કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી (Imran Pratapgarhi) વિરુદ્ધ જામનગરમાં (Jamnagar) એક FIR દાખલ કરવામાં આવી છે. કારણ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ છે. જામનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેનો એક વિડીયો પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જેમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાપરવામાં આવ્યું હતું, તે ઉશ્કેરણીજનક હોવાના કારણે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
FIR જામનગર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. આરોપીઓમાં ઈમરાન પ્રતાપગઢી, અલ્તાફ ખફી અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ છે છે. તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197(1), 302, 299, 57, 3(5) લગાડવામાં આવી છે.
ગુનો એક નાગરિકની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે, જેમણે જણાવ્યું કે, 2 જાન્યુઆરીના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર ઇમરાન પ્રતાપગઢીના હેન્ડલ (@ShayarImran) પરથી અપલોડ કરવામાં આવેલો એક વિડીયો જોયો હતો. જેનું કેપ્શન છે- જામનગર ગુજરાત કે એક સામૂહિક વિવાહ કાર્યક્રમ મેં શિરકત.’
जामनगर गुजरात के एक सामूहिक विवाह कार्यक्रम में शिरकत। pic.twitter.com/7MKIjEVK9f
— Imran Pratapgarhi (@ShayarImran) January 2, 2025
વાસ્તવમાં ઈમરાન પ્રતાપગઢી ગત 29 ડિસેમ્બર, 2024ના રોજ જામનગરના રૂમી પાર્ક ખાતે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુન્ની મુસ્લિમ જમાતના સમૂહ શાદી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેનું આયોજન જામનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ પર કરવામાં આવ્યું હતું. પછીથી કાર્યક્રમનો એક નાનકડો વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પરંતુ તેના માટે જે ગીત વાપરવામાં આવ્યું તેને લઈને વિવાદ સર્જાયો અને ફરિયાદ પણ તે જ કારણે થઈ છે.
‘ખૂન કે પ્યાસો’થી શરૂ થતું ગીત લાશો દફનાવવાની વાત કરે છે
આ ગીતના શબ્દો છે, “એ ખૂન કે પ્યાસો બાત સુનો, અગર હક કી લડાઈ જુલ્મ સહી, હમ જુલ્મ સે ઇશ્ક નિભા લેંગે. ગર શમ્મે ગિરિયા આતિશ હૈ, હર રાહ વો શમ્મા જલા દેંગે. ગર લાશ હમારે અપનો કી..ખતરા હૈ તુમ્હારી મસનદ કા…ઉસ રબ કી કસમ હસતે હસતે કિતની લાશે દફના દેંગે….એ ખૂન કે પ્યાસો બાત સુનો…”
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગીતના શબ્દો એક સમુદાયની ઉશ્કેરણી કરીને અન્ય સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તેમાં એક કોમના ‘હકની લડાઈ’ માટે અન્ય કોમના લોકોને મારીને દફનાવી દેવા સુધીની ઉશ્કેરણી કરવામાં આવી છે.
ઈમરાન પ્રતાપગઢી વિશે કહેવામાં આવ્યું કે, તેમણે એક રાષ્ટ્રીય પક્ષના જવાબદાર નેતા હોવા છતાં રાષ્ટ્રીય કક્ષાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને એકતાને ઘાતક અસર પડે તેવા વિડીયો મૂક્યા છે.
જામનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.