અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. છેલ્લા 2-3 દિવસોથી હિંદુ સંગઠનો અને વાલી મંડળ આ ઘટનાનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું છે. આ દમિયાન શાળા પ્રશાસનની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સ્કૂલના પ્રિન્સીપાલ અને મેનેજમેન્ટ વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ત્યારે હવે શાળાની જમીનના વિવાદે જોર પકડ્યું છે જેના પગલે AMCએ તપાસ શરૂ કરી છે.
અહેવાલ અનુસાર, 10465 ચોમી ક્ષેત્રફળમાં ફેલાયેલ સેવન્થ ડે સ્કૂલની જમીન 99 વર્ષની લીઝ પર આપવામાં આવેલી છે. વર્ષ 2001માં મનપાએ ₹1ના ટોકન પર ભાડા પટ્ટા પર આ જગ્યા આપી હતી. 2001માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે ઠરાવ કરવામાં આવ્યો હતો અને શાળાના સંચાલકોએ ₹20 લાખ પણ જમા કરાવ્યા હતા. 12 ઑક્ટોબર 2001ના રોજ શાળા પ્રશાસનને કબજો સોંપવામાં આવ્યો હતો.
સેવન્થ ડેની જગ્યાએ પહેલાં મંદિર હોવાનો દાવો
ત્યારે હવે હત્યાની ઘટના બાદ શાળાને તાળા મારવાની માંગ ઉઠી હતી, તથા શાળાની જમીનને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલે અન્ય એક વિવાદ પણ સામે આવ્યો છે. AMCના રેકોર્ડને ટાંકીને કહેવાયું છે કે, જે જગ્યા પર હાલમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે, ત્યાં અગાઉ એક મંદિર હતું. આ જગ્યાને સ્કૂલને શૈક્ષણિક હેતુ માટે સોંપવામાં આવી હતી. જોકે, હવે આ મામલે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે AMCએ સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
AMCએ જ્યારે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ટ્રસ્ટને શૈક્ષણિક સંસ્થા ચલાવવાની શરતે લીઝ પર આપી ત્યારે શરત હતી કે તેનું સંચાલન શાળાના ટ્રસ્ટ દ્વારા થવું જોઈએ. જોકે, આરોપ છે કે શાળાનું સંચાલન ટ્રસ્ટ દ્વારા નહીં, પરંતુ ‘ફાઇનાન્શિયલ એસોસિયેશન ઑફ સેવન્થ ડે’ નામની રજિસ્ટર્ડ કંપની દ્વારા કરવામાં આવે છે, જે લીઝ કરારની શરતોનો સીધો ભંગ છે.
કોંગ્રેસના શાસનમાં અપાઈ હતી ભાડા પટ્ટે
અહેવાલ મુજબ, આ જમીન જ્યારે લીઝ પર અપાઈ ત્યારે AMCમાં કોંગ્રેસનું શાસન હતું (2000-2005). આરોપ છે કે તત્કાલીન સત્તાધારી પક્ષના સભ્યોએ જમીનની ફાળવણીમાં નિયમોનું ધ્યાન રાખ્યા વિના કોઈ યોગ્ય પુરાવા કે ચકાસણી વિના જમીન ફાળવી દીધી હતી. આ મામલે તત્કાલીન કોંગ્રેસના સભ્યો પણ શંકાના દાયરામાં છે, જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદાર કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવશે.
અહેવાલ મુજબ AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, “જમીનનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે જ થવો જોઈએ. જો ટ્રસ્ટ નહીં પરંતુ કંપની શાળાનું સંચાલન કરે છે તો તે નિયમોનો સ્પષ્ટ ભંગ છે.” નિયમોના ભંગને કારણે AMC હવે આ મામલે કડક પગલાં લેવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, AMC દ્વારા શાળાને નોટિસ પાઠવવામાં આવી શકે છે. જો સંતોષકારક જવાબ ન મળે તો કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
AMC કરી શકે કાર્યવાહી
AMCએ સેવન્થ ડે સ્કૂલને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારી બતાવી છે. જો તપાસમાં જાણવા મળે કે જમીનનો ઉપયોગ લીઝની શરતોની વિરુદ્ધ થયો છે, તો AMC લીઝ રદ કરવાનો નિર્ણય લઈ શકે છે. જો બાંધકામ ગેરકાયદેસર જણાય તો AMC દ્વારા તેને તોડી પાડવાનો આદેશ આપવામાં આવી શકે છે. છરાબાજીની ઘટના બાદ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવી શકે છે.


