હોમપેજરાજકારણહિન્દ મહાસાગરમાં ઈરાનિયન યુદ્ધજહાજ પર અમેરિકાનો હુમલો અને ભારતને પરાણે યુદ્ધમાં ઢસડવા...

હિન્દ મહાસાગરમાં ઈરાનિયન યુદ્ધજહાજ પર અમેરિકાનો હુમલો અને ભારતને પરાણે યુદ્ધમાં ઢસડવા માગતી ઈકોસિસ્ટમ

આ જહાજે ન તો ભારતને કોઈ ડિસ્ટ્રેસ કૉલ મોકલ્યો હતો કે ન ક્રૂ તરફથી કોઈ અનૌપચારિક મદદ માટે કહેવાયું હતું. શ્રીલંકાને મદદ માટે કૉલ ગયો હતો અને તેમણે મદદ મોકલી. પરંતુ ઇકોસિસ્ટમ ઇચ્છે છે કે આપણે મિસાઇલો લઈને હવે અમેરિકાની સબમરીનો પર તૂટી પડીએ તો એ શક્ય નથી.

- Advertisement -

અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન પર હુમલો કરી દીધાને આ લખાય રહ્યું છે ત્યારે છઠ્ઠો દિવસ થયો છે. પાંચ દિવસથી આ ત્રણેય દેશ એકબીજા સાથે બાખડી રહ્યા છે. ઇઝરાયેલ અને અમેરિકાએ કહ્યું છે કે તેઓ યુદ્ધના અંત સુધી સાથે મળીને ઈરાન સામે લડશે. ઈરાન સામે પક્ષે એકલું છે અને ઇઝરાયેલ-અમેરિકાની ગણતરીઓ ખોટી પાડીને પ્રતિકાર કરી રહ્યું છે. સંભવતઃ આ બંને દેશો યુદ્ધ આટલું લાંબું ચાલશે તેવી ગણતરી લઈને ચાલ્યા ન હતા પણ ઈરાને અત્યાર સુધી તો ઠીકઠાક પ્રતિકાર કર્યો છે અને શસ્ત્રો હેઠાં મૂક્યાં નથી. બીજી તરફ યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનમાં આંતરિક વિદ્રોહ અને બળવો ઉઠશે એવી જગત જમાદારની આશા પર પણ પાણી ફરી વળ્યું છે, એટલે કાઠું પડી રહ્યું છે. સંભવતઃ ખામેનેઈની હત્યાની પણ જોઈએ તેટલી અસર થઈ નથી.

અમેરિકા એ તબક્કે આવીને ઊભું છે જ્યાંથી પાછળ જઈ શકાય એમ નથી અને યુદ્ધ આગળ જ વધારવું પડે એમ છે. આ યુદ્ધ આગળ વધારવાની લ્હાયમાં બુધવારે (4 માર્ચ) અમેરિકાના નૌકાદળે એક કારનામું કર્યું ને દુનિયા સમક્ષ જણાવ્યું પણ ખરું, એ પણ વિડીયો બહાર પાડીને.

વાસ્તવમાં બન્યું એવું કે ઈરાનની નૌસેનાનું એક જહાજ હમણાં ભારતીય સેના સાથે યુદ્ધાભ્યાસ કરવા માટે વિશાખાપટ્ટનમ આવ્યું હતું. ત્યાંથી પરત ફરી રહ્યું હતું ત્યારે શ્રીલંકાના ગાલેથી અમુક નોટિકલ માઈલ દૂર દરિયામાં તેની ઉપર હુમલો થયો. શરૂઆતમાં સમાચાર આવ્યા કે સબમરીન વડે હુમલો થયો છે. જહાજે શ્રીલંકાને ‘ડિસ્ટ્રેસ કૉલ’ મોકલ્યો અને શ્રીલંકાની નૌસેના બચાવ માટે ગઈ ત્યાં સુધીમાં તો જહાજ ડૂબી ગયું હતું.

- Advertisement -

ઘટના બની ત્યારે ઈરાનના યુદ્ધજહાજ પર લગભગ 100થી વધુ માણસો હતા, જેમાંથી અનેકનાં મોત થયાં છે, અનેક ઈજાગ્રસ્ત છે, જેઓ શ્રીલંકાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ઘણા હજુ લાપતા છે.

ઘટનાના થોડા કલાકો પછી અમેરિકાએ દુનિયાની સામે આવીને કહ્યું કે આ કારનામુ પોતે કર્યું છે અને ત્યારબાદ એક વિડીયો પણ બહાર પાડ્યો, જેમાં સબમરીનમાંથી હુમલો કરીને ઈરાનના જહાજને ડૂબાડવામાં આવ્યું હતું.

આ ઘટના બની શ્રીલંકા નજીક. આમ તો શ્રીલંકાની જળસીમામાં ક્ષેત્ર આવતું નથી, પણ સાવ નજીક હોવાના કારણે અને ડિસ્ટ્રેસ કૉલ મળ્યો હોવાના કારણે મદદ કરવાની તેમની ફરજ છે અને તેઓ કરી પણ રહ્યા છે. ભારતનો આમાં કોઈ રોલ, કોઈ ભૂમિકા નથી. છતાં આપણે ત્યાં બેઠેલા અમુક બુદ્ધિજીવીઓ આમાં પરાણે ભારતને ઘસડી રહ્યા છે. કોંગ્રેસ દર વખતની જેમ આમાં આગળ પડતી છે.

બે કારણો આપવામાં આવી રહ્યાં છે, જેમાંનું બીજું બહુ વાહિયાત છે. પહેલું એ કે આ જહાજ ભારતીય નૌસેના સાથે યુદ્ધાભ્યાસ માટે આવ્યું હતું એ હકીકત જણાવીને એવું દર્શાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે આપણા મહેમાનો પર હુમલો થયો ને આપણે મદદે ગયા નહીં. સરકાર ચોખવટ કરી ચૂકી છે કે જહાજ 16થી 25 ફેબ્રુઆરી માટે આવ્યું હતું અને 25મીએ જ રવાના થઈ ગયું હતું પછી તે ‘ભારતનું મહેમાન’ ન કહેવાય. એ ઈરાન પહોંચવા માટે તેના માર્ગે હતું અને ઘટના બની, તેમાં ભારત વચ્ચે કઈ રીતે કૂદી પડે?

પણ આ ગેંગ ઇચ્છે છે કે ભારત મિસાઇલો લઈને અમેરિકાની સબમરીન પર હુમલો કરી દે અને અનેક દેશો પહેલેથી જ યુદ્ધમાં ઘસડાઈ ચૂક્યા છે ત્યારે ભારત પણ પોતાનું નામ તેમાં લખાવી દે. કહેવા માટે એમ કહી દેવું સરળ છે કે આપણે ત્યાં મહેમાન બનીને આવેલા જહાજ પર હુમલો થાય તો ભારતે પ્રતિકાર કરવો જોઈએ, પણ વ્યવહારિક દૃષ્ટિએ અને ખાસ કરીને આવા યુદ્ધના સમયે પરિસ્થિતિઓ જુદી છે. અહીં વગર વિચાર્યે ભરેલું એક પણ પગલું ખોટું સાબિત થઈ શકે છે.

આ જહાજે ન તો ભારતને કોઈ ડિસ્ટ્રેસ કૉલ મોકલ્યો હતો કે ન ક્રૂ તરફથી કોઈ અનૌપચારિક મદદ માટે કહેવાયું હતું. શ્રીલંકાને મદદ માટે કૉલ ગયો હતો અને તેમણે મદદ મોકલી. પરંતુ ઇકોસિસ્ટમ ઇચ્છે છે કે આપણે મિસાઇલો લઈને હવે અમેરિકાની સબમરીનો પર તૂટી પડીએ તો એ શક્ય નથી.

બીજું એક કારણ એ આપવામાં આવી રહ્યું છે કે આ હુમલો ‘ઈન્ડિયન ઓસેન’માં એટલે કે હિન્દ મહાસાગરમાં થયો છે અને આ સમુદ્ર ભારતનો છે. મંદમતિઓની જાણ માટે કે આ માત્ર નામ હિન્દ મહાસાગર છે. તેની સંપૂર્ણ માલિકી ભારત પાસે નથી. સમુદ્રસીમા આ રીતે નક્કી થતી નથી કે નૌસેનાઓની દુનિયા આ રીતે કામ કરતી નથી. દેશોની જળસીમા અમુક નોટિકલ માઈલ સુધીની જ હોય છે અને તેટલા પૂરતું જ તેમનું વર્ચસ્વ હોય છે.

ઈરાનનું જહાજ જે સ્થળે ડૂબ્યું એ ‘ઇન્ટરનેશનલ વૉટર’ છે અને ત્યાં ભારતનું કોઈ જ્યુરિસ્ડિક્શન નથી. ઘટના લંકાના ગાલેથી 40 નોટિકલ માઇલ દૂર બની હતી. એટલે આ વિસ્તાર શ્રીલંકાના નિયંત્રણ હેઠળ પણ આવતો નથી. લંકાની સત્તા 12 નોટિકલ માઈલ સુધી જ હોય, જ્યારે ઘટના 40 નોટિકલ માઇલ દૂર બની છે.

‘યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી’ હેઠળ દેશના કાંઠેથી 12 નોટિકલ માઇલ સુધી સંપૂર્ણ સત્તા જે-તે દેશની હોય છે. 200 નોટિકલ માઇલ સુધી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન હોય છે, જ્યાંથી કુદરતી સ્ત્રોતો મેળવી શકાય છે. વિદેશી જહાજો અહીંથી આવ-જા કરી શકે પણ દેશની પરવાનગી વગર રિસોર્સનો ઉપયોગ ન કરી શકે. આ જળસીમા પછીનો વિસ્તાર ‘ઇન્ટરનેશનલ વૉટર્સ’ કહેવાય, જ્યાં કોઈ દેશની સત્તા હોતી નથી.

એટલે એ વાત સાચી કે ઈરાનનું જહાજ ભારતનું મહેમાન હતું, પણ એ ભારતથી ઘણા દિવસ પહેલાં રવાના થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીલંકા નજીક તેની સાથે ઘટના બની. માત્ર ‘હિન્દ મહાસાગર’માં ઘટના બની હોવાના કારણે ભારતથી આ યુદ્ધમાં કૂદી ન પડાય એટલી અક્કલ સરકાર અને સેનામાં છે. ખાસ કરીને એ સંજોગોમાં જ્યારે જળસીમા ભારતની ન હોય કે કોઈ મદદનો કૉલ ન આવ્યો હોય.

એક મજાની વાત એ પણ છે કે આ જ ગેંગ અને આ જ ઇકોસિસ્ટમ જ્યારે મે 2025માં ભારતે પાકિસ્તાનને ઠેકાણે પાડવા માટે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું ત્યારે ‘સ્ટોપ ધ વૉર’ની બુમરાણ મચાવવા મંડી પડી હતી. પાકિસ્તાનને પાઠ ભણાવતી ભારતીય સેનાને અટકાવવા માગતી ટોળકી હવે ઇચ્છે છે કે ભારત પણ યુદ્ધમાં જોડાય. કાલે ઉઠીને પાકિસ્તાન પર બે-ચાર બૉમ્બ ફેંકવામાં આવે તો આ જમાત શરમ છોડીને ફરી ‘સ્ટોપ ધ વૉર’ની વાતો કરવા માંડશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં