તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપીને રેજિમેન્ટના મંદિરના ગર્ભગૃહમાં જવાનો ઇનકાર કરવા બદલ એક ખ્રિસ્તી સેના અધિકારી સામે થયેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવીને દિલ્હી હાઇકોર્ટનો મે 2025નો એક આદેશ યથાવત રાખ્યો છે. કોર્ટે નોંધ્યું કે સેના એક ‘પંથનિરપેક્ષ’ સંસ્થા છે અને આ પ્રકારે શિસ્તતાનો ભંગ ચલાવી લેવાય નહીં.
કોર્ટે અરજદાર સેમ્યુઅલ કમલેશનને સંબોધીને કહ્યું કે તેમણે અન્ય જવાનોની ભાવનાને પણ ઠેસ પહોંચાડી છે અને આ પ્રકારની અશિસ્તતા સાથે તેઓ સેનામાં ફરજ બજાવી શકે નહીં, જેથી તેમને બરતરફ કરવાનો દિલ્હી હાઇકોર્ટનો આદેશ યોગ્ય જ છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, “અમે અરજદારના વકીલને પૂરેપૂરા સાંભળ્યા છે. અમને દિલ્હી હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ જણાતું નથી. સ્પેશિયલ લીવ પિટિશન રદ કરવામાં આવે છે.” કોર્ટે ઉમેર્યું કે, “તેઓ ભલે બીજી સો બાબતોમાં એક સર્વશ્રેષ્ઠ સૈન્ય અધિકારી હોય, પણ શિસ્તતા, અનુશાસન અને સેક્યુલર એપ્રોચ માટે જાણીતી ભારતીય સેના માટે તેઓ ‘મિસફિટ’ છે.”
સમગ્ર મામલો શું છે એ વિગતે જોઈએ
મામલો વર્ષ 2021નો છે. જ્યારે સેમ્યુઅલ કમલેશનને સેનાએ નોકરીમાંથી બરતરફ કર્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને આ આદેશ રદ કરીને સેનામાં પરત સામેલ કરવાની માગ કરી હતી.
સેમ્યુઅલ ભારતીય સેનામાં થર્ડ કેવલ્રી રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન્ડ થયા હતા. આ રેજિમેન્ટમાં શીખ, જાટ અને રાજપૂત સ્ક્વૉડ્રન સામેલ હોય છે અને સેમ્યુઅલ શીખોની સ્ક્વૉડ્રન ‘બી’માં ટ્રૂપ લીડર તરીકે પોસ્ટેડ હતા.
સેના અધિકારીએ પોતાની આસ્થાનો આધાર આપીને સેનાની રેજિમેન્ટલ રિલિજિયસ પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કારણ એવું આપ્યું કે તેમની રેજિમેન્ટ માત્ર મંદિર અને ગુરુદ્વારા જ જાય છે અને તેમની પાસે ‘સર્વધર્મસ્થળ’ નથી. ઉપરાંત તેમના પરિસરમાં ચર્ચ પણ નથી. તેમણે દાવો કર્યો કે તેઓ મંદિર અને ગુરુદ્વારા સુધી જાય છે પણ ‘ક્રિશ્ચિયન ફેથ’ના કારણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતા નથી.
મામલો સેનામાં ઉપરના સ્તરે પહોંચતાં સેમ્યુઅલનાં અમુક કાઉન્સેલિંગ સેશન ચલાવવામાં આવ્યાં, પરંતુ તેમ છતાં કોઈ ફેર ન પડ્યો. સેનાનું કહેવું છે કે આ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ સૈન્ય શિસ્તતા માટે જરૂરી છે અને જવાનો માટે એક વ્યાવસાયિક જવાબદારીમાં આવે છે. સેમ્યુઅલનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમ છતાં તેમણે મંદિરમાં પ્રવેશ કરવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું.
ત્યારબાદ પ્રશાસનિક રીતે શિક્ષાત્મક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી. સૌથી પહેલાં અધિકારીને એક કારણ બતાવો નોટિસ ઇસ્યુ કરવામાં આવી. જોકે કોર્ટ માર્શલની કાર્યવાહી થઈ ન હતી. સેનાએ તેની પાછળનું કારણ જણાવતાં કહ્યું છે કે આ મામલો ધાર્મિક બાબતોને લગતો છે, જેથી તેમાં કોર્ટ માર્શલને કોઈ અવકાશ નથી. કોઈ વિકલ્પ ન રહેતાં આખરે 3 માર્ચ, 2021ના રોજ સેમ્યુઅલને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા અને 25 માર્ચ 2021ના દિવસે આદેશ લાગુ કરવામાં આવ્યો.
દિલ્હી હાઇકોર્ટે પણ નહતી આપી રાહત
આ આદેશને પછીથી સેમ્યુઅલે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ કોર્ટે સેનાના નિર્ણયમાં કોઈ પણ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જવાનોના સંચાલન માટે કે મનોબળ માટે શું જરૂરી છે અને શું નહીં એ નક્કી કરવાનું કામ સેનાનું છે અને ચીફ ઑફ આર્મી સ્ટાફના નિર્ણયમાં કોર્ટ કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ કેસ ‘ધાર્મિક સ્વતંત્રતા’નો નહીં પરંતુ નિયમોના ઉલ્લંઘનનો છે.
દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ પૂર્વ સેના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મહિનાઓ સુધી સુનાવણી કર્યા બાદ કોઈ રાહત આપવાની ના પાડીને દિલ્હી હાઇકોર્ટનો આદેશ યથાવત રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું– આ રીતે તમે સેનાના જવાનોનું પણ અપમાન કર્યું
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે અરજદારના વકીલને પ્રશ્ન કરતાં કહ્યું કે શું આ પ્રકારનો વ્યવહાર એક શિસ્તબદ્ધ સેનામાં ચલાવી શકાય? શું તેની પરવાનગી આપી શકાય તેમ છે? તેના જવાબમાં વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે વિવાદ માત્ર એક જ કારણોસર છે અને તે એ છે કે સૈન્ય અધિકારીએ ગર્ભગૃહમાં જવાની ના પાડી હતી.
આગળ વકીલે દલીલ કરતાં કહ્યું કે, પંજાબમાં જ્યાં સેમ્યુઅલનું પોસ્ટિંગ હતું ત્યાં કોઈ સર્વધર્મ સ્થળ ન હતું પરંતુ મંદિર અને ગુરુદ્વારા જ હતાં. તેથી અધિકારીએ ગર્ભગૃહમાં જવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે તેની ક્રિશ્ચિયન ફેથની વિરુદ્ધ છે. આગળ એવી પણ દલીલ આપવામાં આવી કે સેનામાં જોડાવાથી વ્યક્તિનાં ધર્મ, આસ્થા ખતમ થઈ જતાં નથી. જોકે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી.
જસ્ટિસ કાંતે કહ્યું કે આ એક સેના અધિકારી દ્વારા અનુશાસનહીનતા છે, બીજું કશું નહીં. જસ્ટિસ બાગચીએ એ હકીકત પ્રત્યે પણ ધ્યાન દોર્યું કે અગાઉ સેમ્યુઅલનું એક પાસ્ટર દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમણે પણ સમજાવ્યું હતું કે ગભગૃહમાં જવું એ ક્રિશ્ચિયન ફેથની વિરુદ્ધ નથી.
જસ્ટિસ કાંતે આગળ કહ્યું કે ધાર્મિક બાબતોમાં ભાગ લેવાનો ઇનકાર કરીને પૂર્વ સેના અધિકારીએ અન્ય જવાનોનું પણ અપમાન કર્યું હતું. તેમણે કહ્યું, “તમે ગ્રુપ લીડર હતા. તમારી ટીમમાં શીખ સૈનિકો છે અને તેમના કારણે ગુરુદ્વારા હોય એ સ્વાભાવિક છે. ગુરુદ્વારા તો મુલાકાત લેવા માટે સૌથી સેક્યુલર જગ્યા છે. જે રીતે તેઓ વ્યવહાર કરી રહ્યા છે, શું તેઓ પોતાના જ જવાનોનું અપમાન નથી કરી રહ્યા? તેઓ તેમના પાસ્ટરની પણ વાત માની રહ્યા નથી એ મોટી આશ્ચર્યની વાત છે. કોર્ટે કહ્યું કે તમારો ધર્મ શાને પરવાનગી આપે છે અને શાને નહીં તે બાબતે પોતાની રીતે અર્થઘટન ન થઈ શકે અને યુનિફોર્મમાં હો ત્યારે તો બિલકુલ નહીં.
કોર્ટે કહ્યું કે, “તમે ભલે 100 ચીજોમાં શ્રેષ્ઠ હશો, પણ ભારતીય સેના સેક્યુલર એપ્રોચ માટે જાણીતી છે. જો તમે અહીં શિસ્તતા ન જાળવી શકો તો તમે પોતાના જ જવાનોની ભાવના ન જાળવી કહેવાય.” કોર્ટે અંતે અરજી ફગાવીને દિલ્હી હાઇકોર્ટનો આદેશ બરકરાર રાખ્યો હતો.


