અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) શપથ ગ્રહણ કર્યા બાદથી જ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર ટ્રમ્પે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક હાર્વર્ડ યુનિવર્સિટીની (Harvard University Grant Freeze) $2.2 બિલિયનની ગ્રાન્ટ પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય સરકારે કેમ્પસમાં થતા વિરોધ પ્રદર્શનો અંગે સરકારની માંગણીઓનું પાલન કરવામાં યુનિવર્સિટી નિષ્ફળ ગયા બાદ લીધો છે.
$2.2 બિલિયનની ગ્રાન્ટ ઉપરાંત, વ્હાઇટ હાઉસે હાર્વર્ડ યુનિવર્સિટીના $60 મિલિયનના કરારો પર પણ રોક લગાવી દીધી હોવાના અહેવાલ છે. આ સિવાય $9 બિલિયનના અલગ ભંડોળને રોકવા પર પણ વિચારણા ચાલી રહી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યહૂદી વિરોધી ભાવના સામે લડવા માટે વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીને આપવામાં આવતી $2.2 બિલિયનની બહુ-વર્ષીય ગ્રાન્ટ અને $60 મિલિયનના મૂલ્યના બહુ-વર્ષીય કરારને સ્થગિત કરવાની જાહેરાત કરી રહ્યું છે.”
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં હમાસના સમર્થનમાં અને યહુદીઓના વિરોધમાં પ્રદર્શનો થયા હતા જેને રોકવામાં યુનિવર્સિટી વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું છે કે યુનિવર્સિટીનું આ વલણ અમેરિકન કાયદાઓનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટી પર યહૂદી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ નિર્ણય લેતા પહેલાં 11 એપ્રિલની સાંજે વ્હાઇટ હાઉસે એક નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કેટલાક ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જેમાં તેમણે યુનિવર્સિટી પ્રશાસનને ઘણા મોટા ફેરફારો કરવા કહ્યું હતું. ઉદાહરણ તરીકે, યુનિવર્સિટીની કાર્યશૈલીમાં ઘણા ફેરફારો કરવા સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં મેરિટ આધારિત પ્રવેશ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઓડિટ, ફેસ માસ્ક પર પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે વહીવટીતંત્રે એવા વિદ્યાર્થીઓની ઓળખ કરવી પડશે જેઓ આતંકવાદીઓને ટેકો આપે છે, આ ઉપરાંત ટ્રમ્પે યુનિવર્સિટીમાં આતંકવાદની હિમાયત બંધ કરવાનું પણ કહ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હિંસા અને ગેરકાયદેસર ઉત્પીડનને પ્રોત્સાહન આપતા કોઈપણ વિદ્યાર્થી જૂથ માટે ભંડોળ રોકવું જોઈએ.
આ જ દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોએ મેસેચ્યુસેટ્સની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પ્રોફેસરોનું કહેવું છે કે આ યુનિવર્સિટીની સ્વાયત્તતા પર હુમલો છે તથા ગેરબંધારણીય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ એલન ગાર્બરે પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.