હોમપેજદુનિયા43 ડિગ્રી સેલ્સિયસની ગરમી ભારત અને યુરોપમાં અલગ-અલગ કેમ અનુભવાય છે?

43 ડિગ્રી સેલ્સિયસની ગરમી ભારત અને યુરોપમાં અલગ-અલગ કેમ અનુભવાય છે?

યુરોપમાં ઘણે ઠેકાણે તાપમાન 42-43 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જે ભારતમાં ઉનાળા દરમ્યાન ઘણાં શહેરોમાં સામાન્ય હોય છે. ઘણી વખત 45થી 48 ડિગ્રી સુધી પણ પહોંચે છે. તો યુરોપમાં સ્થિતિ જુદી છે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

- Advertisement -

યુરોપ હમણાં ભયંકર હીટવેવ સામે લડી રહ્યું છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અનુસાર 21 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 1300થી વધારે મોત થઈ ચૂક્યાં છે. સોશિયલ મીડિયા, વિદેશી મીડિયાની હેડલાઈનોમાં સતત આ ‘હીટવેવ’ વિશે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર યુરોપિયન દેશોમાં હીટવેવથી ત્રાહિમામ પોકારી ચૂકેલી પ્રજા એસી, કુલર, પંખા ખરીદવા પડાપડી કરતી હોવાનાં દ્રશ્યો આવી રહ્યાં છે. બીજી તરફ ઇમરજન્સી સેવાઓ ઠપ થવા માંડી છે. અફરાતફરીનો માહોલ છે.

અહીં ભારતમાં એક બીજી ચર્ચા ચાલી રહી છે. યુરોપમાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આવી બધી પરિસ્થિતિ કેમ સર્જાઈ ગઈ, જ્યારે ભારતમાં આટલું તાપમાન અનેક શહેરોમાં સામાન્ય બની જાય છે, ખાસ કરીને ઉનાળાના દિવસોમાં. જર્મનીના પોલેન્ડ સરહદ નજીક આવેલા કોસ્ચન શહેરમાં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ છે. ઑસ્ટ્રિયામાં 40 ડિગ્રી, દક્ષિણ ઈંગ્લેન્ડમાં 37 ડિગ્રી, નેધરલેન્ડ્સમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ફ્રાન્સમાં સૌથી વધુ અસર છે, જ્યાં સરેરાશ 30 ડિગ્રી સેલ્સિયસની સામે અમુક વિસ્તારોમાં તાપમાન 43.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સ્પેનમાં પણ 42.7 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે.

ટૂંકમાં યુરોપમાં ઘણે ઠેકાણે તાપમાન 42-43 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જે ભારતમાં ઉનાળા દરમ્યાન ઘણાં શહેરોમાં સામાન્ય હોય છે. ઘણી વખત 45થી 48 ડિગ્રી સુધી પણ પહોંચે છે. તો યુરોપમાં સ્થિતિ જુદી છે? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

- Advertisement -

જવાબ જાણીએ.

થર્મોમીટર પર જે આંકડો આવે છે એ હવામાં તાપમાન કેટલું છે એ જણાવે છે. 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દુનિયાના કોઈ પણ દેશમાં સરખું જ હોય, પણ શરીરને ગરમી કેટલી લાગે અને તેની અસર કેટલી ગંભીર થાય તે બીજી પણ અનેક બાબતો પર નિર્ભર કરે છે.. જેમકે હવામાં ભેજ કેટલો છે, ગરમી કેટલી તીવ્ર છે, આસપાસનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ગરમી રોકે છે અને ખાસ તો લોકોને ત્યાં આવી ગરમી સહન કરવાની આદત છે કે નહીં, તેમનું શરીર ટેવાયેલું છે કે નહીં વગેરે.

હવામાં ભેજનું પ્રમાણ મોટું કારણ

ભેજનું પ્રમાણ વધુ હોય તો ગરમી વધુ ખતરનાક બને છે. શરીર પરસેવા મારફતે ઠંડું થાય છે. પરસેવા વાટે શરીરમાંથી ગરમી બહાર નીકળે છે. પણ હવામાં પહેલેથી ભેજનું પ્રમાણ વધારે હોય તો પરસેવો સૂકાતો નથી અને ત્વચા પર રહે છે. શરીરમાં ગરમી વધુ રહે છે. આ સંજોગોમાં હીટ સ્ટ્રોકની સંભાવનાઓ વધી જાય છે.

આ જ કારણ છે કે ઘણી વખત મુંબઈમાં 36-38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જોખમી હોય જ્યારે દિલ્હીમાં આટલું જ તાપમાન ઓછું પરેશાન કરે. આ જ ઉદાહરણ ભારત અને યુરોપના કિસ્સામાં પણ લાગુ પડે છે.

યુરોપિયનોનાં શરીર અનુકૂલિત નથી

ઉપરાંત, માનવ શરીર સમય સાથે વાતાવરણ પ્રમાણે પોતાને ઢાળી દે છે. ગરમ ક્ષેત્રોમાં રહેનારા લોકોનું શરીર સમય સાથે વધુ ગરમી સહન કરવાની ક્ષમતા વિકસિત કરી લે છે. શરીરમાં રક્ત પ્રવાહ વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. ટૂંકમાં શરીર અનુકૂલન સાધી લે છે. ભારતમાં લોકોનાં શરીર ગરમી સહન કરવા ટેવાયેલાં છે. આપણે કપડાં એ રીતે પહેરીએ છીએ, દિનચર્યામાં અમુક જરૂરી બદલાવ આવે છે, પાણી પીવાનું પ્રમાણ વધે છે. કારણ કે આ કાયમનું છે. યુરોપમાં ક્યારેય આવી ભીષણ ગરમી અગાઉ પડી નથી એટલે તેમનાં શરીર અનુકૂલિત થયાં નથી કે ન તેમની જીવનશૈલી એવી રહી છે.

ઘરોનું નિર્માણ ગરમી અંદર ટકી રહે તે માટે કરવામાં આવ્યું છે

યુરોપમાં ઘરોનું નિર્માણ ભયંકર ઠંડીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે મોટી ઇન્સ્યુલેટેડ દીવાલો હોય છે, ડબલ ગ્લેઝ્ડ બારી, નાની કે થોડીઘણી ખુલતી બારીઓ, ઓછું ક્રોસ વેન્ટિલેશન વગેરે પર ભાર આપવામાં આવે છે. આવા બાંધકામના કારણે ઠંડીની ઋતુમાં ઘરમાં ગરમી જળવાય રહે છે, પણ હીટવેવ વખતે સમસ્યા એ આવે કે ગરમી ઝડપથી બહાર નીકળતી નથી અને ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ જાય છે.

Screenshot

આનાથી વિપરીત ભારતમાં ઘરોમાં ઊંચી સીલિંગ, ક્રોસ વેન્ટિલેશન, પથ્થર કે આરસની ફરશ અને છજ્જાં વગેરે હોય છે, જે ગરમી બહાર કાઢવા અને ઘરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે.

યુરોપનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવી ભીષણ ગરમી માટે તૈયાર કરવામાં આવ્યું નથી. ભીષણ ગરમી પડે ત્યારે રેલવે ટ્રેક એક્સપાન્ડ થાય છે. રસ્તા પર પણ ગરમીની અસર જોવા મળે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ દરમ્યાન આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. યુરોપમાં અત્યાર સુધી કોઈ પ્રશ્ન ન હતો.

એસી, ફેન વગેરેની સિસ્ટમ યુરોપમાં ઓછી છે

ભારતમાં ગરમીથી બચવા માટે એસીનો ઉપયોગ હવે સામાન્ય થતો જાય છે. સિલીંગ ફેન આપણા જીવનનો ભાગ બની ચૂક્યા છે. કૂલરથી માંડીને ગરમીથી બચવા માટે જરૂરી દરેક ઉપકરણોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પણ યુરોપમાં સ્થિતિ જુદી છે.

આજે પણ મધ્ય અને ઉત્તર યુરોપના ઘણા દેશોમાં આ બધાં ઉપકરણોનો ઉપયોગ નહિવત્ હોય છે. કારણ એ જ છે કે પહેલાં આટલી ભીષણ ગરમી પડતી જ ન હતી. એટલે એસી વગેરેની જરૂર જ પડતી ન હતી. હવે અચાનક જરૂર પડવા માંડી છે, પણ એક ઝાટકે ટૂંકા સમયમાં આપૂર્તિ કરવી શક્ય નથી.

ભૌગોલિક સ્થિતિ પણ કારણભૂત

એક કારણ ભૌગોલિક પણ છે. ભારત દુનિયાના નકશા પર વિષુવવૃત્તની નજીક છે. યુરોપના દેશો ખાસ્સા દૂર છે. ઉત્તરમાં છે. ભારતમાં ભીષણ ગરમીના દિવસોમાં પણ સૂરજ બાર-તેર કલાક જ રહે છે અને ત્યારબાદ આથમી જાય છે. રાત્રિ પડે છે, ઠંડક થાય છે. ગરમી ઓછી થાય છે. યુરોપમાં આવું નથી. અહીં સૂર્યોદય સવારે 5 વાગ્યે થાય પછી છેક રાત્રે 9-10 વાગ્યે આથમે. એટલે લગભગ 16 કલાક સુધી ગરમી પડે. રાત્રિ દરમ્યાન જે ઠંડક થવાનો સમય હોય એ બહુ ઓછો મળે, પરિણામે ગરમી નીકળી શકતી નથી.

દિવસભર ઇમારતોમાંથી ગરમી નીકળતી રહે છે. વધારે શહેરીકરણના કારણે કોંક્રિટ ગરમી છોડે છે. ઘરોમાં વેન્ટિલેશનના અભાવના કારણે ગરમી ત્યાં પણ યથાવત રહે છે. એટલે રાત્રિ દરમ્યાન પણ પૂરતી ઠંડક મળી શકતી નથી અને શરીરને આરામ મળી શકતો નથી. પરિણામે દિવસો સુધી ગરમીની અસર રહે છે.

યુરોપમાં હાલ જે કંઈ થઈ રહ્યું છે તેના વિશે નિષ્ણાતોનું કહેવું છે કે ક્લાઈમેટ ચેન્જ એક મોટું પરિબળ છે અને તેના કારણે જ હીટવેવ અગાઉની તુલનામાં વધુ તીવ્ર છે. યુરોપ દુનિયાનાં એવાં ક્ષેત્રોમાં આવી રહ્યું છે જે સૌથી વધુ ઝડપથી ગરમ થઈ રહ્યાં હોય. એટલે જ હવે ત્યાં ઇન્ફ્રાસ્ટક્ચર, પબ્લિક હેલ્થ, કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નવેસરથી કામ કરવાની જરૂર ઊભી થઈ છે.

હીટવેવ યુરોપમાં હોય કે ભારતમાં, એ જોખમી જ હોય છે. ફેર એટલો કે યુરોપ હજુ આટલી ભીષણ ગરમી માટે તૈયાર થઈ શક્યું નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં