કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર મેદાન પર છેલ્લા લગભગ પંદરેક દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા તથાકથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક અને તેમને પરાણે આ નાટકમાં ઘસડી લાવનારી કોકરોચ ટોળકી માટે હવે દયનીય પણ હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. તેઓ પોતાનું આ કથિત ક્રાંતિકારી પ્રદર્શન આગળ ધપાવી શકે એમ નથી કારણ કે આગળ કોઈ મારગ સ્પષ્ટ દેખાતો નથી. અહીંથી અટકાવવું જ એકમાત્ર રસ્તો છે, પણ તેમાં ફજેતી થવાની સંભાવનાઓ ઘણી છે. જોકે ફજેતી હમણાં પણ થઈ જ રહી છે એ પણ એક હકીકત છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણીઓને બહાનું બનાવીને સટાયર અને હ્યુમરની આડમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ની સ્થાપના કરનારા આપિયા અભિજિત દીપકેએ પછીથી તેમાં અન્ય અમુક પ્રોપગેન્ડાબાજોને જોડીને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું. ઈરાદો પ્રદર્શન કરવાનો નહીં પણ ‘પોલીસ પરવાનગી નથી આપતી’ એમ કહીને કકળાટ કરવાનો અને સરકાર પર દોષ નાખી દેવાનો હતો પણ આ પ્લાન પહેલેથી જાણી ગયેલી પોલીસ એક ડગલું આગળ ચાલી.
પ્રદર્શન થયું, લોકો તો ઝાઝા ન આવ્યા પણ મીડિયા કવરેજ સારું એવું મળ્યું. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ દીપકે અને તેની ટોળીએ ફાંફાં મારી જોયાં પણ ખાસ ઉકાળ્યું નહીં અને દીપકે એક તમાચો ખાઈને ઘરભેગો થયો એ નફામાં.
સોશિયલ મીડિયાના જમાનામાં બહુ જલ્દી વાયરલ થઈ ગયેલી ચીજોનું આયુષ્ય પણ ટૂંકું હોય છે. આવું કોકરોચ પાર્ટી સાથે થયું, પણ જૂન અંત સુધીમાં દિલ્હીના રાજકીય વર્તુળમાં કેબિનેટ રિશફલની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ અને મીડિયામાં છપાવા માંડ્યું કે કયા મંત્રીની ખુરશી જશે કે કોનાં ખાતાં બદલાશે. આમાં એક નામ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું પણ હતું.
કોકરોચ પાર્ટી પાસે એજન્ડાના નામે કશું નથી પણ પહેલા દિવસથી 'પ્રધાને રાજીનામું આપવું જોઈએ' એવી બૂમો પાડીને ટાઇમપાસ કરતા રહે છે. તેમને પૂછીએ કે પ્રધાન રાજીનામું આપી પણ દે તો પછી શું? તેનો આ વિદૂષકો પાસે જવાબ હોતો નથી, કારણ કે, દુષ્યંત કુમારની ભાષામાં કહીએ તો આ બધાનો મકસદ સૂરત બદલવાનો નહીં પણ હંગામો કરવાનો છે!
એક વાસ્તવિકતા એ પણ નોંધવા જેવી ખરી કે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ NEET કે વિદ્યાર્થીઓના શિક્ષણ મુદ્દે સરકારનો કે સિસ્ટમનો વિરોધ કરવા નહતી બની, એના માટે કારણ તો CJIની ટિપ્પણીઓનું અપાયું હતું. પછી જ્યારે NEET મુદ્દો દેશમાં સળગ્યો તો કોકરોચો ત્યાં ફંટાયા. પણ આ બધાની આડમાં તો ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જેવા દંગાઈઓ માટે સહાનુભૂતિ ઉઘરાવવાનું જ કામ ચાલી રહ્યું છે.
કેબિનેટ રિશફલના સમાચારો સાંભળીને અનશન પર બેઠા કોકરોચો, પછીથી રિશફલની ચર્ચા જ ન થઈ!
કેબિનેટ રિશફલના સમાચારો સાંભળીને આ ટોળકીએ અવસર શોધી કાઢ્યો અને જંતર-મંતર પર આમરણાંત ઉપવાસ કરવાની ઘોષણા કરી દીધી. ભારતના અર્વાચીન ઇતિહાસમાં પહેલી વખત બન્યું કે જાહેરાત કોઈ બીજાએ કરી અને ભૂખ હડતાળ પર કોઈ બીજો બેઠો! લદાખમાં ઉત્પાત મચાવવા બદલ NSA હેઠળ જેલ જઈ આવેલા સોનમ વાંગચુકને લાવીને અનશન પર બેસાડી દેવામાં આવ્યા. અભિજિત દીપકેને પૂછવામાં આવ્યું કે તું અનશન ક્યારે કરીશ? તો એણે બહુ સરસ અને ઐતિહાસિક જવાબ આપ્યો– ‘મારે માઈગ્રેનની સમસ્યા છે! એટલે હું અનશન નહીં કરી શકું. સોનમ વાંગચુકને આમાં સારી ફાવટ આવી ગઈ છે!’
આ ગેંગને હતું કે અનશનના કારણે આખા દેશમાં હોહા થઈ જશે, સરકારના પાયા હલી જશે અને આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચાશે ને આખરે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દેશે. આમ નહીં તો કેબિનેટ રિશફલમાં ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી થાય ત્યારે ક્રેડિટ લઈ લેવા કામ આવશે. પણ થયું એવું કે સમાચારોમાંથી કેબિનેટ રિશફલ ગાયબ થઈ ગયું! ઓછામાં પૂરું કોકરોચોની અમુક હરકતોના કારણે તેમને કોઈએ સિરિયસલી લીધા નહીં.
જંતર-મંતર પર બેઠેલા આ કોકરોચો કાયમ એ પ્રયાસોમાં રહ્યા છે કે કોઈને કોઈ રીતે તેઓ ચર્ચામાં રહે. પણ તેમના પ્રદર્શનમાં ગંભીરતા પહેલેથી રહી નથી. એટલે જ અભિજિત દીપકે છાશવારે ક્રાંતિવીરની જેમ પોલીસ સાથે માથાકૂટ કરતો રહે છે. એક-બે વખત તેણે પોલીસ તેને બે-ચાર દંડા મારે તે માટેના જેન્યુઇન પ્રયાસો કરી જોયા, પણ પોલીસ એની તરકીબો જાણી ગઈ છે એટલે શાંતિપૂર્વક કામ લઈ રહી છે. દીપકે સહાનુભૂતિ ઉઘરાવવા માટે કશુંક મળી રહે તેના પ્રયાસોમાં કાયમ હોય છે, પણ પોલીસ તેનો પ્લાન સફળ થવા દઈ રહી નથી. (ધર્મેન્દ્ર પ્રધાન નહીં તો અમિત શાહે આના માટે રાજીનામું આપી દેવું જોઈએ!)
વિરોધ કરવો, પ્રદર્શનો કરવાં, આંદોલનો કરવાં ને તેને જનઆંદોલનમાં ફેરવવાં એ રમત વાત નથી. તમારી પાસે નક્કર આયોજન હોવું જોઈએ, રોડમેપ હોવો જોઈએ. કોકરોચોમાં આમાંનું કશું નથી. આ ટાઈમપાસ ખાતર ઉભો કરી નાખવામાં આવેલો ધંધો છે.
આ બધાં કારણોસર વારંવારના પ્રયાસો છતાં લોકો આ ટોળકીને ગંભીરતાથી લઈ રહ્યા નથી. લેફ્ટ સંગઠનોના અમુક વિદ્યાર્થીઓ, વૉક-એલજીબીટીક્યુ એક્ટિવિસ્ટો ત્યાં વધારે જોવા મળે છે. અમુક રીલ ઉતારવા જાય છે. ઘણા કુતૂહલવશ આંટો મારતા આવે છે. ખાણીપીણી અને અલકમલકની વાતો કરીને છૂટા પડે છે. ઓછામાં પૂરું સોશિયલ મીડિયા પર મીમ્સ બનવાનાં શરૂ થઈ ગયાં છે, જેમાં પ્રદર્શન એક મજાક બની રહ્યું છે.
હવે પ્રેશર લાવવાનો અંતિમ પ્રયાસ, ઇકોસિસ્ટમ એક્ટિવ થઈ
વંદાઓની ગેંગે એક ગંભીર વિષયને સર્કસમાં ફેરવી નાખ્યો છે. જનસમર્થન ઘટી રહ્યું છે, મીડિયામાં કવરેજ થાય છે એમાં પણ ગંભીરતા રહી નથી. આ સંજોગોમાં તેઓ જાણી ગયા છે કે હવે વહેલી તકે અહીંથી તંબૂ સંકેલી લઈને ઘરભેગા થઈ જવામાં મજા છે. પણ તેના માટે તેમને સરસ મજાનું બહાનું જોઈએ છે.
એટલે જ બે-ત્રણ દિવસથી અચાનક સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુકના સમર્થનમાં ગણગણાટ શરૂ થયો છે. અમુક ફ્લૉપ એક્ટરો (બજેટ ઝાઝું નહીં હોય!) અને કથિત એક્ટિવિસ્ટો, રાજકારણીઓ મારફતે હવે દબાણ બનાવાય રહ્યું છે. સોનમ વાંગચુક માટે પોસ્ટો ફેરવવાની શરૂ થઈ છે. બીબીસી જેવાં મીડિયા આઉટલેટ કૂદી રહ્યાં છે. અમુક યુટ્યુબરિયાઓએ હવે જંતર-મંતરનો રસ્તો પકડવા માંડ્યો છે.
આ બધાં એકસૂરે કહી રહ્યાં છે કે હવે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને જોખમ છે અને તેમણે અનશન પૂર્ણ કરી દેવું જોઈએ. વાત તેમની સાચી છે, પણ પ્રશ્ન એ છે કે આ બધું અચાનક હમણાં જ યાદ આવ્યું? બધાને એકસાથે જ યાદ આવ્યું? પ્રદર્શન તો દિવસોથી ચાલે છે. હકીકત એ છે કે આ બધું સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે.
આ એક અંતિમ પ્રયાસ છે, સરકાર પર, વ્યવસ્થા પર પ્રેશર લાવવાનો. પરંતુ આમાંથી કોઈ એ વાતનો જવાબ આપી નથી રહ્યું કે શિક્ષણ મંત્રી કદાચ રાજીનામું પણ આપી દે તેનાથી શું બદલાશે? આ અંતિમ પ્રયાસમાં પણ બહુ સફળતા મળતી દેખાય રહી નથી.
કોકરોચોએ 20 જુલાઈએ સંસદ ભવન તરફ માર્ચ કરવાની ઘોષણા કરી છે, એ પણ બીજું કશું નહીં પણ ધ્યાન ખેંચવાનાં જ હવાતિયાં છે. તેઓ જાણે છે કે પોલીસ સંસદ ભવન નજીક જવા દેશે નહીં. પણ એ બહાને તેમને કહેવા થશે કે સરકારે તેમની ઉપર દમન ગુજાર્યું એટલે હવે પોતે અનશન ખતમ કરી રહ્યા છે.
આ બધું ઉતાવળમાં, વધારે મગજ દોડાવ્યા વગર, વધારે પડતા ઉત્સાહમાં શરૂ કરી દેવામાં આવેલા એક ફ્લૉપ આંદોલનને થોડી ઓછી ફજેતી થાય તેમ પૂરું કરવાનાં ત્રાગાં છે, બીજું કશું જ નહીં!


