ભારતીય સમય અનુસાર શુક્રવારે (6 માર્ચ 2026) અમેરિકાએ નવી દિલ્હીને દરિયામાં પહેલેથી જ રહેલા રશિયન ટેન્કરોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે. ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ સત્તાવાર આદેશ માત્ર તે શિપમેન્ટ માટે જ છે જે હાલમાં દરિયામાં છે. નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાન પરના કડક પ્રતિબંધોને કારણે ત્યાંથી આવી કોઈ પણ ખરીદીની મંજૂરી આપવામાં આવી નથી.
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે રશિયાને કોઈ ફાયદો કરાવ્યા વગર વૈશ્વિક ઉર્જા પુરવઠા પરના તોળાતા જોખમને ટાળવા માટે મોટું પગલું ભર્યું છે. તેમણે લખ્યું કે, “તેમના એનર્જી એજન્ડાને કારણે તેલ અને ગેસનું ઉત્પાદન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક બજારમાં તેલનો પ્રવાહ જાળવી રાખવા માટે ટ્રેઝરી વિભાગ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી રહ્યો છે.”
Breaking News:
— OpIndia.com (@OpIndia_com) March 6, 2026
The US Treasury Dept issues notice, saying it has "allowed" India to purchase Russian oil currently in tankers (even sanctioned tankers) for a period of 30 days, till April 4. pic.twitter.com/LDGaMjVJ6Y
આ સંદેશમાં સૌથી મહત્વનો શબ્દ ‘અલાઉ’ (મંજૂરી) હતો. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ભારતને જરૂરી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે રશિયન ટેન્કરોમાંથી છૂટ ‘આપી રહ્યા છે’. બેસેન્ટે તેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સમજદારી અને ઉદારતા ગણાવી હતી.
ત્યારબાદ બેસેન્ટે ભારતને અમેરિકા પાસેથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું અને બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો. તેમણે વધુમાં ઉમેર્યું, “આ જાણીજોઈને ટૂંકાગાળા માટે લેવાયેલો નિર્ણય છે જે રશિયન સરકારને વધુ ફાયદો નહીં આપે, કારણ કે તે માત્ર દરિયામાં અટવાયેલા તેલના વ્યવહારોને જ મંજૂરી આપે છે. ભારત અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે અને અમને વિશ્વાસ છે કે નવી દિલ્હી અમેરિકી તેલની ખરીદી વધારશે. આ કામચલાઉ વ્યવસ્થા ઈરાન દ્વારા વૈશ્વિક ઉર્જા માર્કેટને બંધક બનાવવાની કોશિશથી ઊભા થતા દબાણને હળવું કરશે.”
President Trump’s energy agenda has resulted in oil and gas production reaching the highest levels ever recorded.
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) March 6, 2026
To enable oil to keep flowing into the global market, the Treasury Department is issuing a temporary 30-day waiver to allow Indian refiners to purchase Russian oil.…
ભારતની તેલની આયાતનો લગભગ 40 ટકા હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે, જેનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ માંથી (Hormuz Strait) પસાર થાય છે, જે હાલ ઈરાનના નિયંત્રણમાં છે. જોકે, મોદી સરકારે અગાઉ જ જાહેરાત કરી હતી કે દેશ ઉર્જા સુરક્ષાના મામલે અત્યંત આરામદાયક સ્થિતિમાં છે અને દરરોજ બે વાર ઉર્જા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્ટોકની સ્થિતિ પણ સારી છે અને દરરોજ રિફિલિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત અન્ય સ્ત્રોતો સાથે પણ સંપર્કમાં છે જેથી તેલનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે.
ભારત માત્ર પોતાના હિતોને જુએ છે, અમેરિકાને ‘અલાઉ’ કરવાનો કોઈ અધિકાર નથી
રસપ્રદ વાત એ છે કે અમેરિકાનું આ નવું પગલું દબાણ લાવવાની ઘણી નિષ્ફળ વ્યૂહરચનાઓ પછી આવ્યું છે, જેમાં વધારાના 25 ટકા ટેરિફ વધારીને કુલ 50 ટકા કરવા અને ભારતને ‘યુક્રેન યુદ્ધનું ફંડિંગ’ કરવાના નામે રશિયન તેલ છોડવા માટે મજબૂર કરવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, નવી દિલ્હીએ વારંવાર ભાર મૂક્યો છે કે તેના નિર્ણયો પોતાના સાર્વભૌમત્વ અને હિતો પર આધારિત છે, તેથી તે કોઈ પણ પડકાર સામે ઝૂકશે નહીં.
મૉસ્કો પાસેથી તેલની ખરીદી વિવિધ કારણોસર દર મહિને વધઘટ થતી રહી છે, પરંતુ તે ક્યારેય ‘અટકી’ નથી, ભલે વોશિંગ્ટન ગમે તે કહેતું હોય. વાસ્તવમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ભારત સતત રશિયન વિક્રેતાઓ સાથે સંપર્કમાં રહ્યું છે.

રોયટર્સે (Reuters) તાજેતરમાં એક ઇન્ફોગ્રાફિક શેર કર્યું છે જે સ્થિતિ સ્પષ્ટ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતની રશિયન તેલની ખરીદી ચોક્કસપણે વધી છે. પરંતુ તે એટલા માટે નથી કારણ કે ભારત ‘યુદ્ધને ફંડિંગ’ આપવા માંગતું હતું. ભારતને એ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. ભારતે રશિયન તેલ એટલા માટે ખરીદ્યું કારણ કે તે સસ્તું મળી રહ્યું હતું અને દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે તેલ ખરીદવું ભારત સરકાર માટે NATO નેતાઓ અને યુરોપિયન મીડિયાને ખુશ કરવા કરતાં વધુ મહત્વનું હતું.
રોયટર્સના ઉપરના ઇન્ફોગ્રાફિકમાં સ્પષ્ટ દેખાય છે કે ઑક્ટોબર 2025 પછી ભારતની રશિયન તેલની ખરીદીમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ તે ક્યારેય ‘અટકી’ નહોતી, જેવો અમેરિકા દાવો કરવા માંગે છે. તેથી, અમેરિકાનું આ પોતાની જાતને મોટું બતાવવાનું વલણ માત્ર પોકળ શ્રેષ્ઠતા સાબિત કરવાનો વધુ એક પ્રયાસ છે, જેમાં તે પોતાને એક દયાળુ મહાસત્તા તરીકે દર્શાવવાની કોશિશ કરી રહ્યું છે, જે હકીકત કરતાં તદ્દન વિપરીત છે.
અમેરિકી છૂટ પહેલાં જ રશિયન તેલના કાર્ગો ભારત પરત ફર્યા
ભારતે ટ્રમ્પ વહીવટીતંત્રની કહેવાતી ‘મંજૂરી’ મળે તે પહેલાં જ દરિયામાં રહેલા રશિયન ટેન્કરોમાંથી તેલ લેવાનું શરૂ કરી દીધું હતું, જેથી મધ્યપૂર્વમાં (મિડલ ઈસ્ટ) વધતા તણાવને કારણે થતી ક્રૂડ ઓઈલની અછતને પૂરી કરી શકાય. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અગાઉથી સુરક્ષિત કરવામાં આવેલા 1 કરોડ બેરલથી વધુ તેલનો મોટો હિસ્સો કદાચ અમેરિકાના આ નવા નિવેદન પહેલાં જ ખરીદી લેવામાં આવ્યો હતો.
ભારત સરકારના સૂત્રોએ અગાઉ જ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં રશિયા ભારતનો ટોચનો એનર્જી સપ્લાયર રહ્યો હતો. ફેબ્રુઆરીમાં ભારતે દરરોજ 10.4 લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી.
Russia was one of the largest suppliers of energy to India in February. 1.04 million barrels of crude imported a day in February: Govt Sources
— Sidhant Sibal (@sidhant) March 6, 2026
બ્લૂમબર્ગના શિપ-ટ્રેકિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રશિયન ક્રૂડ ઓઈલના લગભગ 1.5 કરોડ બેરલ ટેન્કરોમાં છે, જ્યારે સિંગાપોર પાસે અન્ય 70 લાખ બેરલ છે. એક અઠવાડિયાની અંદર આ તમામ ભારતીય બંદરો પર પહોંચી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક જહાજો સુએઝ નહેર અને ભૂમધ્ય સમુદ્ર થઈને ભારતીય ઉપખંડ તરફ આગળ વધી રહ્યા છે.
વ્હાઇટ હાઉસ તરફથી ‘અમે મંજૂરી આપી રહ્યા છીએ’ તેવી નોટિસ આવે તે પહેલાં જ રશિયન તેલ ભરેલા ટેન્કરોએ પોતાના રૂટ બદલીને ભારતીય બંદરો તરફ નિર્દેશ કરવાનું શરૂ કરી દીધું હતું. કેપ્લરના (Kpler) જણાવ્યા અનુસાર યુરલ્સ (Urals) તેલ લઈ જઈ રહેલા ઓછામાં ઓછા 18 જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે. કંપનીના એનાલિસ્ટ સુમિત રિતોલિયાએ જણાવ્યું હતું કે આ વિકાસ ‘ટૂંક સમયમાં તેલની માત્રાને દરરોજ 20 લાખ બેરલથી ઉપર લઈ જઈ શકે છે.’
એક સ્ત્રોતે જણાવ્યું કે સુએઝમેક્સ ટેન્કર ‘ઓડ્યુન’, જે લગભગ 10 લાખ બેરલ તેલ લઈ જઈ રહ્યું હતું, તે 4 માર્ચના રોજ પૂર્વી પારાદીપ બંદર પર સરકારી રિફાઇનર ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને (IOCL) તેલ પહોંચાડવા માટે દેખાયું હોવાનું રોયટર્સે રિપોર્ટ કર્યું હતું.
આ ઉપરાંત IOCને 7 માર્ચ એટલે કે શનિવારે પશ્ચિમ ભારતના વાડિનાર બંદર પર ‘સ્પ્રિંગ ફોર્ચ્યુન’ જહાજ દ્વારા લગભગ 7 લાખ બેરલ રશિયન તેલ મળવાની અપેક્ષા છે. IOCના સૂત્રએ જણાવ્યું હતું કે કંપની રશિયા પાસેથી ખરીદી ઝડપી બનાવી રહી છે, જેમાં ભારતની આસપાસ ફરી રહેલા જહાજો પરના કન્ટેનરનો પણ સમાવેશ થાય છે.
મીડિયા હાઉસના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા પાસે લગભગ 95 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઈલના ટેન્કર છે અને તે થોડા અઠવાડિયામાં પહોંચી શકે છે. અન્ય એક ભારતીય રિફાઇનરે પણ આ તેલનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો છે. રિતોલિયાએ કહ્યું કે, “જો મધ્યપૂર્વમાંથી આવતું તેલ ઓછું થાય છે તો ભારતીય રિફાઇનરો ઝડપથી રશિયન ગ્રેડ તરફ વળી શકે છે.”
તેમણે નોંધ્યું હતું કે સિંગાપોર સ્ટ્રેટ, અરબી સમુદ્ર વિસ્તાર અને હિંદ મહાસાગરમાં જહાજો પર લગભગ 3 કરોડ બેરલ રશિયન તેલ ઉપલબ્ધ છે, જેમાં ફ્લોટિંગ સ્ટોરેજમાં રાખેલા તેલનો પણ સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગના અન્ય એક અહેવાલ મુજબ કેપ્લર અને વોર્ટેક્સાના ટ્રેકિંગ વિશ્લેષણ દર્શાવે છે કે કુલ 14 લાખ બેરલ યુરલ્સ ક્રૂડ ઓઈલ લઈ જઈ રહેલા બે ટેન્કરો આ અઠવાડિયે ભારતીય બંદરો પર માલ ઉતારવાના છે, જે અગાઉ પૂર્વ તરફ જવાનો સંકેત આપી રહ્યા હતા.
5 માર્ચના રોજ ‘મટારી’ નામનું આફ્રામેક્સ ટેન્કર, જે લગભગ 7 લાખ બેરલ તેલ લઈ જઈ રહ્યું હતું, તે વાડિનાર પહોંચવાનું હતું. અરબી સમુદ્રમાં અન્ય એક સુએઝમેક્સ ‘ઇન્દ્રી’, જે 7.30 લાખ બેરલથી વધુ યુરલ્સ લઈને સિંગાપોર જઈ રહ્યું હતું, તે આ અઠવાડિયે અચાનક ઉત્તર તરફ ભારત તરફ વળ્યું હતું. ગત વર્ષે બ્રિટન અને યુરોપિયન યુનિયને આ ત્રણેય જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા.
