ગુજરાતમાં ફરી એક વખત ચુનાવ કા માહૌલ હૈ. સ્થાનિક ચૂંટણીઓ આવી ગઈ છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતો પર એકસાથે 26મી એપ્રિલે મતદાન થશે અને બે દિવસ પછી 28મીએ પરિણામો આવશે. ફોર્મ ભરાઈ ચૂક્યાં છે અને પરત ખેંચવાનો આ લખાય રહ્યું છે ત્યારે અંતિમ દિવસ છે. અર્થાત્ આજે ક્યાં-કેટલા ઉમેદવારો છે એ સ્પષ્ટ થઈ જશે.
આમ તો આ સમય ચૂંટણી પ્રચાર કરવાનો છે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચિંતા એ છે કે તેમના ઉમેદવારો છેલ્લી ઘડીએ પીછેહઠ ન કરી લે. તેના માટે તેઓ ભાજપને દોષ આપતા રહે છે. પણ એક હકીકત એ પણ છે કે તેનો અર્થ એ થયો કે આ પાર્ટીઓને પોતાના ઉમેદવારો પર જ વિશ્વાસ નથી. જો તેમના દાવા પ્રમાણે ઉમેદવારો એટલા જ સક્ષમ અને વિચારધારાને વરેલા હોય તો ભાજપ ગમે તેટલી ઑફરો આપે (તેમના કહેવા અનુસાર) ઉમેદવારોને ફેર ન પડવો જોઈએ. પણ રાજકારણમાં બધું ઉજળું હોતું નથી. કોંગ્રેસ અને AAP અત્યારે પોતાના ઉમેદવારોને સાચવવામાં લાગ્યાં છે. ભાજપ દર વખતની જેમ ઝંઝાવાતી પ્રચારમાં લાગી પડ્યો છે. નાનામાં નાની ચૂંટણી પણ ભાજપ ગંભીરતાથી લડે છે અને એટલે જીતે છે. ઈવીએમ અને વોટ ચોરીને એ બધું ટાઢાં પહોરનાં ગપ્પાં છે.
ગુજરાતમાં પહેલાં બે જ પાર્ટીનું રાજકારણ હતું, થોડાં વર્ષોથી ત્રીજા પક્ષ તરીકે કેજરીવાલની આમ આદમી પાર્ટી પગપેસારો કરવા મથી રહી છે, પણ આટલાં વર્ષે પણ ધારેલી સફળતા મળી નથી. 2021ની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટા ઉપાડે કેમ્પેઈન કર્યું હતું, પણ પછી સુરતમાં થોડી સીટો આવી તે સિવાય બહાર ક્યાંય ગજ ન વાગ્યો. આ વખતે જોકે સુરતમાં પણ એવું ખાસ પ્રદર્શન દેખાતું નથી. બહાર તો હાલત બહુ ખરાબ છે. જે-તે સમયે જે નેતાઓ પાર્ટીની સાથે હતા તેઓ દૂર થઈ ચૂક્યા છે. નેતૃત્વના નામે ગોપાલ અને ઈસુદાન જેવા નેતાઓ છે, જેઓ પહેલાં જ નિષ્ફળ સાબિત થઈ ચૂક્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ ખાસ પ્રદર્શન કર્યું ન હતું.
આ વખતે AAPની વાતોમાંથી શિક્ષણ અને આરોગ્યની વાતો કરતું કથિત દિલ્હી મોડેલ ગાયબ
2026ની સ્થાનિક ચૂંટણીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી ક્રાંતિ લાવી દેવાના વાયદા સાથે મેદાને ઉતરી છે, પણ આ વખતે એક ફેર જોવા મળી રહ્યો છે. તેઓ શિક્ષણ અને આરોગ્ય અને તથાકથિત દિલ્હી મોડેલની વાત કરી રહ્યા નથી. આટલા દિવસો થયા હોવા છતાં AAPનો ચૂંટણી નરેટિવ બીજી-બીજી વાતોની આસપાસ ફરી રહ્યો છે. બાકી દર વખતે કોઈ પણ ચૂંટણી હોય, પાર્ટી શિક્ષણ અને આરોગ્યની વાતો લઈ આવતી હતી અને પછી કહેવામાં આવતું કે આ બધું દિલ્હીમાં થયું છે અને હવે ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ થશે.
આ વખતે આ બધું પ્રચારમાં જોવા મળી રહ્યું નથી. કારણ સ્પષ્ટ છે– 2025નાં દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો. કેજરીવાલે દિલ્હીને મોડેલ બનાવીને આખા દેશમાં વેચવાના પ્રયાસ કર્યા. પંજાબમાં એક વિધાનસભા ચૂંટણીમાં જીત મળી એટલે કૉન્ફિડન્સ આવ્યો અને એ જ પછીથી ગુજરાતમાં લાવવામાં આવ્યું. 2022ની ચૂંટણીમાં શિક્ષણ, આરોગ્યની વાતો બહુ થતી હતી. દિલ્હીમાં પાર્ટીએ આટલી શાળાઓ બનાવી છે, આટલાં મહોલ્લા ક્લિનિક બનાવ્યાં છે– આવી બધી વાતો બહુ થતી અને વાયદા કરવામાં આવતા કે હવે ગુજરાતમાં પણ એવું થશે.
હકીકત એ હતી કે મહોલ્લા ક્લિનિક એક મોટું તૂત હતું અને જમીન પર કામ થતાં ન હતાં. શાળાઓવાળામાં પણ આવું જ હતું. અમુક શાળાઓને આખા દિલ્હીમાં પરિવર્તન આવ્યું હોવાનું જણાવીને રજૂ કરવામાં આવી હતી. આ બધી પોલ ખુલવા માંડી અને તેની અસર 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થઈ. આમ આદમી પાર્ટી હારી ગઈ. હવે દિલ્હીમાં હાર મળી એટલે પાર્ટીએ આ બધી ચર્ચાઓ સદંતર બંધ કરી દીધી છે. કારણ કે હવે તેની વાત કરવા જાય તો લોકો પહેલો પ્રશ્ન એ કરશે કે તો તેમને દિલ્હી ચૂંટણીમાં કેમ હાર મળી અને ત્યાં સત્તા કેમ ન જાળવી શક્યા? એ જ કારણ છે કે આ વખતે AAP અહીં દિલ્હીની કે કથિત દિલ્હી મોડલની વાત કરી રહી નથી, કારણ કે એ મોડેલ બહુ ખરાબ રીતે નિષ્ફળ જઈ ચૂક્યું છે.
શું ભાજપ અને કોંગ્રેસ AAP સામે લડી રહ્યાં છે? આ તૂત પાછળનું ગણિત શું?
આ વખતે આમ આદમી પાર્ટી એક હાસ્યાસ્પદ મુદ્દો એ લાવી છે કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને AAP વિરુદ્ધ લડી રહ્યાં છે. પહેલી વાત તો એ છે કે આમ આદમી પાર્ટી પોતાને બહુ વધારે પડતી ગંભીરતાથી લે છે. તેનું ગુજરાતમાં એવું કોઈ વજૂદ નથી કે બે વિરોધી વિચારધારા ધરાવનારી પાર્ટીઓએ સાથે આવવું પડે.
એક વક્રતા એ પણ છે કે આ જ આમ આદમી પાર્ટી અગાઉ અનેક ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂકી છે. INDI ગઠબંધનમાં બંને પાર્ટીઓ હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં ગઠબંધન કર્યું હતું. પછીથી વાંકું પડ્યું તો કહેવાનું શરૂ કરી દીધું કે કોંગ્રેસ અને ભાજપ અમને હરાવવા માટે સાથે આવ્યાં છે. આ પણ ટાઈમપાસ છે, લોકો સિરિયસલી લેશે નહીં.
વાસ્તવિકતા જોઈએ તો આ વખતે આમ આદમી પાર્ટી પાસે કોઈ નક્કર મુદ્દા નથી અને હવામાં ગોળીબાર કર્યે રાખ્યા છે. ભાજપ અને તેના નેતાઓને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખ્યું છે, પણ માત્ર તેટલાથી ચૂંટણી જીતી શકાય નહીં. નક્કર રોડમેપ અને વિઝન હોવાં જોઈએ. જે ‘શિક્ષણ અને આરોગ્ય’ને તેમણે રોડમેપ તરીકે રજૂ કર્યાં હતાં એ તો નિષ્ફળ સાબિત થયાં. હવે મુદ્દા રહ્યા નથી.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં પરિણામો 2021 કરતાં પણ ખરાબ આવે તો નવાઈ નહીં.


