ખેડાના માતર તાલુકાના એક ગામમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ જાહેરમાં લગાવેલું એક વિવાદિત બોર્ડ સોશિયલ મીડિયા પર ભારે વિવાદનું કારણ બન્યું. બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે, “નાની ભાગોળ હુસૈની ચોકમાં દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.” આ બોર્ડ લગાવાયા બાદ હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવીને સ્થાનિક પોલીસ મથકે અરજી પણ આપી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ બોર્ડ તો હટાવાયું નથી, પણ તાત્કાલિક ધોરણે કાળો રંગ લગાવી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે FIR દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જિલ્લા બજરંગદળ સંયોજક કેયૂર પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા નાની ભાગોળ ગામમાં બનવા પામી હતી. સોમવારે (15 સપ્ટેમ્બર) સવારે હિંદુ સંગઠનોને જાણવા મળ્યું હતું કે નાની ભાગોળના હુસૈની ચોકમાં ગરબા ન કરવા બાબતે વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું છે. જે મામલે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

પટેલના જણાવ્યા અનુસાર, આ બોર્ડ સ્થાનિક મસ્જિદના પંચ દ્વારા એક ખાનગી પ્લોટની દીવાલ પર લગાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનો એકઠાં થઈ ગયાં અને કાર્યવાહીની માંગણી કરી હતી. આ ઘટનાને લઈને પછીથી સંગઠનના કાર્યકર્તાઓએ માતર પોલીસ સ્ટેશનના PIને અરજી આપીને કાર્યવાહીની માંગ કરી. ઑપઇન્ડિયા પાસે અરજીની નકલ ઉપલબ્ધ છે.
હિંદુ સંગઠનોએ ગણાવી જેહાદી માનસિકતા
હિંદુ સંગઠનોએ પોલીસને આપેલી અરજીમાં આ ઘટનાની ટીકા કરવામાં આવી છે અને તેને જેહાદી માનસિકતા ગણાવવામાં આવી છે. અરજીમાં કહેવાયું છે કે નાની ભાગોળ ગામમાં મસ્જિદના પંચ દ્વારા દરગાહ, મદરેસા અને મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર સખત મનાઈનું લખાણ લખવામાં આવ્યું છે. સંગઠનોએ આ ઘટનાને બંધારણ અને લોકશાહીની વિરુદ્ધની ગણાવી હતી. હિંદુ સંગઠનોએ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
સંગઠનોની દલીલ હતી કે આ વિવાદિત બોર્ડ લગાવવાનો નિર્ણય બંધારણની કલમ 14, કલમ 19(1)(D), કલમ 35, કલમ 26, કલમ 153, કલમ 295 અને કલમ 505નું ઉલ્લઘં છે. આ તમામ કલમોમાં ધર્મની સ્વતંત્રતા અને સમાનતાની વાત કરવામાં આવી છે. હિંદુ સંગઠનોએ આગળ જણાવ્યું છે કે આવા પ્રતિબંધો ગુજરાતી સંસ્કૃતિની વિરુદ્ધ છે અને હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા છે.
તે સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી ઘટનાઓ સમાજમાં વિભાજન અને દ્વેષ ઊભું કરવાનું કામ કરે છે. હિંદુ સંગઠનોએ પોલીસ સમક્ષ માંગણી કરી હતી કે આવું વિવાદિત લખાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તે સિવાય એવી માંગણીઓ પણ કરવામાં આવી હતી કે આવા બનાવ ભવિષ્યમાં ન બને તેની પણ તકેદારી રાખવી. હિંદુ સંગઠનોનો દાવો છે કે હુસૈની ચોક વિસ્તાર મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે અને ત્યાં ક્યારેય નવરાત્રિ જેવા કાર્યક્રમોનું આયોજન નથી થતું, તેમ છતાં અમુક સ્થાનિક મુસ્લિમોએ વૈમનસ્ય ફેલાવવા માટે આવી હરકત કરી હતી.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં માતર પોલીસ સ્ટેશનના PI આર. એન. ખાટે જણાવ્યું હતું કે અરજી મળ્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે મસ્જિદના પંચને આ ઘટનાની જાણ કરીને વિવાદિત લખાણ દૂર કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પંચ દ્વારા બોર્ડ પર કાળો રંગ લગાવી દેવામાં આવ્યો હતો અને લખાણ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું છે કે હાલ આ મામલે FIR દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે કોઈએ બોર્ડ લગાવ્યું હશે તેમની ધરપકડ પણ કરવામાં આવશે.


