Monday, February 3, 2025
More

    ‘કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ નહીં થાય કોઈ દંડાત્મક કાર્યવાહી’: સુપ્રીમ કોર્ટ, વિડીયો સાથે ભડકાઉ ગીત પોસ્ટ કરવાનો હતો આરોપ

    ‘ખૂન કે પ્યાસે’ જેવા વાંધાનજક ગીત સાથે વિડીયો પોસ્ટ કરનાર કોંગ્રેસ સાંસદ (Congress MP) ઈમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) વિરુદ્ધ હવે કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આદેશ આપ્યો છે કે, કોંગ્રેસ સાંસદ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ નહીં ધરાય. તેમના પર એક વિડીયો ક્લિપ પોસ્ટ કરીને તેમાં વાંધાજનક ગીત મૂકી સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે.

    સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગર પોલીસે FIR નોંધી હતી. આ FIRને રદ કરવાની માંગણી સાથે ઈમરાન પ્રતાપગઢીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તપાસમાં સહયોગ આપવા માટેનું કહ્યું હતું. જે બાદ હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ઈમરાન પ્રતાપગઢી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

    ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ઈમરાન પ્રતાપગઢી વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય અને અન્યને નોટિસ પણ આપી છે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ ઈમરાન પ્રતાપગઢીએ X પર તેમના જામનગરના એક કાર્યક્રમનો વિડીયો પોસ્ટ કર્યો હતો. તે વિડીયોમાં ‘હક કી લડાઈ જુલ્મ સહી, રબ કી કસમ લાશે દફના દેંગે’ જેવું ઉશ્કેરણીજનક ગીત જોડવામાં આવ્યું હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો અને FIR નોંધવામાં આવી હતી.