હોમપેજગુજરાતવકીલના વેશમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન નોંધવાનો પ્રયાસ, રજિસ્ટ્રાર પર જ લવ...

વકીલના વેશમાં હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્ન નોંધવાનો પ્રયાસ, રજિસ્ટ્રાર પર જ લવ જેહાદના સેટિંગનો આરોપ: ગુજરાત સરકારના પ્રસ્તાવિત નિયમો પર ચર્ચા કેમ જરૂરી?

આદર્શ પરિસ્થિતિમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાની વાતો સાચી છે, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે સમાજ આદર્શ પરિસ્થિતિઓ પર ચાલતો નથી. વ્યવહારિકતામાં કોઈ બાબત આદર્શ હોતી નથી. આમાં પણ એવું જ છે અને એ આ અમદાવાદની ઘટનાએ પુરવાર કર્યું છે.

- Advertisement -

ભારતીય બંધારણ દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરવાની અને જીવન જીવવાની સ્વતંત્રતા આપે છે. આ લોકશાહીનો પાયો છે અને તેને નકારી શકાય નહીં. પરંતુ જ્યારે આ ‘સ્વતંત્રતા’નો ઉપયોગ છેતરપિંડી, વેશપલટો અને કાયદાકીય છટકબારીઓ શોધીને કોઈ ચોક્કસ એજન્ડા પાર પાડવા માટે કરવામાં આવે ત્યારે તે ગુનો બને છે. અમદાવાદની ઘી કાંટા કોર્ટમાંથી પણ આવો જ મામલો સામે આવ્યો છે. જે માત્ર બે વ્યક્તિઓના લગ્નનો મામલો નથી, પણ એક ગંભીર સામાજિક અને કાયદાકીય છેતરપિંડીનું ઉદાહરણ છે.

હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે ગુજરાત સરકારે લગ્ન નોંધણીના કાયદાઓમાં સુધારા કરીને યુવક-યુવતીના માતા-પિતાને જાણ કરવાની જોગવાઈ ઉમેરવા માટે પહેલ કરી ત્યારે અમુક વર્ગોમાંથી તેનો વિરોધ પણ થયો. પરંતુ તાજેતરની ઘટના એ વિચારવા માટે વિવશ કરે છે કે ખરેખર આવા કાયદાઓ બનાવવાનો સમય આવી ગયો છે કેમ.

ગુજરાત સરકારે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો કરવા માટે સૂચનો મગાવ્યાં છે. આ સૂચનો બાદ સરકાર એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ પણ લાવશે. આ બિલના સુધારા અંગે વાતચીત થયા બાદ બિલને વ્યક્તિ સ્વતંત્રતા પર તરાપ ગણવામાં આવ્યું હતું. એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ સુધારા લાગુ થતા યુવક-યુવતીઓને પોતાની મરજીથી લગ્ન કરવાની સ્વતંત્રતા નહીં રહે. આ બિલના બંધારણના વ્યક્તિ સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ ગણવામાં આવ્યું હતું. પણ તાજેતરની અમદાવાદની ઘટના સૂચવે છે કે આવી જોગવાઈઓ કેમ જરૂરી છે.

- Advertisement -

શું હતી સમગ્ર ઘટના

માર્ચ 2026ની આ ઘટનામાં 27 વર્ષીય મુસ્લિમ યુવક સલમાન મંસૂરી (કઠવાડા વિસ્તારનો રહેવાસી) અને ગાંધીનગર જિલ્લાના કરોલી વિસ્તારની એક હિંદુ યુવતી લગ્ન નોંધણી માટે પહોંચ્યાં હતાં. સલમાન પોતે વકીલ નથી, છતાં તેણે વકીલનો વેશ ધારણ કર્યો હતો અને યુવતીને પણ વકીલના કપડાં પહેરાવ્યાં. આ વેશપલટા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે કોર્ટ સંકુલમાં હાજર રહેલા અન્ય વકીલો કે યુવતીના પરિવારજનોને કોઈ શંકા ન જાય. સામાન્ય રીતે વકીલના પહેરવેશમાં હોવાને કારણે સુરક્ષાકર્મીઓ કે અન્ય લોકો પૂછપરછ કરતા નથી. આ એક પ્રકારની ‘ઓળખની ચોરી’ છે જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે લગ્ન પતાવવા માટે કરવામાં આવ્યો હતો.

