હોમપેજરાજકારણ2022નો 'હુમલો' નહોતા કરી શક્યા સાબિત, કોર્ટે ભાજપ નેતાઓને જાહેર કર્યા હતા...

2022નો ‘હુમલો’ નહોતા કરી શક્યા સાબિત, કોર્ટે ભાજપ નેતાઓને જાહેર કર્યા હતા નિર્દોષ: છતાં હવે ત્રણ વર્ષે AAP સમર્થકો ફરી ઉઘરાવવા લાગ્યા સહાનુભૂતિ

કોર્ટ ઓર્ડર મુજબ, મનોજ સોરઠીયાએ કહ્યું હતું કે, 30 ઑગસ્ટ, 2022ના રોજ રાત્રિના સમયે ગણેશ મંડપમાં બેનર લગાવવા બાબતે તેમની આરોપી સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન ત્યાં ઘણા માણસો એકઠા થઈ ગયા હતા અને ધક્કામુક્કી થઈ જતાં તેઓ પડી ગયા હતા.

- Advertisement -

30 ઑગસ્ટ, 2022ના રોજ સુરતમાં AAPના ગુજરાતમાં મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હોવાના દાવા સાથે AAP નેતાઓ અને સમર્થકોએ હોબાળો મચાવી દીધો હતો. હુમલાનો આરોપ તેમણે ભાજપના કેટલાક નેતાઓ પર નાખી દીધો હતો. ઘટનાને લઈને કેજરીવાલ અને સિસોદિયા જેવા નેતાઓએ પણ સીઆર પાટીલ અને ભાજપ પર હુમલો કર્યો હતો. જોકે, બાદમાં AAP કોર્ટમાં એ સાબિત ન કરી શકી કે ભાજપ નેતાઓએ હુમલો કર્યો હતો. કોર્ટે ભાજપના તમામ નેતાઓએ નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો ચુકાદો પણ આપી દીધો હતો. પણ હવે ત્રણ વર્ષે આ AAP નેતાઓ ફરી તે ઘટના પર સહાનુભૂતિ ઉઘરાવી રહ્યા છે.

વિગતે વાત કરીએ તો હમણાં 30 ઑગસ્ટ, 2025ના રોજ AAP સમર્થકોએ સોશિયલ મીડિયા પર ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ફરી સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસો થવા લાગ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ‘AAP ASHOK ROY’ નામના યુઝરે પોસ્ટ કરીને આ સમગ્ર ઘટનાને યાદ કરી હતી અને ‘હિંસક હુમલો’ થયો હોવાની વાત વહેતી મૂકી હતી. આ સાથે સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

તેણે સહાનુભૂતિ ઉઘરાવતા પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પર ‘હિંસક હુમલો’ થયો હતો. વધુમાં તેણે ગુણગાન કરતા લખ્યું હતું કે, મનોજભાઈ ડર્યા વગર સતત પાર્ટીને મજબૂત કરવા માટે દિવસ-રાત લાગી ગયા અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી ગુજરાતમાં પાંચ ધારાસભ્યો સુધી પહોંચાડી દીધી. વધુમાં એવું પણ કહ્યું હતું કે, તેની જેવા સૌ કાર્યકર્તાઓ સોરઠિયા પાસેથી પ્રેરણા લઈને નિરંતર કામ કરી રહ્યા છે. 

- Advertisement -

શું ખરેખર થયો હતો ‘હિંસક હુમલો’? 

વાત જાણે એમ છે કે, 30 ઑગસ્ટ, 2022ના રોજ સુરતમાં AAPના પ્રદેશ મહામંત્રી પર હુમલો થયો હોવાના સમાચારો વહેતા થઈ ચૂક્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ, ત્યાં સુધી કે, કેજરીવાલ અને સિસોદિયાએ પણ આના માટે ભાજપને જવાબદાર ઠેરવી દીધો હતો. તત્કાલીન AAP પ્રદેશ અધ્યક્ષ ઇટાલિયાએ તો સીઆર પાટીલના ઇશારે આવું બધુ થયું હોવાનો દાવો કરી દીધો હતો. જોકે, ભાજપે ત્યારે પણ આ ઘટનાનો ઇનકાર કરી દીધો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવી દીધા હતા. 

તેમ છતાં, સોરઠીયાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 324, 323, 143, 147, 148, 294B, 304 અને 506 હેઠળ ભાજપના લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેમાં કિશન દેસાઈ, ભરત ઘેલાણી, કાંતિ સાંગઠિયા, દિનેશ દેસાઈ અને મહેશ કકાડીયાનો સમાવેશ થતો હતો. 

કોર્ટમાં સત્ય જણાવી ગયા હતા AAP નેતા

પોલીસે FIRના આધારે તપાસ પણ શરૂ કરી દીધી હતી અને કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. આ કેસનો ચુકાદો 1 ઑગસ્ટ, 2024ના રોજ આવ્યો હતો. ઑપઇન્ડિયા પાસે કોર્ટ ઓર્ડરની નકલ પણ ઉપલબ્ધ છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ફરિયાદી AAP નેતા મનોજ સોરઠીયાનું મૌખિક નિવેદન દસ્તાવેજી પુરાવા તરીકે લેવામાં આવ્યું હતું. જેમાં તેમણે હુમલો થયો હોવાની બાબત કહી ન હતી. કોર્ટ ઓર્ડરમાં પણ આવી કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. 

કોર્ટ ઓર્ડર મુજબ, મનોજ સોરઠીયાએ કહ્યું હતું કે, 30 ઑગસ્ટ, 2022ના રોજ રાત્રિના સમયે ગણેશ મંડપમાં બેનર લગાવવા બાબતે તેમની આરોપી સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન ત્યાં ઘણા માણસો એકઠા થઈ ગયા હતા અને ધક્કામુક્કી થઈ જતાં તેઓ પડી ગયા હતા. પડવાના કારણે તેમને માથાના ભાગમાં તેમજ ડાબા હાથમાં ઈજાઓ થઈ હતી. જે બાદ કોર્ટે નોંધ્યું હતું કે, પોલીસમાં આપેલી ફરિયાદ અને તેમનું નિવેદન બંને વિરુદ્ધ છે. 

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, ફરિયાદીએ ફરિયાદ આપ્યા સિવાય અન્ય એક પણ પુરાવા રજૂ નહોતા કર્યા. જે બાદ કોર્ટે ભાજપના પાંચેય માણસોને નિર્દોષ જાહેર કર્યા હતા અને ગુનામાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ ઓર્ડરમાં આ બધી બાબતોનો ઉલ્લેખ છે. જેમાં સોરઠીયાએ કોઈ હુમલો થયો હોવાનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. 

તેમ છતાં, આજે ત્રણ વર્ષે પણ તે ઘટનાને ‘હિંસક હુમલો’ ગણાવીને ખોટી સહાનુભૂતિ ઉઘરાવવાના આમ આદમી પાર્ટીના સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કોર્ટ પહેલાં જ સાબિત કરી ચૂકી છે કે, આવો કોઈ હુમલો થયો જ નહોતો. પરંતુ, AAP રાજકારણના સ્તરને ત્યાં સુધી લઈ ગઈ છે કે, જે ઘટના બની જ નથી, તેના દ્વારા પણ સહાનુભૂતિ ઉઘરાવવાના ખોટા પ્રયાસો કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં