હોમપેજદુનિયાટ્રમ્પનો વધુ એક આદેશ અમેરિકી સુપ્રીમ કોર્ટે પલટાવ્યો, બર્થરાઇટ સિટિઝનશીપ યથાવત: વાંચો...

ટ્રમ્પનો વધુ એક આદેશ અમેરિકી સુપ્રીમ કોર્ટે પલટાવ્યો, બર્થરાઇટ સિટિઝનશીપ યથાવત: વાંચો તેનો શું અર્થ છે, ભારતીય સમુદાય પર શું અસર પડશે

આ વિવાદની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે જ એટલે કે 20 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. આ દિવસે ટ્રમ્પે એક વિવાદાસ્પદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત આક્રમક અને કડક ઇમિગ્રેશન એજન્ડાને યુએસ સુપ્રીમ કોર્ટે એક મોટો અને ઐતિહાસિક આંચકો આપ્યો છે. કોર્ટે પોતાના મહત્વપૂર્ણ 6-3ના ચુકાદામાં અમેરિકી ધરતી પર જન્મ લેતાં બાળકોને મળતી ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ એટલે કે જન્મજાત નાગરિકતાના 1 સદી કરતાં વધુ જૂના બંધારણીય અધિકારને સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે અને ટ્રમ્પના આદેશને રદબાતલ જાહેર કર્યો છે.

આ વિવાદની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પ્રથમ દિવસે જ એટલે કે 20 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. આ દિવસે ટ્રમ્પે એક વિવાદાસ્પદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશ હેઠળ દેશમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અથવા હંગામી વિઝા જેમ કે વર્ક કે સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદેશી નાગરિકોનાં બાળકો અમેરિકામાં જન્મતાં આપોઆપ મળતી નાગરિકતા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરવામાં આવી હતી.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનના આ પગલાંને ગેરબંધારણીય ગણાવીને રદબાતલ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે બહુમતી ચુકાદાનું નેતૃત્વ કરતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના બંધારણના 14મા સુધારા હેઠળ દેશની સરહદની અંદર જન્મ લેનાર દરેક બાળકને અમેરિકી નાગરિકતા મેળવવાનો અબાધિત અધિકાર છે અને રાષ્ટ્રપતિનો વહીવટી આદેશ આ અધિકાર છીનવી શકે નહીં.

- Advertisement -

સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારો માટે, ખાસ કરીને આઇટી પ્રોફેશનલ્સ, ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડની રાહ જોતા વ્યાવસાયિકો માટે બહુ મોટી કાયદાકીય રાહત અને સુરક્ષા લઈને આવ્યો છે. જો ટ્રમ્પનો આ આદેશ સુપ્રીમ કોર્ટમાં મંજૂર રહ્યો હોત તો ભારતીયો સહિત ઘણા વિદેશી નાગરિકો માટે કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ હોત.

‘બર્થરાઇટ સિટિઝનશિપ’ એટલે શું?

આ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ એટલે કે જન્મજાત નાગરિકતા આખરે છે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ ‘સોઇલ ઓફ ધ નેશન’ એટલે કે ધરતીના નિયમ પર આધારિત કાયદો છે. જે મુજબ જો કોઈ પણ બાળકનો જન્મ અમેરિકાની ભૌગોલિક સરહદની અંદર થાય તો તે જન્મતાંની સાથે જ આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતા ગમે તે દેશના નાગરિક હોય કે ગમે તે સ્ટેટસ પર ત્યાં રહેતાં હોય.

આ વિશિષ્ટ અધિકાર અમેરિકાના બંધારણના 14મા સુધારા દ્વારા વર્ષ 1868માં અમેરિકી ગૃહયુદ્ધ પછી બંધારણમાં જોડવામાં આવ્યો હતો, જેનો મૂળ હેતુ મુક્ત થયેલા ગુલામોને સમાન અધિકાર આપવાનો હતો. વર્ષ 1898ના ઐતિહાસિક ‘યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ વોંગ કિમ આર્ક’ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે વિદેશી મૂળના નાગરિકોનાં બાળકો પણ આ કાયદા હેઠળ અમેરિકી નાગરિકતા માટે પાત્ર છે. જોકે આ કાયદામાં વિદેશી રાજદ્વારીઓનાં બાળકોને અપવાદ રાખવામાં આવ્યાં છે.

ટ્રમ્પ પ્રશાસનની દલીલ અને એક્ઝિક્યુટિવ ઓર્ડરની શરતો

બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસને આ કાયદાકીય વ્યવસ્થાને દેશની સુરક્ષા અને અર્થતંત્ર માટે ‘હાસ્યાસ્પદ’ અને નુકસાનકારક ગણાવી હતી. ટ્રમ્પનો તર્ક એવો હતો કે આ કાયદાના કારણે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ‘બર્થ ટુરિઝમ’ને ભારે પ્રોત્સાહન મળે છે. બર્થ ટુરિઝમ એટલે કે જેમાં વિદેશી સગર્ભા મહિલાઓ માત્ર પોતાના બાળકને અમેરિકન પાસપોર્ટ અને નાગરિકતા અપાવવાના આશયથી અમેરિકા જાય છે અને બાળકને જન્મ આપીને પરત ફરે છે. મહત્વની બાબત એ છે કે, મેક્સિકો અને ભારતના લોકો અમેરિકન નાગરિકતા મેળવવા આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં નાગરિકતા આપવા માટે કેટલીક આકરી શરતો મૂકવામાં આવી હતી. જે મુજબ બાળકને જન્મથી અમેરિકી નાગરિકતા ત્યારે જ મળે જો તેના માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક હોય, અથવા તેમની પાસે કાયમી રહેઠાણ માટેનું ‘ગ્રીન કાર્ડ’ હોય, અથવા તેઓ અમેરિકી સશસ્ત્ર દળોમાં સેવા આપતાં હોય. પરંતુ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ અને અન્ય પાંચ ન્યાયાધીશોએ ચુકાદામાં નોંધ્યું કે બંધારણમાં આવી કોઈ મર્યાદાઓનો ઉલ્લેખ નથી.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતીયો માટે ટર્નિંગ પોઇન્ટ

હવે પ્રશ્ન એ થાય કે આ ચુકાદો વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતીય સમુદાય માટે શા માટે આટલો મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે? હાલના સત્તાવાર આંકડા અનુસાર, અમેરિકામાં અંદાજે 52થી 54 લાખ (5.2થી 5.4 મિલિયન) ભારતીય મૂળના લોકો વસે છે. જે અમેરિકાની કુલ વસ્તીના આશરે 1.5 ટકા છે અને આ વસ્તીનો બહુ મોટો ભાગ ઇમિગ્રન્ટ્સ અથવા હંગામી વિઝા પર નિર્ભર છે.

આ વસ્તીમાં સૌથી ચિંતાજનક અને સંવેદનશીલ સ્થિતિ ભારતીય H-1B વિઝા ધારકોની છે. હાલમાં આશરે 3 લાખથી વધુ ભારતીય કુશળ ટેકનોક્રેટ્સ H-1B વર્ક પરમિટ પર અમેરિકાની દિગ્ગજ કંપનીઓમાં કાર્યરત છે અને 12 લાખથી વધુ (1.2 મિલિયન) ભારતીયો એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ કે કાયમી રેસિડન્સી મેળવવા માટે વર્ષોથી લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે.

અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં દર વર્ષે દરેક દેશ માટે નક્કી કરાયેલા ક્વોટાના કારણે ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો વેટિંગ પિરિયડ એટલો લાંબો થઈ ગયો છે કે તેમાં 20થી 30 વર્ષ કે તેથી વધુ સમય નીકળી જાય છે. આનો અર્થ એ થયો કે હજારો ભારતીય આઈટી વ્યાવસાયિકો પોતાની અડધી જિંદગી માત્ર હંગામી વિઝાના રિન્યુઅલ પર જ વિતાવી દે છે અને આ લાંબા ગાળા દરમિયાન જ તેમનાં બાળકોનો જન્મ અમેરિકામાં થાય છે.

જો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આદેશને માન્ય રાખ્યો હોત તો આ H-1B ધારકોના બાળકો અમેરિકાની ધરતી પર જન્મ્યા હોવા છતાં નાગરિકતા વગરના એટલે કે ‘સ્ટેટલેસ’ એટલે કે બની ગયા હોત. તેમના કાયદાકીય અસ્તિત્વ અને દસ્તાવેજો માટે માતા-પિતાએ ભારત સરકારના દૂતાવાસ અને નાગરિકતાના જટિલ નિયમો પર નિર્ભર રહેવું પડત, જેના કારણે પરિવારોમાં ભારે માનસિક, સામાજિક અને આર્થિક અસુરક્ષાની ભાવના પેદા થઈ હતી.

આ આદેશ રદ થવાથી માત્ર નોકરિયાત વર્ગ જ નહીં, પરંતુ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા આશરે 2.68 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કે જે F-1 વિઝા ધારકો છે અને ત્યાં અસ્થાયીરૂપે ગયેલા પ્રવાસીઓ પરથી પણ મોટું સંકટ ટળ્યું છે. હવે આ તમામ શ્રેણીના લોકોના અમેરિકામાં જન્મનારા બાળકોનું ભવિષ્ય અને તેમની અમેરિકન નાગરિકતા હાલ પૂરતી કાયદાકીય રીતે સુરક્ષિત બની ગઈ છે.

એક અન્ય મહત્વનો પાસું એ પણ છે કે આ ચુકાદો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજે 7,25,000 ભારતીય ઇમિગ્રન્ટ્સના પરિવારોને પણ એક પ્રકારનું સુરક્ષા કવચ પૂરું પાડે છે. આંકડા દર્શાવે છે કે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોમાં ભારતીયો ત્રીજા ક્રમે આવે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિફર્યા ટ્રમ્પ

સુપ્રીમ કોર્ટના આ આકરા પ્રહાર બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ નિર્ણયને ‘અમેરિકાના હિતો માટે અત્યંત નુકસાનકારક’ ગણાવ્યો હતો અને અમેરિકી કોંગ્રેસને અપીલ કરી હતી કે તેઓ તાત્કાલિક સામાન્ય કાયદો પસાર કરીને બર્થરાઇટ સિટિઝનશિપનો અંત લાવવા માટે કામ શરૂ કરે.

Donald Trump reacting to SC overruling his order for US citizenship on Truth Social

જોકે બંધારણીય અને કાયદાકીય નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે સામાન્ય સંસદીય કાયદો બનાવીને બંધારણના 14મા સુધારા જેવા મૂળભૂત અધિકારને ક્યારેય બદલી શકાતો નથી. આ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે અમેરિકાના બંધારણમાં જ સુધારો કરવો પડે, જેના માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતી અને ત્રણ-ચતુર્થાંશ રાજ્યોની મંજૂરી જરૂરી છે, જે ટ્રમ્પ પ્રશાસન માટે હાલ રાજકીય રીતે અશક્ય સમાન છે.

આ બધુ જોતાં સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અમેરિકામાં વસતા અને ‘અમેરિકન ડ્રીમ’ પાછળ વર્ષો આપનારા ભારતીય સમુદાય માટે મોટી રાહત સમાન સાબિત થયો છે. જોકે, ગ્રીન કાર્ડના બેકલોગ અને ક્વોટા સિસ્ટમની મૂળભૂત સમસ્યા હજી પણ યથાવત છે, પરંતુ બાળકોના ભવિષ્ય, શિક્ષણ અને કાયદાકીય અસ્તિત્વને લઈને ભારતીય પરિવારો પર તોળાઈ રહેલું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં