‘નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT) દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર એક સ્પેશિયલ મોડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે, જે ધોરણ 6થી 12 માટે હશે. આ નવા મોડ્યુલમાં NCERTએ એ વિષય પર પ્રકાશ પાડ્યો છે કે કઈ રીતે પોલિટિકલ ઇસ્લામ અને તેની વિચારધારાએ ભાગલામાં ભૂમિકા ભજવી હતી. તેમાં હિંદુઓ પર થયેલો અત્યાચાર, મુસ્લિમ લીગ દ્વારા આચરવામાં આવેલી હિંસા, કોંગ્રેસ પાર્ટીની ભૂમિકાનો ઉપરાંત કઈ રીતે મોટાભાગના મુસ્લિમો જેમણે પાકિસ્તાન માટે મતદાન કર્યું હતું તેઓ ભારતમાં રહી ગયા હતા– આ તમામ બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે.
નોંધનીય છે કે NCERT એ શિક્ષણ મંત્રાલય હેઠળ આવતી એક બોડી છે, જે CBSEના ધોરણ 1થી 12 માટે અભ્યાસક્રમ તૈયાર કરીને પાઠ્યપુસ્તકો બનાવીને પ્રકાશિત કરે છે.
મોડ્યુલમાં (pdf) જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના મુસ્લિમો પાકિસ્તાન ગયા ન હતા, જેની રચના જ તેમના માટે કરવામાં આવી હતી. “મુસ્લિમો માટે એક અલગ દેશ બનાવવામાં આવ્યો હોવા છતાં લગભગ 3.5 કરોડ મુસ્લિમો ન ગયા અને ભારતમાં જ રહી ગયા હતા. પાકિસ્તાનની માંગ અને રચના તમામ ભારતીય મુસ્લિમો માટે કરવામાં આવી હતી.”
મોડ્યુલના છઠ્ઠા પાને NCERT ભાગલાના મૂળભૂત કારણ અને પોલિટિકલ ઇસ્લામની ભાગલાવાદી વિચારધારા પર ભાર મૂકે છે. અહીં 22 માર્ચ, 1940ના મુહમ્મદ અલી ઝીણાના આ એ ભાષણનો પણ ઉલ્લેખ છે, જેમાં તેઓ ટૂ નેશન થિયરીની વાત કરતા જણાય છે.
જેમાં લખવામાં આવ્યું છે, “મુસ્લિમ નેતાઓએ જાતે જ તેમને હિંદુઓથી અલગ કરી દીધા હતા. જેનાં મૂળ પોલિટિકલ ઇસ્લામની વિચારધારામાં છે, જે બિનમુસ્લિમો સાથે કોઈ પણ પ્રકારના સમાન કે કાયમી સંબંધોમાં માનતા જ નથી. સદીઓ સુધી આ સિદ્ધાંત વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળતો રહ્યો છે અને આજે પણ જોવા મળે છે.”
મોડ્યુલમાં ભારતીય નેતાઓ વિશે પણ લખવામાં આવ્યું છે કે, તેઓ હિંદુ-મુસ્લિમ સંબંધોની એક કડવી વાસ્તવિકતા અવગણતા રહ્યા અને બીજી તરફ સતત તેના માટે બ્રિટિશરોને જ દોષ આપતા રહ્યા.
“કોમવાદ સહિતની દરેક સમસ્યા માટે તેઓ બ્રિટિશ શાસકોને જ દોષ આપતા રહ્યા. ખરેખર તો એ એક અતિવાદી નરેટિવ હતો. જો તેઓ વાસ્તવિકતાથી નજીક રહ્યા હોત તો કદાચ તેમના નિષ્કર્ષ અલગ નીકળ્યા હોત અને મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણ પર પહેલેથી જ લગામ લગાવી શકાઈ હોત.”
પાકિસ્તાન અને તેનો જેહાદી આતંકવાદ; અનેક શક્તિશાળી દેશો તેના મદદગાર: NCERT
NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોડ્યુલમાં પાકિસ્તાનના જેહાદી આતંકવાદનો પણ ઉલ્લેખ છે. સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે અમુક ‘શક્તિશાળી દેશો’ સતત પાકિસ્તાનને હથિયારોની મદદ પહોંચાડતા રહે છે, એ જાણતા હોવા છતાં કે આ દેશનો આતંકવાદનો જૂનો ઇતિહાસ છે.
મોડ્યુલમાં કહેવામાં આવ્યું, “પાકિસ્તાને કાશ્મીર મેળવવા માટે ત્રણ યુદ્ધો કર્યાં અને તમામ હારી ગયા બાદ ભારતને નુકસાન પહોંચાડવા માટે જેહાદી આતંકવાદનો સહારો લીધો, જેના કારણે હજારો જીવ ગયા. નાગરિકો પણ માર્યા ગયા અને લશ્કરી રીતે પણ જાનહાનિ થઈ.”
આગળ કહ્યું, “અમુક શક્તિશાળી દેશો સતત પાકિસ્તાનનો ઉપયોગ ભારત પર દબાણ લાવવા માટે કરતા રહે છે. અમુક દેશો પાકિસ્તાનને સતત લશ્કરી અને રણનીતિક રીતે મદદ પહોંચાડતી રહી છે, જેના કારણે ભારતે ડિફેન્સ પર મોટો ખર્ચ કરવો પડે છે.”
ભાગલા પાછળ કોંગ્રેસ એક મોટું પરિબળ
NCERTએ જણાવ્યું છે કે, ઝીણા અને માઉન્ટબેટન સિવાય ભાગલા પાછળ કોંગ્રેસ પાર્ટી પણ એક મોટું પરિબળ હતી. એ પણ જણાવવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર ભારતને એક જ રાખવા માંગતી હતી અને અનેક વાઈસરૉય પણ કહી ચૂક્યા હતા કે ભાગલાથી હિંદુ-મુસ્લિમ સમસ્યાનું સમાધાન નહીં આવે. ઉપરાંત, કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પણ ઘણા નેતાઓ પણ માનતા ન હતા કે સ્વતંત્ર મુસ્લિમ દેશનો વિચાર શક્ય છે.
10મા પાને NCERT કહે છે, “બ્રિટીશ સરકાર ભાગલાની વિરુદ્ધ હતી એ ઘણા સમયથી સ્પષ્ટ હતું, પરંતુ કોંગ્રેસ નેતાઓ ઝીણાને ઓળખી ન શક્યા.”
આગળ કહ્યું, “1947માં ભારતીય નેતાઓએ સામે ચાલીને દેશનો એક મોટો ભાગ કાયમી રીતે બહાર કરી દીધો અને એ પણ કરોડો નાગરિકો સાથે, તેમની મંજૂરી લીધા વિના. આ માનવ ઇતિહાસની એવી એક અદ્વિતીય ઘટના હતી, જેમાં રાષ્ટ્રના પોતાના નેતાઓએ, કોઈ પણ પ્રકારના યુદ્ધ વિના, બંધબારણે થયેલી શાંતિપૂર્ણ બેઠકોમાં અચાનક અમુક કરોડ લોકોને દેશમાંથી બહાર કરી દીધા હોય.”
હિંદુઓ પર અત્યાચાર અને ભાગલા શક્ય બનાવવા માટે હિંસાનો સહારો
મોડ્યુલમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, ભાગલા દરમિયાન મોટા પ્રમાણમાં હિંદુ પરિવારોને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કાશ્મીરનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે કઈ રીતે પ્રદેશ પોતાનું સામાજિક ચરિત્ર ગુમાવતો ગયો અને ભાગલા બાદ સતત કાશ્મીરી પંડિતોની સ્થિતિ નબળી પડતી ગઈ હતી.
આગળ કહ્યું, “પછીના દાયકાઓમાં આ સ્થિતિ વધુ કપરી બનતી ગઈ અને પ્રદેશમાં આતંકવાદનું પ્રમાણ વધતું ગયું.”
NCERTએ જણાવ્યું છે કે કઈ રીતે મુહમ્મદ અલી ઝીણાએ ડાયરેક્ટ એક્શન ડે (16 ઑગસ્ટ, 1946) દરમિયાન પાકિસ્તાનનો વિચાર શક્ય બનાવવા માટે હિંસા અને હથિયારોનો સહારો લેવા માટે ઘોષણા કરી હતી.
મુસ્લિમ લીગ માટે મતદાન છતાં મોટાભાગના મુસ્લિમો ભારતમાં રહ્યા
1946ની ચૂંટણીમાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં મુસ્લિમ લીગની તરફેણમાં મતદાન કર્યું અને પાર્ટીએ લગભગ 87% મુસ્લિમ બેઠકો જીતી હતી. ઝીણાના નેતૃત્વમાં લીગે એ તર્ક આપ્યો કે હિંદુઓ અને મુસ્લિમો એક જ દેશમાં સાથે રહી શકે તેમ નથી, જેથી મુસ્લિમોને અલગ રાષ્ટ્ર આપવામાં આવે. 1937ની સરખામણીએ લીગની શક્તિઓ અનેકગણી વધી ગઈ હતી– બિહારમાં જ્યાં તેને એક પણ બેઠક મળી ન હતી ત્યાં 1946માં 40માંથી 34 બેઠકો જીતી હતી. જેનું કારણ 1940નો લાહોર પ્રસ્તાવ હતો, જ્યાં પહેલી વખત એક સંપ્રભુ મુસ્લિમ દેશની ઔપચારિક માંગ રજૂ કરવામાં આવી હતી. આ જ પ્રસ્તાવ આગળ જઈને પાકિસ્તાનની રચનાનો પાયો નાખવામાં કારણભૂત બન્યો.
પરંતુ તેમ છતાં વિભાજન બાદ મોટી સંખ્યામાં મુસ્લિમો ભારતમાં જ રહે ગયા. આ જ મુદ્દો જે-તે સમયે પણ પ્રશ્નાર્થ બન્યો હતો– જો મુસ્લિમો અલગ દેશ ઇચ્છતા હતા તો આટલા લોકો અહીં કેમ રહી ગયા? આંબેડકર અને સરદાર પટેલ જેવા નેતાઓનું માનવું હતું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના સંઘર્ષ ટાળવા માટે સંપૂર્ણ વસ્તીનું આદાનપ્રદાન થાય એ જરૂરી છે, પરંતુ ગાંધીનું માનવું હતું કે આ ભાગલા મજહબી નહીં પરંતુ ક્ષેત્રીય આધાર પર કરવામાં આવ્યા છે, જેથી જનસંખ્યા વિનિમયનો કોઈ પ્રશ્ન રહેતો નથી.