કોઈપણ સરકારી કચેરીમાં કામકાજનો એક નિર્ધારિત સમય હોય છે. લગ્ન નોંધણી માટે સામાન્ય રીતે સવારે 11 વાગ્યે પ્રક્રિયા શરૂ થાય છે. તેમ છતાં મેરેજ રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદે સવારે 9:30 વાગ્યે જ યુવક અને યુવતીને કચેરીના પાછલા દરવાજેથી અંદર બોલાવી લીધાં હતાં. આ ઘટનાને હિન્દુ સંગઠનોએ ‘લવ જિહાદીઓ માટે ગ્રીન કોરિડોર’ સમાન ગણાવી છે. જ્યારે કોઈ સરકારી અધિકારી પ્રોટોકોલ તોડીને કોઈ ચોક્કસ પક્ષને ફાયદો કરાવે ત્યારે તેની તટસ્થતા પર સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદ મુસ્લિમ હોવાથી તેઓ પક્ષપાતી વલણ અપનાવે છે અને આવા કેસોમાં ‘લવ જિહાદ’ માટે રસ્તો કરી આપે છે. વધુમાં જ્યારે અસલી વકીલોએ વેશધારણ કરેલા યુવક-યુવતીની છેતરપિંડી પકડી પાડી અને વિરોધ કર્યો ત્યારે રજિસ્ટ્રારે તેમને જ જેલમાં મોકલી દેવાની ધમકી આપી હોવાનો આરોપ છે. હિંદુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદની આ રજિસ્ટ્રાર ઓફિસ ‘લવ જેહાદ’નો અડ્ડો બની રહી છે, અને રજિસ્ટ્રાર સૈયદ આમાં સીધી ભૂમિકા ભજવે છે.

એડવોકેટ દિનેશપુરી ગોસ્વામીએ કારંજ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રાર સૈયદ અને વસીમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં છેતરપિંડી, ખોટો વેશ ધારણ કરવો અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવાના આરોપો છે. હિંદુ સંગઠનોએ રજિસ્ટ્રારને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી છે અને જરૂર પડે તો મોટું આંદોલન કરવાની ચેતવણી આપી છે.

વ્યક્તિગત સ્વતંત્રતા

નોંધનીય છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતા (personal liberty), ગોપનીયતા (privacy) અને જીવનના અધિકારમાં જીવનસાથી પસંદ કરવાનો અધિકાર સમાવિષ્ટ છે. સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે પ્રેમ અને લગ્નની પસંદગી વ્યક્તિગત બાબત છે, જેમાં સમાજ કે રાજ્યની મંજૂરીની જરૂર નથી. અનુચ્છેદ 19(1)(a) અને 25 હેઠળ ધર્મની સ્વતંત્રતા અને વિચાર અભિવ્યક્તિનો અધિકાર પણ છે.

આ જ અધિકારના નામે લવ જેહાદને નકારવામાં આવે છે એવા દાવા કરવામાં આવે છે કે યુવતીઓને પુખ્ત વયની હોવા છતાં તેમની પસંદગીને ‘છેતરપિંડી’ ગણીને પરિવાર કે સંગઠનો દખલ કરે છે, જે પિતૃસત્તાક (patriarchal) વલણ દર્શાવે છે. મોટાભાગે લેફ્ટ-લિબરલ અને સેક્યુલરોની ગેંગ લવ જેહાદના મામલાઓ પર આંખ આડા કાન કરી દેતા હોય છે અને તેને પ્રોપગેન્ડા ગણાવતા હોય છે. પરંતુ તાજેતરમાં અમદાવાદમાંથી સામે આવેલી ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે હિંદુ યુવતીઓને ફસાવવા માટે કેટલાં અને કેવા પ્રકારનાં કાવતરાં ઘડવામાં આવી રહ્યાં છે.

ગત 2 વર્ષોમાં સામે આવેલ બ્યાવર સેક્સ સ્કેન્ડલ, અજમેર સેક્સ સ્કેન્ડલ, ભોપાલ સહિતના કેસો સ્પષ્ટ કરે છે હિંદુ યુવતીઓને ફસાવી, તેમનો ઉપયોગ કરી, તેમની સાથે નિકાહ કરીને ઇસ્લામ કબૂલ કરાવવાનું આખું રેકેટ ચાલી રહ્યું છે. ઘી કાંટા કોર્ટની ઘટનામાં જે પ્રકારે વેશપલટો અને સરકારી મિલીભગત જોવા મળી છે, તે સાબિત કરે છે કે ‘લવ જેહાદ’ કોઈ સામાન્ય પ્રેમ પ્રકરણ નથી, પણ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે. આ કિસ્સામાં સલમાન મંસૂરીએ વકીલનો કાળો કોટ પહેર્યો હતો. સામાજિક વાસ્તવિકતા એ છે કે ઘણા કિસ્સાઓમાં મુસ્લિમ યુવકો પોતાની ધાર્મિક ઓળખ છુપાવીને, હાથમાં નાડાછડી બાંધીને કે હિંદુ નામ ધારણ કરીને યુવતીઓનો વિશ્વાસ જીતે છે.

જ્યારે યુવતીને સત્યની ખબર પડે છે ત્યાં સુધી તો પરિસ્થિતિ એટલી વણસી ગઈ હોય છે કે તે ઈચ્છે તો પણ પાછી ફરી શકતી નથી. ઘણા કિસ્સાઓમાં સામે આવી ચૂક્યું છે કે હિંદુ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધતી વખતેના અશ્લીલ વિડીયો અને ફોટો બતાવીને તેમને બ્લેકમેલ કરવામાં આવી હોય, તેમની અન્ય સહેલીઓના સંપર્ક મેળવીને તેમને પણ આ દલદલમાં ઢસડવામાં આવી હોય.

લવ જિહાદની સૌથી ભયાનક વાસ્તવિકતા એ છે કે તેમાં માત્ર એક યુવક સામેલ નથી હોતો. ઘી કાંટાની ઘટનામાં રજિસ્ટ્રાર એમ.એમ. સૈયદની ભૂમિકાએ આ વાત સ્પષ્ટ કરી છે. આ સિવાય પણ ભૂતકાળમાં જેટલા મામલા સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, યુવકના અબ્બા, મિત્રો, મૌલવીઓ, બહેનો સહિતના કેટલાય લોકો સામેલ હોય છે જે હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરતા હોય છે.

અનેક કિસ્સાઓમાં સામે આવી ચૂક્યું છે કે મૌલવીઓ અને વિદેશી ફન્ડિંગ દ્વારા આવા નિકાહ માટે આર્થિક અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. નિકાહ પછી તરત જ ધર્મ પરિવર્તનના દસ્તાવેજો તૈયાર હોવા એ આ આખા નેટવર્કની સાક્ષી પૂરે છે.

‘બારોબાર’ લગ્ન અને પરિવારનો બહિષ્કાર

હિંદુ સંસ્કૃતિમાં લગ્ન એ એક પવિત્ર સંસ્કાર છે, જ્યારે આ કિસ્સાઓમાં તેને માત્ર એક ગુપ્ત ‘ડીલ’ તરીકે જોવામાં આવે છે. યુવતીને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે પોતાના માતા-પિતાને દુશ્મન માનવા લાગે. યુવતીઓનું બ્રેનવૉશ કરીને તેમના મન-મગજમાં પોતાના પરિવાર-ધર્મ પ્રત્યે નફરત ભરી દેવામાં આવે છે. આને વ્યક્તિગત સ્વતંત્રતા કહેવું એ ગાંડપણ છે, કારણ કે તેમાં સંમતિ પણ છેતરપિંડીથી મેળવાયેલી હોય છે. રજિસ્ટ્રાર ઓફિસમાં છુપાઈને થતા નિકાહ દરમિયાન એ વાતની પણ ખાતરી લેવામાં આવે છે કે યુવતીનો પરિવાર વાંધો જ ન ઉઠાવી શકે.

સામાજિક વાસ્તવિકતા એ છે કે લવ જિહાદના કિસ્સામાં લગ્ન પછી યુવતીની સ્થિતિ ઘણીવાર દયનીય બની જાય છે. લગ્ન પછી તરત જ યુવતી પર રીતરિવાજો બદલવાનું અને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવે છે. ઘણીવાર જાણવા મળ્યું છે કે યુવક પહેલેથી પરિણીત હોય છે અને હિંદુ યુવતીને તેની જાણકારી જ નથી હોતી. જ્યારે આ બધી વાસ્તવિકતાઓ સામે આવે છે ત્યારે યુવતીઓ એ હદે ફસાઈ ચૂકી હોય છે તેમની પાસે પાછા આવવાનો કે મદદ માંગવાનો કોઈ રસ્તો નથી બચ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતમાં 2021થી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ અમલમાં છે, જે લગ્ન દ્વારા ધર્મ પરિવર્તનને ગુનો ગણે છે અને તેની સામે 3થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદો છેતરપિંડી રોકવા માટે છે, નહીં કે સંમતિથી થતા લગ્નોને રોકવા.

ગુજરાત સરકારના નવા લગ્ન નોંધણી નિયમો

ગુજરાત સરકારના પ્રસ્તાવિત નિયમો જોઈએ તો એક દલીલ એવી આપવામાં આવે છે કે તેનાથી વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતા પર અસર પડી શકે છે. કારણ કે દરેક પુખ્ત વ્યક્તિને પોતાની રીતે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. ઉપરાંત વાસ્તવિક અને જેન્યુઇન પ્રેમ લગ્નોમાં વિલંબ અને તણાવ વધી શકે છે, કારણ કે મોટાભાગનાં પ્રેમલગ્નો આંતરજ્ઞાતિય હોય છે અને ઘણા કિસ્સાઓમાં પરિવારોની મંજૂરી હોતી નથી, આ કિસ્સામાં નકામો વિલંબ થઈ શકે. જો વાંધા આવે તો નોંધણી રોકાઈ શકે છે અને વાસ્તવમાં જે યુગલ પ્રેમ લગ્ન કરવા માંગતું હોય તેમને અન્યાય થઈ શકે છે.

આદર્શ પરિસ્થિતિમાં આ વાતો સાચી છે, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે સમાજ આદર્શ પરિસ્થિતિઓ પર ચાલતો નથી. વ્યવહારિકતામાં કોઈ બાબત આદર્શ હોતી નથી. આમાં પણ એવું જ છે અને એ આ અમદાવાદની ઘટનાએ પુરવાર કર્યું છે. જેથી વ્યક્તિગત સ્વતંત્રતા અને આ બધી વાતો માની લઈએ તોય બીજી તરફ અમદાવાદ જેવી ઘટનાએ સાબિત કર્યું છે કે વર્તમાન લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલી ભયાનક છટકબારીઓ છે.

વર્તમાન નિયમો મુજબ, ઘણીવાર યુવક-યુવતી રજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈને તાત્કાલિક લગ્ન કરી લેતાં હોય છે, જેમાં પરિવારને છેક સુધી ખબર પડતી નથી. નવા પ્રસ્તાવિત નિયમો આમાં પરિવર્તન લાવશે. નવા નિયમો મુજબ લગ્નની અરજીમાં માતા-પિતાની સંપૂર્ણ વિગતો આપવી પડશે. અરજદારોએ ડિક્લેરેશન આપવું પડશે કે તેમણે માતા-પિતાને જાણ કરી છે કે નહીં. અરજી મળ્યા પછી 10 કાર્યકારી દિવસમાં અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માતા-પિતાને ઇલેક્ટ્રોનિક અથવા ફિઝિકલ સૂચના મોકલશે.

આ બદલાવના કારણે પારિવારિક જાણકારી વગરના લગ્નોમાં છેતરપિંડીની શક્યતા ઘટશે. પરિવારને જાણ થતાં જ વિરોધ અથવા તપાસની તક મળશે, જે અમદાવાદ જેવા કેસોમાં પરિવારને જાણ વિના થતા લગ્નને રોકી શકે છે. અરજી પછી તરત નોંધણી નહીં થાય. રજિસ્ટ્રારને પેટા નિયમોની (1થી 7) પુષ્ટિ થયા પછી 30 દિવસ પૂરા થયા બાદ જ નોંધણી થશે. આ દરમિયાન વાંધા આવે તો તપાસ થશે. જેના કારણે તાત્કાલિક અને ગુપ્ત લગ્નો રોકાશે, પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કેસોમાં પુરાવા મેળવવાની તક મળશે.

તમામ વિગતો ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી થશે, ફોટા, આધાર, લગ્નના ફોટા વગેરે ફરજિયાત. નોંધણી હવે ક્લાસ-2 અધિકારી (અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર) દ્વારા થશે, જે વર્તમાન ક્લાસ-3 અધિકારી કરતાં ઉચ્ચ સ્તરની છે. નોંધનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે “સરકારને પ્રેમથી કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે.” આ સુધારા પારિવારિક જવાબદારી વધારવા, સામાજિક અસ્થિરતા ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે છે.

આ બધાં કારણોસર જ અમુક સમુદાયો વારંવાર સરકાર સમક્ષ આવા નિયમો લાવવાની માંગણી કરી રહ્યા હતા. સરકારે પણ એટલે જ આમાં આગળ ડગલાં માંડ્યાં છે. જોકે હજુ સૂચન મગાવવામાં આવ્યાં છે. વ્યક્તિગત સ્વતંત્રતા પણ જળવાય રહે અને જેન્યુઇન સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવામાં આવે તે માટે માર્ગ કાઢવાની જરૂર છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં