છેલ્લા કેટલાક સમયથી આખા ગુજરાતમાં સતત દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ખાસ દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) અને જામનગરમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદના (Ahmedabad) જમાલપુરમાં (Jamalpur) કાચની મસ્જિદ પાસે (Kachni Masjid) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર ઉભા કરી દેવામાં આવેલા બાંધકામો પર પણ બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન AMC અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે બુલડોઝર કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવેલી દુકાનો અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અહીં એક જગ્યા પર સરકારી શાળાની જગ્યા પર પણ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ મામલે ભાજપ ધારાસભ્ય અમિત શાહે ગત 21 ડિસેમ્બરના રોજ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
શાળાની જગ્યા પર ઉભું કરવામાં આવ્યું હતું કોમ્પ્લેક્સ
બીજી તરફ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આ જગ્યા વક્ફ બોર્ડની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કાચની મસ્જિદ સંચાલકોએ આ જગ્યા મસ્જિદની હોવાનું કહીને ડિમોલિશન રોકવા માંગ કરી હતી. દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે, મસ્જિદ દ્વારા આ જગ્યા AMCને શાળા ચલાવવા માટે આપી હતી. થોડા સમય આગાઉ શાળા અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા અહીં કોમ્પ્લેકસ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જોકે, આ જગ્યા AMCની હોવાનું કહીને અહીં બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સંકલન સમિતિમાં મુદ્દો સામે આવ્યા બાદ 24 ડિસેમ્બર 2024ના રોજ જે વેપારીઓએ દબાણ કર્યું હતું, તેમણે કોર્ટમાં પિટિશન દાખલ કરીને કાર્યવાહી રોકવાની માંગ કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ સ્ટેની માંગ ફગાવીને કાર્યવાહીને લીલી ઝંડી આપી હતી. બીજી તરફ AMCએ ફરી નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરવા આદેશ આપ્યા હતા. ત્યારબાદ નિર્દેશ અનુસાર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે AMCએ બુલડોઝર ફેરવીને દબાણ હટાવી જગ્યા ખાલી કરવી દીધી છે. સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં રાખીને અહીં ભારે સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તાજી જાણકારી અનુસાર અહીં શાંતિપૂર્વક ડિમોલિશન કામગીરી કરી દેવામાં આવી છે. આ સિવાય પણ અન્ય દબાણ કરીને ઉભા કરવામાં આવેલા બાંધકામોને ચિહ્નિત કરી તેમના પર પણ પગલાં લેવા તૈયારીઓ ચાલી રહી છે.