જન્મ આધારિત નાગરિકતા રદ્દ કરવાનો ટ્રમ્પનો આ કાર્યકારી આદેશ એવા દરેક ભારતીયો (Indians) પર અસર કરી શકે છે, જેઓ અસ્થાયી વિઝા પર અમેરિકામાં રહી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશ આજથી 30 દિવસ પછી અમેરિકામાં જન્મતા બાળકો પર લાગુ થશે. મહત્વની બાબત એ છે કે, અમેરિકામાં રહેતા લાખો ભારતીયો H-1B વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા પ્રયાસ કરતા હોય છે, જેથી તેમના બાળકોને જન્મતાની સાથે જ અમરિકાની નાગરિકતા મળી જતી હોય છે.
ત્યારે અમેરિકામાં જન્મેલા દરેક બાળકને નાગરિકતા આપતા આ કાયદાને લઈને ટ્રમ્પે લીધેલ નિર્ણયથી ભારત સહિત અન્ય દેશોના નાગરિકો જે અમરિકામાં વર્ક વિઝા કે ટૂરિસ્ટ વિઝા પર રહી રહ્યા છે તેમને મુશ્કેલી પડી શકે છે. ટ્રમ્પે આપેલ આદેશ અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકોને અમેરિકી નાગરિકતા મેળવવા માટે કેટલીક શરતોમાંથી પસાર થવું પડી શકે છે. જોકે, જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના થોડા કલાકો પછી જ ન્યૂ હેમ્પશાયરમાં ઇમિગ્રેશન હિમાયતીઓએ ટ્રમ્પ વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે.
We would like to offer our congratulations to President Trump in outlawing birth right citizenship. The People's party is officially committed to outlawing birth tourism here in Canada as well.
— Sunshine PPC (@WVSCSSPPC) January 21, 2025
Read more here: https://t.co/cALVdLgg70 pic.twitter.com/5XW4LK1wYo
કયા કાયદા હેઠળ અપાતી હતી જન્મજાત નાગરિકતા?
અમેરિકામાં ફાટી નીકળેલ ગૃહયુદ્ધ પછી કોંગ્રેસે જુલાઈ 1868માં 14મા સુધારા હેઠળ નાગરિકતા આપતા નિયમોમાં ફેરફાર કર્યા. આ કાયદાનો હેતુ અમેરિકામાં જન્મેલી બધી વ્યક્તિઓને નાગરિકતા આપવાનો હતો. ખાસ કરીને ગૃહયુદ્ધથી અસરગ્રસ્ત દેશોના નાગરિકોની સ્થિતિ સુધારવા માટે અમેરિકાના બંધારણમાં 14મુ સંશોધન કરાયું હતું. આ અધિકારે લાખો લોકોને અમેરિકાની નાગરિકતા આપી છે, તેમાં અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારા લોકોના બાળકો પણ સામેલ છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે, “સંયુક્ત રાજ્ય અમેરિકામાં જન્મેલા કે ત્યાં પ્રાકૃતિક રીતે વસેલા વ્યક્તિ અને તેના અધિકારક્ષેત્રને આધીન દરેક, સંયુક્ત રાજ્ય અમેરિકાના નાગરિકો છે.”
જન્મજાત નાગરિકતાના મામલે એક મહત્વપૂર્ણ કેસ 1898મા આવ્યો હતો, જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, સાન ફ્રાન્સિસ્કોમાં ચાઇનીઝ ઈમિગ્રન્ટ્સમાં જન્મેલા વોંગ કિમ આર્ક અમેરિકન નાગરિક હતા. કારણ કે તેનો જન્મ અમેરિકામાં થયો હતો. તેથી આ કાયદા માટે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે, આ એક એવો કાયદો છે, જેના હેઠળ અમેરિકામાં જન્મ લેતું દરેક બાળક આપોઆપ જ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતા અમેરિકાના નાગરિક હોય કે ન હોય.
શું કહે છે ટ્રમ્પનો કાર્યકારી આદેશ?
ટ્રમ્પ સરકારે જન્મજાત નાગરિકત્વને ‘હાસ્યાસ્પદ’ ગણાવ્યું છે અને દાવો કર્યો છે કે, તેને નાબૂદ કરવાથી ગેરકાયદેસર ઇમિગ્રેશન પર અંકુશ આવશે. ટ્રમ્પે આદેશમાં જણાવ્યું હતું કે, “14મા સુધારાનું અર્થઘટન ક્યારેય એ રીતે કરવામાં આવ્યું નથી કે, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા દરેક વ્યક્તિને સાર્વત્રિક નાગરિકતા આપે.” ત્યારે આદેશના પગલે એવા ભારતીય લોકોને મુશ્કેલી પડી શકે છે, જેઓ વર્ષોથી ગ્રીન કાર્ડ મેળવવાની લાઈનમાં લાગેલા હશે.
He ended birth right citizenship for all Immigrants who aren't married to an American. Kino. pic.twitter.com/nYyEsFyqww
— Paul (@WomanDefiner) January 21, 2025
આ આદેશમાં અમેરિકી નાગરિકતા મેળવવા માટે અમુક શરતો પણ મૂકવામાં આવી છે. જે અનુસાર, જો કોઈ બાળકને જન્મથી જ અમેરિકન નાગરિકતા આપવી હોય, તો તેના માતા-પિતામાંથી કોઈ ફરજિયાત અમેરિકાના નાગરિક હોવા જોઈએ. આ સાથે જ માતા-પિતા બેમાંથી કોઈ એક પાસે ફરજિયાત ગ્રીન કાર્ડ હોવું જોઈએ કાં તો કોઈ એક અમેરિકાની સેનામાં હોવું જોઈએ. ટ્રમ્પનું કહેવું છે કે, આ આદેશ ‘બર્થ ટુરિઝમ’ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા તરફ એક મોટું પગલું છે.
‘બર્થ ટુરિઝમ’ એટલે શું?
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ‘બર્થ ટુરિઝમ’નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ‘બર્થ ટુરિઝમ’ના માધ્યમથી કોઈ પણ દેશની મહિલા અમેરિકામાં જઇને બાળકોને જન્મ આપે તો તેનું બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય અને બાળકની નાગરિકતાના માધ્યમથી માતા-પિતા પણ અમેરિકન નાગરિકતા મેળવી શકે છે. આ અનુસાર અન્ય દેશની નાગરિકતા મેળવવા તે દેશમાં બાળકને જન્મ આપવા માટે જવાની પ્રક્રિયાને ‘બર્થ ટુરિઝમ’ કહેવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે, મેક્સિકો અને ભારતના લોકો અમેરિકન નાગરિકતા મેળવવા આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ કરે છે.
આ આદેશની ભારતીયો પર કેવી થશે અસર?
અહેવાલ અનુસાર, અમેરિકામાં લગભગ 5.4 મિલિયન એટલે કે 54 લાખ ભારતીયો રહે છે, જે અમેરિકાની કુલ વસ્તીના 1.47% થાય છે. આ 54 લાખ લોકોમાંથી 34% લોકો જ અમેરિકન મૂળના છે, જ્યારે બાકીના ઇમિગ્રન્ટ્સ છે. આ ઉપરાંત પાછલાં કેટલાક વર્ષોમાં એવા કેટલાય મામલા સામે આવ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં ભારતીયો કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વિના અમેરિકામાં રહી રહ્યા હતા. NCB ન્યૂઝના અહેવાલ અનુસાર, ઓક્ટોબર 2022થી લઈને સપ્ટેમ્બર 2023 સુધીમાં 96,917 ભારતીયોને પકડવામાં આવ્યા હતા, જેમની પાસે દસ્તાવેજો નહોતા.
એક અહેવાલ અનુસાર, વર્ષ 2022-23માં ભારતના લગભગ 2,68,900 વિદ્યાર્થીઓએ અમેરિકાના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં એડમીશન લીધું હતું. આ સિવાય 2023માં H-1B વિઝા મેળવનારાઓની કુલ સંખ્યાના 72% લોકો ભારતીય હતા. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સના પ્રવાસી ભારતીયોના આંકડા અનુસાર, અમેરિકામાં NRIની સંખ્યા 12,80,000 હતી તથા ભારતીય મૂળના લોકોની સંખ્યા 31,80,000ની હતી. આ ઉપરાંત એક અહેવાલ અનુસાર, અમેરિકામાં હાલમાં કૂલ 11થી 14 મિલિયન લોકો એવા છે, જેમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી. 18થી ઓછી ઉંમરના 4 મિલિયન અમેરિકન નાગરિકતા ધરાવતા બાળકોના માતા-પિતા પાસે ડોક્યુમેન્ટ્સ નથી અને લગભગ 5.5 મિલિયન બાળકો મિશ્ર દરજ્જો ધરાવતા માતા-પિતા સાથે રહે છે. આ આંકડાઓ પરથી આપણે સમજી શકીએ છીએ કે, આ કાયદાની ભારતીયો પર કેટલી વિપરીત અસર પડી શકે છે.
કાર્યકારી આદેશનો વિરોધ
જોકે, અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને (ACLU) ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરની બંધારણીયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ACLUએ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ હેઠળ સામૂહિક દેશનિકાલ, કુટુંબ અલગ થવા અને અન્ય માનવ અધિકારોના ઉલ્લંઘનની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ આદેશનો વિરોધ પણ થઈ રહ્યો છે. ન્યૂ જર્સીના એટર્ની જનરલ મેટ પ્લેટકિને કહ્યું છે કે, “રાષ્ટ્રપતિ પાસે વ્યાપક શક્તિ હોય છે, પરંતુ તેઓ રાજા નથી.”
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) અને ઇમિગ્રન્ટ રાઇટ્સ ગ્રુપ્સ પણ કાનૂની લડાઈમાં જોડાયા છે, જેમાં અસરગ્રસ્ત પરિવારોને થતાં સંભવિત નુકસાન પર ભાર મૂકવામાં આવ્યો છે. એક મામલામાં ‘કાર્મેન’ નામની ગર્ભવતી મહિલાનો હવાલો આપવામાં આવ્યો છે, જેની પાસે કોઈ કાયદેસર ઇમિગ્રેશન દરજ્જો નહોતો અને દલીલ કરવામાં આવી હતી કે, આ આદેશ તેના બાળકની કાયદેસર નાગરિકતા છીનવી શકે છે. ઘણા વિરોધો સાથે આવેલ ટ્રમ્પના આદેશને પડકારવામાં આવી રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય કરે છે.