Saturday, January 18, 2025
More
    હોમપેજગુજરાત'ખૂન કે પ્યાસો..'વાળી કવિતા MP ઈમરાન પ્રતાપગઢી માટે આફત બની: જામનગરમાં નોંધાયેલી...

    ‘ખૂન કે પ્યાસો..’વાળી કવિતા MP ઈમરાન પ્રતાપગઢી માટે આફત બની: જામનગરમાં નોંધાયેલી FIR રદ કરવાની હાઇકોર્ટની ના, કહ્યું- પોસ્ટ વાંધાજનક, તપાસમાં સહયોગ કરો

    અરજીમાં આ ઉશ્કેરણીજનક ગીતને 'પ્રેમ અને અહિંસા'નો સંદેશ આપતું દર્શાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. પરંતુ હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નથી.

    - Advertisement -

    જામનગરમાં ‘સામૂહિક નિકાહ’માં આવીને વિવાદિત ગીત સાથે X પોસ્ટ કરનાર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીની (Imran Pratapgarhi) મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. જામનગરમાં પ્રતાપગઢી વિરુદ્ધ દાખલ FIR રદ કરવાની માંગ સાથે કરવામાં આવેલી તેમની અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી દીધી છે. પ્રતાપગઢીએ પોતાના X હેન્ડલ પર ‘હક કી લડાઈ જુલ્મ સહી, રબ કી કસમ લાશે દફના દેંગે’ જેવું ઉશ્કેરણીજનક ગીત સાથે વિડીયો મૂકતાં આ FIR દાખલ કરવામાં આવી હતી.

    આ FIRને રદ કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં આ ઉશ્કેરણીજનક ગીતને ‘પ્રેમ અને અહિંસા’નો સંદેશ આપતું દર્શાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે, સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. પરંતુ હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નથી.

    કોર્ટે કહ્યું કે, “કવિતાનો ભાવ જોતાં સ્પષ્ટ જણાય છે કે તેમાં ‘ગાદી’ કે ‘સત્તા’ વિશે વાત કરવામાં આવી છે. વધુમાં, પોસ્ટ પર જે પ્રતિક્રિયાઓ આવી છે તેનાથી પણ સ્પષ્ટ થાય છે કે સંદેશ એ રીતે આપવામાં આવ્યો હતો, જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચે.”

    - Advertisement -

    સાંસદ પાસેથી વધુ જવાબદારીપૂર્વકના વર્તનની આશા રાખવામાં આવે છે: હાઇકોર્ટ

    જસ્ટિસ સંદીપ ભટ્ટે આદેશમાં કહ્યું, “દેશના નાગરિકોનો વ્યવહાર એવો હોવો જોઈએ જેનાથી સામાજિક સદભાવ ન બગડે. અરજદાર એક સાંસદ સભ્ય છે અને એટલે જ તેમની પાસે વધુ સંયમથી વ્યવહાર કરે તેવી આશા હોય. વધુમાં, એક સાંસદ તરીકે આવી પોસ્ટનાં પરિણામો શું આવી શકે તે પણ તેમને વધુ સારી રીતે ખબર હોય તે સ્વાભાવિક છે.”

    કોર્ટે ઈમરાન પ્રતાપગઢીને તપાસમાં સહયોગ આપવા માટે જણાવ્યું છે અને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સાથે કહ્યું કે, “આ તબક્કે કેસનાં મેરિટ્સ ઉપર વધુ ચર્ચા કરવામાં આવે તો બંને પક્ષોના અધિકારો સાથે પૂર્વગ્રહ રાખ્યા સમાન કહેવાશે. પરંતુ FIR વાંચ્યા બાદ અને કેસમાં જે કલમો લગાડવામાં આવી છે તેને જોતાં આ તબક્કે તપાસની જરૂર જણાય છે.”

    તપાસમાં સહયોગ કરો, તમે સાંસદ છો: હાઇકોર્ટ

    આ સિવાય કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરની એ દલીલોનું પણ સંજ્ઞાન લીધું, જેમાં જણાવવામાં આવ્યું કે પોલીસે પૂછપરછ માટે હાજર રહેવા માટે વારંવાર નોટિસ પાઠવ્યા છતાં ઈમરાન પ્રતાપગઢી હાજર રહ્યા નથી. જેને લઈને હાઇકોર્ટે કહ્યું કે, અરજદાર સાંસદ છે અને એક કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેનાર વ્યક્તિ તરીકે તેમની પાસેથી આશા રાખવામાં આવે છે કે તેઓ તપાસમાં પૂરતો સહયોગ આપે અને કાયદાનું પૂરેપૂરું સન્માન કરે.

    આટલી ચર્ચા બાદ કોર્ટે ઠેરવ્યું કે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 528 કે પછી 226 અંતર્ગત પોતાની શક્તિ ઉપયોગ કરવાનું પર્યાપ્ત કારણ નથી જણાઈ રહ્યું, આથી આ અરજી રદ કરવામાં આવે છે.”

    શું હતી આખી ઘટના?

    વાસ્તવમાં ગત 3 જાન્યુઆરી 2025ના રોજ જામનગરમાં મુસલમ સમુદાયના યુવક યુવતીઓ માટે સામુહિક નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેનો એક વિડીયો પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જેમાં જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાપરવામાં આવ્યું હતું, તે ઉશ્કેરણીજનક હોવાના કારણે જામનગર A ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

    ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ FIR અનુસાર આરોપીઓમાં ઈમરાન પ્રતાપગઢી, અલ્તાફ ખફી અને સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો ઉલ્લેખ છે. તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 197(1), 302, 299, 57, 3(5) કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સામૂહિક નિકાહનું આયોજન આયોજન જામનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ પર કરવામાં આવ્યું હતું.

    જેને ગણાવી રહ્યા છે શાંતિ અને અહિંસાની કવિતા, તે ‘ખૂન કે પ્યાસો’થી શરૂ થતું ગીત લાશો દફનાવવાની વાત કરે છે

    કોંગ્રેસી સાંસદ દ્વારા દાખલ અરજીમાં વિડીયોમાં શેર કેવા આવેલા ગીતના શબ્દોને શાંતિ અને અહિંસાનું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો છે, “એ ખૂન કે પ્યાસો બાત સુનો, અગર હક કી લડાઈ જુલ્મ સહી, હમ જુલ્મ સે ઇશ્ક નિભા લેંગે. ગર શમ્મે ગિરિયા આતિશ હૈ, હર રાહ વો શમ્મા જલા દેંગે. ગર લાશ હમારે અપનો કી..ખતરા હૈ તુમ્હારી મસનદ કા…ઉસ રબ કી કસમ હસતે હસતે કિતની લાશે દફના દેંગે….એ ખૂન કે પ્યાસો બાત સુનો…” ત્યારે હવે આ શબ્દોને ધ્યાનમાં લઈને જ ઈમરાન પ્રતાપગઢી દ્વારા દાખલ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં