાશ ભાગોમાં વહેંચાતો નથી. એક દીવામાંથી બીજા દીવામાં દીવો પ્રગટાવીએ તો પ્રથમ દીવાનો પ્રકાશ ઓછો થતો નથી. એક સૂર્ય હજારો જળાશયોમાં પ્રતિબિંબિત થાય તો હજારો સૂર્ય ઊભા થતા નથી. એક જ પ્રકાશ અનેક સ્થાનોમાં દેખાય છે. એ જ રીતે બાર જ્યોતિર્લિંગો બાર અલગ શિવ નથી. બાર સ્થાનોમાં સ્મરણાતું તત્વ એક જ છે.
વેદથી ઉપનિષદ સુધીનો પ્રકાશ
અહીંથી જ વેદ અને ઉપનિષદને ફરી એકવાર યાદ કરવાં પડે છે. ઋગ્વેદમાં રુદ્રને સંબોધતા સૂક્તોમાં ભય અને કલ્યાણ બંનેને ધારણ કરનાર દેવનું સ્વરૂપ મળે છે. ઋગ્વેદના 1.114 અને 2.33 જેવા સૂક્તોમાં રુદ્રને પ્રાર્થના કરવામાં આવે છે કે રક્ષા કરો, કલ્યાણ કરો, ઔષધિ આપો, જીવનને સુરક્ષિત કરો. રુદ્ર માત્ર વિનાશનો ભયંકર ભગવાન નથી, તે આરોગ્ય અને કલ્યાણની આશા પણ છે.
પછી ઉપનિષદિક વિચારમાં આ રુદ્રનું સ્વરૂપ વધુ ઊંડું થાય છે. ‘એકોહિ રુદ્રો ન દ્વિતીયાય તસ્થુઃ’ એટલે કે એક જ રુદ્ર છે, બીજો કોઈ નથી. આ વાક્ય રુદ્રને કોઈ એક સીમિત દેવસ્થાનમાં બાંધતું નથી. તે એકમાત્ર પરમ તત્વ તરીકે સામે આવે છે, જે સમગ્ર જગતને ધારણ કરે છે અને અંતે સમગ્ર જગતને પોતાની અંદર સમેટી લે છે.
કઠોપનિષદનો પ્રકાશનો વિચાર અહીં આવીને જોડાય છે કે ‘તમે જ પ્રકાશિત છો, તમારા પ્રકાશથી જ બધું પ્રકાશિત છે.’ એટલે જ્યોતિ અહીં બહારની વસ્તુ નથી. અંતે તે પરમ તત્વના સ્વપ્રકાશ સુધી પહોંચે છે. આ ત્રણેય દિશાઓને એકસાથે મૂકીએ તો એક સુંદર રેખા દેખાય છે– રુદ્ર, જ્યોતિ અને અનંત તત્વ. જ્યોતિર્લિંગ આ ત્રણેયને એક ચિહ્નમાં સમાવે છે.
શિવને જોવા હોય તો પ્રકાશમાં જુઓ
ભારતીય અધ્યાત્મની એક વિશેષતા એ છે કે તે નિરાકારને સમજાવવા માટે વારંવાર પ્રતીકોનો સહારો લે છે. શબ્દ જ્યાં અટકી જાય ત્યાં મંત્ર આવે છે. વિચાર જ્યાં અટકી જાય ત્યાં ધ્યાન આવે છે અને નિરાકાર જ્યાં મનને પકડાતું નથી ત્યાં એક ચિહ્ન સામે આવે છે. શિવલિંગ એ એવું જ ચિહ્ન છે.
તે આપણને કહે છે કે જેની તમે ઉપાસના કરી રહ્યા છો તે માત્ર પથ્થર નથી, પરંતુ પથ્થરથી પરનું તત્વ છે. જે દેખાય છે તે માત્ર દ્વાર છે, જે અનુભવવાનું છે તે તેની પાર છે.
જ્યારે એ જ લિંગને ‘જ્યોતિ’ સાથે જોડવામાં આવે છે ત્યારે આ ચિહ્ન વધુ વિશાળ બની જાય છે. હવે તે માત્ર શિવનું ચિહ્ન નથી રહેતું. તે પ્રકાશરૂપ શિવનું ચિહ્ન બને છે. એવો પ્રકાશ જેને કોઈ બહારનો પ્રકાશ પ્રકાશિત કરી શકતો નથી. એવો પ્રકાશ જેના કારણે જ બાકીની દરેક ચીજ પ્રકાશિત થાય છે.
એટલે જ્યોતિર્લિંગ સામે દીવો પ્રગટાવવાની પરંપરામાં પણ એક સુંદર આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. આપણે જેની સામે દીવો પ્રગટાવીએ છીએ તે પોતે જ્યોતિ છે. આપણે જે પ્રકાશ અર્પણ કરીએ છીએ તે અંતે આપણને જ યાદ અપાવે છે કે બહારનો પ્રકાશ તો એક નિમિત્ત છે, સાચી જ્યોતિ અંદર પ્રગટવાની છે.
શ્રાવણમાં જ્યોતિર્લિંગનું સ્મરણ
શ્રાવણનો મહિનો આવે છે ત્યારે જ્યોતિર્લિંગોની ચર્ચા વધુ થાય છે. પરંતુ શ્રાવણ માત્ર મંદિરોમાં ભીડ વધવાનો મહિનો નથી. આ આખી પરંપરા માણસને બહારથી અંદર લઈ જવાની છે. મંદિર આવે છે. પછી શિવલિંગ દેખાય છે. પછી ‘લિંગ’નો અર્થ સમજાય છે. પછી ‘જ્યોતિ’નો અર્થ બદલાય છે. પછી સમજાય છે કે જે પ્રકાશની વાત થઈ રહી છે તે બહારનો પ્રકાશ નથી અને અંતે પ્રશ્ન મંદિરની બહારનો રહેતો નથી. પ્રકાશ ક્યાં છે?
કદાચ આ જ ભારતીય ઉપાસનાની સૌથી સુંદર રીત છે. ઈશ્વર-સત્યને શોધવા માટે બહાર જાઓ અને અંતે પોતાના અંદર પાછા ફરો. શિવને પર્વતમાં શોધો, નદીકિનારે શોધો, જ્યોતિર્લિંગમાં શોધો, મંત્રમાં શોધો, પણ અંતે જે શિવ મળે છે તે કોઈ એક સ્થાનનો નથી. તે સ્થાનને પવિત્ર બનાવનાર તત્વ છે.
આથી જ એક જ શિવ બાર નામે પૂજાય છે. એક જ જ્યોતિ બાર તીર્થોમાં સ્મરણાય છે. એક જ અનંત તત્વને બાર ચિહ્નો દ્વારા સ્પર્શવાનો પ્રયાસ થાય છે અને અહીં ફરી ‘દ્વાદશ’ સામે આવે છે. 12 પૂરું થાય છે અને ફરી 1 થાય છે. વર્ષ પૂરું થાય છે અને ફરી વસંત આવે છે. દિવસનો એક ભાગ પૂર્ણ થાય છે અને બીજો શરૂ થાય છે. રાશિચક્ર પૂર્ણ થાય છે અને ફરી પ્રથમ બિંદુ પર પાછું આવે છે. અંત સતત આરંભમાં પરિવર્તિત થતો રહે છે. પરંતુ જે આ આખા ચક્રને જોઈ રહ્યું છે તે ચક્રમાં બંધાયેલું નથી. એ જ શિવ છે.
અનંતનો આકાર
હવે ‘જ્યોતિર્લિંગ’ શબ્દ ફરી એકવાર બોલીએ. જ્યોતિર્લિંગ. એક એવો પ્રકાશ, જેનો અંત નથી. એક એવું ચિહ્ન, જે આપણને અદૃશ્ય તત્વ તરફ લઈ જાય છે. એક એવું શિવત્વ, જે સૃષ્ટિના આરંભથી પહેલાં પણ હતું અને સૃષ્ટિના અંત પછી પણ હોવાનું અને એક એવી દ્વાદશ પરંપરા, જેમાં પૂર્ણ થતું ચક્ર ફરી આરંભમાં ફેરવાઈ જાય છે.
આથી જ્યોતિર્લિંગ માત્ર પથ્થરમાં ઊભેલું શિવસ્વરૂપ નથી. તે અનંતને ઓળખાવતું ચિહ્ન છે.
પુરાણે તેને જ્યોતિસ્તંભની કથામાં વ્યક્ત કર્યું. ઉપનિષદે પરમ પ્રકાશની વાત કરી. વૈદિક પરંપરાએ રુદ્રને આદિથી જ ભય, ઔષધિ, રક્ષા અને શક્તિ સાથે જોડ્યો. શૈવ પરંપરાએ એ જ તત્વને અનેક તીર્થોમાં સ્થાપિત કર્યું અને ‘દ્વાદશ’એ તેને પૂર્ણ ચક્રના રૂપમાં એક ગહન પ્રતીકાત્મકતા આપી.
એટલે જ્યારે શ્રાવણમાં આપણે ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ બોલીએ છીએ ત્યારે આપણે માત્ર બાર મંદિરોનાં નામ બોલતા નથી. આપણે પ્રકાશનું સ્મરણ કરીએ છીએ. આપણે એ ચિહ્નનું સ્મરણ કરીએ છીએ જે અદૃશ્યને ઓળખાવે છે. આપણે એ તત્વનું સ્મરણ કરીએ છીએ જેનો આરંભ નથી, અંત નથી.
કદાચ આ જ કારણે શિવની ઉપાસનામાં જ્યોતિનું સ્થાન એટલું વિશેષ છે. કારણ કે અંધકારને હરાવવા માટે બહારનો દીવો પૂરતો છે, પરંતુ અસ્તિત્વને સમજવા માટે જે જ્યોતિ જોઈએ છે તે અંદર પ્રગટે છે. દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે બાર જ્યોતિઓ નહીં. એક જ અનંત જ્યોતિનાં બાર ચિહ્નો. બાર પૂર્ણતાઓ, જે દરેક વખતે ફરી પ્રથમ તરફ લઈ જાય છે અને દરેક શરૂઆતની પાછળ, દરેક અંતની પાછળ, દરેક ચક્રના કેન્દ્રમાં– શિવ.


