હોમપેજદુનિયાઈરાની યુદ્ધજહાજ પર અમેરિકી હુમલા પછી ચર્ચામાં સમુદ્રી કાયદો: આંતરરાષ્ટ્રીય જળ શું...

ઈરાની યુદ્ધજહાજ પર અમેરિકી હુમલા પછી ચર્ચામાં સમુદ્રી કાયદો: આંતરરાષ્ટ્રીય જળ શું છે અને તે ટેરિટોરિયલ વોટર્સ તથા EEZથી કેવી રીતે અલગ છે?

200 નોટિકલ માઈલ પછીનો સમગ્ર વિસ્તાર 'હાઈ સીઝ' અથવા આંતરરાષ્ટ્રીય જળસીમા તરીકે ઓળખાય છે. આ વિસ્તાર દુનિયાના કોઈપણ એક દેશની માલિકીનો નથી. તે માનવજાતની સહિયારી મિલકત (Global Commons) છે. અહીં જંગલ રાજ નથી, પણ આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન થાય છે.

- Advertisement -

તાજેતરમાં શ્રીલંકાના તટથી દૂર હિન્દ મહાસાગરના ઊંડા પાણીમાં એક મોટી ઘટના બની હતી. અમેરિકી સબમરીન દ્વારા ઈરાનના એક યુદ્ધજહાજને નિશાન બનાવીને ડૂબાડી દેવામાં આવ્યું. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે આ યુદ્ધ બે વિદેશી તાકાતો વચ્ચે હતું, છતાં ભારતમાં બેઠેલી કોંગ્રેસ સહિતની ‘ઇકોસિસ્ટમ’ અને લેફ્ટ ગેંગે ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કઠેડામાં ઊભા કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો. તેમની દલીલ એવી હતી કે, ‘ભારતના આંગણામાં આટલું મોટું કાંડ થયું અને ભારત મૌન કેમ?’

જ્યારે પણ વૈશ્વિક મંચ પર કોઈ મોટી ઘટના બને છે, ત્યારે ભારતમાં સક્રિય એક ખાસ ‘બૌદ્ધિક ઇકોસિસ્ટમ’ તેના મૂળ કારણો તપાસવાને બદલે ભારત સરકારની છબી ખરડવા માટે સક્રિય થઈ જાય છે. ઈરાની જહાજની ઘટનામાં પણ આવું જ જોવા મળ્યું. વિપક્ષી હેન્ડલ્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સ દ્વારા ભય ફેલાવવામાં આવ્યો. આ એક ક્લાસિક ‘ફિયર મોન્ગરિંગ’ (ડર ફેલાવવાની) ટેકનિક છે. તેઓ એ સત્ય છુપાવે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે દાયકાઓ જૂની દુશ્મની છે, જ્યારે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારો છે. ભારતની સીમામાં કોઈ પક્ષી પણ પરવાનગી વગર આવી શકતું નથી, પરંતુ ઇન્ટરનેશનલ વોટર્સમાં થતી લડાઈને ભારતની સુરક્ષામાં ખામી તરીકે ખપાવવી એ માત્ર રાજકીય દ્વેષ છે.

તેમણે દલીલ કરી કે ‘હિન્દ મહાસાગર’ (Indian Ocean) ભારતનો પ્રભાવ ક્ષેત્ર છે તો અહીં અમેરિકા દાદાગીરી કેવી રીતે કરી શકે? વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો કે ભારતની સીમામાં વિદેશી સબમરીન ઘૂસી ગઈ અને આપણને ખબર પણ ન પડી. એવી ટીકા કરવામાં આવી કે ભારત અમેરિકા સામે બોલતા ડરે છે એટલે ઈરાનના જહાજની સુરક્ષા ન કરી.

- Advertisement -

નોંધનીય છે કે આવી દલીલો કરતા પહેલાં ઇકોસિસ્ટમે સમુદ્રી સીમાઓનું જ્ઞાન મેળવવું જોઈએ. પૃથ્વીનો 70% ભાગ પાણી છે અને આ પાણી પર કોનો હક રહેશે તે નક્કી કરવા માટે વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદો સમુદ્રને અલગ-અલગ ઝોનમાં વહેંચે છે.

સમુદ્રી સીમાઓનું ગણિત

આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્ર પરની માલિકી કોઈ જમીનની સરહદ જેવી હોતી નથી, જ્યાં તારની વાડ લગાવી શકાય. સમુદ્ર પરના અધિકારો 1982માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘડવામાં આવેલા UNCLOS (United Nations Convention on the Law of the Sea) કાયદા હેઠળ નક્કી થાય છે. આ કાયદા મુજબ કોઈપણ દેશના દરિયાકાંઠાથી જેમ-જેમ આપણે ઊંડા સમુદ્ર તરફ જઈએ, તેમ-તેમ તે દેશના અધિકારો ઘટતા જાય છે અને આંતરરાષ્ટ્રીય નિયમો મજબૂત થતા જાય છે. આ ગણિતને પાંચ મુખ્ય સ્તરોમાં સમજી શકાય છે.

આંતરિક જળ (Internal Waters): સંપૂર્ણ રાષ્ટ્રીય સત્તા

આંતરિક જળ એટલે દેશની મુખ્ય જમીનની (Coastline) અંદર તરફ આવેલું પાણી. જેમાં બંદરો, નદીઓના મુખ, અખાત અને સરોવરોનો સમાવેશ થાય છે. ટેકનિકલ રીતે અહીં દેશના કાયદા એ જ રીતે લાગુ પડે છે જે રીતે તે જમીન પર લાગુ પડે છે. અહીં કોઈ પણ વિદેશી જહાજને પ્રવેશવાનો, લંગર નાખવાનો કે પસાર થવાનો કોઈ જ આંતરરાષ્ટ્રીય હક નથી. જો કોઈ વિદેશી જહાજ અહીં આવવા માંગતું હોય તો તેણે અગાઉથી ભારત સરકારની પરવાનગી લેવી પડે છે. આ વિસ્તારમાં જો કોઈ અઘટિત ઘટના બને તો તે સીધો ભારત પરનો હુમલો ગણાય છે.

(Photo: AI)

પ્રાદેશિક જળસીમા (Territorial Sea): 12 નોટિકલ માઈલ

કિનારાની આધારરેખાથી (Baseline) દરિયામાં 12 નોટિકલ માઈલ (અંદાજે 22.2 કિમી) સુધીના વિસ્તારને પ્રાદેશિક જળસીમા કહેવામાં આવે છે. આ ભારતની અસલી દરિયાઈ સરહદ છે. આ વિસ્તારના પાણી પર, દરિયાના તળિયે રહેલી જમીન પર અને આ વિસ્તારના આકાશ પર ભારતનું સંપૂર્ણ સાર્વભૌમત્વ છે.

જોકે, અહીં એક ટેકનિકલ શરત છે જેને ‘રાઈટ ઑફ ઈનોસન્ટ પેસેજ’ (Right of Innocent Passage) કહેવાય છે. આ અંતર્ગત વિદેશી વેપારી જહાજો ભારતની પરવાનગી વગર અહીંથી પસાર થઈ શકે છે, પણ શરત એટલી કે તેઓ શાંતિપૂર્ણ રીતે અને ઝડપથી પસાર થાય. તેઓ અહીં કોઈ સૈન્ય અભ્યાસ, જાસૂસી કે માછલી પકડવાની પ્રવૃત્તિ કરી શકતા નથી. જો કોઈ સબમરીન અહીંથી પસાર થાય તો તેણે પાણીની સપાટી પર આવીને પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો અનિવાર્ય છે. ઈરાની જહાજની ઘટનામાં મહત્વનું એ છે કે તે જહાજ આ 12 માઈલની સીમામાં હતું જ નહીં, તેથી ભારતની સાર્વભૌમત્વના ભંગની દલીલ અહીં જ ખોટી સાબિત થાય છે.

સંલગ્ન વિસ્તાર (Contiguous Zone): 24 નોટિકલ માઈલ

પ્રાદેશિક જળસીમા પૂરી થયા પછીના બીજા 12 નોટિકલ માઈલને (કિનારાથી કુલ 44.4 કિમી) સંલગ્ન વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં ભારત પાસે સંપૂર્ણ સાર્વભૌમત્વ નથી, પરંતુ ચોક્કસ કાયદાકીય અધિકારો છે. ભારત અહીં ચાર મુખ્ય ક્ષેત્રોમાં કાર્યવાહી કરી શકે છે: કસ્ટમ્સ (ટેક્સ ચોરી), ઇમિગ્રેશન (ઘૂસણખોરી), પ્રદૂષણ અને નાણાકીય કાયદા. જો કોઈ જહાજ ભારતની સીમામાં ગુનો કરીને ભાગતું હોય તો નૌસેના કે કોસ્ટગાર્ડ આ 24 માઈલ સુધી તેનો પીછો કરીને તેને પકડી શકે છે. આ વિસ્તાર એક પ્રકારે સુરક્ષા કવચ (Buffer Zone) તરીકે કામ કરે છે.

એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન (EEZ): 200 નોટિકલ માઈલ

આ સૌથી મહત્વનો અને વિવાદાસ્પદ વિસ્તાર છે. કિનારાથી અંદાજે 370.4 કિમી સુધીનો આ વિસ્તાર ભારતનું ‘વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર’ છે. આ 200 માઈલની અંદર રહેલા તમામ કુદરતી સંસાધનો પર માત્ર ભારતનો અધિકાર છે. માછલી પકડવી, સમુદ્રના પેટાળમાંથી તેલ અને કુદરતી ગેસનું ખોદકામ કરવું કે સમુદ્રી મોજામાંથી વીજળી પેદા કરવી – આ બધું જ ભારત કરી શકે છે.

અહીં પ્રોપેગેન્ડા ફેલાવનારાઓ સૌથી મોટી ભૂલ કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ, EEZમાં બીજા દેશોના યુદ્ધજહાજો અને સબમરીનોને પસાર થવાની સ્વતંત્રતા છે. અમેરિકી સબમરીન જો EEZમાં હોય તો ભારત તેને રોકી શકાતું નથી, જ્યાં સુધી તે સબમરીન ભારતની આર્થિક પ્રવૃત્તિને (જેમ કે ઓઈલ રિગ્સ) નુકસાન ન પહોંચાડે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય હાઇવે જેવો છે, જ્યાં ભારત ‘માલિક’ નથી પણ માત્ર ‘આર્થિક લાભાર્થી’ છે.

હાઈ સીઝ કે ઇન્ટરનેશનલ વોટર (High Seas): 200 માઈલ પછીનો અનંત સમુદ્ર

200 નોટિકલ માઈલ પછીનો સમગ્ર વિસ્તાર ‘હાઈ સીઝ’ અથવા આંતરરાષ્ટ્રીય જળસીમા તરીકે ઓળખાય છે. આ વિસ્તાર દુનિયાના કોઈપણ એક દેશની માલિકીનો નથી. તે માનવજાતની સહિયારી મિલકત (Global Commons) છે. અહીં જંગલ રાજ નથી, પણ આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન થાય છે. અહીં અમેરિકા, ઈરાન, ચીન કે રશિયા – તમામ દેશોને સૈન્ય ગતિવિધિઓ કરવાની સમાન છૂટ છે.

ઈરાની જહાજ અને અમેરિકી સબમરીન વચ્ચેનો સંઘર્ષ આ ‘હાઈ સીઝ’માં થયો હતો. આ વિસ્તારમાં ભારતની કોઈ કાયદાકીય સત્તા ચાલતી નથી. જો ભારત અહીં અમેરિકાને રોકવાનો પ્રયાસ કરે તો ભારત પોતે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરનાર દેશ ગણાય. આ વિસ્તારમાં બે દેશો વચ્ચેની લડાઈ એ તેમનો દ્વિપક્ષીય મામલો છે.

સમુદ્રી સીમાઓનું આ ટેકનિકલ ગણિત સ્પષ્ટ કરે છે કે ભારત સરકાર પાસે આ ઘટનામાં દખલ કરવાનો કોઈ કાયદાકીય આધાર નહોતો. ના હુમલો ભારતની 12 માઈલની સાર્વભૌમ સીમામાં થયો હતો, ના તે ભારતની 200 માઈલની આર્થિક સીમામાં ભારતની મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય જળસીમામાં થતી લડાઈમાં ‘જગત જમાદાર’ બનવું એ ભારતની વિદેશ નીતિ અને સંસાધનો માટે આત્મઘાતી હોય શકે છે.

આમ, ઇકોસિસ્ટમ દ્વારા જે ‘રાડારાડ’ કરવામાં આવી રહી છે, તે આંતરરાષ્ટ્રીય કાયદાઓના સંપૂર્ણ અજ્ઞાન અથવા જાણીજોઈને કરવામાં આવેલા ગેરમાર્ગે દોરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી. ભારત એક જવાબદાર રાષ્ટ્ર તરીકે UNCLOSના નિયમોનું પાલન કરે છે અને તે જ ભારતની અસલી વૈશ્વિક શક્તિ છે.

‘હિન્દ મહાસાગર’ નામ હોવાથી ભારતની માલિકી નથી

ઇકોસિસ્ટમ દ્વારા ફેલાવવામાં આવતા પ્રોપેગેન્ડાનું સૌથી મોટું હથિયાર ‘નામ’ છે. તેઓ સામાન્ય લોકોની લાગણીઓ સાથે રમત રમે છે. હિન્દ મહાસાગરનું નામ ભારતના (હિન્દુસ્તાન) નામ પરથી પડ્યું છે કારણ કે ભારત આ મહાસાગરના શિખર પર સ્થિત સૌથી મોટો અને પ્રભાવશાળી દેશ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં Naming is not Owning’નો (નામ હોવાનો અર્થ માલિકી નથી) સિદ્ધાંત ચાલે છે. ‘દક્ષિણ ચીન સાગર’ માં ચીન આ જ ‘નામની માલિકી’વાળો પ્રોપેગેન્ડા ચલાવે છે, જેનો ભારત સહિત આખી દુનિયા વિરોધ કરે છે. જો ભારત હિન્દ મહાસાગરમાં એવું જ કરે તો ભારતની નૈતિકતા ખતમ થઈ જાય.

સમુદ્રમાં ‘ટ્રાફિક’ અને ફ્રીડમ ઓફ નેવિગેશનનું ગણિત

નોંધનીય છે કે સમુદ્રમાં રસ્તાઓ દોરેલા હોતા નથી, છતાં ત્યાં ટ્રાફિકનું સંચાલન અત્યંત વ્યવસ્થિત રીતે થાય છે. ‘ફ્રીડમ ઑફ નેવિગેશન’ એ આંતરરાષ્ટ્રીય કાયદાનો એવો પાયો છે જે સુનિશ્ચિત કરે છે કે દુનિયાના મહાસાગરો કોઈ એક દેશની જાગીર ન બની જાય.

ફ્રીડમ ઑફ નેવિગેશન (FON)

‘ફ્રીડમ ઓફ નેવિગેશન’નો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં (High Seas) અને કોઈપણ દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં (EEZ) જહાજોને અવરજવર કરવાની સંપૂર્ણ આઝાદી છે. આ કાયદા હેઠળ માત્ર વેપારી જહાજો જ નહીં, પણ અમેરિકા, ઈરાન કે રશિયાના યુદ્ધજહાજો અને સબમરીનો પણ પસાર થઈ શકે છે. ભારતનો EEZ 200 માઈલ સુધી છે. જો અમેરિકી સબમરીન આ 200 માઈલની અંદરથી પસાર થતી હોય તો ‘ફ્રીડમ ઑફ નેવિગેશન’ મુજબ તેને ત્યાં રહેવાનો હક છે. ભારત તેને ‘ઘૂસણખોરી’ કહીને ઉડાવી ન શકે. જો ભારત એવું કરે તો તે આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ ગણાય.

ભારત આ ‘ફ્રીડમ ઑફ નેવિગેશન’નો રક્ષક છે, ભક્ષક નહીં. ભારતીય નૌસેના એડેનની ખાડીમાં અને હિન્દ મહાસાગરમાં પેટ્રોલિંગ કરે છે જેથી સમુદ્રી ટ્રાફિક સુરક્ષિત રહે. ભારત માને છે કે સમુદ્રના રસ્તાઓ દરેક દેશ માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ. જો આપણે આજે ઈરાની જહાજને બચાવવા માટે અમેરિકા સાથે યુદ્ધ કરીએ તો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા પેદા કરનાર દેશ ગણાઈએ.

ઇકોસિસ્ટમના ભ્રામક દાવા

જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી ઘટના બને છે, ત્યારે ભારતની વિદેશ નીતિ અને સાર્વભૌમત્વ પર સવાલ ઉઠાવવા એ આ ઇકોસિસ્ટમની જૂની આદત છે. ઈરાની જહાજની ઘટનામાં પણ તેમનો મુખ્ય તર્ક એ રહ્યો છે કે જો હિન્દ મહાસાગરમાં કંઈ પણ અઘટિત બને તો તેની જવાબદારી ભારતની છે. આ દલીલ પાયાવિહોણી છે કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધો લાગણી કે નામ પર નહીં, પણ કાયદાકીય સીમાઓ (Legal Boundaries) પર ચાલે છે. ભારતની નૌસેનાનું કામ ભારતની સીમાઓ અને ભારતના વેપારી જહાજોનું રક્ષણ કરવાનું છે.

બીજો એક તર્ક એવો આપવામાં આવે છે કે ભારત અમેરિકાના દબાણમાં છે અને તેથી જ અમેરિકી સબમરીન સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ તર્ક ભારતની (Strategic Autonomy) વ્યૂહાત્મક સ્વાયત્તતાને અવગણે છે. ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ વખતે પશ્ચિમી દેશોના ભારે દબાણ છતાં રશિયા પાસેથી તેલ ખરીદીને સાબિત કરી દીધું છે કે ભારત કોઈના દબાણમાં નિર્ણય લેતું નથી. ઈરાની જહાજ મામલે ભારતનું મૌન એ કોઈ ડર નથી, પરંતુ એક ગણતરીપૂર્વકની કૂટનીતિ છે. જો ભારત આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકા જેવા શક્તિશાળી ભાગીદાર સામે બિનજરૂરી મોરચો ખોલે તો તેનાથી દેશના સંરક્ષણ અને આર્થિક હિતોને મોટું નુકસાન થઈ શકે છે.

વધુમાં આ ઇકોસિસ્ટમ ‘હિન્દ મહાસાગર’ ના નામનો ઉપયોગ કરીને સામાન્ય જનતામાં રાષ્ટ્રવાદની ખોટી લાગણી જગાડવાનો પ્રયાસ કરે છે. તેઓ એવી છાપ ઊભી કરવા માંગે છે કે જાણે આખો હિન્દ મહાસાગર ભારતનું આંગણું હોય અને કોઈ પડોશી આવીને હુમલો કરી ગયું હોય. વાસ્તવિકતા એ છે કે સમુદ્રી સીમાઓનું ગણિત ઘણું જટિલ છે. જો ભારત આજે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું (UNCLOS) ઉલ્લંઘન કરીને બીજાના વિસ્તારમાં દખલગીરી શરૂ કરે તો વૈશ્વિક મંચ પર ભારતની છબી એક ‘જવાબદાર રાષ્ટ્ર’ માંથી બદલાઈને ચીન જેવા ‘વિસ્તારવાદી’ દેશ તરીકેની થઈ જાય. ભારત હંમેશા ‘Rule-based Order’ એટલે કે નિયમ આધારિત વ્યવસ્થાનો ટેકેદાર રહ્યો છે અને આ ઘટનામાં પણ ભારતે કાયદાકીય મર્યાદાઓનું પાલન કરીને પોતાની પરિપક્વતા સાબિત કરી છે.

અંતે, પ્રોપેગેન્ડા ફેલાવનારાઓ એ સત્ય છુપાવે છે કે ભારતની વાસ્તવિક શક્તિ અત્યારે તેના આર્થિક વિકાસ અને કૂટનીતિક સંતુલનમાં છે. ભારતને ઈરાન-અમેરિકાના વર્ષો જૂના સંઘર્ષમાં ખેંચી જઈને ભારતની પ્રગતિને રોકવાનું આ એક સુનિયોજિત કાવતરું છે. ભારતીય નૌસેના પશ્ચિમ અને પૂર્વના સમુદ્રી માર્ગો પર ચાંપતી નજર રાખી રહી છે અને જ્યારે પણ ભારતની સુરક્ષા કે આર્થિક હિતો પર આંચ આવી છે, ત્યારે ભારતે હંમેશા જડબાતોડ જવાબ આપ્યો જ છે. તેથી, ઇકોસિસ્ટમની ‘રાડારાડ’ એ માત્ર રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ છે, જેને તથ્યો સાથે કોઈ લેવાદેવા નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં