સ્થાનિક ચૂંટણી પહેલાં ઉમેદવારો ફોર્મ ન ખેંચી લે તેનો કોંગ્રેસને ડર, પ્રચાર કરવાનું મૂકીને સુરત-રાજકોટના ઉમેદવારોને ગુપ્ત સ્થાને ખસેડવામાં લાગી પાર્ટી

ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ ‘મિશન અજ્ઞાત’ નામનું ઑપરેશન શરૂ કર્યું છે. આ ઑપરેશન હેઠળ સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી 60થી વધુ ઉમેદવારોને રાતોરાત અજ્ઞાત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે, જેના કારણે વિપક્ષી છાવણીમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

પાર્ટી દ્વારા લેવાયેલા આ પગલામાં સુરત અને રાજકોટના મજબૂત દાવેદારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સુરતના અંદાજે 40 ઉમેદવારોને શહેરની બહાર 11 જેટલા ગુપ્ત ‘સેફ હાઉસ’માં રાખવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં પણ 25 જેટલા ઉમેદવારોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. આ સ્થળોની જાણકારી માત્ર ગણ્યા-ગાંઠ્યા પ્રાદેશિક નેતાઓને જ છે. ઉમેદવારોને તેમના મોબાઈલ ફોન સ્વીચ-ઓફ રાખવા અને પરિવાર સાથે પણ સંપર્ક ન કરવાની સખત સૂચના આપવામાં આવી છે.

કોંગ્રેસની આ રણનીતિ પાછળ 2024ની લોકસભા ચૂંટણીના નિલેશ કુંભાણી કિસ્સાનો પડછાયો સ્પષ્ટ દેખાય છે. તે સમયે સુરતમાં પ્રસ્તાવકોની સહીમાં વિસંગતતાને કારણે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા હતા. આ વખતે આવી કોઈ પણ ક્ષતિ કે દશૂન્ય કરવા માટે પાર્ટીએ વહેલી તકે ઉમેદવારોને ‘કસ્ટડી’માં લેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અંતિમ સમયે કોઈ ઉમેદવાર ફોર્મ ખેંચી ન લે એટલા માટે પાર્ટી ગભરાયેલી પણ છે.

ચૂંટણી પ્રક્રિયા મુજબ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. કોંગ્રેસને ભય છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચાવવાના પ્રયાસો કરી શકે છે. આ જોખમને ટાળવા માટે તમામ સંવેદનશીલ ઉમેદવારોને આ તારીખ પસાર ન થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવાનું આયોજન હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

જોકે બધા જ ઉમેદવારોને ખસેડવામાં આવ્યા નથી, પરંતુ જે વોર્ડમાં ભારે રસાકસીની શક્યતા છે ત્યાં આ નીતિ અપનાવવામાં આવી છે જેથી ઉમેદવાર માત્ર ચૂંટણીલક્ષી કામગીરી પર જ ધ્યાન આપી શકે. રસપ્રદ વાત એ છે કે આ વ્યૂહરચના માત્ર સુરત કે રાજકોટ પૂરતી મર્યાદિત નથી. રાજ્યના અન્ય ભાગોમાં પણ કોંગ્રેસ દ્વારા સ્થાનિક પરિસ્થિતિ મુજબ ઉમેદવારોને અલગ રાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.