ભારત પોતાની નીતિ જાતે બનાવે છે, વ્હાઇટ હાઉસની ‘મંજૂરી’થી નહીં
ઉપર આપેલો ડેટા સ્પષ્ટ કરે છે કે ભારતને સમય આપવાનો અમેરિકાનો દાવો માત્ર એક નિરર્થક પ્રયાસ છે, જ્યાં તેને શ્રેય (Credit) મળવો જોઈએ નહીં. નવી દિલ્હીએ ક્યારેય મંજૂરી માંગી નથી અને આવી કોઈ પણ ઉદારતાની અપેક્ષા પણ રાખી નહોતી, કારણ કે તે ચાલી રહેલા તણાવ વચ્ચે પોતાના સાર્વભૌમ ઉર્જા હિતોનું રક્ષણ કરી રહ્યું હતું.
આ ઉપરાંત આ આરોપો જવાબો કે વ્યૂહરચનાઓની નિષ્ફળતા વારંવાર સાબિત થઈ ચૂકી છે, કારણ કે તે મોદી સરકારના કોઈપણ નિર્ણયને ક્યારેય પ્રભાવિત કરી શકતા નથી. ગયા મહિને કેન્દ્ર સરકારે ફરીથી ભારપૂર્વક કહ્યું હતું કે, જ્યાંથી કાચું તેલ સસ્તું અને સારી ગુણવત્તાનું મળશે, ત્યાંથી તે આયાત કરવાનું ચાલુ રાખશે.
ભારતીય તેલ કંપનીઓ પ્રતિબંધ વગરના સ્ત્રોતો અને જિયોપોલિટીકલ વાતાવરણને ધ્યાનમાં રાખીને કામ કરશે. આ બાબત વાણિજ્ય અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ શશિ થરુરની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિને જણાવી હતી.
આવો જ એક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભારતે અમેરિકાના એ દાવાનો જવાબ આપ્યો જેમાં કહેવાયું હતું કે ભારત રશિયા પાસેથી તેલ લેવાનું ‘બંધ’ કરવા સંમત થયું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ 9 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, “અમારા માટે ઉર્જા ખરીદીના નિર્ણયોમાં રાષ્ટ્રીય હિત જ માર્ગદર્શક સિદ્ધાંત રહેશે.” તેમણે જણાવ્યું કે પર્યાપ્ત ઉપલબ્ધતા, વ્યાજબી કિંમત અને પુરવઠાની વિશ્વસનીયતા જ દેશની ખરીદ નીતિ પાછળના મુખ્ય કારણો છે.
વિદેશ સચિવના જણાવ્યા અનુસાર ભારતની ‘સૌથી મોટી પ્રાથમિકતા’ પોતાના નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની છે અને એ સુનિશ્ચિત કરવાની છે કે તેમને યોગ્ય કિંમતે, ભરોસાપાત્ર અને સુરક્ષિત સ્ત્રોતોમાંથી પૂરતી ઉર્જા મળે.
તેમણે કહ્યું કે, “તેથી અમારી આયાત નીતિ ઉર્જાના મામલામાં સંપૂર્ણપણે આ ઉદ્દેશ્યોથી ચાલે છે. અમે કોઈ એક સ્ત્રોત પર નિર્ભર નથી અને રહેવા પણ નથી માંગતા. સ્ત્રોતોનું મિશ્રણ સમય-સમય પર બજારની વાસ્તવિક સ્થિતિના આધારે બદલાતું રહે છે.”
આ મક્કમ જવાબ ત્યારે આવ્યો જ્યારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલ નહીં ખરીદે અને બંને દેશો વચ્ચે વ્યાપારી વ્યવસ્થાના ફ્રેમવર્કની જાહેરાત દરમિયાન 25 ટકા ટેરિફ ઘટાડી દીધો હતો.
જેવો સંકેત મળ્યો, ભારત સરકારના સૂત્રોએ ફરીથી કહ્યું કે રશિયન ક્રૂડ ઓઈલ ભારતમાં આવતું રહેશે. ભારત સરકારે જણાવ્યું કે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા ઉર્જા સ્ત્રોતો ઉપલબ્ધ છે. વધુમાં સરકાર બીજા સ્ત્રોત પણ શોધી રહી છે. નોંધનીય છે એક સરકાર 2022થી રશિયા પાસેથી સતત તેલ આયાત કરી રહી છે. ફેબ્રુઆરીમાં ભારતે રશિયા પાસેથી દરરોજ 10.4 લાખ બેરલ તેલની આયાત કરી હતી.
ટ્રમ્પે પોતાના MAGA સમર્થકોને ખુશ કરવા છે, ભારતને નહીં
ટ્રમ્પ વહીવટીતંત્રમાં કારણ વગર પોતાની જાતને અભિનંદન આપવાની કે પ્રશંસા કરવાની એક વિચિત્ર આદત છે, જેના કારણે ભારત દ્વારા સતત આપવામાં આવતા જવાબો બાદ તેમણે ઘણીવાર શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે.
બીજી તરફ નવી દિલ્હી સતત પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છે અને મોદી સરકાર આવી હરકતોથી બિલકુલ પ્રભાવિત થતી નથી. બંને દેશો વચ્ચે હવે આ એક નિયમિત પ્રક્રિયા (રૂટિન) બની ગઈ છે, જ્યાં વોશિંગ્ટન કોઈ અતાર્કિક આદેશ કે ફરિયાદ કરે છે અને નવી દિલ્હી કાં તો તેને અવગણી દે છે અથવા વિનમ્રતાથી ફગાવી દે છે.
તેવી જ રીતે વર્તમાન વ્હાઇટ હાઉસ વહીવટીતંત્રે ‘અહંકારી દેખાડો’ કરવાની આદત પાડી દીધી છે. ભલે તે ‘8 વૈશ્વિક યુદ્ધો રોકવા’ની વાત હોય કે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પ્રતિબંધો દ્વારા નિયંત્રણ મેળવવાની, ટ્રમ્પના દાવા અને જમીની સ્તરે તેની વાસ્તવિક અસર અવારનવાર મેળ ખાતી નથી. બહુધ્રુવીય વિશ્વ (Multipolar World) પ્રતિબંધો અને ટેરિફ દ્વારા રિમોટ કંટ્રોલથી ચલાવી શકાતું નથી.
એક સાર્વભૌમ દેશની નીતિ સાર્વભૌમ હિતો પર ચાલે છે. પ્રતિબંધો કે ટેરિફ માત્ર ભૌગોલિક-રાજકીય અવરોધો છે જેને સમય સમયે સુધારીને પાર કરવા પડે છે. ભલે તે ક્રૂડ ઓઈલ હોય, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG), રેર અર્થ એલિમેન્ટ્સ (દુર્લભ તત્વો) હોય કે અન્ય કોઈ વસ્તુ, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સનું એક જટિલ જાળ છે.
કોઈ એક દેશ તેને ધમકાવીને કે જીદ કરીને નિયંત્રિત કરી શકતો નથી. ભારત દાયકાઓથી આ જટિલ જાળમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરતું રહેશે. આ સિવાય ટ્રમ્પ વહીવટીતંત્રના દાવાઓ માત્ર તેમના MAGA (Make America Great Again) સમર્થકોને ખુશ કરવા માટે જ હોય છે.
ભારતીય સરકાર આવું નથી કરતી. રશિયા-યુક્રેન યુદ્ધ ગાઝા-ઇઝરાયેલ સંઘર્ષ અને છેલ્લા કેટલાય વર્ષોના અનેક કિસ્સાઓમાં ભારતના વિદેશ મંત્રાલયે પોતાની વાતચીત સંપૂર્ણપણે સત્તાવાર રાખી છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓનું સન્માન કર્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રથી વિપરીત ભારતનું વિદેશ મંત્રાલય (MEA) પોતાની પ્રાથમિકતાઓ દર્શાવવા માટે સોશિયલ મીડિયા પર કોઈ રમત રમતું નથી. તેમને ખબર છે કે શું કરવાનું છે અને ક્યાં પોતાની વાત સાબિત કરવાની છે.
(આ લેખ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે અને તેનો હિન્દીમાં ભાવાનુવાદ થયેલો છે.)


