હોમપેજદેશમધ્યપૂર્વમાં તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સંકટ: એક સમયે આ જ માર્ગ...

મધ્યપૂર્વમાં તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ સંકટ: એક સમયે આ જ માર્ગ પર નિર્ભર હતું ભારત, પીએમ મોદીના નેતૃત્વમાં કેવી રીતે બદલાઈ દેશની ઊર્જા આયાત રણનીતિ

દુનિયામાં જ્યારે પણ હોર્મુઝ જેવા રણનીતિક માર્ગો પર સંકટની ચર્ચા થાય છે, ત્યારે એ તથ્ય સ્પષ્ટ થાય છે કે ઊર્જા સુરક્ષા માત્ર સંસાધનોની ઉપલબ્ધતાનો પ્રશ્ન નથી, પરંતુ તે દૂરદર્શી વ્યૂહરચના અને વૈશ્વિક કૂટનીતિનું પરિણામ પણ છે. 

- Advertisement -

પશ્ચિમ એશિયામાં જ્યારે પણ તણાવ વધે છે, ત્યારે દુનિયાની નજર એક સાંકડા સમુદ્રી માર્ગ પર જઈને અટકી જાય છે — હોર્મુઝ સ્ટ્રેટ. ફારસની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો આ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા વ્યવસ્થાનો સૌથી મહત્વનો ‘ચોક-પોઇન્ટ’ માનવામાં આવે છે. દુનિયાના કુલ સમુદ્રી તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ આ જ માર્ગમાંથી પસાર થાય છે. આ જ કારણ છે કે આ વિસ્તારમાં જ્યારે પણ સૈન્ય કે રાજકીય તણાવ વધે છે, ત્યારે વૈશ્વિક બજારોમાં તેલની કિંમતોથી લઈને ઊર્જા સુરક્ષા સુધીના દરેક વિષય ચર્ચાના કેન્દ્રમાં આવી જાય છે.

આ માર્ગનું મહત્વ માત્ર એટલા માટે નથી કે તે ભૌગોલિક રીતે સાંકડો છે, પરંતુ એટલા માટે પણ છે કે દુનિયાના કેટલાક સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોની નિકાસ આ જ માર્ગમાંથી પસાર થાય છે. ફારસની ખાડીના કિનારે આવેલા દેશો, જેમ કે ઈરાન, સાઉદી અરેબિયા, ઇરાક, યુનાઇટેડ અરબ એમિરેટ્સ અને કુવૈતનું કાચું તેલ આ જ રસ્તા પરથી વૈશ્વિક બજારો સુધી પહોંચે છે. અંદાજ મુજબ દરરોજ આશરે 20થી 21 મિલિયન બેરલ તેલ આ માર્ગમાંથી પસાર થાય છે, જે વૈશ્વિક તેલ વપરાશના લગભગ 20 ટકા જેટલું છે.

ભારત જેવા મોટા ઊર્જા આયાતકાર દેશ માટે આ માર્ગ લાંબા સમય સુધી અત્યંત સંવેદનશીલ રહ્યો છે. કારણ કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોનો મોટો ભાગ આયાત દ્વારા પૂરો કરે છે. આવી સ્થિતિમાં એ સમજવું મહત્વનું છે કે અતીતમાં ભારતની સ્થિતિ શું હતી અને છેલ્લા દાયકામાં તેની તેલ આયાત વ્યૂહરચનામાં કયા બદલાવ આવ્યા છે. ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને લઈને આ સ્ટ્રેટની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે.

દુનિયાના ઘણા દેશોને ચિંતા છે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તેલની અછત ઊભી થશે અને વૈશ્વિક સંકટ ઊભો થશે. કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાનની વચ્ચેથી નીકળતો સાંકડો રસ્તો છે. હજુ સુધી એવું થયું નથી પણ કદાચ ઈરાન તે રસ્તો બ્લોક કરી દે તો વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઇ જવાની સંપૂર્ણ સંભાવના દેખાઈ રહી છે. આ જ દ્રષ્ટિકોણ સાથે ભારતની સ્થિતિને સમજીએ કે ભૂતકાળમાં ભારત તેલની આયાત કઈ રીતે કરતું હતું અને હવે શું પરિવર્તન આવ્યું છે. 

- Advertisement -

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ કેમ છે?

દુનિયામાં અનેક સમુદ્રી ચોક-પોઇન્ટ છે, જેમ કે મલાક્કા સ્ટ્રેટ કે બાબ-અલ-મંદેબ. પરંતુ તેમાં પણ હોર્મુઝ સ્ટ્રેટને સૌથી મહત્વનો માનવામાં આવે છે. તેનું કારણ તેની ભૌગોલિક સ્થિતિ અને ઊર્જા વેપારમાં તેની ભૂમિકા છે.

ફારસની ખાડીમાં આવેલા લગભગ તમામ મોટા તેલ ઉત્પાદક દેશોની સમુદ્રી નિકાસ આ જ માર્ગમાંથી પસાર થાય છે. આ સ્ટ્રેટ તેના સૌથી સાંકડા સ્થાને આશરે 33 કિલોમીટર પહોળો છે, જ્યારે જહાજોના આવાગમન માટે નિશ્ચિત સમુદ્રી લેન તેનાથી પણ સાંકડી હોય છે. આ જ કારણે તેને વૈશ્વિક ઊર્જા પુરવઠાનો સૌથી સંવેદનશીલ બિંદુ માનવામાં આવે છે.

ઊર્જા વિશ્લેષકો અનુસાર દુનિયામાં જેટલું પણ તેલ સમુદ્રી માર્ગથી વેપાર માટે જાય છે, તેનો લગભગ પાંચમો ભાગ આ જ માર્ગમાંથી પસાર થાય છે. તેની સાથે કતર જેવા દેશોમાંથી નીકળતા મોટા પ્રમાણમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પણ આ જ રસ્તેથી વિવિધ દેશો સુધી પહોંચે છે.

જ્યારે પણ આ વિસ્તારમાં તણાવ વધે છે, ભલે તે પ્રાદેશિક સૈન્ય ટક્કર હોય કે પ્રતિબંધોની રાજનીતિ, વૈશ્વિક બજારો તરત જ પ્રતિક્રિયા આપે છે. તેલની કિંમતોમાં ઉછાળો આવે છે અને ઊર્જા આયાત પર નિર્ભર દેશોની ચિંતા વધી જાય છે. આ જ કારણે અમેરિકા, યુરોપીયન દેશો અને એશિયાઇ અર્થતંત્રો માટે આ માર્ગ રણનીતિક દૃષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 

એક સમય જ્યારે ભારતની ઊર્જા સુરક્ષા આ જ માર્ગ પર નિર્ભર હતી

આજે ભારત વૈશ્વિક સ્તરે તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે અને પોતાની ઊર્જા જરૂરિયાતોના લગભગ 85 ટકા ભાગને આયાત દ્વારા પૂરો કરે છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે ભારતનો ઊર્જા પુરવઠો લગભગ સંપૂર્ણપણે પશ્ચિમ એશિયા પર આધારિત હતો.

2010થી 2014ના વચ્ચેના આંકડા દર્શાવે છે કે ભારતના કુલ કાચા તેલ આયાતનો આશરે 70 ટકા ભાગ પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવતો હતો. તે સમયે નિકાસ કરનારા દેશોમાં સાઉદી અરેબિયા, ઇરાક, ઈરાન, યુએઈ અને કુવૈત હતા. આ દેશોમાંથી આવતું લગભગ તમામ તેલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો સુધી પહોંચતું હતું.

તે સમયે ઈરાન પણ ભારતનું મહત્વપૂર્ણ આપૂર્તિકર્તા હતું. 2011-12ની આસપાસ ભારત પોતાના કુલ તેલ આયાતના આશરે 10થી 12 ટકા ભાગ ઈરાનમાંથી ખરીદતું હતું. જોકે પછી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને અમેરિકી દબાણને કારણે ભારતને ઈરાનમાંથી આયાત ઘટાડવી પડી.

આ સ્થિતિનો અર્થ એ થતો હતો કે જો કોઈ કારણસર આ વિસ્તારમાં સંકટ ઉભું થાય કે હોર્મુઝ માર્ગમાં અવરોધ આવે તો ભારતની ઊર્જા સુરક્ષા પર તાત્કાલિક અસર પડી શકે. તે સમયે ભારત પાસે પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોત મર્યાદિત હતા અથવા તો નહોતા. 

બદલાતી વૈશ્વિક રાજનીતિ અને ભારતની નવી ઊર્જા વ્યૂહરચના

જોકે, 2014થી ભારતમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને તે સાથે પરિવર્તન આવ્યું છે વિદેશનીતિમાં પણ. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ઘણો આગળ નીકળી ગયો છે. છેલ્લા એક દાયકામાં ભારતની ઊર્જા નીતિમાં પણ એક મહત્વનો બદલાવ જોવા મળ્યો છે અને તે છે તેલ આયાતના સ્ત્રોતોમાં વિવિધતા.

ભારતે ધીમે-ધીમે પોતાની વ્યૂહરચનાને આ દિશામાં આગળ વધારી છે કે તે માત્ર પશ્ચિમ એશિયા પર નિર્ભર ન રહે, પરંતુ દુનિયાના વિવિધ ભાગોમાંથી તેલ આયાત કરે. આ પ્રક્રિયામાં રશિયા, આફ્રિકા, અમેરિકા અને બ્રાઝિલ જેવા વિસ્તારોમાંથી તેલ ખરીદી વધારવામાં આવી છે. ભારતે નાઇજીરિયા, અંગોલા, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાંથી પણ કાચા તેલની આયાત વધારી છે. જેનાથી ઊર્જા પુરવઠાનો વિસ્તાર વ્યાપક બન્યો છે અને કોઈ એક વિસ્તાર પર નિર્ભરતા ઘટવા લાગી છે.

ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ આ વ્યૂહરચના મહત્વની છે કારણ કે તેનાથી ભારત વૈશ્વિક બજારમાં વધુ સરળ સ્થિતિમાં આવી ગયું છે. જો કોઈ એક વિસ્તારમાં સંકટ ઉભું થાય તો ભારત પાસે વૈકલ્પિક સપ્લાયર પાસેથી તેલ ખરીદવાની ક્ષમતા રહે છે. જોકે, આ ઈરાન-ઇઝરાયેલ તણાવને લઈને થોડી અસર તો ભારત પર થશે, પણ તે એટલી અસરકારક નહીં હોય. કારણ કે હવે માત્ર 30-40% તેલ જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે, બાકી બધુ અન્ય દેશો જેવા કે રશિયા, અમેરિકા, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાંથી આવે છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી આવેલો સૌથી મોટો બદલાવ

ભારતની તેલ આયાત વ્યૂહરચનામાં સૌથી મોટો ફેરફાર 2022 પછી જોવા મળ્યો, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટો ફેરફાર આવ્યો. પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધો લાગુ થયા પછી રશિયાએ પોતાનું કાચું તેલ સસ્તા દરે વેચવાની નીતિ અપનાવી. ભારતે આ તકનો લાભ લઈને રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો.

જ્યાં 2021 સુધી ભારતના કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 1 ટકાથી પણ ઓછો હતો, ત્યાં 2023-24 સુધીમાં તે વધીને 30થી 35 ટકાની વચ્ચે પહોંચી ગયો. આ રીતે રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર દેશ બની ગયો. આ બદલાવની અસર એ થઈ કે ભારતની આયાતમાં પશ્ચિમ એશિયાનો હિસ્સો અગાઉની તુલનાએ ઘટ્યો. જોકે આ વિસ્તાર હજુ પણ મહત્વનો છે, પરંતુ હવે ભારતનો ઊર્જા પુરવઠો એક જ વિસ્તાર પર નિર્ભર નથી રહ્યો. 

હોર્મુઝ સંકટની સ્થિતિમાં ભારત સુરક્ષિત છે કે નહીં?

એ કહેવું સાચું નથી કે જો હોર્મુઝ માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ જાય તો ભારત પર કોઈ અસર નહીં પડે. કારણ કે ભારત હજુ પણ પશ્ચિમ એશિયામાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે. તેમ છતાં છેલ્લા દાયકામાં આયાત સ્ત્રોતોમાં વિવિધતા આવવાથી સ્થિતિ અગાઉની તુલનાએ વધુ સંતુલિત બની છે. હવે ભારત પાસે રશિયા, અમેરિકા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વિસ્તારોમાંથી તેલ આયાત કરવાના વિકલ્પો છે.

તેની સાથે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્ઝ (SPR) પણ વિકસાવ્યા છે, જેનો હેતુ પુરવઠામાં અચાનક અવરોધ આવે તો કેટલાક સમય સુધી દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાનો છે. ઊર્જા નીતિના વિશેષજ્ઞોનું માનવું છે કે વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતાના સમયમાં આ વ્યૂહરચના ભારતને તુલનાત્મક રીતે વધુ સ્થિર સ્થિતિ આપે છે.

હોર્મુઝ સ્ટ્રેટ આજે પણ વૈશ્વિક ઊર્જા વ્યવસ્થાનો અત્યંત મહત્વનો સમુદ્રી માર્ગ છે અને ભવિષ્યમાં પણ તેનું મહત્વ કાયમ રહેશે. પશ્ચિમ એશિયાના ઊર્જા સંસાધનો અને વૈશ્વિક તેલ વેપારને કારણે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર બની રહ્યો છે.

તેમ છતાં છેલ્લા એક દાયકામાં ભારતની ઊર્જા વ્યૂહરચનામાં આવેલા બદલાવોએ દેશની સ્થિતિને અગાઉની તુલનાએ વધુ સરળ બનાવી છે. તેલ આયાતના સ્ત્રોતોમાં વિવિધતા, નવા વૈશ્વિક સપ્લાયરો સાથે ભાગીદારી અને ઊર્જા સુરક્ષા અંગેના પીએમ મોદીના દીર્ઘકાલીન દૃષ્ટિકોણે ભારતને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં વધુ સક્ષમ બનાવ્યું છે.

દુનિયામાં જ્યારે પણ હોર્મુઝ જેવા રણનીતિક માર્ગો પર સંકટની ચર્ચા થાય છે, ત્યારે એ તથ્ય સ્પષ્ટ થાય છે કે ઊર્જા સુરક્ષા માત્ર સંસાધનોની ઉપલબ્ધતાનો પ્રશ્ન નથી, પરંતુ તે દૂરદર્શી વ્યૂહરચના અને વૈશ્વિક કૂટનીતિનું પરિણામ પણ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં