કોંગ્રેસના (Congress) સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ (Imran Pratagarhi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે હાથ હલાવતા દેખાઈ રહ્યા હતા તથા બેકગ્રાઉન્ડમાં અહિંસાને લગતી એક કવિતાનો અવાજ આવી રહ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાતની જામનગર પોલીસે ફરિયાદ નોંધી હતી તથા આરોપ લગાવ્યો હતો કે ગીતના શબ્દો ભડકાઉ, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે. ત્યારે હવે પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી આ મામલે મોટી રાહત મળી છે.
10 ફેબ્રુઆરીએ આ અંગેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ પહેલાં પ્રતાપગઢીએ ગુજરાત હાઇકોર્ટમાં FIR રદ્દ કરવાની અરજી કરી હતી જે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ નિર્ણયને પડકારતી અરજી તેમણે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. ત્યારે સુપ્રીમમાં જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી.
આ મામલે કોર્ટે કહ્યું હતું કે પોલીસ કવિતાનો સાચો અર્થ સમજવામાં નિષ્ફળ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “આખરે આ એક કવિતા છે. તે કોઈ ધર્મની વિરુદ્ધ નથી. આ કવિતા પરોક્ષ રીતે કહે છે કે જો કોઈ હિંસા કરતું હોય તો પણ આપણે હિંસા કરીશું નહીં. આ કવિતા આવો સંદેશ આપે છે. તે કોઈ ચોક્કસ સમુદાયની વિરુદ્ધ નથી.” સુપ્રીમ કોર્ટ અનુસાર ગુજરાત હાઇકોર્ટે આ FIR રદ્દ કરી દેવી જોઈતી હતી. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કવિતાને અહિંસાનો ઉપદેશ આપતી કવિતા ગણાવી હતી.
The Court observed that the poem was not against any particular community and stressed the need to protect creativity.
— Live Law (@LiveLawIndia) February 10, 2025
Read more: https://t.co/pBK4LzLKGx#SupremeCourt pic.twitter.com/UW5a4IQEx6
નોંધનીય છે કે અરજદાર વતી હાજર વકીલ કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે “જજે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તે મારી ચિંતાનો વિષય છે.” ત્યારે રાજ્ય તરફથી હાજર વકીલની વિનંતીના આધારે કોર્ટે આ મામલાની સુનાવણી ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખી છે. તથા રાજ્ય વકીલને નિર્દશ આપ્યો હતો કે, “કવિતાને ધ્યાનથી સાંભળો, સર્જનાત્મકતા પણ મહત્વપૂર્ણ જ છે.” નોંધનીય છે કે આ પહેલાં સુપ્રીમ કોર્ટે FIR મુજબની કાર્યવાહી પર રોક લગાવીને અરજદારને વચગાળાની રાહત આપી હતી.
શું હતો સમગ્ર મામલો
સમગ્ર ઘટના 3 જાન્યુઆરીની છે. જામનગરમાં મુસ્લિમ સમુદાયના યુવક યુવતીઓ માટે સામુહિક નિકાહ કાર્યક્રમના આયોજન બાદ પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મૂક્યો હતો, જેમાં જે બેકગ્રાઉન્ડમાં ‘ખૂન કે પ્યાસો’ કવિતા વાગી રહી હતી. જે ઉશ્કેરણી જનક હોવાના કારણે જામનગર પોલીસે ઈમરાન પ્રતાપગઢી, અલ્તાફ ખફી અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197(1), 302, 299, 57, 3(5) કલમો અંતર્ગત FIR નોંધી હતી.
આ FIRને રદ્દ કરવાની માંગ કરીને આ ઉશ્કેરણીજનક ગીતને ‘પ્રેમ અને અહિંસા’નો સંદેશ આપતું દર્શાવીને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, “કવિતાનો ભાવ જોતાં સ્પષ્ટ જણાય છે કે તેમાં ‘ગાદી’ કે ‘સત્તા’ વિશે વાત કરવામાં આવી છે. વધુમાં, પોસ્ટ પર જે પ્રતિક્રિયાઓ આવી છે તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે સંદેશ એ રીતે આપવામાં આવ્યો હતો, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચે.” ગુજરાત હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
‘કવિતા’ના શબ્દો જોઈને હાઇકોર્ટે ફગાવી હતી અરજી
નોંધનીય છે કે જેને એક કવિતા તરીકે દર્શાવવામાં આવ્યું તે ગીતના શબ્દો છે- ‘એ ખૂન કે પ્યાસો બાત સુનો, અગર હક કી લડાઈ જુલ્મ સહી, હમ જુલ્મ સે ઇશ્ક નિભા લેંગે. ગર શમ્મે ગિરિયા આતિશ હૈ, હર રાહ વો શમ્મા જલા દેંગે. ગર લાશ હમારે અપનો કી..ખતરા હૈ તુમ્હારી મસનદ કા…ઉસ રબ કી કસમ હસતે હસતે કિતની લાશે દફના દેંગે….એ ખૂન કે પ્યાસો બાત સુનો…’ ત્યારે સુપ્રીમ કોર્ટે પોલીસને કવિતાને ધ્યાનથી સાંભળવાનો નિર્દેશ આપીને કાર્યવાહી સ્થગિત કરાવી દીધી છે.