હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજ્યારે એક ગણેશભક્ત માટે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ગજવેશ: શું છે આ...

જ્યારે એક ગણેશભક્ત માટે ભગવાન જગન્નાથે ધારણ કર્યો ગજવેશ: શું છે આ પરંપરા? જાણો તેની પાછળની લોકકથા, ઇતિહાસ અને સનાતનનો સમન્વયવાદ

સદીઓ વીતી ગઈ હોવા છતાં ગજવેશની પરંપરા આજે પણ એટલી જ જીવંત છે. કારણ કે આ પરંપરા માત્ર એટલું નથી કહેતી કે ભગવાને એક દિવસ ગણપતિ જેવો શણગાર ધારણ કર્યો હતો. તે કહે છે કે ભગવાન ભક્તને ક્યારેય પોતાના સુધી પહોંચવા માટે મજબૂર કરતા નથી. ઘણી વખત તેઓ પોતે જ ભક્ત સુધી પહોંચવા માટે તેનું પ્રિય સ્વરૂપ ધારણ કરી લે છે.

- Advertisement -

જો તમને કોઈ કહે કે વર્ષમાં એક એવો દિવસ આવે છે, જ્યારે શ્રીકૃષ્ણના સ્વરૂપ તરીકે પૂજાતા ભગવાન જગન્નાથ અચાનક ગણપતિ જેવા દેખાવા લાગે છે તો કદાચ પ્રથમ ક્ષણે વિશ્વાસ ન આવે. પરંતુ પુરીના શ્રીજગન્નાથ મંદિરમાં દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ દૃશ્ય હકીકત બનીને ભક્તોની આંખો સામે ઊભું રહે છે.

સવારે સૂર્યોદય પહેલાંથી જ શ્રીમંદિરમાં અસાધારણ ચહલપહલ શરૂ થઈ જાય છે. મંદિરના સેવકો જાણે છે કે આજનો દિવસ વર્ષના સૌથી મહત્ત્વના દિવસોમાંનો એક છે. સ્નાનવેદી પર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને વિરાજમાન કરાવવામાં આવે છે. મંદિરના પવિત્ર કૂવામાંથી વિધિપૂર્વક લાવવામાં આવેલા જળના 108 કળશોથી તેમનો મહાભિષેક થાય છે. શંખનાદ ગુંજે છે, ઘંટારવ મંદિરમાં પડઘો પાડે છે, હજારો ભક્તોના મુખેથી એકસાથે ‘જય જગન્નાથ’નો નાદ ઊઠે છે અને આખું પુરી જાણે એક જ ક્ષણમાં ભક્તિના મહાસાગરમાં ડૂબી જાય છે.

પરંતુ આ તો માત્ર શરૂઆત છે.

- Advertisement -

મહાસ્નાન પૂર્ણ થયા પછી થોડા જ સમયમાં એવું કંઈક બને છે જે પ્રથમવાર જોનારને આશ્ચર્યમાં મૂકી દે. ભગવાન જગન્નાથનો શણગાર બદલાઈ જાય છે. ગોળાકાર મુખ પર વિશાળ સૂંઢનો આકાર ઉપસે છે. સમગ્ર સ્વરૂપ ગજાનન જેવી ઝાંખી આપવા લાગે છે. બાજુમાં ભગવાન બલભદ્ર પણ વિશેષ ગજવેશમાં અલંકૃત થાય છે. દૂર ઊભેલો કોઈ અજાણ્યો યાત્રાળુ જો આ દૃશ્ય પ્રથમવાર નિહાળે તો કદાચ તેના મનમાં એક જ પ્રશ્ન જન્મે કે આ શ્રીકૃષ્ણ છે કે પછી ગણપતિ?

આ જ પ્રશ્ન સદીઓથી લાખો ભક્તોના મનમાં જન્મતો આવ્યો છે. વૈષ્ણવ પરંપરાના આરાધ્ય ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એક જ દિવસ ગણપતિના સ્વરૂપમાં કેમ શણગારાય છે? શું આ માત્ર એક સુંદર શણગાર છે? શું તેની પાછળ કોઈ પુરાણકથા છે? શું આ પરંપરા કોઈ એક ભક્તની અડગ આસ્થામાંથી જન્મી છે? કે પછી આ ગજવેશ સનાતન ધર્મના એવા વિશાળ દર્શનનું પ્રતીક છે, જ્યાં ભગવાન કોઈ એક સ્વરૂપમાં બંધાઈ જતા નથી, પરંતુ ભક્તના ભાવ અનુસાર પોતાનું સ્વરૂપ બદલાવે છે?

આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે સ્નાનવેદી પરથી થોડું દૂર જવું પડશે. મંદિરની ભીડમાંથી બહાર નીકળીને સમયના પ્રવાહમાં સદીઓ પાછળ જવું પડશે. કારણ કે ગજવેશની કથા પુરીમાં શરૂ થતી નથી. તે શરૂ થાય છે મહારાષ્ટ્રમાં. એવા એક બ્રાહ્મણથી, જેણે પોતાના જીવનમાં ગણપતિ સિવાય બીજા કોઈ દેવને ક્યારેય આરાધ્ય માન્યા નહોતા.

જ્યારે એક ગણેશભક્ત પુરી તરફ નીકળ્યો

લોકપરંપરા ઘણી વખત ઇતિહાસના સૂકાં પાનાંઓ કરતાં વધારે જીવંત હોય છે. પુરીમાં ગજવેશની જે કથા આજે પણ ભાવપૂર્વક સંભળાવવામાં આવે છે, તેના કેન્દ્રમાં છે મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ ગણપતિ ભટ્ટ. તેમની ઓળખ કોઈ વિદ્વાન તરીકે નહોતી, કોઈ રાજપુરુષ તરીકે પણ નહોતી. તેમની સૌથી મોટી ઓળખ હતી તેમની અતૂટ ભક્તિ. તેઓ ગણેશજીના એવા અનન્ય ઉપાસક હતા કે તેમના માટે પરમાત્માનું એકમાત્ર સ્વરૂપ ગજાનન જ હતું. પ્રાર્થના હોય કે પૂજા, યાત્રા હોય કે વ્રત દરેક ક્રિયાના કેન્દ્રમાં માત્ર અને માત્ર શ્રીગણેશ હતા. બીજા દેવો પ્રત્યે અશ્રદ્ધા નહોતી, પરંતુ મન એટલું એકાગ્ર હતું કે તેમને પરમાત્મા માત્ર ગણપતિમાં જ અનુભવાતા.

સમય જતાં દેશભરમાં એક સમાચાર ફેલાયા કે પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય સ્નાનયાત્રા યોજાવાની છે. દૂર-દૂરથી યાત્રાળુઓ નીકળી રહ્યા હતા. ગણપતિ ભટ્ટ સુધી પણ આ વાત પહોંચી. તેમની આસપાસના લોકોએ તેમને કહ્યું કે જીવનમાં એકવાર તો જગન્નાથના દર્શન કરવા જવું જ જોઈએ. પરંતુ આ આમંત્રણ સાથે તેમના મનમાં એક વિચિત્ર મૂંઝવણ જન્મી. ‘હું ત્યાં જઈશ તો કોના દર્શન કરીશ?’ જે ભગવાનને હું ઓળખતો જ નથી, તેમની સામે મારું મન કેવી રીતે સ્થિર રહેશે?’ ‘મારા માટે તો પરમાત્મા એટલે ગણપતિ… તો પછી હું જગન્નાથ પાસે કેમ જાઉં?’

કહેવાય છે કે ઘણા દિવસો સુધી આ પ્રશ્ન તેમની ભીતર મથામણ કરતો રહ્યો. અંતે ભક્તિએ જ નિર્ણય લીધો. તેમણે વિચાર્યું કે જો જગન્નાથ ખરેખર પરમાત્મા છે તો મારા મનની વાત તેઓ જરૂર સમજશે. આ વિચાર સાથે તેમણે પુરી તરફની લાંબી યાત્રા શરૂ કરી. તેમને ખબર નહોતી કે આ યાત્રા તેમના પગની નહીં, પરંતુ તેમની શ્રદ્ધાની પરીક્ષા બનવાની હતી.

જ્યારે ભગવાને ભક્તની મૂંઝવણ સાંભળી

તે સમયની યાત્રાઓ આજની જેમ સરળ નહોતી. ન રેલવે હતી, ન હાઇવે, ન કલાકોમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચી જવાની સુવિધા. મહારાષ્ટ્રથી પુરી સુધીની સફર એટલે અઠવાડિયાંની કઠિન યાત્રા. રસ્તામાં જંગલો, નદીઓ, અજાણ્યા ગામો, ધર્મશાળાઓ અને અનિશ્ચિતતા. પરંતુ ભક્તિ જ્યારે માર્ગદર્શક બની જાય ત્યારે અંતરનું માપ કિલોમીટરમાં નહીં, શ્રદ્ધામાં થતું હોય છે. ગણપતિ ભટ્ટ પણ એવી જ શ્રદ્ધા સાથે ચાલતા રહ્યા અને અંતે એક દિવસ નીલાચલની ધરતી પર પહોંચ્યા, જ્યાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા યાત્રાળુઓની ભીડ વચ્ચે શ્રીજગન્નાથના જયઘોષ ગુંજી રહ્યા હતા.

પુરીમાં પ્રવેશતાં જ તેમની આંખો સામે એક જુદી જ દુનિયા ખૂલી ગઈ. ક્યાંક મહાપ્રસાદ માટે લાંબી કતારો હતી, ક્યાંક સેવકો ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત હતા તો ક્યાંક સ્નાનયાત્રાની ચર્ચાઓ ચાલી રહી હતી. દરેક ચહેરા પર આનંદ હતો, પરંતુ ગણપતિ ભટ્ટના મનમાં હજુ પણ એ જ પ્રશ્ન જીવતો હતો. તેઓ જગન્નાથના દર્શન કરવા આવ્યા હતા, છતાં તેમના હૃદયમાં એક ખાલીપો હતો. તેઓ વારંવાર પોતાને જ પૂછતા હતા કે ‘હું મારા ગણપતિ સિવાય બીજા કોઈ સ્વરૂપમાં પરમાત્માને કેવી રીતે ઓળખી શકીશ?’

લોકપરંપરા કહે છે કે અંતે તેમણે પોતાની મૂંઝવણ મંદિરના સેવકો સમક્ષ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ જગન્નાથના દર્શન કરવા તો આવ્યા છે, પરંતુ તેમના માટે ભગવાનનું સ્વરૂપ માત્ર ગજાનન છે. જો ભગવાન ખરેખર સર્વના છે તો શું તેઓ ગણપતિ સ્વરૂપે દર્શન આપી શકે?

આ માંગણી અસાધારણ હતી.

મંદિરની સેવાપદ્ધતિ સદીઓથી નિશ્ચિત હતી. ભગવાનનો દૈનિક શણગાર, ભોગ, આરતી, દરેક વિધિ પરંપરાના નિયમો મુજબ થતી હતી. કોઈ એક ભક્તની ઇચ્છા પ્રમાણે ભગવાનનો શણગાર બદલાઈ શકે એવી કલ્પના જ અસંભવ લાગતી હતી. તેથી સેવકોએ નમ્રતાથી તેમને સમજાવ્યું કે શ્રીજગન્નાથના દર્શન તેમના મૂળ સ્વરૂપમાં જ થાય છે, ગણપતિ સ્વરૂપે દર્શન કરાવવાની કોઈ પરંપરા નથી.

આ જવાબ સાંભળીને ગણપતિ ભટ્ટ નિરાશ થઈ ગયા.

તેઓ ગુસ્સે થયા નહીં. તેમણે કોઈ વિવાદ કર્યો નહીં. તેમણે પોતાનો આગ્રહ પણ જાળવી રાખ્યો નહીં. પરંતુ તેમના મનમાં એક જ વિચાર હતો કે ‘હું ભગવાનના દર્શન કર્યા વિના પાછો કેવી રીતે જાઉં? અને જે સ્વરૂપમાં હું આખું જીવન ભગવાનને ઓળખતો આવ્યો છું, એ સ્વરૂપ વિના દર્શન કેવી રીતે કરું?’

કહેવાય છે કે એ રાત્રે તેમણે ભગવાન સમક્ષ મૌન પ્રાર્થના કરી. શબ્દો કદાચ બહુ ઓછા હતા, પરંતુ ભાવ અત્યંત ઊંડો હતો. તેમણે કોઈ ચમત્કાર માંગ્યો નહોતો. માત્ર એટલું જ કહ્યું કે જો જગન્નાથ અને મારા ગણપતિ એક જ પરમ તત્ત્વ છે તો મને એ અનુભવ કરાવો.

એ જ રાત્રે આ કથા એક નવો વળાંક લે છે.

ભગવાને મંદિરના એક મુખ્ય સેવકને સ્વપ્નમાં દર્શન આપ્યા. કેટલીક પરંપરાઓમાં આ સ્વપ્ન ગજપતિ રાજાને આવ્યું હોવાનું પણ કહેવાય છે, જ્યારે કેટલીક અન્ય પરંપરાઓમાં સેવાયતનો ઉલ્લેખ મળે છે. પરંતુ દરેક વર્ણનમાં એક વાત સમાન છે કે ભગવાને પોતે જ આજ્ઞા કરી કે બીજા દિવસે તેમને ગજાનન સ્વરૂપે શણગારવામાં આવે.

સવારે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા, ત્યારે વાતાવરણમાં કંઈક અલગ જ આતુરતા હતી. ભગવાનનો વિશેષ શણગાર તૈયાર થવા લાગ્યો. સ્નાનયાત્રા પછી ભગવાન જગન્નાથ અને બલભદ્રને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો. ગણપતિ ભટ્ટ જ્યારે દર્શન માટે પહોંચ્યા, ત્યારે તેમની સામે ઊભેલા ભગવાન માત્ર જગન્નાથ નહોતા, તેઓ તેમના પ્રિય ગજાનન જેવા પણ દેખાતા હતા.

કહેવાય છે કે એ ક્ષણે ગણપતિ ભટ્ટની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમને સમજાઈ ગયું કે ભગવાને પોતાનું સ્વરૂપ બદલ્યું નથી, તેમણે માત્ર ભક્તના હૃદય સુધી પહોંચવાનો માર્ગ બદલી દીધો છે. અહીંથી જ ગજવેશની આ લોકપ્રચલિત કથા પૂર્ણ થતી નથી, પરંતુ ખરેખર શરૂ થાય છે. કારણ કે હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ગજવેશ ખરેખર માત્ર એક ભક્તની ઇચ્છામાંથી જન્મેલી પરંપરા છે? કે પછી તેની પાછળ ઇતિહાસનાં પણ કેટલાક પાનાં છે, જે આ કથાને વધુ ઊંડો અર્થ આપે છે?

માત્ર લોકકથા નહીં, સદીઓથી જીવંત રહેલી એક પરંપરા

ભારતીય મંદિર પરંપરાઓને સમજતી વખતે એક વાત હંમેશાં યાદ રાખવી પડે છે. દરેક વિધિનો જન્મ માત્ર એક જ ઘટનામાંથી થયો હોય, એવું જરૂરી નથી. ઘણી વખત લોકકથા, મંદિરની સેવાપદ્ધતિ, રાજાશ્રય અને ભક્તિ આ બધું મળીને એક પરંપરાને આકાર આપે છે. ગજવેશ પણ એવી જ પરંપરાઓમાંની એક છે. ગણપતિ ભટ્ટની કથા આજે પણ પુરીમાં એટલી જ શ્રદ્ધાથી કહેવાય છે, પરંતુ સાથે જ મંદિરની સેવાપદ્ધતિમાં ગજવેશનું પોતાનું આગવું સ્થાન પણ છે. એટલે આ પરંપરાને માત્ર લોકકથાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ચિત્ર અધૂરું રહી જાય.

સ્નાનયાત્રા વર્ષનો એવો એકમાત્ર પ્રસંગ છે, જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને ગર્ભગૃહમાંથી બહાર લાવી સ્નાનવેદી પર વિરાજમાન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ભક્તોને ભગવાનના અનેક વેશના દર્શન થાય છે, પરંતુ ગજવેશનું સ્થાન વિશેષ છે, કારણ કે તે મહાસ્નાન પછી તરત જ ધારણ કરવામાં આવે છે. થોડા જ કલાકોમાં ભગવાન અનસર ગૃહમાં પ્રવેશ કરશે, જાહેર દર્શન બંધ થઈ જશે અને આગામી પંદર દિવસ સુધી ભક્તો તેમને જોઈ શકશે નહીં. એટલે ગજવેશ માત્ર એક અલંકાર નથી, તે અનસર પહેલાંના અંતિમ જાહેર દર્શન પણ છે. કદાચ એટલા માટે જ આજે પણ હજારો ભક્તો ખાસ આ વેશના દર્શન માટે સ્નાનયાત્રાના દિવસે પુરી પહોંચે છે.

ગજવેશ દરમિયાન ભગવાન જગન્નાથ અને બલભદ્રને હાથીના મુખ જેવી અલંકારિક આકૃતિઓથી શણગારવામાં આવે છે. પ્રથમ નજરે જોનારને તે ગણેશજીના સ્વરૂપની યાદ અપાવે છે, પરંતુ મંદિર પરંપરામાં આ શણગાર માત્ર રૂપસામ્ય પૂરતો મર્યાદિત નથી. અહીં ગજવેશ ભગવાનના એક એવા સ્વરૂપનું પ્રતીક બની જાય છે, જે ભક્તના ભાવને સ્વીકારે છે. આ જ કારણ છે કે ગણપતિ ભટ્ટની કથા આજે પણ ગજવેશની સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. ભલે તેનો ઐતિહાસિક પુરાવો દસ્તાવેજી રીતે ઉપલબ્ધ ન હોય, પરંતુ સદીઓથી જીવંત રહેલી મંદિર પરંપરા અને લોકસ્મૃતિએ તેને ગજવેશના અર્થનો અભિન્ન ભાગ બનાવી દીધો છે.

અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું ભગવાન જગન્નાથ ખરેખર ગણેશ બની જાય છે?

જવાબ છે- ના.

જગન્નાથ પરંપરા એવો દાવો કરતી નથી કે ભગવાને પોતાનું તત્ત્વ બદલી નાખ્યું. તેઓ શ્રીજગન્નાથ જ રહે છે. બદલાય છે તો માત્ર તેમનું અભિવ્યક્ત સ્વરૂપ. જેમ શ્રીવિષ્ણુના દશાવતારમાં તત્ત્વ એક જ રહે છે અને સ્વરૂપ બદલાય છે, તેમ અહીં પણ પરમાત્મા ભક્તના ભાવને અનુરૂપ એક એવા સ્વરૂપમાં પ્રગટ થાય છે, જેમાં ભક્ત તેમને ઓળખી શકે. આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે. ગજવેશનો અર્થ ભગવાન જગન્નાથનું ગણેશમાં રૂપાંતર નથી,ગજવેશનો અર્થ છે ભગવાનનો ભક્ત સુધી પહોંચવાનો માર્ગ.

અને કદાચ અહીંથી જ ગજવેશનો સૌથી મોટો અર્થ ખુલવા લાગે છે. જો કોઈ એક ગણેશભક્તની ભાવનાને માન આપવા માટે ભગવાન ગજાનન જેવું સ્વરૂપ ધારણ કરે છે તો શું આ માત્ર એક ચમત્કારની કથા છે? કે પછી આ સનાતન પરંપરાના એવા વિશાળ સ્વભાવનું પ્રતિબિંબ છે, જ્યાં પરમાત્મા કોઈ એક ઉપાસના પદ્ધતિમાં કેદ થતા નથી?

આ પ્રશ્નનો જવાબ શોધવા માટે હવે આપણે મંદિરની દિવાલોની બહાર અને ભારતીય સંસ્કૃતિના વધુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં પ્રવેશ કરવો પડશે. કારણ કે ગજવેશનો સૌથી ઊંડો અર્થ કદાચ લોકકથામાં નહીં, પરંતુ સનાતનના સમન્વયવાદમાં છુપાયેલો છે. જ્યાં સનાતનનો સૌથી સુંદર સ્વભાવ દેખાય છે જો ગજવેશને માત્ર એક લોકકથા માનીને આગળ વધી જઈએ તો કદાચ આ પરંપરાનો સૌથી મોટો અર્થ જ ચૂકી જઈએ. કારણ કે ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ એક એવો પ્રશ્ન પૂછે છે, જે માત્ર પુરીનો નથી, સમગ્ર ભારતીય સંસ્કૃતિનો છે.

આખરે સનાતન પરંપરામાં ભગવાનને એકથી વધુ સ્વરૂપ ધારણ કરવાની જરૂર જ શું પડી?

વિશ્વના મોટાભાગના પંથોમાં ઈશ્વરને એક નિશ્ચિત સ્વરૂપમાં જોવામાં આવે છે. તેઓ સર્વશક્તિમાન છે, સર્વોચ્ચ છે અને માનવીય અનુભવોથી પર છે. પરંતુ ભારતીય પરંપરા થોડો જુદો માર્ગ પસંદ કરે છે. અહીં પરમાત્મા માત્ર પૂજાતા નથી, તેઓ જીવાય છે. તેઓ બાળક બનીને યશોદાના ખોળામાં રમે છે, મિત્ર બનીને અર્જુનનો રથ હાંકતા થાય છે, પતિ બનીને રુક્મિણીનો હાથ પકડે છે, ભક્ત માટે દૂત પણ બને છે અને જરૂર પડે ત્યારે પોતાના જ ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે નવું સ્વરૂપ પણ ધારણ કરે છે. સનાતન પરંપરામાં ભગવાનનું વૈભવ તેમની અપ્રાપ્યતામાં નથી, પરંતુ તેમની સહજ ઉપલબ્ધતામાં છે.

જગન્નાથ પરંપરા કદાચ આ વિચારનું સૌથી જીવંત ઉદાહરણ છે. અહીં ભગવાનને માત્ર વિષ્ણુ કે માત્ર કૃષ્ણ તરીકે ઓળખવામાં આવતા નથી. તેમના સ્વરૂપમાં વૈષ્ણવ પરંપરાનો ભાવ છે તો શૈવ પરંપરાની અસર પણ જોવા મળે છે. શાક્ત ઉપાસનાના કેટલાક તત્ત્વો પણ તેમાં સમાયેલા છે તો આદિવાસી સંસ્કૃતિની સ્મૃતિઓ પણ જીવંત છે. અનેક ઇતિહાસકારો અને સંશોધકોએ વર્ષો સુધી આ પરંપરાનો અભ્યાસ કર્યા પછી એક જ નિષ્કર્ષ તરફ સંકેત કર્યો છે કે જગન્નાથ એક એવા દેવ છે, જેમણે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાહોને પોતાના અંદર સમાવી લીધા છે. કદાચ એ જ કારણ છે કે તેમને માત્ર એક સંપ્રદાયના દેવ તરીકે ઓળખાવવું મુશ્કેલ છે. ગજવેશ આ સમન્વયવાદને અત્યંત સરળ ભાષામાં વ્યક્ત કરે છે.

કલ્પના કરો કે એક ગણેશભક્ત પુરી આવે છે. તે પોતાના આરાધ્ય સિવાય બીજા કોઈ સ્વરૂપમાં પરમાત્માને જોઈ શકતો નથી. સામાન્ય રીતે કોઈપણ પરંપરા તેને કહી શકે કે ‘અહીં આવી ગયા છો, તો અમારા દેવને અમારા સ્વરૂપમાં જ સ્વીકારો.’ પરંતુ જગન્નાથ પરંપરામાં કથા વિપરીત છે. અહીં ભગવાન જાણે કહે છે કે ‘જો તું મને ગજાનનમાં જ ઓળખી શકે છે તો હું તારા માટે એ જ સ્વરૂપમાં આવી જઈશ.’

આ વિચાર માત્ર ધાર્મિક નથી, તે ભારતીય સંસ્કૃતિના હૃદયમાં રહેલા સમન્વયનો વિચાર છે. અહીં સ્પર્ધા નથી, સ્વીકાર છે. અહીં ‘મારો દેવ મોટો’ એવી માનસિકતા નથી, પરંતુ ‘બધા સ્વરૂપોમાં એ જ પરમ તત્ત્વ’ એવી દૃષ્ટિ છે. તેથી જ સનાતન પરંપરામાં શિવના મંદિરમાં વિષ્ણુનું સ્થાન છે, વૈષ્ણવ પરંપરામાં દેવીની આરાધના છે, શાક્ત ઉપાસકો ગણેશપૂજનથી શરૂઆત કરે છે અને જગન્નાથ વર્ષમાં એક દિવસ ગજાનન જેવા સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. આ કોઈ સંયોગ નથી, આ હજારો વર્ષમાં ઘડાયેલી સંસ્કૃતિનો સ્વભાવ છે.

કદાચ એ જ કારણ છે કે ગજવેશને માત્ર ‘હાથીનો વેશ’ કહેવું તેના અર્થને ખૂબ નાનો બનાવી દે છે. આ વેશ ભક્તિ અને દર્શન વચ્ચેનો એક સેતુ છે. તે યાદ અપાવે છે કે ભગવાન માટે ભક્તનું નામ, પ્રદેશ કે ઉપાસનાની પદ્ધતિ મહત્વની નથી, મહત્વનો છે ભાવ. મહારાષ્ટ્રનો ગણેશભક્ત હોય કે ઓડિશાનો જગન્નાથભક્ત, જો બંનેની ભક્તિનું કેન્દ્ર એક જ પરમાત્મા છે તો ભગવાન માટે બંને વચ્ચે કોઈ ભેદ રહેતો નથી.

અને કદાચ આ જ કારણ છે કે સદીઓ વીતી ગઈ, રાજવંશો બદલાયા, અનેક પરંપરાઓનો વિકાસ થયો, પરંતુ ગજવેશ આજે પણ સ્નાનયાત્રાના દિવસે એટલી જ શ્રદ્ધાથી ધારણ કરાવવામાં આવે છે. કારણ કે લોકો માત્ર એક શણગાર જોવા નથી આવતા, તેઓ એ વિચારના દર્શન કરવા આવે છે કે ભગવાન ભક્ત સુધી પહોંચવા માટે પોતાનું સ્વરૂપ બદલવામાં પણ સંકોચ અનુભવતા નથી.

એટલે જ ગજવેશનો સૌથી મોટો ચમત્કાર સૂંઢ કે શણગાર નથી. સૌથી મોટો ચમત્કાર એ છે કે અહીં ભગવાન પોતાના ભક્તને બદલવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ પોતે જ ભક્ત સુધી પહોંચવાનો માર્ગ શોધી લે છે.

ગજવેશ માત્ર એક દિવસનો શણગાર નથી, સદીઓ જૂના દર્શનનું જીવંત પ્રતીક છે

દર વર્ષે સ્નાનયાત્રાના દિવસે હજારો લોકો ગજવેશના દર્શન કરે છે. ઘણા લોકો માટે તે એક સુંદર શણગાર છે. કેટલાક માટે એક રસપ્રદ પરંપરા. કેટલાક માટે ગણેશભક્ત ગણપતિ ભટ્ટની કથાની યાદ. પરંતુ જો થોડું ઊંડે ઉતરીને જોઈએ તો સમજાય છે કે ગજવેશનું સૌથી મોટું રહસ્ય તેના શણગારમાં નહીં, પરંતુ તેના સંદેશમાં છે.

ભારતીય સંસ્કૃતિમાં ભગવાનના અનેક સ્વરૂપોની કલ્પના માત્ર પુરાણકથાઓને કારણે જન્મી નથી. તેની પાછળ એક અત્યંત ઊંડી દાર્શનિક દૃષ્ટિ છે. ઋગ્વેદનું પ્રસિદ્ધ વાક્ય – ‘એકં સદ્ વિપ્રા બહુધા વદન્તિ’, એ જ વિચાર વ્યક્ત કરે છે કે સત્ય એક છે, પરંતુ જ્ઞાની તેને અનેક નામો અને અનેક સ્વરૂપોથી ઓળખે છે. સદીઓ પછી આ જ વિચાર ભક્તિ પરંપરાઓમાં વધુ આત્મીય બન્યો. ક્યાંક ભગવાન કૃષ્ણ છે, ક્યાંક રામ છે, ક્યાંક નરસિંહ છે, ક્યાંક જગન્નાથ છે અને ક્યાંક ગજાનન. સ્વરૂપો અનેક છે, પરંતુ આરાધ્ય એક જ છે. ગજવેશ જાણે આ જ દાર્શનિક વિચારને કોઈ ગ્રંથમાં નહીં, પરંતુ જીવંત પરંપરામાં રૂપાંતરિત કરે છે.

કદાચ એટલા માટે જ ગજવેશને માત્ર ગણેશજી સાથે જોડીને જોવું પૂરતું નથી. આ પરંપરા ભગવાન જગન્નાથને ગણેશ બનાવી દેતી નથી, તે ભક્તને સમજાવે છે કે પરમાત્મા કોઈ એક ઓળખમાં સીમિત નથી. જે ભગવાન ગોપીઓ માટે કૃષ્ણ છે, અર્જુન માટે સારથિ છે, શબરી માટે રામ છે, એ જ ભગવાન ગણપતિ ભટ્ટ જેવા ભક્ત માટે ગજાનનના ભાવમાં પણ પ્રગટ થઈ શકે છે. અહીં સ્વરૂપ બદલાય છે, પરંતુ તત્ત્વ બદલાતું નથી.

આ કારણ છે કે ગજવેશની પરંપરા આજે પણ પુરીમાં એટલી જ આદરપૂર્વક જળવાઈ છે. મંદિરના સેવકો માટે આ માત્ર વર્ષનો એક વેશ નથી, તે શ્રીમંદિરની જીવંત સ્મૃતિ છે. ભક્તો માટે આ માત્ર દર્શન નથી, તે એક એવા સંબંધનો અનુભવ છે, જેમાં ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ અંતર રહેતું નથી અને કદાચ આ જ કારણ છે કે સ્નાનયાત્રાના દિવસે ગજવેશના દર્શન થયા પછી થોડા જ સમયમાં ભગવાન અનસરમાં પ્રવેશ કરે છે. જાણે તેઓ ભક્તોને કહી રહ્યા હોય કે ‘હું થોડા દિવસ માટે તમારી નજરથી દૂર જઈશ, પરંતુ તમારા ભાવથી ક્યારેય દૂર નહીં થાઉં.’

પુરીમાં ગજવેશ જોનારા દરેક ભક્તને કદાચ ગણપતિ ભટ્ટની કથા યાદ ન હોય. દરેકને ઇતિહાસના બધા સંદર્ભો પણ ખબર ન હોય. પરંતુ જ્યારે તેઓ ભગવાન જગન્નાથને ગજાનન જેવા સ્વરૂપમાં નિહાળે છે ત્યારે તેઓ અજાણતાં જ સનાતનના સૌથી સુંદર વિચારોમાંથી એકના સાક્ષી બની જાય છે કે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ એક નથી અને પરમાત્મા પણ એક જ સ્વરૂપમાં બંધાયેલા નથી.

કદાચ આ જ કારણ છે કે સદીઓ વીતી ગઈ હોવા છતાં ગજવેશની પરંપરા આજે પણ એટલી જ જીવંત છે. કારણ કે આ પરંપરા માત્ર એટલું નથી કહેતી કે ભગવાને એક દિવસ ગણપતિ જેવો શણગાર ધારણ કર્યો હતો. તે કહે છે કે ભગવાન ભક્તને ક્યારેય પોતાના સુધી પહોંચવા માટે મજબૂર કરતા નથી. ઘણી વખત તેઓ પોતે જ ભક્ત સુધી પહોંચવા માટે તેનું પ્રિય સ્વરૂપ ધારણ કરી લે છે અને કદાચ આ જ સનાતનના સમન્વયવાદનું સૌથી સુંદર, સૌથી આત્મીય અને સૌથી જીવંત સ્વરૂપ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં